Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9345131
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદીના દેશકાળમાં પત્રકારત્વ ખેડવું એટલે

હરીશ ખરે|Opinion - Opinion|1 May 2018

શીર્ષ પત્રકાર નીરુભાઈ દેસાઈની સ્મૃિતમાં કાર્યરત ફાઉન્ડેશનના ઉપક્રમે અમદાવાદમાં ગઈ તા. ૨૫ માર્ચના રોજ પ્રથમ સ્મૃિત વ્યાખ્યાનનું આયોજન થયું હતું. નિમંત્રણ મળ્યું ત્યારે ‘ધી ટ્રિબ્યુન’ના તંત્રી તરીકે કાર્યરત અને વ્યાખ્યાન વેળાએ રાજીનામું આવી ચૂક્યાથી મુક્ત એવા હરીશ ખરેએ આ પ્રસંગે વ્યક્ત કરેલા વિચારો પર આધારિત ટાઈપસ્ક્રિપ્ટ યોજકોને સુલભ કરતાં અહીં તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ કરીએ છીએ. આ વિશેષ અવસર પર પત્રકારત્વ સન્માન જેમને અપાયું હતું તે ઉર્વીશ કોઠારીનો પરિચય તેમ જ એમનું સ્વીકાર વક્તવ્ય આ પૂર્વે પ્રકાશિત થઈ ગયાં છે. નીરુભાઈ ફાઉન્ડેશન  જે નાનાવિધ પ્રવૃત્તિઓ હવે હાથ પર લેવા માગે છે એ વિશે યથાસમય જાણ કરતા રહીશું.

***

(ડાબેથી) પ્રકાશ ન. શાહ, હરીશ ખરે, વિશાખા દેસાઈ, ઉર્વીશ કોઠારી તથા ચંદુ મહેરિયા

ગુડ મોર્નિંગ,

માનનીય વિશાખાબહેન દેસાઈ, પ્રિય પ્રકાશભાઈ શાહ, (ચંદ્રમોલિ) પાઠકસાહેબ, ટ્રસ્ટના સભ્યો અને મિત્રો :

નીરુભાઈ દેસાઈ મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત નીરુભાઈ દેસાઈ પ્રવચનમાળામાં પ્રથમ વક્તા તરીકે મારી પસંદગી કરવા બદલ હું ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભારી છું – વિશાખાબહેન, પ્રકાશભાઈ અને પાઠકસાહેબનો પણ, જેમણે નીરુભાઈને શ્રદ્ધાંજલિ આપવાની મને આ તક આપી.

મને યાદ છે કે વર્ષ ૧૯૮૫માં હું પ્રથમ વખત અમદાવાદમાં ‘ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ ખાતે જોડાયો ત્યારે મેં મારા પરમ મિત્ર સ્વર્ગસ્થ પ્રોફેસર વી.જે. ત્રિવેદીને વિનંતી કરી હતી કે, ગુજરાતી કલ્ચર, સભ્યતા, સમાજ, પરંપરા અને મૂલ્યો વિશે મને સહજ શિક્ષિત કરે, એવી વ્યક્તિઓ સાથે મારો પરિચય કરાવે અને પ્રો. ત્રિવેદીએ મને કહ્યું હતું કે તમે માત્ર નીરુભાઈ સાથે ચર્ચા કરવાનું રાખશો તો સઘળું સમજાઈ જશે.

અને તદનુસાર વર્ષો સુધી અમારા બંને વચ્ચે કૉફી પર ચર્ચા અને સંવાદનો દોર ચાલતો રહ્યો અને હું ખાસ્સો લાભાન્વિત થયો. મને લાગે છે કે પ્રકાશભાઈને મારે ખાસ અભિનંદન આપવા જોઈએ કે નીરુભાઈ દેસાઈની સ્મૃિતમાં પ્રવચનમાળાની શરૂઆત કરવા માટે તેમણે મારી પસંદગી કરી.

જ્યારે મેં આ નિમંત્રણનો સ્વીકાર કર્યો, ત્યારે હું ‘ધ ટ્રિબ્યુન’ ન્યૂઝપેપરનો ‘એડિટર ઈન ચીફ’ હતો, પરંતુ મને પ્રતીતિ થઈ ચૂકી હતી કે, આ પદ માટે હવે મારી પાસે હવે ગણતરીના દિવસો છે. એટલે મેં તકેદારીના ભાગરૂપે પ્રકાશભાઈને કહ્યું કે, શક્ય છે કે મારી નોકરી કદાચ જઈ શકે અને મેં ઉમેર્યું કે, કદાચ મારી સ્ટાર વેલ્યુ પણ ડાઉન જઈ શકે.

પરંતુ, પ્રકાશભાઈ એકના બે થવા તૈયાર નહોતા. બલકે, તેમણે ત્વરિત ટિપ્પણી કરતાં કહ્યું કે હાંકી કઢાયેલા તંત્રીની ઉપસ્થિતિ એટલે સોનામાં સુગંધ ભળ્યા જેવો ઘાટ થશે. પ્રકાશભાઈ, મારામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર.

મને ‘મોદીના સમયમાં પત્રકારત્વનું ખેડાણ’ એ વિષય પર પ્રવચન આપવાનું કહેવામાં આવ્યું છે. આ વિષયમાં બે ભાગનો સમાવેશ થાય છે. એક તો ‘પત્રકારત્વનું ખેડાણ’ અને બીજો ‘મોદીનો સમય’. હું પહેલાં આ બંને ભાગ વિશે અલગ અલગ સવિસ્તર વાત કરીશ અને બાદમાં આ બંને ભાગોને સાંકળીને મારી વાત મૂકીશ.

પત્રકારત્વનું ખેડાણ

દરેક યુગમાં અને દરેક સ્થળે અને ખાસ કરીને લોકશાહી શાસન વ્યવસ્થાના સંદર્ભમાં પત્રકારત્વના ખેડાણમાં એક કળા અને કસબ રહેલાં છે. પત્રકારત્વના આ કસબનું હાર્દ એ છે કે સમાચાર માધ્યમો એટલે કે મીડિયા એક સંસ્થા, એક લોકશાહી સંસ્થાનું સ્વરૂપ ધારણ કરવાને સર્જાયેલું છે. તે જે તે સમયના શાસકોથી સ્વતંત્ર રીતે એક સંસ્થાકીય ભૂમિકા ભજવે છે અને આ ભૂમિકામાં લોકોને શિક્ષિત કરવા, સ્વતંત્રતાનું રખોપું કરવું, સરકાર પર નજર રાખવી, તેના કથનને પડકારવાં, તેની હકીકતો સામે સવાલો ઉઠાવવા, એ હકીકતોનાં સત્તાનાં અર્થઘટનોને પડકારવાં સાથે સત્તા દ્વારા લેવાતા એકાધિકારનો ગેરલાભ, સત્તાનો દુરુપયોગ અને તેની ફરજોની ઉપેક્ષાને ઉઘાડી પાડવાનો સમાવેશ થાય છે.

