હું અગાઉ પણ કહેતો આવ્યો છું, અને અત્યારે પણ કહી રહ્યો છું કે ભારતને આજકાલ એવો ડર સતાવી રહ્યો છે કે ભારત માત્ર ચૂંટણી આધારિત જ લોકતંત્ર બનીને ના રહી જાય, અને આ મુદ્દે મીડિયાની બહુ મોટી ભૂમિકા રહેલી છે.
મીડિયાનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણીમાં ઉમેદવારોના વ્યવહારથી લઈને જાતીય સમીકરણો, અભિયાનની રણનીતિ, નેતાઓની ભાવભક્તિથી લઈને તેમની દિનચર્યા પર એક પ્રકારના જૂનુનની હદ સુધી રહે છે, અને જેવી ચૂંટણી સમાપ્ત થાય કે તરત જ મીડિયા આ બધું જ ભૂલી જાય છે. સરકારની રચના થઇ જતાંની સાથે જ જાણે કે મીડિયાની ભૂમિકા સમાપ્ત થઇ જાય છે અને તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેક જ તે મુદ્દા તરફ ધ્યાન જાય છે કે ખરેખરમાં સરકારે જનકલ્યાણના મુદ્દે કશુંક કાર્ય કર્યું છે કે નહિ?
કર્ણાટકમાં પણ કંઇક આ પ્રમાણે જ હાલ ચાલી રહ્યું છે. આગામી મહિને યોજાવા જઈ રહેલ ચૂંટણી માટે તૈયાર કર્ણાટક એ દક્ષિણ ભારતનું એક માત્ર જ એવું મોટું રાજ્ય છે કે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે અને ત્યાં ભાજપા ઠીકઠીક સ્થિતિમાં છે. તેવામાં, વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે કર્ણાટકને ‘ટ્રેન્ડ સેટર’ રાજ્ય પણ માનવામાં આવી રહ્યું છે. આવાં જ કેટલાંક કારણોસર નેશનલ મીડિયા હવે કર્ણાટકની હવા સૂંઘવા માટે ત્યાં એકઠું થવા લાગ્યું છે. નેશનલ મીડિયાનો આ કર્ણાટક પ્રેમ એ ચૂંટણીના દબાવનાં કારણે ઊભો થયેલો પ્રેમ છે, કે જે ચૂંટણી સમાપ્ત થતાંની સાથે જ થંભી જશે.
પરંતુ, કર્ણાટકનાં લોકો આવા નથી અને તેઓને એ વાત સાથે બહુ મતલબ પણ નથી કે કોણ જીતશે, કર્ણાટકની જનતાનો માત્ર એ વાત સાથે જ મતલબ રહેલો છે કે જીતનાર પાર્ટી કેવી સરકાર આપશે? કર્ણાટક કેવા સામાજિક અને આર્થિક પડકાર સામે લડત આપી રહ્યું છે? તેનાં સંસાધનનો યોગ્ય અને વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે થશે? નવી સરકાર કેવી નીતિઓને પ્રોત્સાહન આપે છે? પણ આ અને આવા તમામ સવાલ કર્ણાટકની ચૂંટણીના સંદર્ભમાં રાષ્ટ્રીય વિમર્શમાં ગૂમ થઇ ગયા છે. જ્યારે મતદાતાઓ માટે આ પ્રશ્ન સૌથી મહત્ત્વપૂર્ણ છે, એ તો સારું છે કે રાજ્યનાં બુદ્ધિજીવી અને વિવેકશીલ લોકોની આંખો ખુલ્લી છે અને તેઓ સતત આ પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે.
હાલમાં જ ચાર વિદ્વાનો વેલેરિયન રોડ્રીગ્ઝ, નટરાજ હુલિયાર, રાજેન્દ્ર ચેન્ની અને એસ જાફેટે સ્પીકિંગ ફોર કર્ણાટક નામનાં શીર્ષક હેઠળ એક દસ્તાવેજ (મોનોગ્રાફ) તૈયાર કર્યો છે, જે રાજ્યની સામાજિક સંરચના અને સાંસ્કૃિતક વિરાસતનું બારીક અધ્યયન પ્રસ્તુત કરે છે. જેમાં કર્ણાટકના ધાર્મિક, સાહિત્યિક-સાંસ્કૃિતક, રાજનૈતિક પરિદ્રશ્યની સાથે જ તેનાં સૌંદર્યની વૈવિધ્યપૂર્ણ ઝાંખી જોવા મળે છે. આ દલિતો, મહિલાઓ અને ખેડૂતોનાં તે આંદોલનો અને સંઘર્ષોનું પણ આખ્યાન છે, અને જેનાં મિશ્ર પ્રતિસાદે રાજ્યમાં જાતિ-લિંગ અને વર્ગ ભેદનાં ખાડાને એક હદ સુધી પૂરી દીધો છે.
