ગુજરાતી સાહિત્ય અને ગુજરાતની અસ્મિતાના બે ચાહકોએ લગભગ એક સાથે આપણી વિદાય લીધી. તેમનાં અનેકાનેક પ્રદાનો વિશે આ નાનકડા લેખમાં વિગતવાર લખવાનો પ્રયાસ નહીં કરું, પરંતુ તેમની સાથેનાં થોડાં સહિયારાં સંભારણાં તમારી સાથે વાગોળીશ. અમેરિકાની ગુજરાતી લિટરરી ઍકેડેમીના એ બંને મહાનુભાવો એક સાથે જ ૧૯૯૬માં મહેમાન હતા. પ્રમુખ હોવાના નાતે તેમના યજમાન તરીકે ચારેક મહિના તેમની સાથે રહેવાનો, ફરવાનો, અને સત્સંગનો લાભ મળેલો.
ભગવતીભાઈને તો ઍકેટમીએ વર્ષો પહેલાં આમંત્રેલા અને તેમણે તે સ્વીકારેલું પણ ખરું, પણ પછીથી બધું સ્થગિત થઈ ગયેલું. તેમને હું જરા પણ ઓળખતો ન હતો. વિદેશમાં એક સાહિત્ય સંસ્થાના પ્રમુખ થવા માટે બધા સર્જકોને ઓળખતા હોવાનું આવશ્યક હોય કે નહીં, પણ તેમને ઓળખતા થવાનો સારામાં સારો રસ્તો એ જ છે કે તેમના યજમાન થવુ ંપડે. આજે તો હું તેમના ઉપર એક મહાનિબંધ પણ લખી શકું.
સુરતની હવા તે વખતે તો પ્રદૂષણને લીધે અસહ્ય હતી. ભગવતીભાઈ ત્યારે પોળમાં રહેતા હતા. પોળનો રસ્તો પણ પ્રમાણમાં પહોળો હતો. હું અમદાવાદની પોળોથી પરિચિત હતો, છતાં ય મને ગૂંગળામણ થઈ. બકુલ ત્રિપાઠી દ્વારા ભલામણ કરાવેલી, તેથી ભગવતીભાઈ તાત્કાલીક માની ગયા, અને પોતાના વિશેની માહિતી, ઇત્યાદિ મને આપ્યાં. પછીના મહિનાઓમાં બે-ત્રણ વાર તેમનું મન ડગી જતાં મારે અમેરિકાથી ફોન ઉપર, સામ અને ભેદ નીતિથી સમજાવવા પડ્યા, અને છેવટે એકાએક જ જસુબહેનની સાથે આવી ગયા, એક મહિનો વહેલા. ઘરમાં એક બિમાર અને વૃદ્ધ વ્યક્તિ હોવાની કુશંકાઓથી પ્રેરાઈને જ હશે. તેમ મને લાગેલું.
રજનીભાઈને હું કંઈક વધારે ઓળખું. નાનપણથી જ કોણ જાણે કેટલાં ય પુસ્તકોનાં મુખપૃષ્ઠો ઉપર નાના લંબચોરસમાં ‘રજની’ લખેલું જોયું હતું. ગુજરાતી શીખવા કે શીખવવા માટેનું મારું પુસ્તક જોઈને કૌમુદી મુનશીએ મુંબઈમાં રજનીભાઈના ભાઈને મળવાનું સૂચવેલું, પણ તે ન બની શકતાં મારી અમદાવાદની મુલાકાત દરમ્યાન રજનીભાઈને મળવાનું સૂચન કરેલું. રજનીભાઈને ત્યાં સરોજબહેન તથા તેમની બે પુત્રીઓ અને પુત્ર પરિતોષને મળ્યો. નાની શર્વરીને મેં સલાહ પણ આપી, ‘બેટા, તારા નામનો અર્થ કહી આપે એવા વરને પરણજે, અને તારે પરણવાની કેટલી ઉતાવળ છે તે પ્રમાણે સ્વયંવર અમદાવાદ, મુંબઈ, કે પૂનામાં રાખજો!’ હું ઘણા ઘરોમાં ગયો છું, પણ તે દિવસે મને જ સાહિત્યપ્રેમ, ગુજરાતની અસ્મિતાનું ગૌરવ, સંસ્કારિતા, સૌજન્ય, ગૃહસંસારનું માધુર્ય દેખાયાં તેથી અભિભૂત થઈને પછીથી બે-ત્રણ જણને તેમને ત્યાં જોવા લઈ ગયો હતો.
બસ, પછીથી તો તેમનું ઘર મારે માટે એક જાત્રાનું ધામ બની ગયું. આમ તો અમારાં બેનાં વિશાળ કુટુંબોને લીધે અમદાવાદમાં અમારાં સોએક ઘર હશે, પણ દર બે વર્ષે અમદાવાદ જવાનું થાય ત્યારે સૌથી પહેલાં જ, પહોંચતાં વેંત તેમને ત્યાં જ જવાનું ત્યાર બાદ બીજી ચાર-પાંચ મુલાકાતોની, અલકમલકની વાતોની, સમાચારોની, અને પોતાનાં અને બીજાનાં લખેલાં પુસ્તકોની આપ-લે થાય. ભગવતીભાઈએ લખેલું ‘આવજે, અમેરિકા!’ પુસ્તક પણ મને રજનીભાઈએ જ આપેલું.
