સદ્ગત જયાબહેન શાહે લગભગ ત્રણેક દાયકા પર સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યસૈનિકનો એક પરિચયગ્રંથ તૈયાર કર્યો હતો. સુલભ થઈ તેટલી તસવીરો ઉપરાંત જે તે લડતની લગતી નોંધો પણ એમના સંપાદનની વિશેષતા હતી. હવે તેનું શોધિત-વર્ધિત નવસંસ્કરણ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ પ્રકાશિત કર્યું છે. અહીં પ્રથમ આવૃત્તિ વખતની, નવસંસ્કરણમાં પણ સમાવિષ્ટ, પ્રસ્તાવના સાભાર ઉતારીએ છીએ. પુસ્તક વિશે વિશેષ માહિતી હવે પછી આપીશું …
****
કાઠિયાવાડ બહારવટિયાની ભૂમિ તરીકે મશહૂર છે. એમાંના જોગીદાસ જેવા કેટલાક ખાનદાનીની મૂર્તિ સમા હતા.
પણ આ પુસ્તકમાં દર્શાવેલા બહારવટિયા અને તેમનું બહારવટું એક જુદા જ પ્રકારનું હતું. બહારવટું એટલે કાયદાએ નક્કી કરેલા ચીલાની બહારનો ચીલો. એ અર્થમાં આ બહારવટું હતું, પણ તેનો પાયો જાતે સહન કરીને અન્યાયી વ્યવસ્થા અને તેમના ચલાવનારાઓને તેમની જ પ્રજાની બેહાલી અને જાગૃતિ વિશે સભાન કરવાનો હતો. જૂના બહારવટિયાઓની જેમ તેમણે કોઈનું લૂંટ્યું-બાળ્યું નહીં, પણ પોતાની જાતને જ બાળી. યરવડા જેલમાં ભાઈ રતિલાલ ત્રાસને પરિણામે શહીદ થયા અને નાસિકમાં અમૃતલાલ મરણતોલ સ્થિતિએ પહોંચ્યા.
ખાખરેચીથી માંડીને ‘કરેંગે યા મરેંગે’ તથા આરઝી હકૂમત સુધી પ્રજાશક્તિના ઉન્મેષોની નોંધવહી આમાં વાચક જોઈ શકશે.
સૌરાષ્ટ્ર નાનાં-મોટાં બસો રજવાડામાં વહેંચાયેલું હતું. રાજ્યે-રાજ્યે અલગ કાયદા હતા. ક્યાંક સમજુ અને બહુધા અણસમજુ રાજાઓ-દીવાનો હતા. સમજુ હોત, તો સત્યાગ્રહોની જરૂર જ ન પડતને! મોરબીમાં આખરે સદ્ગત ચંપકલાલ વોરાને ખાદીકામ જ કરવું હતું. ગાંધીજીએ પણ આગેવાનોને બને ત્યાં સુધી એ કામને વળગી રહેવા જ સલાહ આપેલી. એ સલાહ પાછળ દીર્ઘદર્શિતા હતી કે આ રાજ્યો તો બ્રિટિશ સરકારને આધારે ટકેલાં ડાળ-પાંદડાં છે. તે સત્તા જ્યારે જશે અને પ્રજાના હાથમાં સત્તા આવશે, ત્યારે આપોઆપ એ બેજવાબદાર શાસનો ખરી પડશે. બન્યું પણ તેમ જ. દેશી રજવાડાં સામે લડાઈ લડવા અધીરા હતા, તેમને પણ ગાંધીજીની સલાહ સાચી હતી, તેમ લાગ્યું.
દેશી રાજ્યોમાં સત્યાગ્રહ કરનારા એક અર્થમાં સાચા પણ હતા. તે વાણીસ્વાતંત્ર્ય, અખબારી સ્વાતંત્ર્ય અને રચનાત્મક કાર્યોની છૂટ. આ જ્યાં ન હોય કે તેને રોકવામાં આવે. ત્યાં સત્યાગ્રહ એક મર્યાદિત અર્થમાં થયો. તેમાં ક્યાંક હાર્યા, ક્યાંક જીત્યા … એવા બેઉ પ્રકારો આ પુસ્તકમાં જોઈ શકાશે. પણ હાર્યા તે પણ એક અર્થમાં ફળદાયી થયું. બાઇબલમાં કહ્યું છે કે ખરાબમાંથી પણ સારું થાય છે. (From evil commeth good).