હું એવું પણ ઉમેરીશ કે મીડિયાએ સતત અસંમતિ માટે પણ – એટલે કે લોકશાહી અસંમતિ અને વિભિન્ન અભિવ્યક્તિઓને પણ મંચ પૂરો પાડવાનો છે. 

એ પણ સ્વીકારીને ચાલવાની જરૂર છે કે રાજ્ય અને મીડિયા વચ્ચે હંમેશાં એક પ્રકારની ખેંચતાણ રહેવાની જ છે, અને નિરપવાદ રીતે જ આ ખેંચતાણ એક સંઘર્ષ કે વિવાદનો વિષય બની શકે છે.

ભારતમાં રાજ્ય અને સમાચાર માધ્યમો વચ્ચેના સંબંધોના સ્વરૂપનો વિષય બહુ પ્રારંભે જ એકદમ ન્યાયી રીતે ખેડાઇ ચૂક્યો છે. સંજોગોવશાત, ભારતની સુપ્રીમ કોર્ટને રમેશ થાપર વિ. સ્ટેટ ઓફ મદ્રાસના કેસમાં એવું ઉચ્ચારવાની તક સાંપડી હતી કે અખબારોની સ્વતંત્રતા એ બંધારણમાં મૂળભૂત અધિકાર તરીકે બક્ષવામાં આવેલા વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો જ એક અભિન્ન હિસ્સો છે. ખાસ નોંધવા લાયક બાબત એ છે કે એ બંધારણીય બેન્ચે મીડિયા કે અખબારોને રાજ્ય વિરુદ્ધ બંધારણીય સુરક્ષાની સજ્જતા માટે જેમ્સ મેડિસન અને અમેરિકન બંધારણના પહેલા સુધારાને ટાંક્યા છે.

– હું ચોક્કસ માનું છું કે આટલાં વર્ષો દરમિયાન એક પછી એક સરકારે સમયાંતરે મીડિયા પર અંકુશ જમાવવા અને તેમને ભયભીત કરવાના અખતરા કર્યા હોવા છતાં પણ એકંદરે મીડિયાને ઉપલબ્ધ બંધારણીય અને કાનૂની સંરક્ષણનું માળખું આટલા સમયમાં મોટાભાગે અખંડ જ રહ્યું છે. મોટાભાગે દર વખતે આવા સરકારી પ્રયાસો છેવટે તો મીડિયાના સંયુક્ત મનોબળને વધુ સુદૃઢ કરવામાં જ પરિણમ્યા છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા સંરક્ષણ ઉપરાંત ભારતના નવજાત પ્રજાતંત્રને વધુ એક સદ્‌ભાગ્ય રૂપે તેના સર્વપ્રથમ લોકશાહી ‘પ્રશાસક’ તરીકે જવાહરલાલ નેહરુ સાંપડ્યા હતા.

નેહરુની ભૂમિકા તો જેટલી આંકીએ એટલી ઓછી છે. રાષ્ટ્રીય ચળવળમાંથી પોતાનાં મૂલ્યો અને અભિમુખતા કેળવનારા અન્ય તમામ ભારતીય નેતાઓની જેમ નેહરુને પણ એક સંસ્થા તરીકે અખબારો માટે બેહદ આદર હતો. તેઓ અખબારો અને પત્રકારો માટે પણ વ્યક્તિગત સન્માન ધરાવતા હતા. વ્યક્તિગત પત્રકારો તથા ચોક્કસ અખબારોનો માનમરતબો જાળવવા કે તેમની પ્રતિષ્ઠા કરવા માટે નહેરુએ એક હદથી પણ વધારે સવિશેષ પગલાં ભર્યાં હોય તેવા એકથી વધુ ઉદાહરણો હું ટાંકી શકું તેમ છું.

આઝાદી પછીના તરતના સમયમાં જ્યારે કોમ-કોમ વચ્ચેના સંબંધો બહુ ખટાશભર્યા હતા ત્યારે કેટલાંક અખબારો દ્વારા પ્રતિકૂળ ભૂમિકા ભજવવામાં આવી હોવા છતાં નેહરુ એ બાબતે એકદમ સ્પષ્ટ હતા કે સરકાર મીડિયા પર કોઇ અંકુશો નહીં લાદે અને મીડિયાએ પોતે જ પોતાના સંયમ અને મર્યાદાનાં ધોરણો ઘડી કાઢવાનાં રહેશે.

આપણે એ પણ સ્વીકારવાની જરૂર છે કે દરેક રાજ્ય અને તેની સરકારને પોતાની વાત રજૂ કરવાની પણ જરૂર રહેતી હોય છે. ભારતમાં સરકાર પોતાનો પક્ષ રજૂ કરવા માટે પ્રસારણ માધ્યમો – આકાશવાણી અને દૂરદર્શન – પરની પોતાની ઇજારાશાહીનો ઉપયોગ કરવા માંડી. થોડા સમયમાં જ એ ખ્યાલ આવવા લાગ્યો કે હજુ મોટા ભાગે અશિક્ષિત એવા સમાજમાં સરકાર રેડિયો અને ટેલિવિઝન પર નિરંકુશ અને બેમર્યાદ કાબૂ ધરાવતી હોય તો તેને તેના રાજકીય વિરોધીઓ પર અસમાન અને અન્યાયી સરસાઇ મળી જાય છે.

આથી, આપણે યાદ કરીએ તો, ૧૯૭૫-૧૯૭૭ના કટોકટીના અનુભવ બાદ એવી રાષ્ટ્રીય માગણી ઊભી થઇ કે જે તે સમયની સરકાર ને રાજ્યના તાબા હેઠળના મીડિયા પર એકપક્ષી અને અનુચિત એકાધિકાર ના હોય તે સુનિશ્ચિત થવું જોઇએ.

