૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ આવી ગયાં છે. પરિણામ ખરેખર વિચારવાલાયક તેમ જ તેની ઉપર ચર્ચા કરવાલાયક રહ્યાં. ગુજરાતમાં એકચક્રી શાસન ભોગવતા અને ગુજરાત મૉડલના નામે દેશભરમાં પ્રચાર કરી બે દાયકાથી બી.જે.પી.એ ૨૦૧૪માં સત્તા મેળવી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં બી.જે.પી.એ ૬૦ ટકા મત મેળવી ૨૬ સીટો પ્રાપ્ત કરી અને વિધાનસભા મતવિસ્તારની દૃષ્ટિએ ૧૬૩ સીટોમાં બહુમતી મેળવી હતી, જ્યારે તાજતરની ચૂંટણીમાં બી.જે.પી.એ ૪૯.૧ ટકા મેળવી ૯૯ સીટો પ્રાપ્ત કરી. આમ, તેના જનાધારમાં અને લોકપ્રિયતામાં ઘટાડો થયો.
ભા.જ.પે. શહેરોમાં ૪૩ અને ગ્રામીણ વિસ્તારમાં ૫૬ સીટો મળી કુલ ૯૯ સીટો મેળવી, જ્યારે કૉંગ્રેસે શહેરોમાંથી ૧૨ અને ગ્રામીણ વિસ્તારોમાં ૭૧ સીટો (સાથીપક્ષો સાથે ૮૩) સીટો મેળવી.
આમ કેમ બન્યું ? દેશમાં તેમનું રાજ હોય, આખું પ્રધાનમંડળ, બી.જે.પી. રાજ્યના બધા મુખ્યમંત્રીઓ, વરિષ્ઠ નેતાઓ અને મોદીની ૬૦ ઉપરાંત સભાઓ તથા રોડ-શો, બેફામ નિવેદનો, બિનપાયેદાર આક્ષેપો … આ બધું હોવા છતાં, આમ કેમ બન્યું ?
ભા.જ.પે. ગુજરાત મૉડલનો-વિકાસનો પ્રચાર ખૂબ કર્યો. નર્મદાયોજનાની નહેરોની કુલ લંબાઈ ૯૦,૩૮૯ કિલોમીટર હતી, તેમાં ૪૫૮ કિલોમીટર મુખ્ય નહેર અને ૮૯,૯૩૧ કિલોમીટર અન્ય નહેરોનો સમાવેશ થતો હતો. કુલ ૪૧,૩૧૮ કિલોમીટરની નહેરોનું બાંધકામ કરવામાં આવ્યું નથી. ૧૭,૯૨,૦૦૦ હૅક્ટર વિસ્તારમાં સિંચાઈનું આયોજન થયું હતું, તેના બદલે ૨,૦૯,૦૫૭ હૅક્ટર વિસ્તાર સિંચાઈમાં આવરી લેવામાં આવ્યો છે. યોજનાની શરૂઆતમાં પાણીની પાઇપનું કોઈ આયોજન હતું નહીં. તેમ છતાં ગુજરાત સરકારે પાઇપલાઈન નાંખીને પ્રજાદોહ કર્યો છે. કચ્છની પ્રજાને નર્મદાનું પાણી પહોંચાડ્યાનો ખોટો પ્રચાર કરીને જશ લેવાનો પ્રયત્ન કર્યો છે. શિક્ષણમાં ગ્રાન્ટેડ સ્કૂલોના બદલે ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન આપી ફીમાં આડેધડ લૂંટ, સેલ્ફ-ફાઇનાન્સ કૉલેજોને મંજૂરી, ગ્રાન્ટેડ સ્કૂલો તેમ જ સરકારી સ્કૂલો ઓછી કરી ભયંકર આર્થિક બોજો લોકો ઉપર નાખ્યો છે.
‘હું ખાતો નથી ને ખાવા દેતો નથી’ના કહેવાતા પ્રણેતા એવા નરેન્દ્ર મોદીએ રાફેલ વિમાનનો સોદો કે જય શાહ ઉપર થયેલ આક્ષેપોના જવાબ આપ્યા નથી. જી.એસ.પી.સી.માં ૨૫,૦૦૦ કરોડના ગોટાળાના આક્ષેપોના જવાબ આપ્યા નથી. આમ, જમીન, પાતાળ અને આકાશમાં થયેલ ગોટાળાના આક્ષેપોના જવાબ અપાયા નથી.