આવી હારમાંથી પણ સત્યાગ્રહીઓમાં નિર્ભયતા, સંગઠનશક્તિ આવ્યાં. આ બસો રજવાડાં કે ઠકરાતોને આખરે અંગ્રેજ સરકારનો ટેકો છે, માટે જ ઉદ્ધતાઈથી વર્તે છે, એ ભાન થતાં સૌરાષ્ટ્રના આ સત્યાગ્રહી વીરો ધોલેરા, વિરમગામ, ખારાઘોડા, પાટડી … બધે પહોંચ્યા. પુસ્તકમાં આવા વીરો સર્વશ્રી આત્મારામભાઈ, શંભુશંકરભાઈ, લક્ષ્મીશંકરભાઈ તેમ જ ખાખરેચીવાળા મગનભાઈના પ્રેરણાપ્રદ ઉલ્લેખો છે.
આના જ પરિણામ રૂપે જ્યારે સ્વરાજ આવ્યું, ત્યારે સૌરાષ્ટ્રમાં રાજ્યેરાજ્યે કાર્યકર્તાઓ આપોઆપ મળી ગયા, શોધવા ન જવું પડ્યું. એટલું જ નહીં, વઢવાણ-ધ્રાંગધ્રા જેવા મોટા કે નાના વણોદ જેવાના બેજવાબદાર વર્તને પણ સૌને અપવાદ સિવાય ખાતરી કરાવી આપી કે સૌરાષ્ટ્રનું એકમ અનિવાર્ય છે. આ અનિવાર્ય તે સહજ બન્યું; તેનું કારણ આ સત્યાગ્રહો છે, જેમાં ખાખરેચી, ગોંડલ, લિલિયા, ધ્રોળ, વઢવાણ, રાજકોટના હજારો ખેડૂતોએ આત્મભોગ આપી એક અતૂટ સંગઠન ઊભું કર્યું. સૌરાષ્ટ્રના સર્જન વખતે અને ગિરાસદારી-નાબૂદી વખતે આ સંગઠન વિના અપવાદે કામ લાગ્યું.
ગાંધીજી કહેતાં કે ‘સત્યાગ્રહી કદી હારતો નથી’ એટલે કે, શુદ્ધભાવે કરેલો સત્યાગ્રહ એળે જતો નથી, તે સાબિત થયું. સૌરાષ્ટ્રના એ સુવર્ણપ્રભાતે જે ઐક્ય, ત્યાગશક્તિ, સમજદારી દેખાયાં, એ કારણે મોટાં કામો ટૂંકા ગાળામાં થયાં. તે આ નાનાનાના સત્યાગ્રહોનું અમૃત હતું.
‘આરઝી હકૂમત’ એક અલગ પ્રકરણ છે. સ્વરાજ આવી ગયું હતું, રિયાસતી ખાતું સરદાર સંભાળતા હતા. ૯૯.૩/૪ ટકા કૉંગ્રેસીજનોએ તો અહિંસા એક રાજકીય વ્યૂહનીતિ તરીકે સ્વીકારી હતી, ધર્મ તરીકે નહીં. આથી તે પ્રકરણે જુદો જ રંગ કાઢ્યો. જે સત્યાગ્રહીઓએ ચૂંચાં કર્યા સિવાય માર ખાધો હતો પણ મીન ભણ્યું ન હતું, તે જ શસ્ત્રધારી બન્યા અને તેઓ જાનફેસાની કરવા નીકળ્યા. આ એક રંગભર્યું, ઉજ્જ્વળ પ્રકરણ છે. જૂનાગઢ પાકિસ્તાનમાં ગયું હોત, તો શું થાત એ કલ્પના પણ ધ્રુજાવી મૂકે તેવી છે. એટલે એમાં લોકો આપોઆપ નીકળી પડ્યા. નિર્ભયતા તો તેમને સત્યાગ્રહોએ શીખવી જ હતી.
આ અભૂતપૂર્વ આંદોલનનો ચિતાર તેના જ એક અગ્રણી અને સત્યાગ્રહી રતુભાઈ અદાણીએ સરળ રીતે બે ભાગમાં સ્વાનુભવે આપ્યો છે, તેની ચિત્રાત્મકતા અને ભાવવાહિતા તરફ સાહિત્યિક વિવેચકોનું ધ્યાન કેમ નહીં ગયું? તેને આપણી સંકુચિતતા ગણાવવી કે બેદરકારી? એમણે એવી જ કુશળતાથી ધોલેરા-સત્યાગ્રહનાં સંસ્મરણો પણ ‘ઊર્મિ-નવરચના’માં આલેખ્યાં છે, તે તરફ પણ ધ્યાન જવું જોઈએ. આપણા દેશમાં તવારીખ લખવાનું વલણ જ નહોતું. તે આપણે મુસ્લિમ ઇતિહાસકારો પાસેથી શીખ્યા. હજુ પૂરું શીખ્યા છીએ કે કેમ તે વિશે શંકા થાય. નહીંતર આવા ટૂંકા-ટૂંકા પણ ચોક્કસ લેખો, નજીકના એ ઊજળા ઇતિહાસ વિશે વિશેષ અને વહેલા લખાયા હોત.