તે પછી આકાશવાણી અને દૂરદર્શનને ‘સ્વાયત્ત’ સંસ્થાઓ બનાવવાની કવાયત શરૂ થઇ. તેના પરિણામે આપણે ‘પ્રસાર ભારતી’ વ્યવસ્થાની રચના કરી જેનો હેતુ રાજ્યના તાબા હેઠળનાં સમાચાર માધ્યમોની સ્વાયત્ત કામગીરીને સંસ્થાકીય રૂપ આપવાનો હતો.

જો કે, કોઇ ‘સ્વાયત્ત’ વ્યવસ્થા રચવી એ એક વાત છે અને તે સ્વાયત્તતાને ખરેખર કાર્યાન્વિત કરવી કે કરવા દેવી તે તદ્દન જુદી વાત છે. એક દૃઢાગ્રહી, કૃતનિશ્ચયી સરકાર આ ‘સ્વાયત્તતા’ને આસાનીથી વટલાવી શકે છે.

અને એ પણ નોંધવું જોઇએ કે ૧૯૯૧ પછીના આર્થિક ઉદારીકરણના સમયગાળામાં ભારતમાં મીડિયાનું પરિદૃશ્ય જ સમૂળગું બદલાઇ ગયું હતું. ટેલિવિઝન ક્ષેત્રમાં એક પ્રચંડ વિસ્ફોટ સર્જાયો હતો. આંતરરાષ્ટ્રીય ધિરાણકારોએ વિશ્વબૅંક તથા આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળે – એક મુક્ત અને તેજસ્વી મીડિયા સામેલ હોય તેવાં સુશાસનને માત્ર પ્રોત્સાહન જ નહોતું આપ્યું પરંતુ તે માટે ખાસ આગ્રહ પણ સેવ્યો હતો.

ભારતમાં ૧૯૯૦ પછીના અરસામાં મીડિયા જગતમાં જે પ્રચંડ વિસ્ફોટ સાથે વિસ્તાર થયો તેની સમગ્ર ગાથા માંડવા માટે આ ઉચિત સ્થળ પણ નથી કે તેટલો સમય પણ નથી.

જો કે, આ પરિવર્તન પછી પણ મીડિયા અને કેન્દ્ર અને રાજ્યો ખાતેની રાજકીય સત્તાઓ વચ્ચેની પાયારૂપ ખેંચતાણ તો વણઉકેલાયેલી જ રહી હતી અને વાસ્તવમાં તે ક્યારે ય સંપૂર્ણપણે નાબૂદ થઇ શકે તેમ જ નથી. આ જ તો સત્તાની મૂળભૂત પ્રકૃતિ છે.

૨૦૧૪ પછી આપણે સૌ અસંમતિ સામે ધીમે ધીમે વધી રહેલી અસહિષ્ણુતાની વાતો કરીએ છીએ. પરંતુ, ન્યાયની રીતે એ નોંધવું જોઇએ કે આ અસહિષ્ણુતા આજકાલની નહીં પણ બહુ જ જૂની છે.

હું યાદ કરી શકું છું કે ૨૦૦૩માં હું ‘ધી હિન્દુ’ અખબારમાં ફરજ બજાવતો હતો ત્યારે (૧) તામિલનાડુ પોલીસ અખબારના એડિટર અને એક્ઝિક્યુટિવ એડિટરની ધરપકડ કરવા કેવી તલપાપડ હતી. એ એક ક્લાસિક કેસ હતો, એક નવા ઉદાહરણરૂપે, એક મુખ્યમંત્રી વિધાનગૃહમાં તેમની બહુમતીનો ઉપયોગ એક અખબારને ગૃહના તિરસ્કાર માટે દોષિત ઠેરવવા કરવા માંગતા હતા, કારણ કે તેઓ ગૃહના નેતા હતા અને એક મુખ્યપ્રધાન તરીકે તેમની જે કોઇ ટીકા થાય તે ગૃહના તિરસ્કાર બરોબર હતી!

હું ધારું છું કે હું એ મુદ્દા તરફ જ ધ્યાન દોરવા માંગું છું કે પત્રકારત્વનું ખેડાણ કરવું એ હંમેશાં એક જોખમી કામ રહ્યું છે જેમાં મીડિયાની સ્વતંત્રતા કે આઝાદીને શક્તિશાળી સરકારો, ઉદ્યોગ ગૃહો અને કઠોર અમલદારો જેવા તરાપ મારનારાઓ કે ઉલ્લંઘન કરનારાઓથી સાચવવાની હોય છે.

હવે હું આ પ્રવચનના બીજા ભાગ ‘મોદીનો સમય’ વિશે કહીશ.

‘મોદીનો સમય’ ખરેખર તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલના સમયમાં પત્રકારત્વનાં બદલાયેલા સંદર્ભો વિશેની વાત છે.

૧૯૯૧ પછી ભારતમાં મીડિયામાં કોર્પોરેટ હિતો અને મૂડીના ખુલ્લા અને સત્તાવાર ઉત્તેજન સાથેનો પ્રવેશ થયાનું આપણે જોયું. મીડિયામાં પણ ‘બજાર’માંથી કંપની સંચાલન પદ્ધતિઓ અને વ્યક્તિઓને આયાત કરવાનું ચલણી બન્યું. અચાનક મીડિયામાં પણ પત્રકારો અને મેનેજરોને અગાઉ કરતાં વધુ સારું વેતન મળવા લાગ્યું. તેને કારણે નવી પ્રતિભાઓ મીડિયા તરફ આકર્ષાવા લાગી અને આ વ્યવસાયમાં પણ બહુ જ ઉચ્ચ શિક્ષિત અને પ્રોફેશનલ તાલીમ પામેલા પત્રકારોનો પ્રવેશ થયો.

આ બધાના પરિણામે મીડિયાની પોતાની કામગીરી બજાવી શકવા માટેની ક્ષમતા, કૌશલ્ય અને સ્પર્ધાત્મકતામાં ખાસ્સી એવી વૃદ્ધિ થઇ.

મીડિયાના કોર્પોરેટાઇઝેશને અને એણે ‘બજાર’ની જરૂરિયાતો અને માંગ પ્રમાણે જે રીતે અનુકૂલન સાધ્યું તેના કારણે તેને એક પ્રકારની સ્વાયત્તતા પણ સાંપડી જેમ કે હવે અખબારોનો નિભાવ કેવળ અથવા તો મોટાભાગે સરકારી જાહેરખબરો પર જ હોય તેવું રહ્યું ન હતું અને પત્રકારોને પણ મકાન વગેરે મૂળભૂત જરૂરિયાતો માટે સરકારી લાભોની જરૂર રહી ન હતી.

