‘હું છું વિકાસ, હું છું ગુજરાત’, ‘સૌનો સાથ સૌનો વિકાસ’, વિકાસવાદ, ‘વિકાસ ગાંડોે થયો છે’. Vikas Gone Crazy. આવાં ઘણાં સૂત્રો વહેતા કરવામાં આવ્યાં, પણ વિકાસની સ્પષ્ટ વ્યાખ્યા આ સૂત્રો વહેતાં મુકનાર લોકોમાં નથી. આંધળાઓ અને હાથીની વાત જાણીતી છે. જેણે પગ પકડ્યો તેણે હાથી થાંભલા જેવો છે તેવું કહ્યું, જેણે સૂંઢ, કાન વગેરે પકડ્યાં તે દરેકે એ મુજબનો હાથી કહ્યો. આમ વિકાસની પણ કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી.
પી. ચિદમ્બરમ્ના શબ્દોમાં વિકાસ એટલે વિવિધ પ્રકારના લોકોની જરૂરિયાતો પૂરી કરવી. મુખ્યમંત્રી રૂપાણી કહે છે કે વિકાસ એટલે માનવી ઇચ્છે તે પ્રમાણેની સુવિધાઓ. જ્યારે કેમ્બ્રિજ ડિકશનરી વિકાસને Development – When someone or somethings grows or changes and becomes more advanced અર્થઘટન કરે છે. જ્યારે વિકાસને અંગ્રેજીમાં Opening, Glooming, development, evolution અને વિકાસવાદ Theory or Evolution કહેવામાં આવે છે.
ડેવલપમેન્ટ માત્ર ખોટા આંકડાઓ દર્શાવી ખોટી વિગતો રજૂ કરવાના બદલે સારા રસ્તા, સસ્તું શિક્ષણ, સસ્તી આરોગ્ય સેવા, સારી સિંચાઈ સુવિધાઓ જેવાં કાર્યો કરવાની બાબત છે. ડેવલપમેન્ટ ફક્ત સૂત્રોથી આવતું નથી.
વિકાસ અને વિજ્ઞાનનો સંબંધ ખરો? જેમ જેમ નવી શોધો થતી જાય, લોકો તેને અપનાવતાં જાય તેમ તેમ આપણે તેનાથી ટેવાતા જઈએ છીએ. અને વધારે સુવિધાઓ પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં લાગી જઈએ છીએ સુવિધાઓ માટે આપણી અપેક્ષાઓ વધતી જાય છે. સંશોધન ક્ષેત્રે, મોટી શોધો કરવા માટે પુષ્કળ રીસર્ચ કરવી પડે. સમય આપવો પડે, બીજું બધું ભૂલીને પ્રયોગશાળાઓ કરવી પડે. આ ક્ષેત્રે આપણે ક્યાં ? વિકાસ માટે સંશોધન ક્ષેત્રે અગત્યનો ભાગ ભજવે છે. વીજળી, રેડિયો, ટીવી, મોબાઇલ, ફેસબુક, સોશ્યલ મીડિયા, રોબોટ, સાઈકલ, સ્કુટર, મોટરકાર વગેરે સંશોધનોથી પ્રાપ્ત થયા હતા. માનવીને સૌથી પહેલાં કઈ જરૂરિયાતની પ્રાથમિકતા જોઈએ? સવલતોવાળું જીવન, લાંબુ જીવન, તંદુરસ્તી, સારું ભણતર અને વધુ આવક દરેકની જરૂરિયાત છે.
૧૯૯૫માં પહેલાં ગુજરાતનો વિકાસ દર રાષ્ટ્રીય એવરેજ કરતાં વધારે હતો. ગુજરાત રાજ્યને મોડલ સ્ટેટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. પરંતુ તે મોડલ સ્ટેટ નથી તેવું નીચે દર્શાવેલ આંકડાઓએ દર્શાવી દીધું છે. ગુજરાતના જી.ડી.પી.માં ઘટાડો :
વર્ષ જી.ડી.પી. ગ્રોથ વર્ષ જી.ડી.પી. ગ્રોથ
૨૦૧૨-૧૩ ૧૦.૮ ટકા ૨૦૧૩-૧૪ ૮.૩ ટકા
૨૦૧૪-૧૫ ૭.૭ ટકા ૨૦૧૫-૧૬ ૬.૭ ટકા
વિકાસ… વિકાસ… ની વાતો થાય છે. પણ કોણે કર્યો આ વિકાસ?
મુખ્યમંત્રી જી.ડી.પી. મુખ્યમંત્રી જી.ડી.પી.
માધવસિંહ સોલંકી ૧૬.૨૯% અમરસિંહ ચૌધરી ૧૩.૬૩%
ચીમનભાઈ પટેલ ૧૬.૭૩% નરેન્દ્ર મોદી ૧૦.૮%
ગુજરાતમાં છેલ્લા ૨૨ વર્ષમાં એકપણ નવી સરકારી હૉસ્પિટલ બની નથી. ભૂજની કેન્દ્રિય હૉસ્પિટલ અદાણીને હવાલે કરી. માધવસિંહ સોલંકીના સમયે ઘરેલું ઉત્પાદન દર ૧૬ ટકા વધુ હતો. ચીમનભાઈ વખતે ૧૬ ટકા વધુ હતો. આજે આ દર ૬.૭ ટકા છે.