આ દસ્તાવેજમાં લેખકોએ પોતાની 15 ચિંતાઓ વ્યક્ત કરી છે. આ શાસન અને સરકારને ભવિષ્ય તરફ યોગ્ય પથ દેખાડનાર કોઈ એક ઘોષણાપત્ર સમાન છે, જેને રાજ્યના નવા મુખ્યમંત્રીએ અચૂક જોવું જોઈએ. લેખકો માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ ક્ષેત્રિય અસમાનતાનો છે, જે કર્ણાટકની આસપાસ જ જોવા મળી રહ્યો છે અને આ ચિંતાને મજબૂત-એકીકૃત પ્રયાસ થકી જ દૂર કરી શકાય તેમ છે. તેઓ એ વાતને લઈને પણ ચિંતિત છે કે બેંગલુરુમાં વધી રહેલી વસતિને કેવી રીતે સંતુલિત કરવી. ઉપરોક્ત બંને ચિંતાઓના વિષય એકબીજા સાથે જોડાયેલા છે. એક તરફ મોટાં ઔદ્યોગિક કેન્દ્રવાળું મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્ય છે અને જ્યારે આપણે જોઈએ છીએ કે કર્ણાટકની ઉદ્યમિતાનો મહત્તમ ભાગ બેંગલુરુ અથવા તેની આસપાસના વિસ્તાર સુધી જ સીમિત થઈને રહી ગયો છે. તેવામાં જો રાજ્યના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ નોકરી અને રોજગારીની સંભાવનાઓની સાથે વૈકલ્પિક કેન્દ્ર વિકસિત કરવામાં આવે, તો કર્ણાટકમાં વધુ સંતુલિત વિકાસ સાધી શકાય તેમ છે. કૃષિ ક્ષેત્રમાં પણ વધારે ધ્યાન આપીને સંશોધન કરવામાં આવે તો વધુ સારાં પરિણામો મેળવી શકાય તેમ છે.
આ લેખકોએ કર્ણાટકનાં સાર્વજનિક જીવનમાં મહિલાઓની અલ્પ ભાગીદારી બાબત પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાજનૈતિક દળોમાં મહિલા પ્રતિનિધિત્વ વધે તેવી અપેક્ષા રાખી છે. પણ, દુઃખદ વાત એ છે કે આ પાર્ટીઓ કશું જ સાંભળી રહી નથી. આ દસ્તાવેજ પ્રગટ થયા તેના એક મહિના બાદ, કર્ણાટકની ચૂંટણીની ઉમેદવારોની સૂચિ બહાર આવી તેમાં આ દસ્તાવેજની કોઈ અસર જોવા મળી નથી. 225 સીટોવાળી વિધાનસભા માટે જાહેર થયેલી સૂચિમાં કોંગ્રેસે 2 ડઝનથી ઓછી અને ભાજપા અને જેડીએસે તો એક ડઝનથી પણ ઓછી મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે દેશનાં અન્ય તમામ ભાગની અપેક્ષાએ કર્ણાટકની મહિલાઓ વધુ સચેત અને ઓછી પ્રતાડિત જોવા મળી છે. તે કદાચ પડદામાં જ રહી હોય.
મધ્યયુગીન કર્ણાટકે તો અનેક પ્રમુખ મહિલા સંત અને વિચારક આપ્યાં, તો વીસમી સદીનાં મહાન વિચારક કમલા દેવી ચટ્ટોપાધ્યાય આધુનિક કર્ણાટકની ભેટ છે. આજે પણ અહીં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી રહી છે, પણ અન્ય ભારતીય મહિલાઓની માફક આ મહિલાઓને પણ સમાન નાગરિક અધિકાર મળ્યા નથી. આ બુદ્ધિજીવીઓના મત મુજબ કર્ણાટક વિશ્વનાં જૂજ એવાં સુંદર પર્યટક સ્થળોમાં સ્થાન પામી શકે તેમ છે, પણ આ મુદ્દે ક્યારે ય પણ ધ્યાન આપવામાં આવ્યું નથી.
અંતમાં હું પર્યાવરણનો પક્ષ રજૂ કરવા ઈચ્છું છું. સ્પીકિંગ ફોર કર્ણાટકના લેખકોની નજરે ‘રાજ્યએ પોતાની પરિસ્થિતિઓના પડકાર પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂરિયાત છે, જેનું એક સમાધાન શુષ્ક બેલ્ટનું વનીકરણ છે. અત્યારે જળ સંસાધનોની તાર્કિક રચના વધુ યોગ્ય સાબિત થઇ શકે તેમ છે. બેંગલુરુની જળ આત્મનિર્ભરતા માઈલો દૂરથી પંપ કરીને પાણી લાવવામાં તો સંભવ નથી. રાજ્યની નદીઓ પ્રદૂષિત છે, જ્યારે વાણિજ્યિક કૃષિવાળા વિસ્તારોમાં ભૂજળનાં જબરદસ્ત દોહાનનાં કારણે આ સપાટી ભયાનક રીતે નીચે જઈ રહી છે. બેંગલુરુ પાસે દેશનાં બે શ્રેષ્ઠ પારિસ્થિતિકી શોધ કેન્દ્ર છે, પણ રાજ્યની વન અને જળનીતિ નક્કી કરનાર રાજનેતા અથવા અમલદાર આ પારંગત વૈજ્ઞાનિકોની કદાચ જ આ બાબતોમાં સલાહ લેતા હશે. સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓની ખરાબ હાલત અને સાર્વજનિક સંસ્થાઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર જેવી ચિંતાઓ પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે. કેટલીક એવી પણ મહત્ત્વપૂર્ણ બાબતો છે કે જેના પર આ લેખકોએ કદાચ ધ્યાન નહિ આપ્યું હોય. એ સારી વાત છે કે આ દસ્તાવેજ પર મોટા સ્તરે વિમર્શ ચાલુ છે. રાષ્ટ્રીય મીડિયા માટે ભલે કર્ણાટક માત્ર ચૂંટણી દરમિયાન જ મહત્ત્વપૂર્ણ હોય પણ મારા જેવા આ રાજ્યમાં રહેતા લાખો લોકો માટે આ વાત વધારે મહત્ત્વની છે કે આખરે બે ચૂંટણીઓની વચ્ચે શું-શું થાય છે?
અનુવાદ – નિલય ભાવસાર