જો કે, મીડિયાના કોર્પોરેટાઇઝેશનનાં કેટલાંક ઉધાર પાસાં પણ હતાં. જાહેરખબરોમાંથી વધારેને વધારે આવક રળવાની તલપવશ અને ખાનગી બિઝનેસ હિતોથી સંચાલિત થવાના કારણે મૂલ્યો અને અગ્રતાઓ પરત્વે મીડિયાની સમજ પર માઠી અસરો થઇ. થોડાં વર્ષો પહેલાં ભારતના સૌથી મોટાં અખબાર ગૃહના મેનેજિંગ ડાયરેક્ટર એક અમેરિકન મેગેઝિનને ઇન્ટરવ્યૂમાં એવું ગર્વભેર કહી શક્યા હતા કે “હું પોતે સમાચારના નહીં પરંતુ જાહેરખબરના વ્યવસાયમાં છું.’’ (૨)

દેશમાં અને વિદેશમાં પણ મીડિયાનો સંદર્ભ ઘણા અંશે બદલાઇ ચૂક્યો છે. હું બહુ જ સંક્ષિપ્તમાં આ બદલાયેલા સંદર્ભની ખાસ લાક્ષણિકતાઓ વિશે અને આ બદલાયેલા સંદર્ભનો  ‘પત્રકારત્વના ખેડાણ’ સંદર્ભે શો અર્થ થાય છે તેની વાત કરીશ.

વૈશ્વિકીકરણનો યુગ

સમાચાર માધ્યમો હવે વૈશ્વિકીકરણના સંદર્ભમાં કામ કરે છે. વૈશ્વિકીકરણના યુગમાં રાષ્ટ્ર-રાજ્ય અને તેની જે તે સમયની સરકારો તેના નાગરિકો પાસેથી જે પ્રકારનાં સંપૂર્ણ સન્માન અને સંપૂર્ણ આધિપત્યની અપેક્ષા સેવે છે તે પ્રાપ્ત થવામાં ચોક્કસ પ્રમાણમાં ઘટાડો જરૂર થયો છે. મીડિયા પણ ‘વિદેશી’ અભિપ્રાયો અને અભિવ્યક્તિને મુક્તપણે વધુ જગ્યા ફાળવી રહ્યું છે. મીડિયાની બહુ સરળ દલીલ એવી છે કે જો સરકારો પોતે વિદેશી રોકાણકારોને આકર્ષતી હોય તો પછી આપણી આંતરિક વ્યવસ્થાઓ અંગેના વિદેશી દૃષ્ટિકોણને પણ સાંભળવામાં આવે તે વાજબી જ છે.

વૈશ્વિકીકરણના યુગનો એ પણ અર્થ છે કે (રાષ્ટ્રીય) સરકારનો તેના પોતાના અર્થતંત્ર પર કોઇ અંકુશ રહ્યો નથી, અને તે પણ ‘વિદેશીઓ’ની પસંદગીઓને અવગણી શકતી નથી. પરંતુ તેમ છતાં પણ રાષ્ટ્રીય સરકાર પોતે એકલી જ ભારતની પ્રજાને જવાબ આપવા બંધાયેલી હોવાનું માને  છે. સમાચાર માધ્યમોને ફાળે આ બહુ જ અઘરું સંતુલન જાળવવાની ભૂમિકા આવી છે. આ ભૂમિકા એવી છે જેનો રાષ્ટ્રીય કે સ્થાનિક રાજકારણીઓને ભારે અણગમો છે.

ત્રાસવાદનો જમાનો

૯/૧૧ના આતંકવાદી હુમલા પછી વૈશ્વિક રીતે સંકળાવાની શરતો પણ નાટયાત્મક રીતે બદલાઇ ગઇ છે. ભારતમાં પણ એક પછી એક સરકારો સરહદોની મર્યાદા વિનાના ત્રાસવાદ સામે ઝઝૂમતી આવી છે. અને તેનો એ પણ મતલબ છે કે દરેક સરકારે ત્રાસવાદના દરેક કૃત્ય વખતે કરાતાં કથનો કે અભિપ્રાયોને અંકુશમાં આણવાનો પ્રયાસ કરવો પડ્યો છે. તાજેતરનાં વર્ષોમાં મોદી સરકાર સહિતની તમામ રાષ્ટ્રીય સરકારોએ દેશ તથા સમાજને ‘ત્રાસવાદી’ સામે બચાવતા ‘સૈનિક’ અને ‘પોલીસ જવાન’ને મીડિયા સન્માન આપે અને ધારાધોરણોનો ‘આદર’ કરે તેવી માગણી સેવવાનો વિશેષાધિકાર જાતે જ લઇ લીધો છે.

ત્રાસવાદના આ સમયમાં મીડિયા પાસે વ્યાવસાયિક તટસ્થતા કે અંતર જાળવવાનો વૈભવ રહ્યો નથી. રાષ્ટ્રીય સરકારની પ્રેરણાથી છેડાતી ‘રાષ્ટ્રવાદી’ ચર્ચાઓ કોઇ ત્રાસવાદી કે અંતિમવાદીનો પણ કોઇ ‘અભિપ્રાય’ હોઇ શકે તેવી દલીલને સ્વીકારવાનો જ ઇન્કાર કરી દે છે.

તેના પરિણામે  છેવટે મીડિયા ન્યાયીપણા અને લોકશાહી સંવેદનશીલતાનાં પોતાના પ્રણની જ કુસેવા કરે છે.

ઇન્ટરનેટ-વિકિલિક્સનો જમાનો

ઇન્ટરનેટના પ્રસારે તથા રાષ્ટ્રીય સરહદોને નજર અંદાજ કરવાની તેની ક્ષમતાએ ત્રાસવાદી જૂથોને વૈશ્વિક સમુદાય સુધી પહોંચવાની તાકાત પૂરી પાડી છે, પણ તેના કારણે મીડિયા ‘રાષ્ટ્રીય’ હિતોને ધ્યાનમાં રાખવા માટેનાં સ્થાનિક રાજકારણીઓ અને રાજકારણનાં દબાણોનો સામનો કરી રહ્યું છે.

ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘રાષ્ટ્રીય’ નેતાઓ અને ‘વૈશ્વિક’ મીડિયા વચ્ચે અસમાન ભૂમિકાએ યુદ્ધ છેડાઇ રહ્યું છે. સ્થાનિક નેતાઓ એ વાતે નારાજ થાય છે કે સોશિયલ મીડિયા તેમની પહોંચની બહાર છે અને સોશિયલ મીડિયા સત્તાવાર સરકારી વલણ અને સ્થાપિત વાતોને પડકારી શકે છે કે તેમાં ખલેલ પહોંચાડી શકે છે.

