ક્યારેક ઘોર અંધકારઘેરી અધરાત-મધરાતે
હું દરરોજ ધીરે-ધીરે અચેત થઈ રહેલા
મારા આતમરામની શોધ કરું છું
અને
જોઉં છું કે હવે કેટલા શ્વાસ બચ્યા છે!
દબદબાભેર ઝાકળની જેમ
જ્યારે પંચતારક જમણગૃહના દરવાજેથી હું સરકી જાઉં છું
અને
શાહી મહાભોજ લઈ તેનું ઋણમૂલ્ય ચૂકવું છું,
જે દરવાજે સલામ ભરતા દરવાનના માસિક દરમાયા જેટલું હોય છે!
ત્યારે
મારો જીવડો થોડો થોડો બળે છે!
જ્યારે હું ફેરિયા પાસે શાકબકાલું ખરીદું છું
અને એનો ‘નાનકો- છોટુ’ ત્રાજવે બટાકા તોલે છે,
ત્યારે હું આડું જોઈ જોઉં છું
કારણ કે હું જાણું જ છું કે
નિશાળે જવાની ઉંમરનો આ નાનકો બાળમજૂર જ છે!
અને
તે ક્ષણે,
મારો જીવડો થોડો-થોડો બળે છે!
એનું મૂલ્ય પૂછશો જ મા!
એવા ધૂમધડાક
શોભાયમાન વેશપરિધાન સાથે સજધજ થઈ
બનીઠનીને બહાર જોઉં છું,
ત્યારે ગલીને નાકે ઊભેલી
જીર્ણશીર્ણ વસ્ત્રપરિધાનમાં જાતને સાચવવાની મથામણ કરતી અસહાય
સ્ત્રીને જોઉં છું
અને ફટાક કરતી બારી બંધ કરું છું,
ત્યારે
મારો જીવડો થોડો થોડો બળે છે!
જ્યારે મારી માંદલી કામવાળી એની દીકરીને પોતાના વારામાં
નિશાળે છટકબારી શોધી મારે ત્યાં કામ પર મોકલે છે,
ત્યારે મને મનમાં તો હોય છે કે એને હું નિશાળે જવા કહું
પણ જ્યારે હું વાસણપાણી, ધોબીઘાટનાં કપડાંલતાં ને કચરાપોતાના
કામના કોટ તરફ નજર નાખું છું ને
જાતે જ ટાઢી પડી મનોમન કહું છું
કે ચાલ જીવડા,
આ તો બેચાર દિવસની વાત છે!
ત્યારે મારો જીવડો થોડો-થોડો બળે છે!
જ્યારે
મારો દીકરો પાર્ટીશાર્ટી કરી
અધરાત મધરાતે ઘરે આવે, ત્યારે તો
ચૂં કે ચાં નથી કરતી
પરંતુ
એ જ વાત જ્યારે
દીકરી કરે ને
હું
એને ઊંચા અવાજે દમદાટી આપી ચૂપ કરું છું,
ત્યારે
મારો જીવડો થોડો-થોડો બળે છે!
જ્યારે હું બાળુડાંની હત્યા અને બળાત્કાર વિશે સાંભળું છું,
ત્યારે તો ભભડી ઊઠું છું ને પછી
ટાઢી પડી આશ્વસ્ત થઈ જાઉં છું કે એ ક્યાં મારા બાળુડાં છે?
ત્યાર પછી
હું મારો ચહેરો અરીસામાં જોઈ શકતી નથી!
અને ત્યારે
મારો જીવડો થોડો-થોડો બળે છે!
જ્યારે લોકોને ‘વર્ગ-વર્ણ-જાતિ-ધરમ’ માટે બાખડતાં જોઉં છું
ને મને લાગે છે કે હું તરડાઈને નિઃસહાય બની ગઈ છું!
પછી મનોમન કહું છું કે મારો દેશ તો હવે બેહાલ!
પછી મારો તમામ ભાર ભ્રષ્ટ નેતાઓને માથે થોપી
નિરાશા ખંખેરી નાખું છું
ત્યારે મારો જીવડો થોડો-થોડો બળે છે!
ધુમ્મસઘેરી સવારે પ્રદૂષિત વાયુથી
ગૂંગળાઈ રહે છે !
ત્યારે
હું મારી ગાડી પર સવાર થઈ નીકળું છું ને
ક્યારે ય વિચારું નહીં કે
મેટ્રો પકડું અથવા સહિયારો પ્રવાસ ગોઠવી કાઢું!
એમ જ વિચારીને કે
મારા એકના વિચારવાથી
શું શુક્કરવાર વળવાનો છે?
ત્યારે
મારો જીવડો થોડો-થોડો બળે છે!
મારા સૂતેલા આતમરામને જગાડવા નીકળું
અને સાશ્ચર્ય
એને હજી સાંસિયાં લેતો ભાળું
ને ચૂંટિયો ખણીને જોઉં કે
એ ધીમે-ધીમે બળી રહ્યો છે!
[અંગ્રેજી : અજ્ઞાત સર્જક, આ કાવ્ય મને સરૂપબહેને forward કરેલું, જેનો ભાવાનુવાદ]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2018; પૃ. 12