લંડનના નેશનલ થિયેટર દ્વારા, અનુપમા ચંદ્રશેખર લિખિત ‘ધ ફાધર એન્ડ ધ એસેસીન’ નામક નાટક, 2022 અને 2023માં મંચસ્થ કરવામાં આવેલું. એ ગાંધી અને તેમના હત્યારા નાથુરામ ગોડસેની કહાની રોચક રીતે રજૂ કરે છે. તેમાં ગાંધીનું પાત્ર ભજવનાર પૉલ બેઝલી આ વર્ષના ‘ગાંધી ફાઉન્ડેશન યુ.કે.’ના વાર્ષિક પ્રવચનના [19 ઑક્ટોબર 2023] મુખ્ય વક્તા હતા. પૉલ બેઝલીનું વક્તવ્ય એમના જ શબ્દોમાં પ્રસ્તુત છે :
મેં કદી ન કર્યું હોય તેવું કાર્ય કરવાનું મને કહેવામાં આવે, ત્યારે મારા દિલમાં ભયની શૂળ ભોંકાય છે. મારુ અંતર કહે છે, આ કામ કરવા માટે હું લાયક નથી; પછી એ કોઈ પીસ ચેરિટીના ટ્રસ્ટી બનવાનું હોય, ગાંધીનો પાઠ ભજવવાનો હોય કે આપના જેવા સુશ્રુત વકતાઓ સમક્ષ વક્તવ્ય આપવાનું હોય. પણ દુનિયામાં કોઈ મને તક આપે કે પડકાર ફેંકે તો ‘હા’ કહેવાની પણ મને આદત છે. અને એટલે જ હું આજે આપની સમક્ષ હાજર થયો છું.
નેશનલ થિયેટરમાં અનુપમા ચંદ્રશેખરનું અદ્દભુત નાટક ‘ધ ફાધર એન ધ એસેસીન’ ભજવાયું તેમાં ગાંધી તરીકે આભું ય કરવાનું મેં હમણાં જ પૂરું કર્યું.
નાટકની શરૂઆતમાં નાથુરામ ગોડસે કહે છે, જો આપણે એ ઘટનાઓને તેની દૃષ્ટિથી સાંભળીશું તો ગોડસેના માનમાં મંદિરો બાંધવા લાગીશું (હાલમાં ભારતમાં એમ જ બની રહ્યું છે). એક રીતે આ નાટક કોઈ વ્યક્તિ અગાઉથી ઘડી કાઢેલી યોજના પ્રમાણે ખૂન કરનાર કેવી રીતે બની શકે તે તપાસે છે. પરંતુ મને આ નાટકનું કથાવસ્તુ ધ્રુવીકરણનું વિરોધી અને છેદ ઉડાડવાના વલણનું વિરોધી હોય તેમ માનવાનું મન થાય. એ આપણને આપણા પૂર્વગ્રહો એક તરફ મૂકીને યથાર્થપણે એ યુવાનના જોડામાં પગ મુકવાનું કહે છે. ગાંધી આપણને હંમેશ આ રીત જ અપનાવવાનું કહેતા. અને પછી એ નાટ્યલેખિકા સૂચન કરે છે કે ગોડસેમાં આવેલ વર્તન પરિવર્તનના કારણો વિશે આપણે જાતે નિર્ણય લઈએ.
હું ગાંધીનું પાત્ર ભજવવાની કક્ષાએ કઈ રીતે પહોંચ્યો, મારા અભિનયને અસરકારક બનાવવા કાંતણનો શો પ્રભાવ હતો અને એ પ્રક્રિયામાંથી હું શું શીખ્યો એ કહેવા માટે મને આમંત્રણ આપવામાં આવ્યું છે.
તે પહેલા થોડું મારા વિશે. મારા માતાપિતા બંને મૂળે ચેન્નાઈના. 1960ની શરૂઆતમાં યુનાઇટેડ કિંગ્ડમ આવ્યાં. હું 1968માં દક્ષિણ લંડનમાં એકદમ સાદા ઘરમાં જન્મ્યો. અમારા ઘરમાં જૂજ પુસ્તકો હતાં અને અમારા પરિવારમાં કોઈ કલાકાર નહોતા, પરંતુ ખૂબ સ્વાદિષ્ટ ભારતીય ખાણું ભરપૂર મળી રહેતું. મારા કુટુંબીઓ એક એવા ચમત્કારિક સ્થળની વાત કરતા, જે મેં ક્યારે ય જોયું નહોતું. 50 અને 60ના દાયકાનું ભારત, જેનું એ લોકો વર્ણન કરતા હતા એ રંગીન, ધબકતું અને જીવંત હતું, જ્યારે 70ના દાયકાના સમયનું ઝાંખું અને ઉદાસીન ઇંગ્લેન્ડ એવું નહોતું. ખરેખર તો મને લાગે છે કે મારા કાકા અને મામા તેમની વીતેલી યુવાનીનો શોક અનુભવતા હતા અને પોતાની મધ્યવયસ્કતાનો અફસોસ કરતા હતા. પણ એક બાળક તરીકે એ બધું મારા દિમાગ પરથી પસાર થઇ જતું. હું એક ડરપોક અને રમતગમતમાં માહેર નહીં તેવો બાળક હતો અને સ્થળાંતર કરીને આવેલી પ્રજાની પછીની પેઢીના લોકો અનુભવે તેવી અસલામતીનો ભોગ બનેલ હતો. મને એવો ભાસ થતો કે હું અહીંનો રહેવાસી નથી અને જેને હું મારું એકમાત્ર ઘર માનું છું ત્યાં મને કોઈ આવકારતું નથી. અને એ તફાવત મારી ત્વચાના રંગને કારણે સહેલાઈથી જોઈ શકતો હતો. મને બીજી ઘણી વસ્તુઓનો ડર લાગતો; અંધારું, મૃત્યુ, શાળામાં પજવણી કરનાર વિદ્યાર્થીઓ અને સત્તા પદ પર રહેલા લોકોની નારાજગી.
ક્રોયડનના ઓડિયન સિનેમાગૃહમાં રિચર્ડ એટીનબરોની ફિલ્મ ‘ગાંધી’ જોવા ગયા એ મારા બાળપણનો એક અતિ મહત્ત્વનો પ્રસંગ હતો. હું 14 વર્ષનો હતો. એ ઘટના ઘણા કારણોસર અસાધારણ હતી. પહેલું તો એ કે મને મારા માતા પિતા પોતાની સાથે લઈ ગયેલાં. મારા પિતા કદી ફિલ્મ જોવા ન જતા. બીજું કારણ, એ ચાલુ કામના દિવસનો સાંજનો શો હતો, જેમાં માત્ર પુખ્ત વયના લોકો જ હતા. ત્રીજું કારણ, ત્યાં મોટી સંખ્યામાં સુંદર સાડી અને પાઘડી પહેરેલા ભારતીય દર્શકો હતા. આખરી કારણ, એ ફિલ્મનું કથાવસ્તુ મારા મન પર અમીટ છાપ મૂકી ગયું. બેન કિંગ્સલીના અદ્દભુત અભિનયે કદમાં નાની અને નિર્બળ દેખાતી એક વ્યક્તિએ એવી શક્તિનો ઉપયોગ કર્યો જે હિંસા નહોતી, છતાં સમસ્યાનો હલ લાવી શકે એ હકીકતને હૂબહૂ રજૂ કરી. સ્ટાર વોર્સ અને ટોમ અને જેરી જેવા કાર્યક્રમો જોઈને ઉછરેલા બાળક માટે આ એકદમ ક્રાંતિકારી વિચાર હતો. મારી અંદર કશુંક બદલાયેલું અનુભવ્યું, પણ જે જાણકારી મળી તેનું મારે શું કરવું એ ન સમજાયું. હું હજી શાળામાં બીજા વિદ્યાર્થીઓથી ડરતો હતો. મને ખબર નહોતી કે ગાંધીનો ઉપદેશ અને પદ્ધતિ શીખી શકાય અને તેને મારા જીવનમાં પ્રયોજી શકાય.