અત્રે એ યાદ અપાવું જોઇએ કે ૨૦૧૧ના અરસામાં તત્કાલીન માહિતી અને પ્રસારણ પ્રધાન કપિલ સિબ્બલે ફેસબૂક, માઇક્રોસોફ્ટ, ગૂગલ અને યાહુના સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવ્ઝને બોલાવીને ‘ભારતમાંથી લોકો દ્વારા આ મીડિયા પર મૂકાતી સામગ્રીની પૂર્વચકાસણી કરવા અને તે ઑનલાઇન જાય તે પહેલાં તેને દૂર કરવા’ જણાવ્યું હતું. દેખીતી રીતે તેઓ સ્પષ્ટપણે એવી માગણી કરી રહ્યા હતા કે તેમના પક્ષના વડા સોનિયા ગાંધી વિશેના તમામ ટીકાત્મક ઉલ્લેખો અને ટિપ્પણીઓને સોશિયલ મીડિયા પર પ્રિ-સેન્સર કરવામાં આવે. સ્વાભાવિક રીતે જ સોશિયલ મીડિયા સંસ્થાનોએ તેમની વાતને હસી કાઢી હતી અને સ્થાનિક વિપક્ષોએ તેમની મજાક ઉડાવી હતી.

આ બધાથી વિશેષ ‘મોદીનો સમય’ સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને પશ્ચિમી લોકશાહી વ્યવસ્થાઓમાં રાજકારણીઓના એક નવા જ ફાલના ઉદયનો છે. બિલ ક્લિન્ટન અને ટોની બ્લેર આ નવા પ્રકારના રાજકારણીઓનાં મુખ્ય ઉદાહરણ છે.

આ નવા રાજકારણીઓએ નેતૃત્વના મૂલ્યાંકન માટે એક નવો માપદંડ આપ્યો છે. આ માપદંડ છે ‘કાર્યસાધકતા’. અને આ ‘કાર્યસાધકતા’ની વ્યાખ્યા આદર્શવાદ કે વિચારધારાથી નિરપેક્ષપણે કરવામાં આવે છે. મારી ધારણા છે કે આ નવો માપદંડ લગભગ ૧૯૭૮ની આસપાસ પહેલીવાર ત્યારે પ્રસ્થાપિત થયો હતો જ્યારે ડેંગ ઝિઆઓપિંગે બહુ ગુમાન સાથે ઉચ્ચાર્યું હતું કે ‘બિલાડી કાળી છે કે ધોળી એ વાતનો કોઇ અર્થ નથી. જો એ બિલાડી ઉંદર પકડી લાવે છે તો એ સારી બિલાડી છે.’

આ નવા રાજકારણીઓના ઉદયનો મતલબ છે મીડિયા સાથે એક નવો સંબંધ. મીડિયાને એ ખ્યાલ આવતાં થોડો સમય લાગ્યો છે કે આ નવા રાજકારણી બહુ ચાલાક છે. તે બહુ બુદ્ધિશાળી, ધૂર્ત અને મોટાભાગે નીતિનિરપેક્ષ છે. તેઓ બહુ ખુશીપૂર્વક પેંતરા રચે છે અને મીડિયાને ગેરમાર્ગે દોરવા, ભુલામણીમાં નાખવા અને તેમનો ઉપયોગ કરી જવા માટે  કાયદેસરના અથવા તો કાયદાબાહ્ય, કેટલીકવાર ગેરકાયદેસર સ્રોતોનો ઉપયોગ કરવામાં પણ કોઇ ખચકાટ થતો નથી.

અને આ નવા નેતાઓ પોતાની જાતનો ‘કાર્યસક્ષમ’ મેનેજર તરીકે પ્રચાર કરે છે એટલે તેમને તેમના નેતૃત્વની ‘સફળતા’ના પુરાવા તરીકે એક કથન, એક શાબ્દિક માહોલ સર્જવાની જરૂર હોય છે અને તેથી એ સફળતાની ગાથાઓ વર્ણવવા માટે મીડિયાની સેવાઓ લેવાની જરૂર તેમને લાગે છે. તેનાથી વિપરીત રીતે મીડિયામાંથી જે લોકો આ નેતાની ‘સફળતા’ માટે બહુ ઉત્સાહ નથી દાખવતાં તેમને ડરાવવા ધમકાવવા તથા ફરજ પાડવાની અન્ય પ્રયુક્તિઓ અજમાવવા માટે નિશાન બનાવવામાં આવે છે.

આ નવા નેતાઓ ‘પ્રસંગો’ અને ‘તમાશા’ યોજવામાં ભારે ઉસ્તાદ છે. અને તેઓ તેમનાં આ સાહસમાં  અને  તેમને સક્ષમ અને સિદ્ધહસ્ત વહીવટકર્તા તરીકે ચિતરવામાં મીડિયા કોઇ ઝાઝા વિચાર વિના જ સહભાગી બને તેમ ઇચ્છતા હોય છે.

આ નવા નેતાઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં પણ માહેર છે – જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓ સીધા પ્રજાજોગ ટિ્‌વટ કરે છે અને તે રીતે તેઓ પરંપરાગત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને વટાવી જાય છે.

આ વર્ષના પ્રારંભમાં ‘વોશિંગ્ટન પોસ્ટ’ના એક્ઝિક્યુટિવ એડિટર માર્ટિન બેરોને યુનિવર્સિટી ઓફ ઑક્સફર્ડ ખાતે રોઇટર્સ મેમોરિયલ લેકચર આપ્યું હતું અને ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ના એક અહેવાલમાં બેરોનને આ પ્રવચનમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે ‘ટ્રમ્પે હોદ્દો સંભાળતાં પહેલાં તેમના સહાયકોને પ્રમુખ તરીકેના તેમના દરેક દિવસને એક એવા ટેલિવિઝન શોની જેમ જ ગણવાનું જણાવ્યું હતું જે શો માં પોતે રોજેરોજ પોતાના હરીફોને હરાવી દે છે.’

મોદી કદાચ એવા પહેલા ભારતીય વડાપ્રધાન છે જેઓ મીડિયાના બદલાયેલા સંદર્ભોને પૂરેપૂરા સમજે છે અને તેનું પૂરેપૂરું દોહન કરી રહ્યા છે.

