મોં વકાસીને પડેલાં હોડકાં
ગૂંચવાઈ ગયેલી જાળ
તરડાયેલો ખળખળાટ
છે કે ક્યાં ય જતી રહી છે નદી સડસડાટ?
ખાબોચિયાંઓને પાર કરાવતો પુલ
કોઈ દુ:સ્વપ્નની જેમ
ભીંસે છે નદીનાં મેલાઘેલા શરીરને.
છાતી માથે હડી કાઢતી સડક
કાળી ટીલીની જેમ
ચોંટી છે ભમરાળી નદીનાં કપાળે.
ગળચી ગયા
ભૂખ્યા કાંઠાઓ
નદી જેવી નદીને.
ગમે તેટલાં એકઠાં થાય આંસુઓ
તો ય ન બની શકે એક નદી.
[પ્રગટ : “એતદ્દ”; જુલાઈ – સપ્ટેમ્બર ૨૦૨૪]