હું નાટ્યકલાના આશ્રયે ગયો. અહીં લોકો મને જોઈ શકે, છતાં બીજાની સામે પ્રત્યક્ષ આવવાથી મને જે જોખમનો અનુભવ થતો હતો તેનો અહીં અભાવ હતો અને એ દૃષ્ટિએ અન્ય પરિસ્થિતિની સરખામણીમાં આ જગ્યા સલામત હતી. મને થોડા સમયમાં પ્રતીતિ થઈ કે મારો અભિનય લોકોને પસંદ પડતો હતો. હું બીજાને હસાવી શકતો અને ઉત્તેજિત કરી શકતો હતો. આ સફળતાની લાગણી નશો ચડાવનારી હતી. વિદેશી વસાહતીઓના પરિવારમાંથી આવેલા મને ખ્યાલ નહોતો કે આવું કામ કરવાથી કોઈ પોતાનો ગુજારો કરી શકે. મારા પિતાને હું કમ્પ્યુટિંગની તાલીમ લઉં તેવી ઈચ્છા હતી. ખરેખર તો મને પણ એવી જ ઈચ્છા હતી. પરંતુ સિક્સ્થ ફોર્મમાં હતો ત્યારે મારા મનમાં પડેલી બહાદુરી સાથે બળવાની એક પાતળી રેખાનો આખરે મેળ સધાયો અને મેં નાટ્ય શાળામાં જવાનું નક્કી કર્યું. ત્યાંથી મારી અભિનયની કારકિર્દીની શરૂઆત થઇ. હું કેટલીક કઠિનાઈ ભરેલી પરિસ્થિતિમાંથી પસાર થયો છું, પણ દુનિયાના ઘણા કુશળ કલાકારો સાથે કામ કરવાનું સદ્દભાગ્ય પણ મળ્યું છે. મારાં પત્ની, જે નાટ્ય કથા લેખિકા છે તેમની સાથે મળીને અમે અમારાં બિલ ચૂકવી શક્યાં છીએ અને બે બાળકોને ઉછેરી શક્યાં છીએ.
પણ મને મારા જીવનમાં હંમેશાં કશુંક ખૂટે છે એવું લાગતું હતું. મારાં માતા પિતા ક્રિશ્ચિયન છે, મારા પિતાજીને ક્વાયરમાં ગાવાનો શોખ, તેથી બાળપણમાં હું ઘણી વખત ચર્ચમાં જતો. મને જીસસના વિચારો ગમતા, પરંતુ ચર્ચમાં અપાતા ઉપદેશ મુજબ મારા મિત્રો, જે ક્રિશ્ચિયન ન હોય તેમને સ્વર્ગમાં પ્રવેશ ન મળે એ વાત સમજમાં ન આવતી. મને એ વિચાર જરા પણ ન રુચ્યો, તેથી 18 વર્ષની વયે મેં ચર્ચ જવાનું છોડી દીધું. થોડાં વર્ષો સુધી સુખ એ જ ખરુ સાધ્ય છે એમ કહેનાર તત્ત્વ પ્રણાલીમાં માન્યતા ધરાવ્યા બાદ અને ધર્મમાં શ્રદ્ધા ધરાવતો હોઉં એવો અભિનય કર્યા બાદ મને આધ્યાત્મિક જગતની ફરી ભાળ મળી. મને હંમેશાં પર્યાવરણવાદનું આકર્ષણ રહ્યું છે, અને આખર સતીશ કુમારના સામયિક ‘રિસર્જન્સ’માં ‘યોર લાઈફ ઇસ યોર મેસેજ’ નામના પુસ્તકની સમીક્ષા વાંચી. એ ધ્યાન – ચિંતનના ગુરુ એકનાથ ઇસ્વરને ગાંધીના જીવન અને સંદેશ વિષે લખેલું પુસ્તક છે. હું તેનાથી મોહિત થઈ ગયો. હું તરત ધ્યાન ધરવા લાગ્યો અને ગાંધીના જીવન અને તેમના દાર્શનિક વિચારો વિશે વધુ ને વધુ જાણવા લાગ્યો. મેં કદી ન વાંચ્યું હોય તેવું એક મહત્ત્વનું પુસ્તક ઇસ્વરને લખ્યું છે, જેનું શીર્ષક છે, ‘ગાંધી ધ મેન’, અને તેમાં ગાંધી એક શરમાળ બાળક અને સાધારણ વકીલમાંથી એક પણ ગોળીનો વાર કાર્ય વગર બ્રિટિશ સલ્તનતને ઉથલાવી પાડનાર વ્યક્તિમાં કેવી રીતે પરિવર્તિત થયા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમની રાજકીય નહીં પરંતુ આધ્યાત્મિક સફરનું તેમાં વિવરણ છે.
પશ્ચિમી સભ્યતા ગાંધીને એક રાજકારણી અને સારા યુક્તિબાજ તરીકે એક પેટીમાં રાખવા માંગે છે. ગાંધીના આધ્યાત્મિક સ્રોત, કે જેમાંથી તેમને પ્રેરણા અને શક્તિ મળતી, તેને ગણતરીમાં લેવાની એ લોકોને જરા પણ ખ્વાહિશ નથી. પણ મારા મતે ગઈ સદીમાં થઈ ગયેલા બધા મહાપુરુષો મુખ્યત્વે આધ્યાત્મિકતાથી દોરવાયેલા હતા. ડેસમન્ડ ટુટુ, માર્ટિન લ્યુથર કિંગ અને મહામહિમ દલાઈ લામા. હું ઇસ્વરનના એક શિષ્યને મળ્યો. પ્રોફેસર માઈકલ નેગલર. તેઓએ બર્કલી યુનિવર્સિટીમાં ગાંધી પ્રેરિત અહિંસાનો અભ્યાસક્રમ ઘડ્યો અને ભણાવ્યો, અને હવે મેટા સેન્ટર ફોર નોન-વાયોલન્સનું સંચાલન કરે છે. મેં પરોક્ષ શ્રાવ્ય સાધનથી એમના પ્રવચન સાંભળ્યા અને એ રીતે હું ગાંધીનું તત્ત્વજ્ઞાન અને ખાસ કરીને તેમના કાર્યની મુખ્ય બે શાખાઓ, રચનાત્મક અને અવરોધક કાર્યક્રમ વિશે વધુ જાણવા લાગ્યો. મેં ઇસ્વરનના કેટલાક પુસ્તકોનું શબ્દ રૂપાંતર પણ કર્યું છે (ઇસ્વરન સૂચના મૂકી ગયા હતા કે લાંબા સમયથી ધ્યાનનો અભ્યાસ કર્યો હોય તેવી વ્યક્તિ જ તેમના પુસ્તકોનું શબ્દ રૂપાંતર કરે). મેં તેમના પુસ્તક ‘ગાંધી ધ મેન’ અને ‘પેસેજ ટુ મેડિટેશન’ (Passage to Meditation), ગાંધીના મહાન અનુયાયી ખાન અબ્દુલ ગફાર ખાન, કે જેઓએ પઠાણોની આગેવાની કરી અને સર્વ પ્રથમ અહિંસક દળ – ખુદાઈ ખિદમતગાર સ્થાપના કરી, તેમની આત્મકથા, ઇસ્વરનના ભગવદ્દગીતા, ઉપનિષદ અને બૌદ્ધ ધમ્મ પદની માર્ગદર્શિકા અને અનુવાદોનું પણ શબ્દ રૂપાંતર કર્યું છે. ગાંધીના દૃષ્ટિકોણના મૂળમાં વેદાંતનું તત્ત્વજ્ઞાન રહેલ છે તેને હું સમજવા લાગ્યો.
મારે અહિંસાનો અમલ કરવો હતો. તેથી માઈકલ રોઝનબર્ગે ઘડી કાઢેલા અભ્યાસક્રમ નોન વાયોલન્સ કમ્યુનિકેશન(NVC)નો અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો. એ મારું સર્વાંગી પરિવર્તન કરી દેનારો નીવડ્યો. મને પહેલી વખત એવો અહેસાસ થયો કે મારી પોતાની જિંદગીમાં હું કોઈ પડકાર કે ખુદ હિંસાનો સામનો હિંસાનો આશ્રય લીધા વિના કરી શકું તેમ છું. હું અને મારાં પત્ની કવેકરની મિટિંગમાં જવા લાગ્યાં. સમય જતાં એ લોકોએ મને પૂર્વ આફ્રિકાના દેશોમાં સ્થાનિક લોકો શાંતિ સ્થાપવા માટે પાયાનું કામ કરતા હોય તેમને ઉપયોગી સ્રોત પૂરા પાડનાર કમિટીમાં સામેલ કર્યો. નોન વાયોલન્સ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો હોવાને કારણે મને ઓપન એજ ટ્રાન્સફોર્મિંગ કોન્ફ્લિક્ટ નામની એક નાનીશી શાંતિ સ્થાપક સંસ્થાના બોર્ડ મેમ્બર થવાનું પણ કહેવામાં આવ્યું.