એક વખત અમદાવાદમાં પગ મૂકતાં જ રજનીભાઈએ કોઈ ‘શાપગર્ભ વરદાન’ની વાત કરતા હોય તેમ કહ્યું, ‘ભરતભાઈ, આજના જ સ્થાનિક અખબારમાં ફોટા સાથે તમારા ઉપર લેખ છે. ‘સમાચાર નથી, એમ જાણીને નિરાંત થઈ. તેમની અસમંજસનું કારણ સમજવા મેં તેમની સામે જોયા કર્યું એટલે મને તેમણે છાપું બતાવ્યું. તેમાં ‘ડૉલરભૂખ્યા ગુજરાતીઓ’ શીર્ષક સાથે મારો ફોટોગ્રાફ પણ હતો! દારૂની બાટલી સાથેના મોરારજીભાઈની જેમ હું દિવ્ય તેજથી ઝળહળી રહ્યો હતો. મધુ રાય મારા વિષેના એક પ્રશંસાત્મક લેખ સાથે છાપવા મોકલેલ ફોટો તેને બદલે આ લેખ સાથે વધારે શોભશે તેમ માની તંત્રીએ મારી નાતના ગામમાં મારું માથું કાપી નાંખ્યું હતું. તે લેખની નકલો વહેંચીને, બદનક્ષીનો દાવો કરીને, કે સુધારો છપાવરાવીને એના ઉપર પાઘડી ચડાવરાવવાનું મેં માંડી વાળ્યું. જે આપણા વિષે બૂરું માની જ ન શકે. તે જ ખરો મિત્ર.
રજનીભાઈના અમેરિકામાં આવતાં પહેલાં અમને ભગવતીભાઈ સાથે મહિનો રહેવા મળ્યું. તેઓ દેખાય અતિ ગંભીર અને સાદા પાયજામામાં અને ઝભ્ભામાં પણ તેમના વિશાળ કપાળથી આંજી નાંખે, અને બાકી હોય તે તેમના મોઢેથી સરસ્વતી વહેવા માંડે ત્યારે પૂરું થાય. એક બે પ્રસંગે તેમનો પુણ્યપ્રકોપ પણ જોવા મળેલો. કોઈના ઘેર એક ભાઈએ ડાઈનિંગ ટેબલ ઉપર પિષ્ટપેષણ જરા લાંબુ ચલાવ્યું એટલે ભગવતીભાઈ પગ પછાડતા, સડાક કરતા ઊભા થઈ ગયા, અને ત્યાંથી ચાલવા માંડ્યા.
દુશ્મનો હોવાનું સદ્ભાગ્ય વ્યક્તિની જેમ સંસ્થાઓને પણ હોય છે. એવા કેટલાકે એક મુશાયરો યોજી મહાન શાયરો ભેગા કરેલા, પણ ઍકેડેમી પરત્વેના વેરભાવને લીધે ભગવતીભાઈને આમંત્રણ ન હતું. ઍકેડેમીના એક સભ્યે આયોજકોને ટપાર્યા, ‘આપણા શહેરમાં ભગવતીકુમાર હાજર હોય ત્યારે તમે બીજા કોઈને પણ ‘શ્રેષ્ઠ ગઝલકાર’ કેવી રીતે કહી શકો?’ અમારા પહેલાં જ જાહેર કાર્યક્રમોમાં ભગવતીભાઈનો પરિચય આપતાં મેં એ વિધાનનો ઉલ્લેખ કર્યો ત્યાં જ તો એ સફાળા ‘ના-ના’ બોલતા ઊભા થઈ ગયા. મેં તેમને સંકેતથી શાંત કર્યા. મારે તો એ વિધાનની જ વાત કરવી હતી, પ્રસંગની નહીં.
બંને મહાનુભાવો સજોડે આવેલા તેથી ચારેયના અમેરિકામાં પ્રવાસો ગોઠવવા મેં સતત કલાકો સુધી ઍરલાઈન સાથે ફોન ઉપર વાત કરી ત્યારે બધાં જ અહીંની ફોન સર્વિસ, કર્મચારીઓની સભ્યતા, સુવિધાઓ (અને મારી ધીરજ) ઉપર વારી ગયાં. પ્રવાસના આરંભની આગલી રાતે અમારા ઘરની નજીક જ એક મોટું વિમાન ભેદી રીતે તૂટી પડ્યું. આતંકવાદ તો ત્યારે જાણીતો ન હતો. રોજ મુજબ સવારનું છાપું જોઈને તેમને મેં ન આપ્યું. પણ પછીથી ઍરપોર્ટ જતાં વાત કરી. પ્રવાસના બે મહિના દરમિયાન રોજ ફોન ઉપર વાત થતી રહી. તે સમયના અનુભવો તેમણે જ વર્ણવ્યા છે.
છેલ્લા અઢી વર્ષથી રજનીભાઈએ ‘નવચેતન’નું તંત્રીપદ સ્વીકાર્યું હતું, અને તેમાં ‘બારીમાંથી આકાશ’ નીચે સ્મરણો લખતા હતા. તેના ૨૮ હપ્તા છપાઈ ગયા હતા, અને બીજા પાંચ મરણોત્તર છપાશે. પરિતોષને આશ્વાસન માટે ફોન કર્યો ત્યારે તેણે જણાવ્યું, ‘તમને બહુ જ યાદ કરતા હતા. છેલ્લો હપ્તો તેમના અમેરિકાના અનુભવો ઉપર જ છે. તમારી તસવીર સાથે હૃદયપૂર્વકની પ્રશંસા અને ખુશી વ્યક્ત કરી છે.’ એ જ વખતે અહીં હું તેમને સ્મરણાંજલી આપતો આ લેખ લખી રહ્યો હતો! ભગવતીભાઈ તો ‘આવજે, અમેરિકા’ કહીને જતા રહ્યા. પણ હવે અમેરિકા ક્યાં આવે?
E-mail : bhrtshah@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 13