સેકન્ડો ઉમેરાય મિનિટમાં
મિનિટો કલાકમાં, કલાક દિવસમાં,
દિવસ ઉમેરાય મારામાં,
હું પુરાઈ જાઉં દિવસમાં.
પુષ્પો દાખલ થાય સુગંધમાં,
સુગંધ દાખલ થાય હવામાં,
હવા દાખલ થાય મારામાં,
હું થાક ખાઉં દિવસમાં.
વૃક્ષો ફરફરે પવનમાં,
પવન સંચરે બારીબારણાંમાં,
બારીબારણાં ખૂલી જાય મારામાં,
હું ખુલી જાઉં દિવસમાં.
વસ્તુઓ દાખલ થાય ઉપયોગમાં,
ઉપયોગ દાખલ થાય મુસીબતોમાં,
મુસીબતો દાખલ થાય મારામાં,
હું ફસાઈ જાઉં દિવસમાં.
નર્મદાનગર, જિ. ભરૂચ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 20