મને ક્યારે ય એવો વિચાર નહોતો આવ્યો કે હું ગાંધીની ભૂમિકા ભજવીશ. હું ત્યારે ઉંમરમાં ઘણો નાનો હતો અને હજુ પણ ઘણો ઊંચો છું. પણ સમયની બલિહારી છે. જ્યારે ગયા વર્ષે નેશનલ થિયેટરમાં ભજવાયેલા ‘ફાધર એન્ડ ધ એસેસીન’ નાટકના દિગ્દર્શક ઇન્દુ રૂબસિંગમે મને ગાંધીની ભૂમિકા ભજવવાનું કહ્યું ત્યારે મને પ્રતીત થયું કે કદાચ મારી જાણ બહાર આ ભૂમિકા ભજવવા માટે હું દાયકાઓથી તૈયારી કરતો હતો. એ અપેક્ષા પૂર્ણ કરવી એ ઘણું કઠિન કામ હતું, પણ હું જાણતો હતો કે મારે એ કરવું જ રહ્યું. છતાં મેં મારા દિગ્દર્શકને કહ્યું કે જો તેઓ મને આ ભૂમિકા આપશે તો હું તેમને સતત કાંટાની જેમ ખૂંચ્યા કરીશ. ગાંધી આપણા બધા કરતાં અને કોઈ પણ નાટ્ય કૃતિ કરતાં મહાન હતા, માટે આપણે ખાતરી કરવી જોઈશે કે એકેએક શબ્દ આપણે બોલીએ તે આપણે ગાંધી અને તેમના તત્ત્વજ્ઞાનને જેટલી બને તેટલી સારી રીતે સમજ્યા હોઈએ તેની સાથે સુમેળ ધરાવતા હોવા જોઈએ. હું નસીબદાર હતો કે અનુપમા ખૂબ ઉદાર નાટ્ય લેખિકા છે. નાટકના મૌખિક પૂર્વપ્રયોગ દરમિયાન સહકારથી કામ કરવા તૈયાર હતાં અને હું ‘ગાંધી ધ મેન’ પુસ્તક મારા હાથમાં લઈને અવારનવાર એમની પાસે જતો અને કોઈ શબ્દ કાઢી નાખવા, બદલવા કે એ જ શબ્દપ્રયોગને બદલે વધુ આધ્યાત્મિક શબ્દ ઉમેરવા સૂચન કર્યા કરતો. ઇન્દુને ગાંધીની રાજકીય બાજુ માટે વધુ દિલચસ્પી હતી, તેથી અમારા બંને વચ્ચે ઘણી રસપ્રદ ચર્ચા થતી, પણ અંતે અમે એક મધ્યમ માર્ગ કાઢતાં. ચર્ચાનો એક મુદ્દો એ હતો કે મીઠાના સત્યાગ્રહ માટે કૂચનું દૃશ્ય ખૂબ લાંબુ હતું. તેમણે સૂચન કર્યું કે ગાંધીના શબ્દો, “આપણા આંદોલનનો ઉદ્દેશ ન્યાયી છે, આપણા સાધનો અને માર્ગ મજબૂત છે અને ઈશ્વર આપણી સાથે છે” એ બાતલ કરવા જોઈએ, કેમ કે એ નાટકના કથાવસ્તુમાં કંઇ ઉમેરો નથી કરતા. મેં સામી દલીલ કરી કે આખા નાટકમાં એ જ સહુથી વધુ મહત્ત્વનું વાક્ય હતું, અને તેઓ બીજા કોઈ વાક્યોની છટણી કરી શકે પણ આ વાક્યની નહીં. નાટકના અન્ય અદાકારો અમે આવા મતભેદોનો હલ કરીએ ત્યાં સુધી શાંતિથી બેસવા ટેવાઈ ગયા હતા.
તો, નાટકના મહાવરા માટે હું કઈ રીતે તૈયાર થયો? હું જાણતો હતો કે ગાંધીનો સ્વાંગ ધરવાથી દર્શકોને સંતુષ્ટ નહીં કરી શકાય. મારે ગાંધીનું એક આદર્શ તરીકે નહીં પણ એક માનવ તરીકેનું તાત્ત્વિક પાસું રજૂ કરવું જોઈએ. સંત આખર છે શું? પશ્ચિમના લોકોને એ વિભાવના અગવડભરી લાગે છે. એ લોકો કાં તો સંતને તોડી પાડવા માંગે છે અથવા એક દંતકથા માનીને અભેરાઈ પર રાખી મૂકવા માંગે છે. અથવા તેના ભક્તોની એક એવી દૃષ્ટિ છે કે સંતો પૂર્ણ પુરુષ હોય છે, અને તેમને બીજી કોઈ રીતે વર્ણવી ન શકાય. પણ જો કોઈ સંપૂર્ણ હોય તો તેમની સાથે તાદાત્મ્ય કઈ રીતે સાધી શકાય કે એનાથી પણ વધુ મહત્ત્વની વાત, એમનું અનુકરણ કઈ રીતે કરી શકાય? કોઈને રદ્દબાતલ કરી દેવાની આ એક લોકપ્રિય રીત છે, ઇતિહાસની કોઈ હસ્તીને કલંક લગાડી બદનામ કરવા જેથી તેમના દૃષ્ટિકોણ કે ઉપદેશને ગણનામાં લેવા ન પડે. પણ જો આ જ હકીકત સાચી હોય તો ઇતિહાસની મોટા ભાગની હકીકતોને બાતલ કરી દેવી જોઈએ. ઉદાહરણ તરીકે આઇન્સ્ટાઇનનો તેની પ્રથમ પત્ની સાથેનો સંબંધ ઘણો અત્યાચારભર્યો હતો, તો શું તેના રિલેટિવિટીના સિદ્ધાંતોને ફગાવી દેવા?
ગાંધી વિશે એક રસપ્રદ બાબતનો મને અનુભવ છે કે એમના નામનો ઉલ્લેખ કોઈની પણ પાસે કરો તો તેઓ કોણ હતા એ તેઓ જાણતા હોય છે. એ લોકોને ગાંધીના જીવન અને કાર્ય વિશે બીજી કશી માહિતી ન હોય, પરંતુ તેમના મન:ચક્ષુ સામે એક નાના કદનો ધોતી પહેરેલ આદમી દેખાય છે, જે શાંતિની વાત કરતો. એમની પ્રતિમા ખૂબ યાદ રહી જાય તેવી અને સાદી છે એટલે લગભગ તમામ લોકો તેમને જાણે છે? કે પછી તેમના સંદેશમાં કંઈક ઊંડું તત્ત્વ છે અને તેમનું જીવન તથા સિદ્ધિઓ ક્રાંતિકારી હતાં એ કારણ છે? કદાચ એ બંને પરિબળો કામ કરતાં હોય. તો, એ પ્રતિમા પાછળના માનવને કેવી રીતે શોધવો?
મેં એમનું ચિત્રાંકન અને વિવરણ જોવાનું અને સાંભળવાનું ટાળવા માંડ્યું. મારે તેના મૂળ સ્રોત સુધી પહોંચવું હતું. મેં ‘મારા સત્યના પ્રયોગો’ વાંચ્યું અને ‘હિન્દ સ્વરાજ’ ફરી ફરી વાંચી ગયો. ‘હિન્દ સ્વરાજ’ કેટલું દૂરંદેશી દૃષ્ટિસભર અને આધુનિક સમયમાં પ્રસ્તુત છે એ હું માની ન શક્યો. મને એની અંદર એક એવા માનવના દર્શન થયાં, જે પોતાના સમયથી સો વર્ષ આગળ જોઈ શકતો હતો, પરંતુ તેનો સ્રોત અને પ્રેરણા હતી પ્રાચીન ભગવદ્દ ગીતા. તેમનું જગત વિશેનું દર્શન આધુનિક પશ્ચિમી ખ્યાલ કરતાં પૂર્ણત: વિરોધી દિશામાં હતું.
