પૂર્વી
ગવાક્ષમાં ટમટમતો
એક દીપ
શાંત
ઉદાસ
ધીરે ધીરે પોતાના અજવાસમાં વહેતો
એક વિનીત સ્વર.
અવકાશમાં આંદોલિત એક સ્ફુલ્લિંગ
જાણે પોતાની જ શોધમાં
ઉત્સુકતાથી વહ્યે જાય છે.
ઊડે છે જે પંખીઓ પૂર્વી રાગમાં
પાંખો ફફડાવતાં ઊડ્યાં જ કરે
ઊડ્યાં જ કરે
નિરંતર
સ્વરોની શાંત બહુલતામાં.
શબ્દોમાં
ઊંડે ઊંડે ઊતરતો જતો
એક સ્થિરદ્યુતિ દીપ :
સ્વયં પૂર્વી.
ક્યારેય પાછું નથી ફરતું
એવું સમયપંખી,
જેને શોધવા સ્વરો હંમેશાં
તડપ્યા કરે.
“નવનીત સમર્પણ” જૂન ૨૦૨૩ અંકમાં પ્રગટ.