પૅન્ટ-શર્ટમાં લાગે ફાંકડો
હાડેથી એ જરીક રાંકડો,
જેની આંખ કદી ના રાતી એવો એવો છે ગુજરાતી.
ઓછાબોલો, કોઠાડાહ્યો, પરખી લે એ સમય સવેળા,
ભીડ પડ્યે ભડ થૈ જાનારો, જેની મતિ કદી ના અટવાતી …
લેતી-દેતી ઠીક બધું ભૈ, પણ મુદ્દલની ગણતો પૈ-પૈ,
રોજમેળનાં પાને ફરતાં જેની નજર હંમેશાં કોળાતી …
વહોરી લે એ પીડ પરાઈ, તોળી જુએ ને કરે ખરાઈ,
પાછું પગલું નહીં ભરવાનો લાગે ચાનક જો અખિયાતી …
દાળભાતનું દાઢે વળગણ, જીભે છે સાચૂકલું ગળપણ
અડધી ચાની ઉજાણીમાં જેની સાંજ અહો ઊજવાતી …
૭, મુક્તાનંદ સોસાયટી, નર્મદાનગર, જિલ્લો ભરૂચ-૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2015; પૃ. 19