તત્ત્વવેત્તા ચાર્લ્સ આઈન્સ્ટાઈન એક હકીકત દર્શાવતા કહે છે, એક સંસ્કૃતિ તરીકે આપણે બે કહાનીઓ વચ્ચેના સમય ગાળામાં જીવતા હોઈએ છીએ. પશ્ચિમની હજુ પણ વર્ચસ્વ ધરાવતી એક વિભાવના દુનિયા પર રાજ્ય કરવાને પરિણામે પ્રસાર પામતી રહી, પરંતુ હવે એ તકલાદી થઈ ગઈ છે અને ડગમગવા લાગી છે. એ છે પૃથકતાનો ખ્યાલ. એ સામ્રાજ્યની કથા છે, જેના દ્વારા આપણે પ્રકૃતિ અને એકબીજા પર હંમેશાં વર્ચસ્વ જમાવવા કોશિશ કરીએ છીએ. આ ભૌતિકતાવાદી દૃષ્ટિકોણ મુજબ હું અને તમે તદ્દન એકબીજાથી પૃથક છીએ. જે મારા માટે સારું હોય તે તમારા માટે સારું ન પણ હોઈ શકે; અને જે તમારું ભલું કરે તે મારું ભલું કરનાર ન પણ હોઈ શકે. આવો દૃષ્ટિકોણ ધરાવતા હોઈએ તો હું તમારા ભોગે પણ મારું મહત્તમ હિત સાધું એવું બને તે અપરિહાર્ય છે. એ એવું જગત છે જ્યાં માત્ર શારીરિક બળ એ જ શક્તિ છે અને એ જેટલું વધુ તમારી પાસે હોય તેટલા શક્તિશાળી તમે કહેવાઓ.
આઈન્સ્ટાઈનને પુરાણી અને નવીન કહાનીની ભાળ મળે છે, જે આખી દુનિયામાં આજ સ્ફૂરી રહી છે. થિચ ન્હાટ હાન્હ (Thich Nhat Hanh વિયેતનામી બુદ્ધિસ્ટ સાધુ) તેને પારસ્પરિક અસ્તિત્વની કહાની કહે છે. હું, તમે અને અન્ય સર્વ જીવ મૂળે તો એક જ છીએ. એક જ ચૈતન્યની અલગ અલગ અભિવ્યક્તિ. જે તમને હાનિ પહોંચાડે છે તે આખર એક દિવસ મને પણ હાનિ પહોંચાડશે અને જે તમારા માટે આજે સારું છે તે એક દિવસ મારું પણ ભલું કરશે. આ દૃષ્ટિકોણ મુજબ બ્રહ્માંડમાં માત્ર ભૌતિક શક્તિ સિવાય બીજી પણ શક્તિ છે એમ માનવામાં આવે છે. આ અહિંસાનું દર્શન છે, જે ગાંધીએ આધુનિક જગતમાં પુનઃ સ્થાપિત કર્યું. ઇંગ્લિશમાં આ નોનવાયોલન્સ શબ્દ મૂળ શબ્દ વાયોલન્સનો વિરોધી શબ્દ લાગે, પણ સંસ્કૃતમાં તેનો તદ્દન સકારાત્મક અર્થ થાય છે, ઇંગ્લિશમાં જેમ flawless કે priceless શબ્દ છે તેમ. ઉપનિષદ કહે છે, અહિંસા એ વિશ્વ આખાનો સર્વોચ્ચ ધર્મ છે. ગાંધીએ તેની પુનઃ શોધ કરી અને સાંપ્રત સમયમાં તેનો અમલ કરવાનું શરૂ કર્યું. બી.આર. નંદા કહે છે તેમ દુનિયાનો આ દસ્તુર છે, “તમે બધી લડાઈ હારી જાઓ એ શક્ય છે, પણ જંગ જીતી જાઓ એ સંભવ છે.” ગાંધી માટે નૈતિક માર્ગ કે સૌથી વધુ અસરકારક કે વ્યવહારુ પદ્ધતિ વચ્ચે કોઈ ભેદ નહોતો.
તો આ થઇ તેમની તાત્ત્વિક વિચારધારા, પરંતુ તેઓ શારીરિક દૃષ્ટિએ જોઈએ તો કેવા હતા? એવું શું હતું જે એમના વ્યક્તિત્વને મૂર્ત સ્વરૂપ આપતું હતું?
હું જે સાલમા જન્મ્યો હતો એ 1968માં ગાંધી નેશનલ મેમોરિયલ ફંડના સહકારથી ભારતીય સરકારના ફિલ્મ ડિવિઝને બનાવેલી એક અદ્દભુત દસ્તાવેજી ફિલ્મ ‘મહાત્મા ગાંધી’ મને મળી આવી. એ પાંચ કલાક લાંબી છે, પરંતુ એકદમ જકડી રાખે તેવી છે. અલબત્ત, મોટા ભાગના દૃશ્યો મૂક છે, પણ એમાં તમને એક વ્યક્તિ હંમેશાં હસતી દેખાય છે. એટલું જ નહીં, એ પોતાની આસપાસના લોકોને પણ હસાવતા હોય છે, પછી એ નહેરુ, જિન્નાહ કે વાઇસરોય હોય. મને એમનું એક અવતરણ મળ્યું, જેમાં કહે છે, “જો મારામાં રમૂજ વૃત્તિ ન હોત તો મેં મારી જાતને ક્યારની ખતમ કરી નાખી હોત.” સદાય હસતા આ સંતની છબીએ મને દલાઈ લામા અને ડેસમન્ડ ટુટુની પ્રતિમાની યાદ અપાવી. મને એ બંનેની એક સુંદર દસ્તાવેજી ફિલ્મ ‘જોય’ મળી. દક્ષિણ આફ્રિકાની સરકાર દલાઈ લામાને તેમના પુરાણા મિત્રને મળવા પરવાનગી નહોતી આપતી એટલે ડેસમન્ડ ટુટુ દલાઈ લામા સાથે થોડો સમય ગાળવા ભારત ગયા. મારો ખ્યાલ છે ત્યાં સુધી એ તેમની છેલ્લી પ્રત્યક્ષ મુલાકાત હતી. એ દસ્તાવેજી ફિલ્મમાં બતાવાયું છે કે આ બે ધુરંધરો સતત હસતા હતા, અને બીજી જ પળે ગહન આધ્યાત્મિક સત્યોની ચર્ચા કરતા હતા અને આજના યુગમાં તેનો અમલ કેમ કરવો તેની વિચારણા કરતા હતા. પશ્ચિમના કહેવાતા બાહોશ ભૌતિકવાદીઓ કરતાં એ લોકોને કેટલો બધો પરમાનંદ મળતો હતો! વેરાન ટાપુ પર તમે ડેસમન્ડ ટુટુ સાથે સમય વિતાવવા માગશો કે રિચર્ડ ડોકિન્સ સાથે? એક સુંદર પળે દલાઈ લામાને પૂછવામાં આવ્યું કે ડેસમન્ડ ટુટુનું તમારે મન શું મહત્ત્વ છે? બહુ જ ધીમા સ્વરે તેમણે ઉત્તર આપ્યો, જ્યારે તેઓ મૃત્યુ શય્યા પર હશે ત્યારે તેઓ ડેસમન્ડ ટુટુને યાદ કરતા હશે. ડેસમન્ડ ટુટુને એ વાત ખૂબ સ્પર્શી ગઈ, અને માત્ર દલાઈ લામાનો હાથ પકડી લીધો. બીજી જ ક્ષણે બંને સાથે ખડખડાટ હસવા લાગ્યા.
ગાંધીના પાત્રને ચરિતાર્થ કરવા હું આ બંને મહાનુભાવોના અવાજ, શારીરિક હાવભાવ અને ખાસ કરીને તેમનું હાસ્ય મારી ભૂમિકામાં લાવવા માગતો હતો.
ફિલ્મમાં હોય છે તેના કરતાં ઓછી માત્રામાં અમારી પાસે સાચા દૃશ્યોની પૃષ્ઠભૂમિ હોય છે. આ નાટક ભજવતાં અમે ભારતની ગરમીનો કે ગ્રામીણ વિસ્તારનો અનુભવ નહોતા કરવાના. પણ અમારી પાસે એક ઠોસ વસ્તુ હતી, અને એ હતી અમારી વેશભૂષા. જ્યારે નાટકના સંવાદોનો મહાવરો કર્યા બાદ વસ્ત્ર સજજા કરીને મંચ પર જાઓ ત્યારે વેશભૂષાની તમારા પર ઊંડી અસર પડતી હોય છે. અમે નસીબદાર હતા કે અમારી વેશભૂષા માટે જવાબદાર રાજા શકીરીનો આગ્રહ હતો કે અમે ખાદીના વસ્ત્રો જ પહેરીએ. ખાદી હાથે કાંતેલ અને હાથે વંશે કાપડ છે, જેનો ગાંધીએ પ્રચાર કરેલો. રાજા શકીરીએ ખાદી લંડનનો સંપર્ક સાધ્યો અને અમને જરૂરી ખાદીના બધાં જ વસ્ત્રો તેઓએ પૂરા પાડ્યાં. અચાનક હું સુંદર ખાદીની ટૂંકી ધોતી અને શાલ પહેરીને મંચ પર ગયો. તેની અસર જાદુઈ હતી. મને અહેસાસ થયો કે ખૂબ ઓછાં વસ્ત્રો પહેરીને ગાંધીએ ઘણી વધુ સત્તા મેળવી. જ્યારે તેઓ ટૂંકી ધોતી અને શાલ પહેરીને બકિંગહામ પેલેસ ગયા ત્યારે ચર્ચિલ ગુસ્સે થઇ ગયેલા. જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગાંધીએ કહ્યું, “રાજાએ અમને બંનેને પૂરતા થઇ રહે તેટલાં વસ્ત્રો પહેર્યાં હતાં.” આ રમૂજ પાછળ દ્વેષ નહોતો.