વજુભાઈ એક વ્યાપક દૃષ્ટિવાળા અગ્રણી હતા. તેમણે આ સૂઝ્યું. થોડો આરંભ પણ કરાવ્યો અને એવામાં જ તેમનું અવસાન થયું. પણ જયાબહેન, તેમનાં સહચારિણીએ સમર્પણબુદ્ધિથી એ કામ હાથમાં લીધું અને કેટલીક માથાકૂટ અને કાયાકૂટ પછી આ ગ્રંથ બે ખંડમાં તૈયાર કર્યો. એકમાં નાના કે મોટા સત્યાગ્રહીઓની કે સ્વાતંત્ર્યવીરોની ટૂંકી-ટૂંકી નોંધો છે અને બીજામાં ખાખરેચીથી માંડીને આરઝી હકૂમત સુધીની લડતો છે. એકમાં પુરુષો અને સ્ત્રીઓએ શું કર્યું અને બીજામાં કેમ અને શું થયું, તે ચીતરવા-નોંધવા સંગ્રહવાનો પુરુષાર્ષ જયાબહેને કર્યો છે. આ પુસ્તક સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્યના ઉષઃકાળ કે ઉદયકાળનો સંદર્ભગ્રંથ બની જશે અને તેના પરથી અભ્યાસીઓ આગળ વધી શકશે.
સૌરાષ્ટ્રના ઘડતરમાં જેમ સત્યાગ્રહોનો ફાળો છે, તેમ રચનાકાર્યોનો પણ ફાળો છે. તેના પર ગાંધીજીએ હંમેશ ભાર આપ્યો હતો, એટલે સૌરાષ્ટ્રના આગેવાનો સર્વશ્રી ફૂલચંદભાઈ શાહ, બળવંતભાઈ મહેતા, નારણદાસભાઈ ગાંધી, રતુભાઈ અદાણી અને નાનાભાઈ સૌએ ગામડામાં કે શહેરમાં અસ્પૃશ્યતાનિવારણ, ખાદીકાર્ય, ગ્રામોદ્યોગપ્રવૃત્તિ, મજૂર-સંગઠનનાં કામ કર્યાં. સ્વ. બળવંતભાઈએ અસ્પૃશ્યતા-આંદોલન વખતે લાંબી પદયાત્રા બળબળતા ઉનાળે કરેલી, તે મને બરાબર યાદ છે. આ રચનાકામમાં પણ ત્રણ પ્રકારનાં વલણો દેખાયાં છે. એક, આ કામથી રાજકીય સ્વરાજ નજીક આવે, લોકો તેમાં લડવા કટિબદ્ધ બને તેવું; બીજું, ગરીબ કે કામવિહોણાને કામ આપવાનું માનદયાનું અને ત્રીજું, સામાજિક અવગુણોની સફાઈ કરીને સમાજની ન્યાયવૃત્તિ જાગૃત કરવાનું. ત્રીજું વલણ છે તે નાનાભાઈ જેવા જૂજ પુરુષોમાં દેખાયું. ખરેખર ગાંધીજીના મનમાં જેનું મહત્ત્વ હતું, તે છેલ્લા પ્રકારના કામનું. તેમની ઊંડી સમજ, દીર્ઘદૃષ્ટિ વારે-વારે કહેતી હતી કે સમાજમાં પોતાના તરફથી તથા અન્યાયોને સ્વરાજપૂર્વે જ દૂર કરવાની જવાબદારી કે હોંશ પેદા થઈ નથી, ત્યાં રાજકીય સ્વરાજ આવે તો પણ બહુધા તે સામાજિક સમતા કે ન્યાયની સ્થાપના નહીં કરે શકે અથવા તે ઘણું કઠિન થશે.