* ૧૯૯૫માં ગુજરાત રાજ્યનું દેવું ૧૦ હજાર કરોડ રૂપિયા હતું, જ્યારે આજે ગુજરાત રાજ્યનું દેવું ૨.૨૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.
* માનવવિકાસ ઇન્ડેક્સમાં છઠ્ઠા ક્રમે હતું આજે ૧૧મા ક્રમે ધકેલાયું છે.
* સામાજિક ખર્ચમાં (ગરીબી ઘટાડવામાં) આઠમા નંબરે ગયું.
* સાક્ષરતા ક્રમમાં ૧૮મા ક્રમે ધકેલાયું.
* પ્રાથમિક શાળાની ભરતીમાં ૨૨મા ક્રમે.
* બાળમૃત્યુમાં ૨૩મા ક્રમે
* માતા મૃત્યુ દરમાં ૧૧મા ક્રમે
* કુપોષણમાં ૧૧મા ક્રમે
* મોંઘી વીજળી નંબર ૧
* મોઘું પેટ્રોલ-ડિઝલ નંબર ૧
* મોઘું શિક્ષણ નંબર ૧
* કર્મચારીઓનું આર્થિક શોષણ નંબર ૧
* આરોગ્ય પાછળ માથાદીઠ ખર્ચ ૨૮માં નંબરે
* સોફ્ટવેર એક્સપોર્ટ ૧૧માં નંબરે
* ખેડૂતકુટુંબની માસિક સરકારી આવક રૂ. ૭૯૨૬ – ૧૩માં નંબરે.
ભાજપના શાસનમાં એકપણ નવો ડેમ બંધાયો નથી. કૉંગ્રેસના શાસનના ૨૧૦ ડેમો હજી યથાવત છે. ભાજપના શાસનમાં બંધાયેલ બોરીડેમોનું ધોવાણ થઈ ગયું છે, તલાવડીઓ પાણીથી ભરવાના બદલે જમીનના લેવલે અસ્તિત્વમાં ચાલી છે. ખરેખર આ પ્રોજેક્ટો અસ્તિત્વમાં આવેલા કે કાગળ ઉપર અસ્તિત્વ બતાવી ભ્રષ્ટાચાર થયેલ તે નક્કી કરાવવું જોઈએ. ગુજરાતમાં ૨૩ વર્ષ કૉંગ્રેસે અને ૨૨ વર્ષ ભાજપે શાસન કર્યું. મોટાભાગના વિકાસ કાર્યો કૉંગ્રેસ શાસનના છે.
મોદી શાસનમાં ફક્ત સૂત્રો :
૨૦૦૩ વાઇબ્રન્ટ ગુજરાત
૨૦૦૭ ગુજરાત : દેશનું ગ્રોથ એન્જિન
૨૦૦૭ ગુજરાતનો વિકાસ અને અસ્મિતા
૨૦૧૨ સદ્ભાવના
૨૦૧૭ વિકાસવાદ એજન્ડા વિરુદ્ધ વંશવાદ રાજકારણ
૨૦૧૭ અડીખમ ગુજરાત
૨૦૧૭ હું છું વિકાસ, હું છું ગુજરાત
હવે વિચારો, જે ગુજરાત ગતિશીલ હતું તે છેલ્લે ૨૦૧૭માં અડીખમ (સ્થિર) થઈ ગયું છે. કોઈપણ રાજ્યના વિકાસનું તારણ ત્યાંના લોકોને મળતી આરોગ્ય, શિક્ષણ, ખોરાક, રસ્તા વગેરેથી નક્કી થઈ શકે. ગુજરાતમાં પ્રચાર માટે ગુજરાત બહારથી ૫૦ મૌલવીઓને લાવવામાં આવે છે. ભૂવાઓનું જાહેરમાં સન્માન થયું અને હવે જાદુગરોના ખેલ ભજવાઈ રહ્યા છે. ભાજપે મહારાષ્ટ્રથી ખાસ જાદુગરો તેડાવ્યા છે. આ જાદુની કળા હાલમાં મહારાષ્ટ્રમાં પણ લોકપ્રિય નથી તેવા જાદુના કરતબ પ્રચારમાં દેખાડવામાં આવશે. ગુજરાત મૌલવીઓ, ભૂવાઓ અને જાદુગરોના ભરોસે! કયા યુગમાં આપણે જીવીએ છીએ, પથ્થરયુગ, પ્રાચીન કે અર્વાચીન યુગમાં?
છેલ્લે … તમને હેટમાંથી કબૂતર કાઢતાં આવડે છે?
જાદુગરી ફક્ત એની જાગીર હતી, એણે કાગળમાં વરસાદ દોર્યા અને અમે નહાયા હતા! (ગુજરાત અને ગુજરાતીઓને સાથે જોડીને આને વાચંવું નહીં. વિકાસ અને કાગળ ઉપરના એમ.ઓ.યુ. સાથે તો ખાસ ન જોડવા વિનંતી.)
અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 05