મોદી ૨૦૧૪ના ઇલેક્શનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો, મોંઘવારી, નિર્ભયા-આંદોલન, લોકપાલ અંગેનું અણ્ણા હજારેનું આંદોલન અને દરેક આંદોલનમાં આર.એસ.એસ.નો સાથ લઈ સત્તા ઉપર આવી ગયા, પણ સાડા ત્રણ વર્ષના ભ્રષ્ટાચારના આક્ષેપોનો કોઈ જવાબ નથી, મોંઘવારી ડબલ થઈ ગઈ છે, લોકપાલનો અમલ થયો નથી અને બળાત્કારના બનાવો ૨૦૧૪ કરતાં આજે ત્રણ ગણાં વધારે નોંધાયા છે.
આ ઉપરાંત, ડિમૉનેટાઇઝેશન અને જી.એસ.ટી.માં પ્રજાને પડેલ હાડમારીનો કોઈ ઉલ્લેખ નથી. ફક્ત જુમલાઓ ઉપર ભા.જ.પ. અને તેના નેતાઓ પ્રચાર કરી રહ્યા હતા. સરવાળે ભા.જ.પે. શહેરી વિસ્તારોમાં અને આગેવાન કૉંગ્રેસ નેતાઓને હરાવવામાં જે મતવિસ્તારોમાં જીત મેળવી છે, તે શંકાપાત્ર છે. ખરેખર આ વિસ્તારોમાં ઈ.વી.એમ. સાથે થયેલ ચેડાંની જીત છે કે આ જીત પ્રજાએ આપેલ ચુકાદો છે તે તપાસનો વિષય છે. ઘણે ઠેકાણે મતવિસ્તારમાં મતદાન થયું હોય તે કરતાં મતગણતરીમાં વધારે મત ગણાયા હોય તેવા દાખલા બહાર આવ્યા હોવાનું કહેવાય છે. યુ.પી. ઇલેક્શનમાં શહેરી વિસ્તારોમાં ૧૬ નિગમોમાંથી ૧૪ નિગમોમાં જીતમાં ઇ.વી.એમ. વપરાયું. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં ફક્ત ૧૫ ટકા ભા.જ.પ.ની જીત થઈ, ત્યાં બૅલેટપેપરથી વોટિંગ થયું હતું. આ જીત અને હાર શું બતાવે છે? સ્વાભાવિક છે કે ઇ.વી.એમ. ઉપર ચેડાંની શંકા મજબૂત બને.
ભા.જ.પ.પ્રમુખ અમિત શાહે બુથલેવલથી કૉંગ્રેસનો સફાયો કરવાનું કહ્યું હતું. લોકશાહીમાં માનનાર વ્યક્તિ વિરોધપક્ષનો જડમૂળમાંથી સફાયો કરવાનું આહ્વાન આપે તેવું હિટલરશાહી અને સામાન્તશાહીમાં માનનારાં પરિબળો જ કરી શકે. ફક્ત ઇવેન્ટ – મહોત્સવ-મેળાવડાઓમાં સરકારી ખર્ચે પ્રજાના પૈસા ઉડાવતી ભા.જ.પ. સરકાર પોતાના ખોટા બણગાં ફૂંકી પ્રજાને ગેરમાર્ગે દોરવામાં સફળ થાય છે.
આ ચૂંટણી સમયે મણિશંકર ઐયરે મોદીને ‘નીચ કિસ્મકા આદમી’ (Low Level Person) કહેતાં તેને ટ્વીસ્ટ કરીને, તોડીમરોડીને મને ‘નીચી જાતિનો વ્યક્તિ’ કહી મોદી દ્વારા ખોટો પ્રચાર કરવામાં આવ્યો. આ પહેલાંની ચૂંટણીઓમાં સોનિયાજીએ ‘મોત કા સૌદાગર’ સિસ્ટમને કહ્યું હતું, પણ ત્યારે મોદીએ મને ‘મૌતકા સોદાગર’ કહ્યું છે તેમ કહી પ્રચાર કર્યો હતો. ત્યાર બાદની ચૂંટણીમાં મોદી ‘હલકી રાજનીતિ’ કરી રહ્યા છે, તેવું કહ્યું ત્યારે મને હલકી જાતિનો કહી ખોટો પ્રચાર કર્યો હતો. ફક્ત શબ્દોને ટિ્વસ્ટ કરી, તોડીમરોડીને પ્રચારમાં વળાંક આપી રાજકીય લાભ લેવો તે તેમનું મુખ્ય લક્ષણ છે. મોદી ફક્ત ઇમોશનલ-લાગણીઓને સ્પર્શે તેવા મુદ્દા ઊભા કરી મતદારોને ગેરરસ્તે દોરી રાજકીય લાભ લે છે.
