તમારા ગામમાં તળાવ હતું?
ક્યાં જતું રહ્યું છે એ?
બની શકે કે સામેના ઉકરડાઓના ઢગના ઢગ હેઠળ
એ ધરબાયેલું હોય.
પાદરની પેલી તરફની સોસાયટીમાં ક્યાંક
એ ભૂલું પડી ગયું હોય એમ પણ બને.
તલાટીના કબાટના કોઈક ખાનામાં થોથાંઓ હેઠ
સાવ સાફસૂથરું સચવાયેલું એ હશે નક્કી
હજી ગયા વરસે જ માટી કઢાવ્યાંનો રેકૉર્ડ છે
કે સરપંચની બહેનદીકરીનું દહેજ બની
કોઈ બીજે ગામ એ વસી ગયું હોય કદાચ બીજે રૂપે.
બની શકે કોઈ મોતિયાળી આંખમાં
કઠણ ક્ષાર થઈ એ સુકાઈ ચૂક્યું હોય
કે કોઈક સચવાયેલી આંખમાં અંદર ઊતરી
ભીનાશ જાળવવા હજીય મથતું હોય.
નર્મદાનગર, જિ. ભરૂચ
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જાન્યુઆરી 2017; પૃ. 09