મોદી સરકારે પરંપરાગત મીડિયાની આગળ નીકળી જવાની આ નવાં સમાચાર માધ્યમોની ક્ષમતા અને પ્રતિભાનો ભરપૂર ઉપયોગ કરવાની સાથે સાથે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક એમ બંને મીડિયાને પોતાના અભિપ્રાયને જ રાજકીય અગ્રતાઓ તરીકે પ્રતિબિંબિત કરવા માટે ઝુકાવી દેવાની કળામાં મહારત હાંસલ કરી લીધી છે.

મોદી સરકારને માધ્યમજગતની અંદર ચાલતી લડાઇઓ અને તકરારોની બહુ જ ઊંડી અને વિશેષ સમજ માટે પણ શ્રેય આપવું ઘટે. તે સમાચાર માધ્યમોમાં ક્યાં ક્યાં ફાટફૂટ છે તે બહુ ઊંડી રીતે જાણે છે. તે દરેકેદરેક સમાચાર માધ્યમ સંસ્થાની નાજુક નાણાંકીય સ્થિતિ વિશે પણ બહુ સવિસ્તર માહિતી ધરાવે છે.

આથી એમાં કોઇ નવાઇ કે આંચકો અનુભવવાની વાત નથી  કે એક સંસ્થા તરીકે મીડિયાએ મોદી સરકાર સામેની અનેક લડાઇમાં મા’ત ખાધી છે.

આ વાત જો જોવી હોય તો તે ઉદારમતવાદી અભિવ્યક્તિઓ અને સંવેદનાઓ માટેના છેલ્લા કિલ્લા તરીકે ઓળખાવાતી ન્યૂઝ ચેનલ એન.ડી.ટી.વી. પર આવી રહેલી આફતો અને તેની સામેના તેના સંઘર્ષમાં જોવા મળે છે.

ઑક્ટોબર-૨૦૧૬માં એન.ડી.ટી.વી.એ ભૂતપૂર્વ ગૃહમંત્રી પી. ચિદમ્બરમનો એક ઇન્ટરવ્યૂ પડતો મૂકવાનું પસંદ કર્યું હતું. તેણે આ રેકોર્ડેડ ઇન્ટરવ્યૂ ક્યારે પ્રસારિત થશે તેનો સમય પણ જાહેર કરી દીધો હતો. છેક છેલ્લી મિનિટે ચેનલે જાહેરાત કરવી પડી કે તે આ ઇન્ટરવ્યૂ પ્રસારિત નહીં કરે કારણ કે તે ‘રાષ્ટ્રીય સલામતી’ સાથે બાંધછોડ કરવા તૈયાર નથી.

અનેક ઉદારમતવાદી અને લોકશાહી પુરસ્કર્તાઓને એ વાતે ભારે હતાશા ઉપજી હતી કે આ ન્યૂઝ ચેનલ સરકારની ધાકધમકીઓને વશ થઇ ગઇ હતી. જો કે,ન્યાય ખાતર કહેવું પડે કે એન.ડી.ટી.વી.એ ક્યારે ય એવો સંકેત આપ્યો ન હતો કે તે ચિદમ્બરમનો ઇન્ટરવ્યૂ કોઇ દબાણને કારણે પડતો મૂકી રહી છે.

આ રીતે પૂરેપૂરી અને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લેવામાં આવી હતી. પરંતુ એન.ડી.ટી.વી.ને આવી ફરજ પાડનારાઓ પોતાના સ્વભાવ પ્રમાણે માત્ર આટલી શરણાગતિથી જ સંતુષ્ટ ન હતા.

જૂન ૨૦૧૭માં કરવેરા સત્તાવાળાઓએ એન.ડી.ટી.વી.ની ઑફિસો પર દરોડો પાડ્યો હતો. આ ખુલ્લંખુલ્લા ધમકાવવાની કવાયત હતી.

અને કદાચ સૌથી શરમજનક બાબત એ છે કે બીજા દિવસે એકમાત્ર ‘ધ ટ્રિબ્યૂન ’ જ એવું અખબાર હતું જેણે આ દરોડાને મીડિયા પરના હુમલા તરીકે ગણાવી વખોડી કાઢતો તંત્રીલેખ પ્રગટ કર્યો હતો.

અન્ય કેટલાંક અખબારોએ પોતાનું વલણ નક્કી કરતાં સમય લીધો હતો. બાકીનાં ઘણાંખરાં અખબારોએ એન.ડી.ટી.વી. પરના આ દરોડાને જાણ્યો નહીં જાણ્યો કર્યો હતો.

હું સત્તાવાળાઓ સાથેના મારા પોતાના સંઘર્ષની વાત સાથે આ પ્રવચનનું સમાપન કરવા ઇચ્છું છું. આ વર્ષના જાન્યુઆરી માસના પહેલા સપ્તાહમાં અમે આધાર ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત નથી અને માત્ર ૫૦૦માં આધાર ડેટાની અનેકાનેક વિગતો કેવી રીતે પ્રાપ્ત કરી શકાય છે તે અંગેનો અહેવાલ પ્રગટ કર્યો હતો.

આ અહેવાલ થકી અમે સરકારનો રોષ વહોરી લીધો હતો. સત્તાના મદમાં રાચતી સરકારે રિપોર્ટર અને અખબાર સામે એફ.આઇ.આર. ફટકારી દીધી હતી જેમાં ફોજદારી કાર્યવાહીની પણ સંભાવના હતી.

રસપ્રદ રીતે આ વખતે તમામ મીડિયાએ એકસૂરે અવાજ ઉઠાવતાં કહ્યું હતું કે ‘સંદેશાવાહકને નિશાન ના બનાવો.’

હું અને મારા સહકાર્યકરો અમને મળેલા રાષ્ટ્રવ્યાપી સમર્થનથી ગદગદિત થઇ ગયા હતા. આ એક આંતરરાષ્ટ્રીય સમાચાર બની ગયા હતા અને સરકારને આ એફ.આઇ.આર. બાબતે કૂણું વલણ અપનાવવું પડ્યું હતું. (૪)

પ્રકાશભાઈ, તમારી રજા સાથે હું દિલ્હી યુનિયન ઓફ જર્નાલિસ્ટ્‌સ દ્વારા ૧૦ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ યોજાયેલા વિરોધ સેમિનારમાં મેં જે કહ્યું હતું તે અહીં ફરીથી ટાંકવા ઇચ્છુ છું :

“આપણા સૌ માટે બહુ મોટી ચિંતાનો વિષય બની રહેવી જોઇએ તેવી બાબતે સંવાદ માટે આજે બપોરે અહીં એકત્ર થવા બદલ હું સૌ મિત્રોનો આભારી છું.

