એ જમાનામાં મુંબઈની ઇલેક્ટૃિક ટૃેનોમાં મુસાફરી કરવા માટે માટે માસિક અને ત્રૈમાસિક પાસ મળતા જે તારીખે એની અવધિ પૂરી થાય ત્યાર પછી બે દિવસમાં જો એને રિન્યૂ કરાવીએ તો ડિપૉઝીટ ફરી ન ભરવી પડે એવો નિયમ હતો.
હું રહું સાન્તાક્રુઝ અને ભણું અૅલ્ફિન્સ્ટન કૉલેજમાં એટલે મારી પાસે સાન્તાક્રુઝથી ચર્ચગેટનો પાસ હોય. મારું ચિત્ત મોટે ભાગે વાંચવા લખવા ને ભણવામાં અટવાયેલું હોય એટલે સમયસર ફી ભરવી કે પાસ રિન્યૂ કરાવવો એવી બધી જવાબદારીઓ મારી બહેનપણીઓને માથે રહેતી.
ઘણી વાર આવા સંવાદો ચાલતા :
‘એ ધીરુ, તેં પાસ રિન્યૂ કરાવ્યો કે નહીં ?’
‘ના.’
‘કેમ ?’
‘લે, તેં મને ક્યાં યાદ કરાવ્યું હતું ?’
‘એટલે મારો જ વાંક, કેમ ?’
‘હાસ્તો ને !’
‘ભાઈસા’બ ! તું તો તું જ છે !’ કહીને એ મારી બાળપણની સહિયર માલિની પહેલાં ચિડાતી અને પછી હસી પડતી.
હવે એક વખત એવું બન્યું કે છેક છેલ્લે દિવસે મેં ચર્ચગેટથી સાન્તાક્રુઝની સફર પતાવ્યા પછી સાન્તાક્રુઝ સ્ટેશનની ટિકિટબારી આગળની પ્રમાણમાં ઘણી જ ટૂંકી કતારમાં ઊભા રહીને પાસ તો રિન્યૂ કરાવી લીધો અને એક મોટું કામ પતાવ્યાના સંતોષ સાથે ઘરે પહોંચી.
મારા પિતાજી રાબેતા મુજબ હીંચકા પર બેઠા હતા. હું જઈને હાશ! કરીને એમની પાસે બેઠી. અમારા બંનેનો એક આગવો સંબંધ હતો. રોજની ઝીણી ઝીણી વાતો કરતાં મને ક્ષોભ ન થાય અને એ શાંતિથી સાંભળે ને ક્યારેક બે શબ્દથી મને પોરસાવે પણ ખરા.
વાતવાતમાં એમણે પૂછ્યું, ‘આજે પાસ રિન્યૂ કરાવ્યો ?’
‘હા, કરાવી દીધો ને !” કહીને મેં વધેલા પૈસા બે વાર ગણ્યા. મારી મૂંઝવણ જોઈને એ હસ્યા અને પૂછ્યું, ‘કેમ ? હિસાબમાં કંઈ ગરબડ છે ?’
‘અં… એવું જ લાગે છે/‘
‘શું થયું ? પૈસા ખૂટ્યા ?’
‘ના … મને તો લાગે છે, વધી પડ્યા !’
પછી બે ત્રણ વાર સિલક મેળવી અને અંતે મેં જાહેર કર્યું, ‘મને લાગે છે કે ક્લાર્કે ભૂલથી મને દસ રૂપિયા વધારે આપી દીધા છે.’
‘હવે શું કરશો ?’
‘કાલે સવારે મુંબઈ જતી વખતે એને પાછા આપી દઈશ.’
પિતાજી બે ક્ષણ મૂંગા રહ્યા. પછી ગંભીર અવાજે કહ્યું, ‘ઊઠો ! ચંપલ પહેરો !’