એવો જ એક બીજો કિસ્સો જ્યારે ગાંધી સરહદ વિસ્તારમાં પઠાણોને મળવા ગયા ત્યારે બનેલો. પઠાણની ફોજને ખભા પર રાઇફલ લટકાવીને ઉભેલા જોઈ ગાંધીએ પૂછ્યું, “તમે શાનાથી ડરો છો જેથી ગન લઈને ફરો છો? મને કશાયનો ડર નથી.” અને એ લોકોએ પોતાની રાઇફલ જમીન પર ફેંકી દીધી.
મંચ ઉપર પણ આટલાં ઓછાં વસ્ત્રો પહેરવાં એ મારા માટે પડકાર હતો અને મારી આસપાસના બીજા કલાકારો પર પણ તેની અસર પડી. ગાંધીની ખૂબી એ હતી કે તેઓ પોતાના સિદ્ધાંતોનો વાસ્તવિક જીવનમાં અમલ કરતા. દાખલા તરીકે માત્ર બે વસ્ત્રો જ પહેરવાં, દરેકે પોતાના ખપ પૂરતાં વસ્ત્ર માટે જાતે કાંતવું અને શાકાહારી બનવું, વગેરે. એમના આચરણ બીજા કોઈ પણ ઉપદેશ કરતાં વધુ અસરકારક નીવડતાં. અને એ આચરણ સાથે તેમની વાણી ભળતી ત્યારે પર્વતોને હલાવી મૂકે તેવી શક્તિ પેદા થતી. નાટ્ય લેખિકા અનુપમનાં દાદી નાના હતાં ત્યારે તેમણે ગાંધીને બોલતા સાંભળ્યા હતા, અને હજુ આજે પણ તેઓ પાસે માત્ર ચાર સાડી છે.
અને આ વાતનો દોર આપણને કાંતણ સુધી લાવે છે. મને કહેવામાં આવ્યું કે ખાદી વિષે જાણકાર મને કાંતણ શીખવવા આવશે ત્યારે મને આશ્ચર્ય થયું. મને ખ્યાલ નહોતો કે હું સ્ટેજ પર કાંતીશ અને અમારું ચરખાનું જૂનું ઉપકરણ ચાલશે કે નહીં. જ્યારે આશા બૂચ આવ્યાં કે તરત મને કોઈ દાયકાઓથી એ સિદ્ધાંત મુજબ જીવતા હોય તેને મળવાથી જે અસર થાય તેવો અનુભવ થયો. તેમણે મને શાંતિથી અને ધીરજથી કાંતતા શીખવ્યું. તમારામાંથી જેઓ કાંતતા હશે તેમને ખ્યાલ હશે કે એ પ્રક્રિયા શીખતાં અર્ધો કલાક લાગે, પણ તેમાં કુશળતા મેળવતા વર્ષો લાગે. તેમણે ચરખો કેવું સાદું યંત્ર છે અને એક બાળક પણ ચલાવી શકે તે મને બતાવ્યું. છતાં એ પ્રાવૈધિક વિજ્ઞાન સુંદર, રુચિકર અને ખૂબીથી ભરપૂર છે. ગાંધીએ આ પુરાણું ગ્રામ્ય કૌશલ્ય, કે જે કોઈ પણ શીખી શકે અને તેમાં નિપુણ થઇ શકે તેને પુનઃ જીવિત કર્યું અને તેમને અહેસાસ થયો કે દેશની પ્રજા ભારતમાં ઊગતો કપાસ નિકાસનો કર ભરીને વેચવા મજબૂર થતી અને બ્રિટનની કાપડ મિલોમાં પેદા થતાં કાપડને ફરી આયાતનો કર ભરીને ખરીદવાની તેને ફરજ પડતી. બ્રિટિશ સામ્રાજ્ય દ્વારા થતા આ અન્યાયને આ યંત્ર દ્વારા પડકારી શકાય. એમનો પ્રતિબંધક કાર્યક્રમ બ્રિટિશ સામ્રાજ્યને ઉત્તરોત્તર ઓછો નફો રળનાર કરવાનો હતો. એમનો રચનાત્મક કાર્યક્રમ હતો, વડાપ્રધાનથી માંડીને સફાઈ કામદાર સહુ પોતાનાં વસ્ત્ર માટે જાતે કાંતે એમ કરવાનો હતો. આ ઉદ્યોગ સ્થાનિક અને વિકેન્દ્રિત ઉત્પાદનને આવરી લે છે અને સામાન્યમાં સામાન્ય માણસ પણ પોતાની પ્રાથમિક જરૂરિયાતનાં સાધનોના માલિક બને જેથી અન્યાયી સત્તાના માળખાથી મુક્ત થઇ શકે તેવી તાકાત બક્ષે છે.
એનાથી પણ મોટી વાત એ કે ખાદી ઉદ્યોગે લોકોને ધરતી સાથે ફરી અનુસંધાન કરી આપ્યું. સદીઓથી પશ્ચિમી સભ્યતા માટી, જમીન અને પોતાના હાથ વડે કામ કરવાના વલણનું અવમૂલ્યન કરીને તેનાથી અવળી દિશામાં જવા લાગી છે. આજે આપણા સમાજમાં જે લોકો પેન કે લેપટોપ પર કામ કરે તેનું સહુથી વધુ મૂલ્ય છે. જે વર્ગના લોકો પોતાના સુંદર બગીચામાં બેસીને લેપટોપ પર આંગળી ફેરવીને કામ કરી શકતા હતા અને પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ કામદાર વર્ગ તેમને ઘેર પહોંચતી કરતા હતા તેમને લોકડાઉન ખૂબ આનંદપ્રદ લાગ્યો, પરંતુ એ કામદારો માટે લોકડાઉન એક ન પોસાય તેવો વૈભવ હતો.
જે લોકો અનાજ ઊગાડે, સુથારી કામ કરે કે સૂતર કાંતે તેમને આ ‘વાસ્તવિક શિષ્ટ સમાજ’માં એક વધારાનું અંગ માનવામાં આવે છે. પરંતુ ગાંધી એવી દલીલ કરતા કે જો તમે તમારાં ખોરાક, કપડાં અને આવાસ માટે અન્ય પર આધારિત હો તો ખરું જોતાં તમે નીચલા વર્ગના સભ્ય ગણાઓ. હું કંઈ જાતે કામ કરવામાં પાવરધો નથી. હું થોડાં શાકભાજી વાવું છું, અને મને માટી વાળા હાથ થાય એવું કામ કરવું ગમે છે, પણ મેં મારી જાતે કદી કોઈ વસ્તુ બનાવી નથી. મને કાંતણની તાકાતનો પરિચય થયો. મને તેનો બુદ્ધિથી પરિચય હતો; આખર મેં રચનાત્મક કાર્યક્રમ વિષે ઇન્ટરનેટના માધ્યમથી અભ્યાસ કર્યો હતો. પણ કપાસની બનેલી પૂણીને હાથમાં લઈને તેના તાંતણાને એક સાદા ચરખાની મદદથી તારમાં બદલાતા જોવા એ એવો સબક હતો જે લેપટોપ પર ન શીખી શકાય. વસંત ઋતુમાં ટમેટાંનાં બે ચાર બીજ વાવીને સપ્ટેમ્બરમાં ખોબો ભરીને ટમેટાં પાકતા જોવા જેવો એ અનુભવ હતો.