વળી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, નિર્ભયાકાંડ, લોકપાલ બિલ અંગેના કોઈ પણ જવાબ ન આપતાં, ગુજરાતમાં વિકાસ મૉડલથી શું ફાયદો થયો તે ન બતાવતાં, ધ્યાન બીજે દોરવામાં માહિર છે. મોદી ઓરંગઝેબ, ખિલજી, પાકિસ્તાન, એહમદ પટેલને મુખ્યપ્રધાન બનાવવા, મનમોહન સિંહ અંગે ખોટા આક્ષેપો વગેરેના મુદ્દા બનાવી લોકોમાં ધ્રુવીકરણ કરી મત લેવામાં હોશિયાર છે. જે મુદ્દાઓને ચૂંટણીમાં કોઈ લેવાદેવા નથી, તેવા મુદ્દાઓ ચર્ચામાં લાવવા, ખૂબ મોટેથી બોલીને તેનો પ્રચાર કરવો અને લોકોને ગેરરસ્તે દોરી મત લેવા એ તેમની મુખ્ય ભૂમિકા છે.
૨૦૧૪ની ચૂંટણીમાં રૂ. ૧.૭૬ કરોડનો ભ્રષ્ટાચાર થયેલ છે, તેવા પ્રચારના ઢોલ વગાડી ભા.જ.પ. સત્તામાં આવ્યો હતો. સ્પેિશયલ સી.બી.આઈ. જજ ઓ.પી. સૈનીએ આ કેસના ચુકાદામાં કહ્યું હતું કે આ કૌભાંડમાં હું સાત વર્ષથી અત્યંત શ્રદ્ધાથી પુરાવાની રાહ જોતો હતો, પરંતુ સી.બી.આઈ. મારી સમક્ષ એકેય કાયદેસરનો પુરાવો રજૂ કરી શકી નહીં. તેમણે કહ્યું હતું કે છેલ્લાં સાત વર્ષથી હું સવારના દસથી સાંજના પાંચ વાગ્યા સુધી ઓપન કોર્ટમાં બેઠો છું, જેમાં તમામ વર્કિંગડેઝ અને મારા ઉનાળું વેકેશનનો પણ સમાવેશ થાય છે. આટલા દિવસો સુધી મેં રાહ જોઈ છે કે, કોઈ આવીને મારી સમક્ષ પુરાવા રજૂ કરશે. આ કૌભાંડ તમામ લોકો નિર્દોષ છૂટી ગયા છે.
આ બધા મુદ્દા જોતાં ભા.જ.પ.નાં બે દાયકાનાં શાસન બાદ પણ ગુજરાતમાં ભા.જ.પ.ને હરાવવું મુશ્કેલ નથી. ગોબેલ્સ જેવા પ્રચારના માહિરતંત્ર સામે ઝીંક લેવી એ લોઢાના ચણા ચાવવા જેવી બાબત હોવા છતાં ગુજરાતમાં તેને હરાવવું શક્ય બન્યું છે. રાહુલજીને મળેલ આવકાર અને સત્કાર, જાહેરમાં લોકોનું લાખોની સંખ્યામાં રેલીઓમાં આવવું, સરકારની નીતિઓની વિરોધ આ બધું જોતાં આ ચૂંટણીઓનાં પરિણામે સિદ્ધ કરેલ છે કે ૨૦૧૯ની પાર્લામેન્ટની ચૂંટણીમાં ભા.જ.પ.ને પછાડ આપવી અઘરી નથી. તે માટેના પ્રયત્નો અત્યારથી, આજથી જ શરૂ કરવા જોઈએ અને કોમવાદી તથા ફાસીસ્ટ પરિબળોને મહાત કરવા પ્રગતિશીલ પરિબળોએ ભેગાં થઈ સામનો કરવો જોઈએ.
