અા લેખમાં પૂછેલા સવાલો એ ડૉ. ઉષા ઉપાધ્યાય(અમદાવાદ)ના ગુજરાતી ભાષા વિષેના રિસર્ચ પ્રોજેક્ટના છે. એમના ભાષા વિષેના પ્રશ્નોના ઉત્તર મોકલું છું. તમને કદાચ કામમાં લાગે. એક ડિસ્ક્લેમર મૂકી દઉં. હું સાહિત્યનો માણસ નથી. બાય પ્રોફેશન, હું મેડિકલ ડોક્ટર છું અને ૫૦ વર્ષથી ગુજરાતની બહાર રહું છું. હું એમના રિસર્ચ કોઠામાં ફીટ ના પણ થાઉં. એમ છતાં, લેખક ઉષાબહેનના અાભારી છે.
૧. અમેરિકામાં રી-રુટિંગની સમસ્યાનો સામનો કરવામાં આપને ગુજરાતી ભાષા કોઈ રીતે સહાયક બની હતી?
હું ૧૯૬૭માં ન્યુ યોર્ક અાવેલો, ત્યારે ગુજરાતીઅો અલ્પ સંખ્યામાં હતા. હું અપરિણીત હતો, માટે મારે એક રૂમ પાર્ટનર હતો. તે મરાઠી. તો ગુજરાતી બોલું કોની સાથે? માટે લાંબા લાંબા એરોગ્રામ પત્રો દેશમાં માબાપને લખતો. જે ફાવે તે લખું. અમેરિકામાં ભૂંગળાં મરચાં કેવાં, યસ, અહીં દૂધી પણ મળે છે, અરે મને તો બધા હબસીઅો એક સરખા જ દેખાય. ધારો કે મારે ઘેર કોઇ હબસી કશું ચોરી જાય તો હું પોલિસમાં વર્ણન શું કરીશ – અાવી અાવી ચક્રમ જેવી વાતો લખવાથી મારી બારાખડી જીવંત રાખતો. પણ પછી તો ક્રમશ: મારી કલમમાંથી ક્ષ ગયો. પછી જ્ઞ ગયો. ટ, ઠ કે ડ, ઢના પાંખિયામાં હેઝિટેશન થવા માંડ્યું. અંતે એક નાનુ ટેપ રેકોર્ડર ઘરે મોકલ્યું ને પત્રને બદલે મારો અવાજ મેઇલ કરવા લાગ્યો. રહીસહી બારાખડી પણ મારા ટેરવેથી ઉશેટાઇ ગઈ. જોવા જાવ તો અમે ફ્રંટિયરમેન કહેવાઇએ, ભારતની ટોળીના અગ્રિમ નેતા. તે વખતે વિવિધ ટેકનો-એક્સપર્ટને જ વિસા મળતા, દા.ત. ડોક્ટરો, પી.એચડી.અો, નર્સો, બાયોકેમિસ્ટો કે એન્જિનિયરોને, વગેરે વગેરે. તે વર્ગને એવી કાંઇ પડી ન હતી કે ઉમાશંકર કોણ કે કલાપી કોણ. સુંદરમ્ તો કદાચ યુનાઇટેડ નેશન્સનો મદ્રાસનો પ્રતિનિધિ હશે એમ મનાય. ધૂમકેતુ બોલીએ તો સામેવાળો બાયનોક્યુલર શોધે.
જે કાંઇ વાંચન થાય તે બેગમાં લાવેલા ધાર્મિક અનુવાદોના થોથાં – એમાંથી થાય. મારી મા વાંચતી તે સાહિત્ય મેં પણ વાંચવા માંડ્યું, ‘વૈશમ્પાયન એણી પેરે બોલ્યા સૂન જનમે જે રાય’. અા અમારા ગુજરાતીની ડોક્યુમેન્ટરી. પછી ડબલે ડબલે અમે એમાં ચૂનો મલાવીને મલાવીને કૂચડા મારવા માંડ્યા. ગુજરાતી ભાષામાં કમ્યુ નિકેશન થવા માંડ્યું. કૌતુક એ વાતનું છે કે એ ઊખાડેલા અાંબાને (અમને પોતાને) અમેરિકી મરૂભૂમિમાં રોપ્યા. પ્રાથમિક વંધ્યત્વ પછી, હવે એમાં તૂરો તૂરો પીળચટો મોર દેખાવા માંડ્યો છે. ગુજરાતી ભાષા, કદાચ, લેક્સિકોનના વેબપેજ ઉપર ફાલશે; પણ મને દહેશત છે, એને વાપરનારા કાળક્રમે નહીંવત્ થતા જશે. “બિછડે સભી બારી બારી ….” જેવું થશે.