મને એ પણ પ્રતીત થયું કે કાંતવાની પ્રક્રિયા જટિલ છે અને વ્યસન લગાડનાર છે. મારે જો સ્ટેજ પર કાંતવાનું હોય તો હર રોજ તેનો મહાવરો ચાલુ રાખવો જોઈએ તેમ લાગવાથી જ્યારે મારી જરૂર તખ્તા પર ન હોય ત્યારે હું રોજ કાંતવા લાગ્યો. મારા સાથી અદાકારો ગાંધીને એક ખૂણામાં બેસીને કાંતતા જોઈને હસતા, પણ એક પછી એક તેઓ મારી પાસે આવવા લાગ્યા અને ક્યાંથી અને કેવી રીતે આ તાર પેદા થાય છે એ જોઈને નવાઈ પામવા લાગ્યા. આપણે આ ધરતીથી, આપણાં મૂળિયાંથી અને આપણાં સામર્થ્યથી કેટલા દૂર ફેંકાઈ ગયા છીએ! પરિણામે આપણે કેટલા દરિદ્ર થઇ ગયા છીએ! તેનાથી આપણી સભ્યતાની ઘેલછા પ્રગટ થાય છે. આપણે કેન્ટમાં સફરજનની ખેતી કરીએ, તેને પોલિશ કરવા ચીન મોકલીએ અને ફરી સ્ટીમરમાં અહીં લાવીએ. આમ કરીને આપણે આપણા, અન્ય પશુ-પક્ષીઓનાં નિવાસસ્થાન અને આપણા સુખનો વિનાશ કરીએ છીએ. આનો કોઈ અર્થ નથી. અલબત્ત એ બુદ્ધિ ગ્રાહ્ય પણ છે; કેમ કે આપણે જેટલી કાર્યક્ષમતા ગુમાવીએ તેટલી વધુ સંપત્તિ મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓના ખિસ્સામાં જાય છે. એ લોકો એમના પહેલાના સામ્રાજ્યના શાસકોએ જેમ આપણને કાર્યશક્તિ વિહીન બનાવી દીધા જેથી જે વસ્તુ આપણે પહેલાં જાતે બનાવતા હતા તે એ લોકો પાસેથી વેંચાતી લઇ શકીએ તેમને અનુસરે છે. હવે આપણાં બાળકોની સંભાળ અને મનોરંજન પણ આપણને વેંચવામાં આવે છે, જેથી આપણે વધુ સમય કામ કરી શકીએ અને આ વ્યવસ્થાને કાયમ ટકાવી રાખવા અને તેનો પ્રસાર કરવા જે દેવું થાય છે તેમાં આપણી કમાણીનો હિસ્સો આપી શકીએ.
હાથે કાંતેલાં વસ્ત્રો પહેરવાં એ ગાંધીની આ વ્યવસ્થા પ્રત્યે પ્રતીકાત્મક અને પ્રત્યક્ષ અસ્વીકાર કરવાની રીત હતી.
તો, હું કાંતતો હતો, ખાદી પહેરતો હતો અને ડેસમન્ડ ટુટુ અને દલાઈ લામાના હાસ્યને નજર સમક્ષ રાખતો હતો. અમે યોગ્ય શબ્દોની પસંદગી કરવા માટે સહમત થતા. એ બહુ મહત્ત્વનું હતું, દાખલા તરીકે અમે અહિંસાની વ્યાખ્યા આપી, કે જેમાં માત્ર ‘શારીરિક રીતે હિંસક’ બનવું એટલું જ પૂરતું નથી. શાંતિ એ લાંબા ગાળાનો યુદ્ધ વિરામ જ માત્ર નથી. બીજી વ્યક્તિ કે પ્રાણી તરફ દ્વેષ ન ધરાવો તે માટે અમે ‘વૈમનસ્યનો સંપૂર્ણ અભાવ’ એ શબ્દ પ્રયોગ સ્વીકાર્યો. જો અન્યનું કલ્યાણ વાસ્તવમાં તમારે મન મહત્ત્વનું હોય તો બાકીનું બધું તેને અનુસરીને સારું જ થશે.
મારી તૈયારી રૂપે, અંતમાં, હું ગાંધીને રોજ સાંજે મારી સાથે જોડાવા કહેતો. વિજ્ઞાન, સાહિત્ય અને કલાના દેવ મ્યુઝીસ(Muses)ના ખ્યાલમાં હું માનું છું. પશ્ચિમનો ભૌતિકવાદ તમને કહે છે તે મુજબ અમે કલાકારો અભિનય નથી કરતા હોતા. હોંશિયાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની માફક અમે અમારા ભૂતકાળના અનુભવોને માત્ર જોરથી બોલી નથી બતાવતા. હું માનું છું કે દરેક પ્રકારની કલા આપણા બાહ્ય વ્યક્તિત્વમાં રહેલી સર્જક શક્તિને અમુક માર્ગે વાળતી હોય છે. પછી એ ગાયક, શિલ્પી, અદાકાર કે લેખક હોય. નાટકના તખ્તા પર હું અનુપમાના ખ્યાલોને રજૂ કરનાર માગું છું, જે ગાંધીનો માર્ગ બતાવે છે, જે કૃષ્ણનો રાહ ચીંધે છે. આપણે જેટલી હદે તેમાં વિલીન થઇ જઈએ તેટલા પ્રમાણમાં આપણી સર્જન શક્તિ આપણામાંથી વહેવા લાગે છે. દરેક રાત્રીએ હું બાપુને મારી સાથે ચાલવાનું આમંત્રણ આપતો અને મારા પગ વાસ્તવિકતા પર જકડી રાખવા મદદ યાચતો. ક્યારેક હું મારા વાળ વિનાના માથા અને હાથમાં લાકડી લઈને ચાલતા પડછાયાને જોઈ શકતો અને ગાંધીને વાસ્તવમાં મારી સાથે ચાલતા અનુભવી શકતો. હું વાસ્તવિક કે કાલ્પનિક બંને પ્રકારના પાત્રો સાથે આવો સંવાદ રચવા પ્રયાસ કરું. એમને હું આમંત્રણ આપું. તેમને મળું. આ કિસ્સામાં ગાંધી સાથે થોડું અંતર રાખીને ચાલવું એ આશીર્વાદ સમાન અને વિશેષ લાભ ભોગવવા સમાન હતું.
દર્શકોએ આપેલા અભિપ્રાય પરથી કહી શકું કે તેમાંના કેટલાક લોકોને પણ ગાંધીની હાજરીનો અનુભવ થયેલો. આ નાટ્યપ્રસ્તુતિએ ઘણા લોકોનું ધ્યાન ગાંધી તરફ આકર્ષિત કર્યું, ખાસ કરીને યુવા પેઢીનું, જેઓ તેમના વિષે ખાસ કશું જાણતા નથી. અને મારા ચૌદ વર્ષની વયે થયેલ અનુભવ પરથી કહી શકું કે એક વખત તેઓ તમારા દિમાગમાં પ્રવેશ કરે, પછી અનેક પ્રકારની અદ્દભુત અનુભૂતિઓ થવા લાગે છે.
તો, આજે આપણે ગાંધી પાસેથી શું શીખી શકીએ અને અમલમાં મૂકી શકીએ? હું આ પ્રક્રિયામાંથી શું શીખ્યો? તેની વાત કહું.
ગાંધીએ ગ્રામ્ય સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને ભારત વિકાસ કરશે એવું સ્વપ્ન સેવેલું, એવી વ્યવસ્થા નહીં કે જેમાં મોટા અને પ્રસિદ્ધ લોકો નાના કહેવાતા લોકોના હિતમાં શું છે તે નક્કી કરે. તેમાં મૂડીવાદ અને સમાજવાદના અંશો છે. ગાંધી પ્રજા પર વિશ્વાસ ધરાવતા. એ શું અવાસ્તવિક છે? નહેરુ, પટેલ અને જિન્નાહ ખરેખર ગાંધીનો એ વિચાર અવાસ્તવિક છે એમ માનતા હતા, અને તેઓ ભારત અને પાકિસ્તાનને ગાંધીના વિચારથી અવળી દિશામાં લઇ ગયા. અને હું માનું છું કે આજે જો ગાંધી જીવિત હોત તો તેઓ પાછા કારાગારમાં સમય વ્યતીત કરતા હોત. તેમના મહાન લેફ્ટનન્ટ બાદશાહ ખાને બ્રિટિશ રાજમાં વિતાવેલો તેના કરતાં વધુ સમય પાકિસ્તાનની સત્તા હેઠળ જેલમાં વિતાવેલો. જો કે તેઓ 98 વર્ષની ઉંમર સુધી જીવિત રહ્યા અને લોકોના લાભાર્થે ઉપદ્રવ કરવામાંથી ક્યારે ય પાછા ન પડ્યા.
