ચોસઠ યોજનના સન્નાટામાં ખડાં સાબદાં દળ
આગલી હરોળમાં પ્યાદાંઓ
પાછલી હરોળમાં મહારથીઓ.
દરેક મહારથીનો જીવ એક એક પ્યાદામાં.
રાજાની આગળ ચાર ચાર પ્યાદાંઓનો પહેરો.
પ્યાદાંઓ ધસે આગળ
કે મહારથીનો મારગ થાય મોકળો.
એક ઘોડેસવાર એમાં અપવાદ, એ તો કૂદીનેય નીકળે આગળ.
દરેક ચાલ મોત ભણીની
ગમે ત્યારે ગમે ત્યાંથી બાજની જેમ ઝપટ મારે મોત.
આગળનાં બે ખાનાઓમાં કે બહુ બહુ તો એનાથી આગળ એકાદ ખાનામાં
ઊભું ને ઊભું જ હોય મોત;
પણ પ્યાદાંઓથી પાછાં ન ફરી શકાય.
વિજયશ્રી વરે તો વરે મહારથીને જ.
સોળ ખાનાંની ભૂચર મોરીમાં બસ ખપી જવાનું દરેક પ્યાદાએ વહેલુંમોડું.
મૂંગું મૂંગું મોતને વરેલું પ્યાદું
રમત પૂરી થાય કે જાગે નવા પટમાં, ફરી મોતના એ જ સન્નાટામાં.
[]
પ્રગટ : ”પદ્ય”; જાન્યુઆરી – માર્ચ ૨૦૨૩, અંક ૧૭
સૌજન્ય : રમણીકભાઈ અગ્રાવતની ફેઇસબૂક દીવાલેથી સાદર