સ્થાપિત હિતોના મેળાપીપણાએ બધી હદ પાર કરી દીધી, જ્યારે એણે ઉન્નાવની અત્યાચારનો ભોગ બનેલી યુવતીનાં બાપને બેરહમ માર મારી એનો જીવ લીધો કે કઠુઆની બાળકીની બળાત્કાર પછી હત્યા કરવામાં આવી. બંને ભયાનક બનાવોમાં એક હકીકત સામાન્ય જણાઈ અને તે રાજકીય વગનો પ્રભાવ, પોલીસ અને વકીલોની સાઠગાંઠ અને અપરાધીઓના બચાવ અંગેની વ્યૂહરચનાઓ.
પશુપાલનના વ્યવસાયમાં ભટકતા સમુદાય પાસે આપણી સંવેદનાવિહીન, જડ ન્યાયશૈલી સામે લડવાની કેટલી તાકાત હોય? આવા હિંસક સમાજમાં છોકરીઓની રક્ષા કોણ, કેવી રીતે કરવાનું? અને વડાપ્રધાન દિવસમાં સેંકડો વખત ‘દીકરીઓને ન્યાય મળશે’નું રટણ કરે તોયે મરનારનો પરિવાર એમનો કેટલો ભરોસો કરી શકવાનો? વડાપ્રધાનને તો આટલું બોલવા માટે ય કેટલો બધો સમય લાગ્યો! શાસકપક્ષે જ એકઠી કરી છે એ જમાત આટલી બધી જાડી ચામડીની શી રીતે હોય, સવાલ અજંપો પેદા કરે એવો છે.
અન્યાય અને શોષણની આ પ્રકારની ક્રૂર ઘટના માટે અધિકારી વર્ગે અને શાસક વર્ગે જે સંવેદના દાખવવી જોઈએ. એના સદંતર અભાવમાં આખો સમાજ ઉઘાડો પડી રહ્યો છે. કઠુઆ કે ઉન્નાવની ઘટનાઓ વિશે આપણને ક્યાં અને કેટલું લાગેવળગે છે ? આપણા જલસાઘરમાં નીતનવા ઓચ્છવ થતા રહ્યા, સંસ્કૃિતપર્વો અને એની સાથે મેળ પાડતા બીજા ખેલતમાશા ચાલુ રહ્યા, ભલે એમ, પણ એમાં ક્યાંયે, બેપાંચ મિનિટ માટે ય, સમગ્ર દેશ, પ્રજા, રાજા અને માનવજાત માટે લાંછનરૂપ આ ઘટનાઓનો ઓછાયો વરતાયો? બે મિનિટનાં મૌન – મરી ગયેલી બાળકી માટે નહીં, પણ મરીપરવારેલી આપણી કે શાસકવર્ગની ચેતના માટે રખાયાં?
આપણી લોકતાંત્રિક પદ્ધતિમાં જે કંઈ બચ્યું છે, એ જાળવવાની પ્રજાની જવાબદારી છે. વારંવાર બનતી કઠુઆ કે ઉન્નાવ જેવી ઘટનાઓ શરમજનક છે, એમ બોલ્યા કરવાથી કશું વળવાનું નથી. જે દશામાં પરિવર્તન લાવી શકે એવા હોદ્દા કે ક્ષમતા ધરાવે છે, એમને શરમ આવે તો જ કંઈક નીપજે, આપણી શરમનું મૂલ્ય શું! ઉન્નાવના બનાવને તો કેટલો સમય વીતી ગયો છે અને કઠુઆને પણ બે મહિના ઉપર થઈ ગયા, જ્યાં સુધી સંબંધિતોએ માથાં પછાડ્યાં નહીં, ત્યાં સુધી કોઈનું રૂંવાડું સુધ્ધાં નથી ફરક્યું. પેલા સેંગરને તો ટીવી પર મલકતા દીઠા હશે આખા દેશે, થોડાક શબ્દો, જેના પર કાળી પટ્ટી ચોંટાડી દેવી પડે, એમાંનો એક છે નૈતિક જવાબદારી. આમ તો ‘બેટીબચાવો ને પઢાવો’ દ્વારા શાસક પક્ષે જે કંઈ ચાપું ચપટી સદ્ભાવ રળ્યો હશે તે યે આ સેંગર જેવા ધૂળ રાખ કરવા બેઠા છે, એટલુંયે ટોચ પર જામેલાઓ નહીં જોતા હોય? સત્તા વ્યક્તિને આ હદે નિર્મૂળ કરી નાખે કે એની સારપ સઘળી સતત ધોવાતી જ જાય? પછી જે બચતું હશે એ શું હોઈ શકે?
અબ્રામા, વલસાડ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2018; પૃ. 13