ગાંધીની ગ્રામસ્વરાજ્યની કલ્પના કદાચ અવાસ્તવિક લાગે, પરંતુ 1930ના દાયકામાં બાર્સીલોનાએ તેનો પ્રયોગ કર્યો. અને આજે સિરિયાની આંતરિક અંધાધૂંધીનો લાભ લઈને કાર્ડિશ પ્રજાએ રોયાવા નામનું નાનું રાજ્ય સ્થાપ્યું છે જેમાં ગ્રામીણ લોકશાહી તેમના વહીવટી માળખાના કેન્દ્રમાં છે. રસપ્રદ બાબત એ છે કે આ બંને પ્રયોગોમાં સ્વાભાવિક રીતે મહિલાઓને નિર્ણાયક સમિતિમાં કેન્દ્ર સ્થાને મુકવામાં આવી છે.
ડેવિડ ગ્રાબર (David Graeber) અને ડેવિડ વેંગરો (David Wengrow) તેમના ઉત્તમ નવા પુસ્તક ‘ધ ડૉન ઓફ એવરીથીંગ’માં દર્શાવે છે કે લોકપ્રિય માન્યતાથી વિરુદ્ધ એક હકીકત એ છે કે માનવજાત આપણને માન્યામાં ન આવે તેવી તરેહ તરેહની રીતો દ્વારા પોતાના સમૂહને સુગઠિત કરવાના પ્રયોગો કરતી રહી છે.
ટાયસન યાંકાપોર્ટા (Tyson Yankaporta) તેના પુસ્તક ‘સેન્ડ ટોક’માં ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓના તદ્દન અજબ દૃષ્ટિકોણની વાત કહે છે. એ માન્યતા પ્રમાણે માનવીઓ ધરતીના છોરુ છે અને એ પ્રમાણે તેની સાથે વર્તે. ફરીને આપણે જે કરી રહ્યા છીએ તેનાથી વિરુદ્ધની વાત. ગાંધીએ કરી બતાવ્યું કે આપણા આધુનિક અને ક્લિષ્ટ જમાનામાં પણ આ વિચારોનો ફરી પ્રવેશ થઇ શકે. કોઈ આચાર કે વિચાર હાલમાં અસ્તિત્વમાં ન હોય તેનો અર્થ એ નથી કે તેના અસ્તિત્વનું સપનું જોઈ ન શકાય. આ જ તો માનવ જાતનું સુંદર પાસું છે. આપણે એક વાસ્તવિકતાની કલ્પના કરી શકીએ અને સાથે મળીને તેને સાકાર કરી શકીએ.
હવે, હું આપણા કહેવાતા નેતાઓ નજીકના ભવિષ્યમાં પાર્લામેન્ટ હાઉસના દરવાજા બંધ કરીને આ દેશનો વહીવટ નિષ્ફ્ળ ગયો છે એમ જાહેર કરીને લોકોના હાથમાં સત્તા સોંપી દે એવી અપેક્ષા નથી રાખતો (જો કે કઇં પણ બને તે શક્ય છે). આપણે સત્તાનો અતિરેક અવરોધક કાર્યક્ર્મથી રોકવો જોઈએ. પણ આપણે રચનાત્મક કાર્યક્રમનો પણ વિચાર કરવો જોઈએ. ગાંધીનો મહત્ત્વનો ફાળો એ હતો કે તેમણે કહ્યું કે જો આપણે માત્ર વિરોધ જ કર્યા કરીશું તો નીતિભ્રષ્ટ વ્યવસ્થાને સ્થાને મુકવા માટે આપણી પાસે કશું નહીં હોય. આરબ સ્પ્રિંગની ચળવળનું શું પરિણામ આવ્યું તે વિચારો.
ખાદી એમના રચનાત્મક કાર્યક્રમનો પાયાનો પથ્થર હતો. સૂતર કાંતવાનું અભિયાન આપણે બ્રિટનમાં કે ભારતના મધ્યમ વર્ગમાં શરૂ કરી શકશું? એ શક્ય છે. પણ ખાદીના હાર્દમાં છે, પાછા વળવું. જમીન તરફ પાછા વળવું, સ્થાનિક ઉદ્યોગો અને સ્તરીકરણ વિનાના સંગઠનો તરફ પાછા વળવું. પોતાના સ્થાન માટે પોતીકાપણાના ભાવ તરફ પાછા વળવું. મારુ માનવું છે કે ખેતી જેવા રચનાત્મક કાર્યની આપણને સહુથી વધુ જરૂર છે. ગાંધીને કલ્પના પણ ન આવે એટલી હદે આપણે ખોરાક અને કપડાંના ઉત્પાદનની પ્રક્રિયાથી અલગ થઇ ગયા છીએ. વર્તમાનમાં ગાંધી વિચારને અનુસરનારાઓ વંદના શિવા અને સતીશ કુમારનાં કાર્યો જુઓ.
આપણે બધાએ અન્ન કે શાકભાજી ઉગાડવાની જરૂર છે. એ કામ નાના મોટા સહુ કરી શકે. એ પ્રતીકાત્મક પગલું છે, પણ એ પેદાશ ખાવાના ઉપયોગમાં પણ લઇ શકાય. ઘરના વાડામાં ઊગેલો ખોરાક સ્વાદિષ્ટ હોય છે અને તમને સ્વાયત્ત તથા સમર્થ પણ બનાવે છે. પછી તમે તમારા બગીચામાં મરઘાં ઉછેરતા હો કે તમારા ફ્લેટમાં બાઝિલનો છોડ જાળવતા હો.
હું સસેક્સના લવબ્રુક ફાર્મ નામના એક રિજનરેટિવ ખેતરમાં સ્વેચ્છાએ સેવા આપું છું. ઘણા લોકો પોતાનું માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે આવે છે. આ કામ કરવાથી આટલો આનંદ કેમ આવે છે? પશ્ચિમની સભ્યતા તેની ગણના નથી કરતી. રિજનરેટિવ ખેતી માટીમાંથી અનુમાન ન થઈ શકે તેટલા પ્રમાણમાં કાર્બન અલગ પાડે છે, જમીનમાં પાણી સાચવી રાખે છે અને લોકોને જમીન સાથે કામ કરવા જેવું સર્જનશીલ કાર્ય પૂરું પાડે છે, જ્યારે મોટા ખેત ઉદ્યોગ કમ્મરતોડ મહેનત માંગી લે છે. અને અલબત્ત રિજનરેટિવ ખેતીનો અર્થ ખોરાક અને કપડાંનું સ્થાનિક ઉત્પાદન થાય એ પણ છે. ખાદી લંડનની શક્તિ તેમાં ઉપયોગી થશે.
આધુનિક સભ્યતાએ આપણને એવી વિચારધારામાં જકડી રાખ્યા છે કે આ દુનિયાનું રક્ષણ કરવા આપણે કશુંક છોડી દેવું પડે, આપણે લોભી અને સ્વાર્થી માનવ બનતા જાતને રોકવી જોઈએ. આપણે ખરબચડાં કાપડના બનેલાં વસ્ત્રો પહેરવાં જોઈએ અને આપણી પાસે છે તે મોંઘાં રમકડાં ત્યાગીને ગરીબીમાં જીવવું જોઈએ. શું ગાંધીને એમ જ નહોતું કરવું પડ્યું? ગાંધીનો સંદેશ એ હતો કે આ બધાં રૂપાળાં રમકડાં; કાર, ફોન અને ટેલિવિઝન વગેરે એક એવી ભૂખને છાવરે છે, જે કદી સંતોષી ન શકાય. આપણે જે વસ્તુઓ ગુમાવી છે તે આ ભૌતિકવાદ કદી પાછી મેળવી આપી ન શકે. આપણે પ્રકૃતિ સાથેનો નાતો ગુમાવ્યો છે, અને આ માત્ર આધ્યાત્મિક ખોટ નથી. દાખલા તરીકે કેટલાક અભ્યાસ દર્શાવે છે કે એમેઝોન જંગલમાં શિકાર કરીને જીવતા લોકોના શરીરમાં હતા તેના કરતાં ઘણા અલ્પ પ્રમાણમાં આપણા આંતરડામાં સ્વાસ્થ્યની સુરક્ષા કરનાર જીવાણુઓ (microbiome) બાકી રહ્યા છે. ‘50ના દાયકા બાદ લાંબા સમય સુધી ઘર કરી જતા રોગોનું પ્રમાણ ઘાતક નીવડે તેટલું ઝડપથી વિસ્તરવા લાગ્યું છે. તમારા પરિચયમાં હોય તેમાંથી કેટલા હતાશા દૂર કરવા માટે ઈલાજ કરાવનારા હશે?