૨. ગુજરાતીમાં લેખન કરવાથી વતન સાથેનો અનુબંધ સચવાય છે, એવું લાગે છે?
મારો પહેલો જવાબ ‘ના’ છે; અને પછી ‘હા’માં પણ રૂપાંતર થાય છે. સમજાવું. મારું લખાણ ત્યાં દેશમાં છપાતું નથી. માટે વતન માટે હું અજાણ્યો વટેમાર્ગુ છું. હું ત્યાં અાવું છું તો મહદ્દ અંશે તમારી સભાઅો અને સાહિત્ય ગોષ્ટિ મને સભારંજક જ લાગે છે. ચલો એક પ્રિન્ટ મિડિયા લો: ’નવનીત સમર્પણ’. એના છેલ્લા ૨૦ વર્ષના અંક લઇને બેસો. એક જ ઢાંચો, એક જ ફર્મો. એકની એક વાતો, જુદાંજુદાં નામ સાથે. શું છેલ્લાં ૨૦-૩૦ વર્ષથી અાપણે બદલાયા જ નથી? અામ તો એ બેસ્ટ સેલિંગ મેગેઝીન કહેવાય. મને પ્રશ્ન થાય કે બેસ્ટ્ સેલિંગ રહેવા માટે વાચકોને માત્ર કમર સુધીનાં પાણીમાં જ તરાવ્યાં કરવાનાં? હવે અા રેટ-રેસમાં ‘પરબ’ કે ‘શબ્દસૃષ્ટિ’ની પીપૂડી ક્યાં સંભળાય? ત્યાંનાં જ ત્રીસેક સ્થાનિક લેખકો એનાં પત્તા ભરી દે તો ‘એનારાઇ’ની શું વિસાત? અા તો મેં મારા ‘ના’ની વાત કરી.
હવે મારા ‘હા’ની વાત કરું. મારી અહીંની અમરિકી વાતોથી, એ જ વતનથી અહીં અાવીને વસેલા ગુજરાતીઅોને, મારાં ગુજરાતી લખાણમાં બહુ રસ છે. કારણ હું એમની વાતો લખું છું. અમારી કરમકથની કરું છું. એમને કમરથી ઉપરનાં પાણી તરફ ખેંચી જવાય? એ સિદ્ધ કરવા માટે હું એમના પેચ ( અાંટા) ચઢાવ્યે રાખું છું. એમ અાડકતરી રીતે વતન સાથે મારું રિલેશન સચવાય છે. મારું એકાદ એકાંકી નાટક ગુજરાતમાં બતાવું તો ત્યાંની તમારી સમસ્ત નાગરી ન્યાત અભડાઈ જાય. માટે મનોમન હું બોલું છું, ’જાવા દો, સીદીભાઇને સીદકાં વ્હાલાં’ એ મંત્ર જપીને હું તમારા વતન સાથે અનુબંધ રાખું છું. એ રીતે અાપણાં બન્ને ‘વીન વીન’ સંબંધો જાળવી રાખીશું.
૩. ગુજરાતીમાં લેખન કરવાથી વતન સથેનો અનુબંધ અનુભવાય તો તેથી ગુજરાતી ભાષા આપને કોઈ આંતરિક અવલંબન આપે છે, એવું લાગે છે?