આ ચૂંટણીમાં ક્યાં ય બેકારી, રોજગારી, મનરેગા, વાઇબ્રન્ટ ગુજરાત, ગોચરની જમીનોની ઉદ્યોગપતિઓને ફાળવણી, શિક્ષણનીતિ, નર્મદા-યોજના, કપાસ અને મગફળીના ટેકાના ભાવ, જી.એસ.પી.સી.માં ૨૫૦૦૦ રૂ.ની ખોટ સરભર કરવા ઓ.એન.જી.સી.ને આપવી, હાઉસિંગ જેવા મુદ્દાઓની કોઈ પણ ચર્ચા ન થઈ પણ ફક્ત લાગણીઓને ઉશ્કેરી, આંખમાં આંસુ લાવવાનું નાટક કરી, ધ્રુવીકરણ કરી મત લેવાના પ્રયત્નો થયા, તેને ગુજરાતની શાણી પ્રજા ઓળખી ગઈ છે. શહેરી વિસ્તારોમાં તેની અસર થઈ પણ ગ્રામ્ય વિસ્તારના લોકો આ વિશે જાણી જતાં ભા.જ.પ.નો બહિષ્કાર કરી મતદાન કર્યું. શહેરી વિસ્તારોમાં લીડનું પ્રમાણ અને કૉંગ્રેસના મુખ્ય આગેવાનોની હાર અંગે સિલેક્ટેડ ઇ.વી.એમ.માં છેડછાડ, ચેડાં કરી આ પરિણામ મેળવ્યું હોય તેવી શંકા જાય છે, જેની યોગ્ય તપાસ કરાવી, પરિણામ મેળવવું જોઈએ.
૧૬ ડિસેમ્બરે રાહુલ ગાંધીએ કૉંગ્રેસપક્ષની કમાન સંભાળી, ત્યારે તેમણે કહ્યું હતું કે “અમે ગુસ્સાનો સામનો પ્યારથી કરીશું.” પોલિટિક્સ ઑફ એંગર (ગુસ્સાની રાજનીતિ) ભા.જ.પ. કરે છે, તેવો તેમનો ઇશારો હતો.
શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપતાં કહ્યું હતું કે : “માટે હે ભારત! અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અને હૃદયમાં રહેલા આ સંશયને પોતાની જ્ઞાનરૂપી તલવાર વડે છેદી બ્રહ્માપર્ણ કર્મયોગનું તું આચરણ કર અને યુદ્ધ માટે ઊઠ ઊભો થા.” શ્રીમદ્ ભાગવદ્ગીતા અધ્યાય – ૪ શ્લોક ૪૨ –
ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ભાજપ ૫૦ વર્ષ સુધી રાજ કરશે, કૉંગ્રેસને નેસ્તનાબૂદ કરી બૂથ લેવલેથી જ ભારતને કૉંગ્રેસમુક્ત કરશે તેવા બણગાં માર્યાં હતાં. ગુજરાતમાં ભા.જ.પ. ૧૫૦+ બેઠકો મેળવશે તેવા પ્રચારના ઢોલ વગાડ્યા હતા. પણ ખરેખર પરિણામ શું આવ્યું? ૯૯ બેઠકો મેળવી. ત્રણ આંકડાની બેઠકો પણ મેળવી ન શક્યા. વિકાસનો ગુજરાત મૉડલનો પરપોટો ફૂટી ગયો. ભા.જ.પ.નો જૂઠો અને નિમ્ન સ્તરનો પ્રચાર લોકોના ધ્યાનમાં આવ્યો, અને પહેલી વાર મોદીના ગઢમાં ગાબડું પડ્યું. ભા.જ.પે. ૧૫૦+ના બદલે ૯૯ બેઠકો મેળવી પોતાના પક્ષની ક્રેડિબિલિટી – વિશ્વસનીયતા ગુમાવી, જ્યારે કૉંગ્રેસે ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટેનું રણશીંગું ફૂંકી ચૂંટણીમાં ભા.જ.પ.ને હરાવી શકાય તેવા આત્મવિશ્વાસ સાથે પ્રચારનો આરંભ કર્યો.
આશ્રમમાર્ગ, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2018; પૃ. 05-06