સંસ્કૃત શબ્દ ‘માયા’નો મૂળ અર્થ છે, એ વસ્તુ, કે જેનું પ્રમાણ માપી શકાય. પશ્ચિમી સભ્યતા એવી જ બાબતો સ્વીકારે છે જે માપી-તોળી શકાય. ખરું જોતાં તે સિવાય બીજું કશું અસ્તિત્વ ધરાવે છે એમ તેઓ માનતા પણ નથી. પણ માનવ જાતને ખરેખર શેનું મૂલ્ય હોય છે? માણસને જોઈએ છે હૂંફાળો સાથ, આનંદ, સંગીત, હાસ્ય, પ્રેમ. એ બધું જ માપી ન શકાય તેવું, અમૂલ્ય છે.
આપણા નવા રચનાત્મક કાર્યક્રમે એ દર્શાવવું રહ્યું કે લોકોએ કશાનો ભોગ આપવાનો નથી રહેતો. એ બંને તરફથી જીત મળે તેવી સ્થિતિ છે. વ્યસનનો બંધાણી જ્યારે તેના જાનને હાનિકર્તા માદક પદાર્થો છોડી દે છે ત્યારે તેને કશું ગુમાવવું નથી પડતું, ઊલટાનું તેને સમાજનો સાચો સાથ મળે છે અને જીવનનો ખરો અર્થ સમજાય છે.
આધુનિક જગતમાં જીવનને અર્થસભર બનાવવા કે કોઈ સાહસ ભર્યું કામ કરવા લોકોને વધુ ને વધુ પ્રયાસ કરવા પડે છે, જેમ કે ભયાનક ઊંચાઈ ધરાવતા પર્વતો પર કોઈ પણ પ્રકારના સહારા વિના ચડવું, એટલાન્ટિક મહાસાગરની એકલા સફર કરવી, આભાસી વાસ્તવિકતાનું નિર્માણ કરવું જેથી તમે ખરેખર અમુક સ્થાને છો તેવો અનુભવ થાય. જીવનનું એવું સાર્થક્ય અને સાહસ આપણા ઘરમાં કે સમાજમાં મળી શકે? ગાંધીને જે આનંદની અનુભૂતિ થતી તે યાદ કરો. એમને પૂછવામાં આવ્યું, તેઓ ક્યારે ય રાજા ગાળવા નથી જતા? તેમનો ઉત્તર હતો, “હું હંમેશ રજા પર હોઉં છું.”
આપણે આજે દુનિયા પર નજર નાખીએ તો ગાંધી નિષ્ફળ ગયા તેમ કહેવાની લાલચ થઈ આવે. આ હિંસા, આટલી યાતના અને હદ બહારનું ધ્રુવીકરણ એમ માનવા પ્રેરે. પણ અલબત્ત, આવી ઘટનાઓ તો માનવ જીવનના અનુભવનો એક ભાગ છે. આપણા સમાજનો એવો હિસ્સો, જે પ્રચાર માધ્યમો આપણને બતાવવા ઈચ્છે છે જેથી આપણે લાચારી અને ડરનો અનુભવ કરીએ.
ગાંધીનું અવતરણ ટાંકું :
“ઇતિહાસ (અને સમાચાર પણ) કુદરતના ક્રમમાં રુકાવટ આવે તેની નોંધ છે. આત્મ બળ, કે જે કુદરતી છે, તેની ઇતિહાસમાં કદી નોંધ નથી લેવાતી.”
આજની ઘડીએ લાખો લોકો પોતાના પરિવારજનોને પ્રેમપૂર્વક જાળવે છે, શાંતિથી મુશ્કેલીઓનો સામનો કરે છે, કોઈ પણ પ્રકારના બદલાની અપેક્ષા વિના કે પોતાની સેવાની ગણના થાય તેની પણ પરવા કર્યા વિના મૃત્યુ શૈયા પર સૂતેલા પ્રિયજનની સારવાર કરી રહ્યા છે. આ છે રોજિંદા જીવનમાં દર્શાવાતું ઉદાત્ત વર્તન, જેના વિના માનવ જાત હજારો વર્ષ પહેલાં નામશેષ થઈ ગઈ હોત.
ફરી ગાંધીનું અવતરણ ટાંકું :
“સત્યાગ્રહી હોવાને નાતે મને શ્રદ્ધા છે કે શુદ્ધ હૃદયથી કરેલાં કાર્યનું ફળ મળે જ છે, પછી ભલે આપણને તે ન દેખાય.”
અને હા, એ ફળ આપણી આસપાસ પડેલાં જ છે, ભલે આપણને દેખાય નહીં. કેટલીક મોટા ગજાની વ્યક્તિઓ ગાંધીથી પ્રેરિત થયેલી; માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, નેલ્સન માંડેલા વગેરે. પણ બીજા કેટલાક નાના, સહેલાઈથી નજરે ન ચડે તેવી વ્યક્તિઓ અને સંગઠનો પણ છે. સર્બિયાના અહિંસક ક્રાંતિકારી વિદ્યાર્થીઓ, જે લોકોએ મીલોસોવિચને પદભ્રષ્ટ કર્યા, ફિલિપીન્સનો લોકશક્તિથી સંચાલિત થયેલો વિરોધ, જેણે સત્યાગ્રહને ‘ગરિમા અર્પણ’ કરતા કૃત્ય તરીકે ઓળખાવ્યો. ઘણી ઉત્તમ વ્યાખ્યાઓમાંની આ એક મારી જાણમાં છે. ઓક્યુપાય વૉલ સ્ટ્રીટ નામે ઓળખાતો વિરોધ, અને હકીકતે તો આજે મોટા ભાગના સંગઠનોના સિદ્ધાંતના કેન્દ્રમાં અહિંસા જ રહેલી છે. ગાંધીના સમય પહેલાં એ અશક્ય હતું. અને ગાંધી અને તેમના અનુયાયીઓ દ્વારા પ્રેરિત થઈ રહેલા દુનિયા ભરમાં નાનાં મોટાં અનેક રચનાત્મક કાર્યોની ચળવળનું શું? એમનું કામ કીડીના દળ કટકની માફક હજારો દિશામાં ફેલાઈ ગયું છે. સત્તાધારીઓ પ્રજા પર અંકુશ મૂકીને પોતાની શક્તિ ગમે તેટલી વધારે, પણ આપણી સંખ્યા તેમને માટે આપણને કચડી નાખવા માટે ઘણી મોટી છે. જેમ કીડીનું કટક હાથીને પણ પછાડવા શક્તિમાન છે, તેમ આપણું અહિંસક સૈન્ય પણ રોકી ન શકાય તેવું છે. મને લાગે છે કે ગાંધી એમ કહેત કે આપણી જીત થઈ જ ગઈ છે. અહિંસા એ એવી શક્તિ છે જેને આપણે કદાચ હજુ જાણતા નથી, અને કદાચ તેના પર વિશ્વાસ નથી. આવી ક્રાંતિમાં માત્ર વિજેતાઓ જ હોય છે.
તો ચાલો, ગાંધી વિશેની આપણી જાણકારીનો ઉપયોગ કરીએ.
સ્થાનિક ઉદ્યોગો દ્વારા લોકોનું સશક્તિકરણ, શિક્ષણનો પ્રસાર અને શક્ય તેટલી જરૂરિયાતની વસ્તુઓ જાતે બનાવવાનો આગ્રહ રાખવો એ એમનો સંદેશ. આપણે ગાંધીની ગતિએ કામ ન કરી શકીએ. જાતને સવાલ એ કરવાનો છે કે તો ‘મારે શું કરવું જોઈએ?’ ઉદાહરણ તરીકે મને ક્યારેક વિચાર આવે કે હું અભિનય કરવાનું છોડીને મારા મિત્રના ખેતરમાં પૂરો સમય કામ કરું અથવા ફરી તાલીમ લઈને ઓપન એજના શાંતિ દૂત તરીકે કામ કરું. પરંતુ હાલના તબક્કે મને વાર્તા કથન માટે બોલાવવામાં આવે છે; અને ગાંધીનો અભિનય કરવાની તક એ મારા જીવનની ઉત્કૃષ્ટ પળો બની રહી. ગીતામાં કહ્યું છે, માત્ર કર્મ કર્યે જા, ફળ મેળવવાનું ઈશ્વર પર છોડી દે.
ગાંધીનું મીઠાના સત્યાગ્રહ વખતે ઉચ્ચારેલ કથનનું ફરી અવતરણ ટાંકીને મારું વક્તવ્ય પૂરું કરીશ :
“આપણો હેતુ ઉમદા છે, તેનો ઉપાય પણ ઉત્તમ છે, ચાલો આપણે એ બંને માટે લાયક બનીએ.”
આભાર
e.mail : 71abuch@gmail.com
https://gandhifoundation.org/gandhi-foundation-annual-lecture-2023-available-on-youtube/