ધી ટ્રિબ્યૂન અને મારાં સહકાર્યકર સુશ્રી રચના ખૈરા સામે ફોજદારી કેસ કરવા બદલ સરકાર અને તેનાં સક્ષમ વાજિંત્રો એવાં યુ.આઇ.ડિ.એ.આઇ. તથા પોલીસ સામે પ્રકોપ ઠાલવવાને બદલે હું તેમનો આભાર વ્યક્ત કરવા ઇચ્છું છું.

હું શક્ય તેટલી તમામ ગંભીરતા અને જવાબદારી સાથે એવો પુનઃઉચ્ચાર કરવા ઇચ્છું છું કે સુશ્રી ખૈરાએ જે કાંઇ કર્યું તે એક પ્રોફેશનલ પત્રકાર તરીકેની પોતાની ફરજથી વિશેષ બીજું કશું નથી. અને અમે ‘ધી ટ્રિબ્યૂન’માં પણ અન્ય કોઇ અખબારના બીજા કોઇપણ તંત્રીએ જે કર્યું હોત તેનાથી સવિશેષ કશું કર્યું નથી.

અને મને કબૂલવા દોઃ અમે ‘ધી ટ્રિબ્યૂન’માં ફરજ બજાવનારાઓ અમારી જાતને કોઇ રખેવાળ તરીકે નિહાળતા નથી. અમે કાયમી બંડ ઉઠાવી રહ્યા નથી. અમે કોઇ ક્રાંતિ કરી રહ્યા નથી. અમે બંધારણ અને તેનાં મૂલ્યોમાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે બહુ એકાગ્ર રીતે અસંમતિની અભિવ્યક્તિને જગ્યા ઉપલબ્ધ કરાવવા ઇચ્છીએ છીએ.

અને તેમ છતાં અમને એક પ્રામાણિક કાયદેસરના સંશોધનાત્મક અહેવાલ લેખન માટે સતાવવામાં આવી રહ્યા છે, અમને હવે જૂની ઢબનાં ગણાઇ જાય એવા પત્રકારત્વનું ખેડાણ કરવા સબબ ધમકાવવામાં આવી રહ્યાં છે. અને જો આજના અભિમાની શાસકો રિપોર્ટર અને ધી ટ્રિબ્યૂનના તંત્રીની ધરપકડ કરવાનું વિચારી પણ શકતા હોય તો પછી ભારતનો કયો પત્રકાર એક પ્રામાણિક અહેવાલ શોધવા માટે પોતાની જાતને સલામત અને આશ્વસ્ત અનુભવશે ?

સમર્થન તથા શક્તિની જરૂરિયાતનો અચાનક અહેસાસ સમગ્ર મીડિયા બિરાદરીને કરાવવા બદલ અમારે સત્તાવાળાઓનો આભાર માનવાની જરૂર છે.

અમારા પર કાયદાની કડક જોગવાઇઓ લાદવા બદલ  પણ સત્તાવાળાઓનો આભાર માનવાની જરૂર છે કારણ કે અચાનક સરકાર તરફીથી માંડીને પ્રોફેશનલી સૌથી અલિપ્ત હોય તેવાં મીડિયા સંસ્થાનોને પણ એ ખ્યાલ આવ્યો છે કે આપણા પક્ષપાતનો ગમે તે રંગ હોય પણ કોઇ સબ ઇન્સપેક્ટર આપણામાંથી કોઇને પણ ક્યારે ય પણ હાજર થવાનું કહેવા આવી શકે છે. 

અમારે સત્તાવાળાઓનો એ બદલ પણ આભાર માનવાની જરૂર છે કે તેમણે આપણને યાદ કરાવ્યું છે કે આપણામાંના દરેકને દરરોજ સત્તાની સામે ઊભા રહેવા, અમલદારશાહી વિચારધારા સામે સવાલ ઉઠાવવા, સત્તાવાર આદેશ દ્વારા જેને રૂઢ કરાઇ હોય તેવી માહિતી સામે વાંધો ઉઠાવવાની તક છે.

અમારે સત્તાવાળાઓનો એ ફરીથી સાબિત કરી આપવા માટે આભાર માનવાની જરૂર છે કે ક્ષમતા પર રાજ્યનો કોઇ ઇજારો નથી, કે રાજ્ય તેના પદાધિકારીઓ પર આધારિત હોય છે અને આ પદાધિકારીઓ ઇશ્વર નથી કે બની શકે એમ નથી, કે આ પદાધિકારીઓ આપણા કલ્યાણના અધિષ્ઠાતાઓ તરીકે મોટાભાગે બિનસક્ષમ, બિનસજ્જ અને બિનકુશળ જ હોય છે.

અમારે સત્તાવાળાઓનો એ માટે પણ આભાર માનવાની જરૂર છે કે તેમણે પોતે જ પોતાની જાતને અને પોતાના આડંબરને ખુલ્લો પાડ્યો છે. 

અમારે સત્તાવાળાઓનો એ માટે પણ આભાર માનવાની જરૂર છે કે તેમણે દરેક ન્યૂઝરૂમની અંદર રહેલી દરેક રચના ખૈરાનાં મનમાં પુનઃ જુસ્સો, ઊર્જા અને પુણ્યપ્રકોપનું સિંચન કર્યું છે.

અમારે સત્તાવાળાઓનો આટલા અણઘડ, આટલા ગર્વિષ્ઠ અને આટલા અમલદારશાહી વલણ બદલ પણ આભાર માનવાની જરૂર છે કારણ કે તેના કારણે જવાબદાર પત્રકારત્વને આજે પડી છે એવી મોજ ક્યારે ય પડી નથી.

વિશાખાબહેન, પ્રકાશભાઈ, મને એ વાતે જરા ય ખેદ નથી કે અમારા આધાર અંગેના અહેવાલે એવી ઘટના પરંપરા સર્જી કે જેથી મારે ધી ટ્રિબ્યૂનમાંથી વિદાય લેવી પડી છે.

કારણ, હું એ ભારપૂર્વક જણાવવા માગું છું કે જે લોકો ‘મોદીના સમયમાં’ પત્રકારત્વનું ખેડાણ કરવા ઇચ્છે છે તેમણે તેની કિંમત ચૂકવવા તૈયાર રહેવું જ પડશે.જો કે, હું ભારપૂર્વક કહું છું કે તેમાં પણ મુખ્ય બાબત તો ‘જવાબદાર પત્રકારત્વ’ જ રહેશે.