તે વખતે સાંજ પડી ગઈ હતી. અંધારું થવા માંડ્યું હતું. અમારા ઘરમાં પહેલેથી રિવાજ હતો કે સમયસર ઘેર આવી જવું. એકલા જવું અને તે પણ આ વખતે ? તેમાં પાછી હું તો પિતાજીની લાડકી દીકરી … હું જરા ખંચકાઈને ત્યાં ને ત્યાં જ ઊભી રહી ગઈ. એ મને હંમેશાં ટુંકારે જ બોલાવતા. આજે આમ ‘ઊઠો’ કેમ કહ્યું ?
પણ વધારે વખત જાય એ પહેલાં એમણે કદી નહીં વાપરેલી એવી કડકાઈથી ફરી વાર કહ્યું, ‘બહેન ! જલદી જાઓ.’
ઠીક ભાઈ, ખોટું તો લાગ્યું જ હતું પણ એમનું કહ્યું તો માનવું પડે … મેં ચંપલ પહેર્યાં અને ચાલવા માંડ્યું. મનમાં મોટું ઘમસાણ મચ્યું હતું પણ કહેવું કોને ? સ્ટેશને પહોંચીને એ જ બારી આગળ જઈને એ ક્લાર્કને કહ્યું, ‘મને લાગે છે કે તમે ભૂલથી મને વધારે પૈસા આપી દીધા છે.’
એણે ખૂબ રાહતભરી નજરે મારી સામે જોઈને કહ્યું, ‘મારી સિલકમાં દસ રૂપિયા ઘટતા હતા − મેં બે ત્રણ વાર મેળવી, પણ … ’
‘આ રહ્યા !’ કહીને મેં પેલી નાની ડોકાબારીમાંથી દસ રૂપિયાની નોટ ધરી.
‘ઓ થૅન્ક ગૉડ ! થૅન્ક યૂ સો મચ !’ કહીને એણે સ્મિત કર્યું અને આપણે પાછી લેફ્ટરાઇટ શરૂ કરીને ઘરનો રાહ પકડ્યો.
પહોંચી ત્યારે ખાસું મોડું થઈ ગયું હતું. મગજનો પારો પણ થોડો ઊંચો ચડેલો હતો. પરંતુ મારો અણગમો શબ્દો દ્વારા નહીં પણ મૌન દ્વારા બહાર પાડીને મેં મારો રોજિંદો કાર્યક્રમ પતાવ્યો.
સૂતી વખતે વડીલોને ચરણસ્પર્શ કરીને પગે લાગવાનો મારો નિયમ. એનું પાલન તો કર્યું પણ બોલે તે બીજા.
પિતાજીએ પૂછ્યું, ‘બહુ ખોટું લાગ્યું છે ?’
‘ના.’
‘તો પછી બેસ ને !’
બેઠી તો ખરી પણ મનમાં વિદ્રોહની ભાવના સાથે.
જરા વાર પછી પિતાજીએ કહ્યું, ‘પૈસા આપી દીધા ને ?’
‘હા.’
‘બહુ સારું કર્યું.’
વળી પાછી શાંતિ. આખરે મારાથી ન રહેવાયું.
‘આમ તો રાતે બહાર જવાની ના પાડો છો તો આજે મને કેમ તરત ને તરત પાછી મોકલી ?’
‘પેલા ભાઈને આજે ને આજે સિલકનો બધો મેળ પડી જાય ને, એટલા માટે !’
‘તે કાલે સવારે જતી વખતે હું એ પૈસા નહોતી આપી દેવાની ?’
મારા પિતાજી ક્ષણવાર મારી સામે જોઈ રહ્યા. પછી મને એમની પાસે બેસાડીને માથે હાથ ફેરવ્યો અને કહ્યું, ‘પૈસા તો તું આપવાની જ હતી … … પણ ઊંઘ ? બેટા, ગરીબ માણસને સિલક ન મળે તો રાતે ઊંઘ ન આવે … … એની એક રાતની ઊંઘ તું કેવી રીતે એને પાછી આપવાની હતી ? કહે જોઈએ !’
હું કંઈ કરતાં કંઈ બોલી ન શકી … ને વાત જીવનભર ભૂલી પણ ન શકી.
સૌજન્ય : “વિશ્વવિહાર”, અૉગસ્ટ 2016; પૃ. 08, 09 અને 04