આ દૃષ્ટિ ન સમજાઈ, પરિણામે સ્વરાજ આવ્યા પછી, જેવા એ સમયના મહારથીઓ ગયા કે તરત દેશનું વહાણ ભ્રષ્ટાચાર, હોદ્દાની મારામારી, જ્ઞાતિઓના વર્ગવિગ્રહ તરફ વળ્યંું, જે આજે દેખાય છે. અસ્પૃશ્યતા દૂર કરવાનો, સ્ત્રીઓને સમાન અધિકાર આપવાના ઠરાવો ગણ્યાગાંઠ્યા કલાકોમાં પસાર કરનાર સંસદ કે વિધાનસભાઓ બહુમતીના જોરે ભ્રષ્ટાચાર છાવરવાનાં સ્થળો જેવાં બની ગયાં છે ! સૌરાષ્ટ્રના સોનેરી ઉષઃકાળના મૂળમાં રચનાકાર્ય હતું, અને પ્રમુખ રાજપુરુષો, પ્રમુખ રચનાત્મક કાર્યકરો પણ હતા. આનો ઇતિહાસ પણ લખાય તે જરૂરી છે.
અહીં એક બીજી વાત પણ નોંધવી જોઈએ અને તે છે ‘સૌરાષ્ટ્ર’ અને પછીથી ‘ફૂલછાબ’ના પત્રકારત્વે આપેલો ફાળો. અમૃતલાલ શેઠે ‘સૌરાષ્ટ્ર’ – પત્ર દ્વારા સૌરાષ્ટ્રની અસ્મિતા પેદા કરી અને પછી ફૂલછાબે તે આગળ વધારી. ગુજરાતમાં એની જોડનો કોઈ નમૂનો નથી. ‘નવજીવન’ કે ‘યંગ ઇન્ડિયા’ તો સમગ્ર ભારતવ્યાપી ગણાય, પણ સૌરાષ્ટ્રની જાગૃતિ, તેના સત્યાગ્રહો અને સત્યાગ્રહીઓની બિરદાવલી કરનારા પત્રો ન ભુલાય. તે જમાનામાં સહજ અતિશયોક્તિ કે થોડી વાગ્મિતા કદાચ તેમાં હશે, પણ તેણે સૌરાષ્ટ્રના સત્યાગ્રહીઓ કે સત્યાગ્રહો કે સ્વાતંત્ર્ય-સંગ્રામોને જે પાણી ચડાવ્યું; જે પ્રચંડ લોકમત ઊભો કર્યો, તેની નોંધ લીધા વિના ચાલે તેવું નથી.
આ પુસ્તકમાં વર્ણવાયેલા કેટલાક સત્યાગ્રહના સાક્ષી તરીકે, આ પ્રસ્તાવના લખતાં હું મનમાં અનેક આંદોલનો અનુભવું છું. મને યાદ આવી જાય છે એ વખતની સ્મશાનભૂમિ, જેમાં શહીદ બહેચરભાઈની ચિતા ભડભડ બળી રહી હતી. આજુબાજુ નાનકડા વળા ગામના ખેડૂતો ઊભા છે અને ભાઈ પ્રેમચંદભાઈ, ભાઈ ભાનુભાઈની હાકલે લોકો એક પછી એક પ્રતિજ્ઞા લેવા આવે છે કે ‘આ અન્યાય દૂર કરવા અમે મથીશું’ અને બે દહાડામાં સેંકડો બાઈઓ પોતાનાં ધાવણાં બાળકો લઈને વળા ઠાકોરના મહેલ સામે બેસી પોતાનાં બાળકોને આ અન્યાય દૂર ન થાય ત્યાં સુધી ધવરાવશે નહીં, એવો નિશ્ચય તે વખતના દરબારશ્રીને જણાવે છે. એ દિવ્ય-ભવ્ય દૃશ્ય આંખ આગળથી ખસતું નથી. આવા સાચા ત્યાગે એ સમયના ઍજન્સીતંત્રને પણ જગાડ્યું. પોલિટિકલ એજન્ટ આવ્યા. બહેનો-ભાઈઓને સાંભળ્યાં અને દરબારને બે વર્ષ માટે રાજ્ય – બહાર રહેવાનો હુકમ કર્યો. આવાં ત્યાગગોજ્જ્વલ, વિરોચિત પરાક્રમોની નોંધ, સંભાળ જે પ્રજા રાખતી નથી, તેનું પતન થાય તેમાં નવાઈ નથી. જયાબહેને એ સમયને પૃષ્ઠો પર સજીવન કર્યો છે, એ બદલ સૌ એમના કૃતજ્ઞ રહેશે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2017; પૃ. 06-07