લક્ષ્મીનારાયણ ત્રિપાઠીની જીવનકથા : વૈશાલી રોડે દ્વારા શબ્દાંકિત, કિશોર ગૌડ અનુવાદિત (ગંગાબા પરિવાર પ્રકાશન, અમદાવાદ: મૂલ્ય – રૂ.150/-)
“હીજ એટલે આત્મા ….. પવિત્ર આત્મા. જે શરીરમાં આ આત્મા વાસ કરે છે, એ હીજડો. અહીં વ્યક્તિને મહત્ત્વ જ નથી. મહત્ત્વનો છે આ આત્મા અને એ ધારણ કરનાર હીજડા સમાજ.
આ સમાજ પર ઈશ્વરનો પ્રેમ છે અને એટલે તેણે તેમના માટે ખાસ અવકાશ તૈયાર કર્યો છે ….. જે આ હંમેશના સ્ત્રી-પુરુષના ચોકઠામાં નથી. સ્ત્રી અને પુરુષ બે રેખાઓ વચ્ચેનાં અમે … બિટવિન ધ લાઈન્સ? અમારામાં સ્ત્રીત્વ છે પણ અમે સ્ત્રી નથી. જન્મે પુરુષત્વ પણ છે. પણ અમે પુરુષ નથી … શરીર પુરુષનું હોવાને કારણે તેની પર સમાજ તેમની કહેવાતી પૌરુષત્વની કલ્પના લાદતો હોય છે, જે 'પુરુષ'ની તેમાં પારાવાર ગૂંગણામણ થાય છે. કેટલો સમય આ રુંધામણ સહન કરવાના હતા?
પણ હું ય એ જ તો કરતો હતો. મને સમજાતું ગયું કે આ હીજડા સમાજ સાંસ્કૃિતક દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ છે. આપણે સ્ત્રી છીએ અને બધાંએ આપણને સ્ત્રી કહેવું જોઈએ. આપણે ય હીજડા થવું એમ હવે મારા મને નક્કી કર્યું. (પાનું-28).”
લક્ષ્મીનારાયણ ત્રિવેદીની આ કથા ઘણી સામાજિક અને સાંસ્કૃિતક ભ્રમણાઓનો પર્દાફાસ કરે છે. વાચક તરીકે, માણસ તરીકે, જો તમારી સંવેદનાત્મક અનુભૂતિના સ્તરમાં ઊંડાણ હોય તો તમે સ્તબ્ધ થઈ જાઓ, તમને ચેન ન પડે, તમારી સમગ્ર દ્રષ્ટિ જ બદલાઈ જાય અને તમે સ્વસ્થ મને હીજડા, ગે, લેસ્બિયન અને તેની વિવિધ કુદરતી અવસ્થાઓ વિશે વિચારવા માંડો એવી રીતે આ આત્મકથન લખાયું છે.
લક્ષ્મી ઉર્ફે રાજુ એ એવો હીજડો છે જેણે ગૃહત્યાગ કર્યો નથી. જેણે હીજડા તરીકે પોતાની 'ઓળખ’ છતી કરી છતાં આપણે જે માન્યતાઓમાં અથવા ભ્રમણાઓમાં અટવાઈએ છીએ તેવી કોઈ શસ્ત્રક્રિયા પોતાના પર કરાવી નથી. એ એક સ્વસ્થ વ્યક્તિ તરીકે સમાજમાં જીવે છે. કુટુંબમાં આદરમાન ધરાવનાર વડીલ સભ્ય તરીકે સ્વીકૃત છે. સમાજમાં તૃણમૂળથી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી શિક્ષિત, સમજદાર, પીઢ કર્મશીલ તરીકે પ્રખ્યાત છે. ટ્રાન્સ જેન્ડરના પ્રશ્નોને વાચા આપવા પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે.
આટલી વાત લખવા જેટલી સરળ જિંદગી લક્ષ્મીને જીવવા મળી નથી. પહેલાં સતત જાત સાથે, પછી આજુબાજુના પરિવેશમાં, શાળામાં અને મિત્રોમાં, ક્યારેક પરિવારમાં, ગે કમ્યૂનમાં પછી હીજડા સમાજમાં, કાર્યક્ષેત્રમાં આમ ઘણે મોરચે સંઘર્ષ કર્યા બાદ આજે લક્ષ્મીને એક સ્વીકૃત અસ્તિત્વનો અહેસાસ થયો છે. એટલે જ એની સંસ્થાનું નામ 'અસ્તિત્વ' છે.
યોગાનુયોગ મારી 1983માં સ્થાપેલી સંસ્થાનું નામ પણ ‘અસ્તિત્વ' (મહિલા ઉત્કર્ષ સંસ્થા) છે! એક રીતે સમાજમાં ગરીબ, દલિત, લઘુમતી, આદિવાસી અને સ્ત્રીઓ વંચિત જ છે. છેવાડેના જણ. એમાં 'ટ્રાન્સ જેન્ડર’ ક્યાં? આપણે બધાં જાણીએ છીએ કે તેઓ ક્યાં છે? લક્ષ્મીની કથા ફક્ત એની કરમકથા જ નથી પરંતુ ઇતિહાસમાં ડોકિયું કરાવે છે. વાસ્તવિકતામાં વાચકને જોડે છે. સમાજની બન્ને બાજુનું તટસ્થ મૂલ્યાંકન કરે છે. એમાં ક્યારેક હતાશા હોય તો સાથે આશા અને ઉત્સાહ પણ છે. કાળી તાકાતોનાં બેહૂદાપણાંની ઝાંખી હોય તો સમાજની ઉમદાગીરીની દુહાઈ પણ છે. હીજડા સમાજની અધિકૃત વ્યક્તિ તરીકે એનું દેશપરદેશમાં પ્રતિનિધિત્વ કરવું, સફળ સાંસ્કૃિતક કાર્યક્રમો આપવા, કલાકાર તરીકે પણ દેશનું પ્રતિનિધિત્વ કરવું અને સ્થાપિત થવું એ કેવી ક્રાન્તિ છે તે તો આ પુસ્તકમાં સર્જક સાથે ભાવાત્મક અનુસંધાન અને તાદાત્મ્યતા અનુભવો તો ખ્યાલ આવે. શીખવું, ભૂલવું અને શીખવું એ પ્રક્રિયા કેવી હોય છે, તે તો 'ઘાયલકી ગત ઘાયલ જાણે' તેવી વાત છે.
ભારતીય કથાસાહિત્યમાં પ્રખ્યાત પાત્રો અર્જુનનું બૃહનલ્લા સ્વરૂપ, અંબાનું શીખંડી રૂપ, ભગવાનનું મોહિની રૂપ અને રામાયણમાં હીજડાઓમાં રામ માટે ચૌદ વર્ષ રાહ જોવાની ઘટનાના ઉલ્લેખ સહિત આજના હીજડા સમાજની ગુરુભક્તિ અને નિયમોની વાતોને વણી લઈ ખુદના અનુભવોનું સત્યનિષ્ઠ બયાન એટલે લક્ષ્મીની જીવનકથા.
વૈશાલી રોડેની કલમ અને કિશોર ગૌડનો અનુવાદ નિજી અનુભૂતિનો અહેસાસ કરાવે છે તે એમની સંવેદના અને ઊંડી નિસ્બત દર્શાવે છે. રસ ધરાવતા વાચકો માટે આ પરિચય પ્રસ્તુત છે.
વલસાડ