પહેલો વિચાર તો ગુજરાતીમાં જ અાવે. ૫૦ વર્ષથી મગજની સ્પ્રિંગ એવી લબૂક થઇ ગઇ છે કે એ ગુજરાતીનું ઈનસ્ટંટ અંગ્રેજી થઇ જાય છે. ‘જે’ ફોર જ્હોન કે ‘બી’ ફોર બોય એ અોટોમેટિક થઇ જાય છે. હવે અા મારી ગુજરાતી ભાષા મને અાંતરિક અવલંન અાપે છે? મારો જવાબ છે, ‘ના’. જ્યારે મારા હોઠ ખૂલે છે, ત્યારે હું ઈંગ્લિશ જ બોલું છું. ગાળ પણ. કોઇ વાર મનમાં કોમેડી સંવાદ થાય છે: જાણે યમ મને લેવા અાવશે ત્યારે શું હું એની સાથે ગુજરાતીમાં બોલીશ કે ‘એફ’ કર્સ વાપરીને એની સાથે અાડાઇ કરીને ટંટો ફિસાદ કરીશ? કોઇ ગુજરાતી બચ્ચો યમ તરીકે ડ્યુટી કરતો હોય, તેવો વિચાર પણ અાવતો નથી. માટે મારો ઉત્તર છે: સોરી. મને એવી કોઇ હેલ્પ મારા અંતર થ્રુ મળતી નથી. કદાચ, એટલા માટે એવું હશે કે દેશ છોડ્યે મને ૫૦ વર્ષથી પણ વધારે ટાઈમ થયો, માટે હું ઇનસેન્સિટિવ થઇ ગયો હોઇશ. જડ. વતનની ભાષા સાથે મારે બહુ સંબંધ નથી. હા, એનાં હાલતાં ચાલતાં પાત્રો મારા દિમાગમાં અાવજા કરે, અાવજા કર્યા કરે.
૪. અમેરિકામાં ગુજરાતી ભાષાના ં ભવિષ્ય વિશે આપનો શો મત છે ?
દેશમાંથી અાવતાં બધાં મહેમાન કલાકારો (ગવૈયા, ગઝલું લખનારા, કીર્તનકારો, સ્ટેન્ડપ કોમેડિયનો, મોટિવેશન કોલમો લખનારા, સેલ્ફ મેડ ફિમેલ બેસ્ટ-સેલરો કે સરકારી ખાતા હોલ્ડરો) અમને ઉશ્કેરી ઉશ્કેરીને કહે છે કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય અતિ ઉજ્જવળ છે. અમે એમને ફુલાઇને સ્ટેિડંગ અૉવેશન અાપીએ છીએ. ‘તારા મોઢામાં ઘી સાકર’, એમ કહીને એ લોકોને ડોલર્સના ચેક્સ અાપીએ છીએ. પણ મને તો ચિન્હો અવળા દેખાય છે.
અહીંની પ્રજા કશું મૌલિક લખતી નથી, લખી શકતી જ નથી. વેડિંગ કાર્ડમાં પણ વાક્યો છાપેલા હોય. તેમાં અમારી પ્રજા બે અક્ષરથી સહી કરે. યુ – ટ્યુબની વીડિયો સામે વાંચનક્રિયા ટકી જ ના શકે. ડીજિટલ મીડિયાએ સૌના કાંડા ફ્રીજ કરી નાંખ્યાં છે.
અહીંની સભામાં ચહેરા જૂઅો. એમાં ૯૦ ટકા તો સિનિયર સિટીઝન્સ. તેમને રસ છે ભજનમાં, ભક્તિમાં, જ્યાં ભાષાની જરૂર હોતી નથી. એમાં માત્ર સાંભળવાની કે તાળી પાડવાની ક્રિયા છે. વાતચીત કે સંવાદ કોની સાથે? તો કે બાળકો સાથે. ત્યાં પણ ભાષા ફૂગાઈ ગઈ છે કારણ બાળકો ગુજરાતી સમજે છે ખરા. પણ એનો જવાબ અંગ્રેજીમાં અાપે છે. જતે દિવસે અા વૃદ્ધો મરતા જશે ને સાથે સાથે ગુજરાતી ભાષા પણ લુપ્ત થતી જશે.
અહીં એક ત્રિમાસિક ‘ગુર્જરી’ નીકળે છે. એને લગભગ હવે ૨૮ વર્ષ થયાં. કિશોર દેસાઇ એના તંત્રી છે. એ મેગેઝીનમાંથી તમારા એમ.એ.ના વિદ્યાર્થીઅો માટે એક શોચ નિબંધ થાય અથવા ગુજરાતીઅોનાં આગમનની હિસ્ટરી લખાય. એમાં સ્થનિક લેખકો અને વાચકોના પ્રતિભાવના પ્રુથક્કરણથી ગુજરાતી ભાષાનું પગેરું પકડાય. એમાં ત્રણ ચાર દસકાના ગુજરાતના નામી લેખકોના લેખો પણ છપાયા છે. તો એમાંથી તુલનાત્મક અભ્યાસ પણ થાય. અામ તો અહીં દસેક લેખકો સિવાય કોઇ ખાસ લખતું નથી. પ્રસિદ્ધિને અાંચ અાવે તે ડરથી અા લેખકો પણ ઇલૂ ઇલૂજ લખ્યા કરે છે, જસ્ટ ટાઇમ પાસ કર્યા કરે. અહીંના નવોદિતો તેા સીધા ભારતમાં જઇને ચોપડી જ છપાવા અાપી દે છે. પછી ત્યાં ને ત્યાં જ વિમોચન ફિમોચન કરાવીને ત્યાંના પ્રસિદ્ધ લેખક-કવિઅોને દાપાં અાપીને એમની સાથે ફોટાફોટી કરી અાવે. જાહેર જનતા એ ફોટા કે વીડિયો ફેસબુકમાં જૂએ. એટલે એવો અાભાસ થાય છે જાણે ગુજરાતી ભાષાને નવો અોક્સિજન સિલિન્ડર મળ્યો છે. પણ અંતે એ છળ છે. ઇલ્યૂઝન છે.
૫. ગુજરાતમાં ગુજરાતી ભાષાની આજની સ્થિતિ આપને કેવી લાગે છે?
અહીં ન્યુઝ મળે માત્ર ત્યાંના મિત્રો સાથેની વાતચીતમાં. હવે વોટસેપ કે યુ – ટ્યુબમાંથી તમારાં પ્રવચનો જોવાં કે સાંભળવાં મળે છે. છૂટી છવાઇ ગુજરાતી સાહિત્યને લગતી સંસ્થાઅોની પત્રિકાઅો પણ વાંચવા મળે. અમારે મન તો તમારી અકાદમી શું, પરિષદ શું ? એમના ટંટા, પરસ્પર વાંધા-વચકા, પારિતોષકો લેવા કે પરત કરવાના કિસ્સા અોલ નોન સેન્સ. મારો અંગત મત એવો છે કે હજુ ત્યાં ગુજરાતમાં પણ એવો કોઇ મેધાવી લેખક દેખાતો નથી કે જેને માટે હું એરપોર્ટથી ઊતરીને સીધો બુકસ્ટોરમાં એની બુકની માંગણી કરું. વળી અા બધા શું લટકાં કે દરેક વર્ગના અલગ અલગ ચોતરા? ફલાણો લેખક તો કે દલિત સાહિત્યનો. અોહ ! પેલી બાઇ તો છે નારીહક્કની લેખિકા! … અો માયગોડ! અા તો ‘મમતા’નો લેખક. હું પૂછું છું, તો? તો શું? જો કે ત્યાં ગુજરાતમાં તો અા બધું ચાલ્યા જ કરશે. પણ એમાંથી જ કોઇ સુરેશ જોષી પાકશે, જેની વાતો ૫૦-૬૦ વરસ તો લોકો ઇઝિલી મમળાવ્યા કરશે.
૬. ગુજરાતી ભાષાની સ્થિતિ ગુજરાતમાં વધારે સારી થાય તે માટે શું કરવું જોઈએ?
વિશ્વની બધી જ ભાષાને અા રોગ લાગ્યો છે. કદાચ સોશિયોલોજિસ્ટો કહેશે અા સમસ્ત માનવ જાતિમાં થતો ચેન્જ લાગે છે. એવું બને કે સાહિત્યની ભાષાની જરૂર છે જ નહીં. ફોન પરથી પિઝાના અોર્ડર માટે માત્ર સંજ્ઞાની જરૂર પડે. એમાં અક્ષરની શું જરૂર? સમસ્ત પૃથ્વી પર સંજ્ઞા અને ચિત્રોથી વ્યાપાર થઇ શકે છે. રૂડી ને રંગીલી રાત એ પંક્તિને ગળામાંથી ગાવાની શી જરૂર? ંભલા માણસ. એક રાવણહથ્થો વગાડતા રબારીને બેસાડીને એની ફિલ્મ પાડવા માંડો અને નાઇટનો સીન મૂકીને એને ફેડ અાઉટ કરી દો. બીજા દ્રશ્યમાં મિસ સની લિયોનને પાસું બદલતાં બતાવો. સૂર વહેવા દો. જોનાર અાફ્રિન થઇ જશે. અલબત્ત, એ એક પણ શબ્દ બોલીને એક્સ્પ્રેસ નહીં કરે. કદાચ પાસે બેઠેલો એ રબારી એ રૂડી ને રંગીલી સની લિયોનને પ્રેમથી કીસ કરવા જશે. એટલે ભાષા વગર પણ માણસમાં બીહેવિયર ચેન્જ તો દેખાશે. સની લિયોન ઊંકારા ભરશે તો તે એની પોતાની કસ્ટમ મેડ ભાષા ગણાશે. એટલે મારો ઉત્તર એ છે કે સાહિત્યકારોનો નવો ફાલ અાવે તેને ગુજરાતી શીખવાડવામાં અગર અાપણે નિષ્ફળ જઇએ તો બીજા ઉપાયો કરવા નહીં. એ ઊંંટવૈદું જેવા લાગશે. અાવતા પાંચ દાયકામાં ચોપડીઅો વંચાશે ? અને તે પણ ગુજરાતી? એનો જવાબ છે, નો. તો એનો સારાંશ એવો નીકળે છે કે:
બીહેવિયર ચેન્જ એ માનવ જાતિનાં ઉત્થાન માટે જ થશે. ભાષાને નાહકની રિવાઇવ કરવાની જરૂર નથી. પીરિયડ. ટારઝન પોતાની છાતી પર ઢીંકો મારીને સની લિયોનને પપૈૈયું ખવડાવશે. શિખરિણી કે મન્દાક્રાન્તા વગર પણ એમનું પ્રજનન થશે. એમનાં બાળકો ઉં ઉં કરતા એપલ X ફોનમાં ક્લિક કરતાં કરતાં સર્વ જ્ઞાની થઇ જશે. હૂ કેર્સ ફોર ક્કો – બારાખડી? માત્ર સંજ્ઞા ને ચિત્રો એ ભાષા.
૭. આપના મતે દૂધભાષા ગુજરાતીનો શો મહિમા છે?
અા મહિમા તો ભારે છે. હું સદ્દભાગી હતો. મારે મારાં મા-બાપ-ભાઇ-બહેન સાથે અને પોળના મિત્રો સાથે ગુજરાતીમાં વ્યવહાર હતો. કહેવતો, કવિતા, ગદ્ય, પાઠ્યપુસ્તકો, નાટકો, રેડિયો પ્રોગ્રામો, બધું મારી માતૃભાષામાં હતું. પહેલો વિચાર હજુ પણ ગુજરાતીમાં જ જન્મે છે. તત્ત્ક્ષણ એની સાથેના મેમરી – બિંબથી શબ્દો સામે ઉપસી અાવે છે ને વાક્ય લખાય કે બોલાય છે. જેની પાસે માતૃભાષા નથી તે ઝડપથી પાલકભાષા વાપરવા માંડે છે. એ મહિમા કેવો હશે તેનો વૈજ્ઞાનિક ડેટા મારી પાસે નથી. જો કે એ લોકોએ પણ વિશ્વમાં ઉત્તમ રચનાઅો અાપી છે. સેરિબ્રલ પાલ્સીના બાળકોએ કવિતા લખીને ખિતાબો ને ચન્દ્રકો મેળવ્યા છે, એ શું અાપણે જાણતા નથી?
૮. વિદેશી ભાષાના કયા સાહિત્યિક સામયિકો તમે વાંચો છો?
હું વાંચું છું ‘ટાઇમ મેગેઝીન’ (ખાસ તો એના વ્યંગ લેખો), ‘ન્યુ યોર્ક ટાઇમ્સ’નું વીકલી મેગેઝીન (બુક રિવ્યુ), ‘ન્યુયોર્કર’ (અનિયમિત).
૯. અમેરિકાના આજના કયા લેખકનું સાહિત્ય તમને ગમે છે?
મારો ફેવરિટ તો હજુ વુડી એલન જ છે. હવે એવો કોઇ ફેવરિટ રહ્યો નથી. મને અમેરિકન નાટક જોયા પછી એ નાટ્યકારની સ્ક્રિપ્ટ વાંચવાની ગમે. ધુરંધર નાટ્યકારો જેવા કે અાર્થર મિલર, ટેનેસી વિલિયમ્સ, શેક્સપિયરના પસંદ કરેલા ફકરા ગમે. નાટકની ભજવણીનું સાહિત્ય પણ ગમે. અેમાં રોબર્ટ વિલ્સન અવ્વલ નંબરે અાવે.
(સંપૂર્ણ )
લેખક સંપ ર્ક: Dr. Rajni P. Shah ( RP – New York) e-mail: rpshah37@hotmail.com