હું નથી માનતો કે મીડિયા પાસે ‘જવાબદાર’થી કશું પણ ઓછું હોવાનો કોઇ પરવાનો હોય. સંતુલિત અને ન્યાયી રહેવું એ તેની ફરજ છે. તેણે પ્રામાણિકતાનું પત્રકારત્વ બનવું જ રહ્યું, તેણે ઉચ્ચ નૈતિક મૂલ્યો અને શ્રેષ્ઠ વૈશ્વિક કાર્યરીતિઓના અમલકર્તા બનવું જ રહ્યું.

અંતે હું કહેવા ઇચ્છીશ કે ‘મોદીના સમયમાં’ ભલે ‘પત્રકારત્વનું ખેડાણ’ કરવાનાં ઓજારો અને કાર્યપદ્ધતિઓ બદલાઇ ગયાં હોય પરંતુ ‘પત્રકારત્વ’નું હાર્દ તો એ જ પ્રામાણિક, મૂલ્યનિષ્ઠ, નૈતિક રીતે ટકી શકે તેવું લોકશાહી સાહસ જ રહેશે જે નીરુભાઇ દેસાઇના કાર્યકાળમાં હતું

પાદટીપ :

(૧) એક મીડિયા મેગેઝિન ‘ટોપસ્કેન’ના વોલ્યુમ ૫, ક્રમાંક ૧૦નું ડિસેમ્બર ૨૦૦૩નું કવરપેજ  ધ હિંદુ પરનાં હુમલા અંગે ચિત્કારીને કહે છે : ‘રાઇઝિંગ ઇન્ટોલરન્સ’.

(૨) એ પછી આ દલીલમાં જરી વધુ નિખાર આવ્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના કોલમિસ્ટ સંતોષ દેસાઇ નોંધે છે તેમ, “એક બહુ મહત્ત્વપૂર્ણ પરિવર્તન ખાસ ઢાંક્યું ન રહે એ રીતે પત્રકારત્વના પ્રોફેશનને બદલે મીડિયા બિઝનેસરૂપે ઊભર્યું છે. (ધી ટાઇમ્સ  ઑફ ઇન્ડિયા, ઑગસ્ટ ૧૫, ૨૦૧૭)

(૩) ભારતની લઘુમતીઓને મેઇનસ્ટ્રીમ મીડિયાથી નાખુશ થવાને ઘણાં કારણો છે. લઘુમતી કોમના એક પ્રકાશન ધી મીલી ગેઝેટના ૩૦ એપ્રિલ, ૨૦૦૯માં હેડલાઇન અપાઇ છે, ‘‘ત્રાસવાદનો ભય ફેલાવવામાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા આગેવાની લઇ રહ્યું છે’’. ફેબ્રુઆરી ૨૦૧૮માં નેશનલ ઇન્વેિસ્ટગેશન એજન્સીએ એક કાશ્મીરી પત્રકાર કામરાન યુસુફ સામે તે “પત્રકાર તરીકેની નૈતિક ફરજ બજાવવામાં નિષ્ફળ” હોવાનો આરોપ મૂકી કેસ નોંધ્યો હતો. વાસ્તવમાં પત્રકારની ફરજ તો પોતાની આસપાસ સારું કે નરસું જે થતું હોય તે બંનેનો અહેવાલ આપવાની છે. તેને બદલે એન.આઇ.એ.એ દિલ્હીની એક કોર્ટમાં એવું જણાવ્યું હતું કે કામરાન યુસુફે ક્યારે ય કોઇ વિકાસ કાર્યનો અહેવાલ આપ્યો જ નથી. કલ્પના શર્મા, “સાચા ભારતીય પત્રકારોઃ શાસક વર્ગની મરજીનું અનુસરણ,એન.આઇ.એ.એ પત્રકારોની નૈતિક ફરજનું બયાન કર્યું. ’’ માસ મીડિયા, (માર્ચ ૨૦૧૮)

(૪) ભારે જનાક્રોશ જાગતાં આઇ.ટી. મિનિસ્ટર રવિશંકર પ્રસાદે એવો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો કે સરકાર ધી ટ્રિબ્યૂન અથવા તો તેના પત્રકાર સામે ખટલો ચલાવવા માગતી નથી. તેને બદલે તેમણે તા. ૮ જાન્યુઆરીના એક ટિ્‌વટમાં જણાવ્યું હતું કે ‘’એફ.આઇ.આર. અજાણ્યા ઇસમો સામે દાખલ કરવામાં આવી છે. ’’ જો કે, રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન હંસરાજ ગંગારામ આહિરે રાજ્યસભામાં એક લિખિત પ્રશ્નના જવાબમાં સ્વીકાર્યું હતું કે એફ.આઇ.આર.માં “ટ્રિબ્યૂન અખબારના પત્રકારના નામનો ઉલ્લેખ કરાયો હતો.”

(ધી ટ્રિબ્યૂન, દિલ્હી આવૃત્તિ , માર્ચ ૨૯, ૨૦૧૮)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2018; પૃ. 03-07

છબિ સૌજન્ય : ડૉ. અિશ્વનકુમાર [‘અિશ્વિનયત’]

Loading

1 May 2018 હરીશ ખરે
← દેશમાં ચૂંટણી સિવાયના પણ મુદ્દાઓ છે
બે મિનિટનું મૌન-મરીપરવારેલી ચેતના માટે →

Search by

Opinion

  • લાકડાના વેપારીની બોઇંગ કંપનીનું સો વર્ષનું એકચક્રી શાસન ડામડોળ થઇ રહ્યું છે
  • ….. તો શું થાત?
  • અમેરિકી પ્રમુખ ટ્રમ્પને નોબેલ ‘અશાંતિ’ પુરસ્કાર અપાવો જોઈએ …
  • ભારતીય ઉડ્‍ડયન ક્ષેત્રના રન-વેની વિટંબણાઓઃ સલામતી, આર્થિક મજબૂતાઈ, નીતિની ગૂંચ જેવા બર્ડ હિટ
  • પશ્ચિમનો યુગ પૂરો થઈ ગયો છે

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • ગાંધીમાર્ગ કઠિન છે?
  • બાપુનો દાંત
  • વિરાટદર્શન
  • નિર્મમ પ્રેમી
  • મારી અહિંસા-યાત્રા

Poetry

  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ
  • હે કૃષ્ણ ! કોણ છે તું?
  • આ યુદ્ધ છે !

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved