અમેરિકાની ૧૭૭૬ની જેફોરસોનિયન લોકશાહી ક્રાંતિને લેનિને, “મહાન, સાચા અર્થમાં મુક્તિદાયી, સાચું ક્રાંતિકારી યુદ્ધ’’ ગણાવ્યું હતું, જેમાં વેપારીઓ, નાના ખેડૂતો, બગીચામાલિકો, શ્વેત અને અશ્વેત ખેડૂતોના સમૂહની પ્રમુખ ભૂમિકા હતી, તેને ૨૪૪ વર્ષ થયાં. આ ક્રાંતિએ અમેરિકાના નિર્બંધ મૂડીવાદી વિકાસના દરવાજા ખોલી કાઢ્યા પણ તેણે ઘરઆંગણાની અશ્વેતોની ગુલામી પ્રથા નાબૂદ ના કરી અને મૂળ નિવાસીઓને કોઈ ગણતરીમાં ના લીધા.
I can’t breathe :
તો, આપણને એ સવાલ થશે કે અમેરિકામાં હાલ જે આંદોલન ચાલી રહ્યું છે, તેની અહીં કેમ ચર્ચા કરવાની? આપણે ઇચ્છીએ કે ના ઇચ્છીએ અમેરિકામાં જ્યૉર્જ ફ્લૉઈડ સાથે જે થયું તેનાથી આપણે વ્યથિત છીએ. એક નવજવાન જ્યૉર્જ ફ્લૉઈડ જેનું પોલીસ ગળું દબાવી રહ્યો હતો, તે સોળ વાર બોલ્યો કે, ‘I can’t breathe, O Mumma!’ લોકો જોઈ રહ્યા છે. આ કંઈ અંધારામાં બનતી ઘટના નહોતી. તે કોઈ ગામ પણ નહોતું. મિનિયાપોલીસ શહેરમાં બનેલી આ ઘટના કૅમેરામાં રેકૉર્ડ પણ થઈ. આપણને સવાલ થાય કે ધોળા દિવસે અમેરિકામાં, કોઈ અશ્વેત નાગરિકને જાહેરમાં મારી શકાય? કોરોના મહામારીના કારણે, આખી ય દુનિયામાં ‘મોતની છાયાનો ભય’ મંડરાયેલો છે. અમેરિકામાં કોરોનાને કારણે દોઢ લાખથી વધુ મોત થયાં છે, તેમાં બહુમતીમાં ગરીબ-અશ્વેત લોકો હતા. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે યોગ્ય રીતે દફન પણ નહોતાં થઈ રહ્યાં. ‘ડિસન્ટ-બ્યુરિયલ’ની ગ્રીસમાં એક મુહિમ ચાલી હતી. ‘હેલન ઑફ ટ્રૉપ’ ફિલ્મને યાદ કરો. તે પછી આખી દુનિયામાં તે એક મૂલ્ય બન્યું. અમેરિકામાં તેની સતત ગેરહાજરી બધાંને કઠતી હતી. આપણે ત્યાં પણ પરિસ્થિતિ કંઈ સારી નથી. આવી મહામારીમાં, પોલીસ રાજ્યના એકમાત્ર પ્રતિનિધિ તરીકે અમેરિકામાં અને આપણે ત્યાં દેખાઈ રહી છે. અને આ પોલીસના જુલમના વિરુદ્ધમાં જ્યોર્જ ફ્લૉઇડનું ઉચ્ચારણ છે : I can’t breathe. આ અમેરિકન સામાન્ય-ગરીબ નાગરિકની ગૂંગળામણની કાવ્યાત્મક અભિવ્યક્તિ છે.
વ્હાઇટહાઉસને લોકોનો ઘેરો :
અને એ ગૂંગળામણ, પોલીસના જુલમ સામે, કોરોનાના ડરને ભૂલીને, સોશિયલ ફિઝિકલ ડિસ્ટન્સિંગ તરફ બેધ્યાન બનીને હજારો લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા. અમેરિકાનાં ૪૦ જેટલાં શહેરોમાં આ વિરોધની આગ ફાટી નીકળી. અમેરિકાના વહીવટીતંત્રને કલ્પના સુધ્ધાં નહોતી કે, આવો કોઈ વિરોધ થઈ શકે. લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વ્હાઇટહાઉસને ઘેરો ઘાલ્યો. અમેરિકાના પ્રમુખ તો ડરના માર્યા બંકરમાં જતા રહ્યા. એ ઘટનાએ મને તો બીજા વિશ્વયુદ્ધના અંતિમ દિવસોના હિટલરના બંકરની યાદ અપાવી. છેવટે, ટ્રમ્પ હાથમાં બાઇબલ પકડીને, બંકરમાંથી બહાર આવી ચર્ચને શરણે ગયા – મિલિટરીના રક્ષણ હેઠળ. આવા શાસકો, સત્તા બચાવવા છેવટે ધર્મનો આશરો લે છે !
બ્લૅક લાઇવ્ઝ મૅટર આંદોલનમાં માત્ર અમેરિકામાં જ નહીં, ફ્રાન્સ, જર્મની, બ્રિટન, ઇટાલી, રશિયા વ. ૫૦ જેટલા દેશોના લોકો જોડાયા. ‘ન્યૂ નૅશનલિઝમ’ના આ સમયમાં આ ઇન્ટરનેશનાલિઝમની અભિવ્યક્તિ અગત્યની હતી. લોકોના આ ટેકાને કારણે, એ દેશોની સરકારોએ પણ લોકશાહી-અધિકારો અને નાગરિકસ્વાતંત્ર્ય માટે ટેકો જાહેર કરવો પડ્યો.
અમેરિકા અને આંદોલનો :
અમેરિકામાં થોડાંક વર્ષો પહેલાં, ‘ઑક્યુપાય વૉલસ્ટ્રીટ’નું વૉઈસીઝનું આંદોલન ચાલ્યું હતું, તેને હું યાદ કરું છું. એ ગરીબ લોકોનો અવાજ હતો – વૉઈસીઝ ઑફ સાઈલન્ફા હતો. આપણે એવું વિચારીએ છીએ કે અમેરિકામાં ગરીબી નથી, પરંતુ ત્યાંની અર્થવ્યવસ્થા પ્રમાણે ગરીબી છે. આપણા દેશમાં બધા યુવાનોને અમેરિકાનું એક ડ્રીમ છે, ગુજરાતમાં તો ખાસ જ છે. બધાને અમેરિકા જવું છે, ડૉલર કમાવા છે, પરંતુ, હાલ આંદોલન કરનારા અમેરિકાના યુવાનો કહે છે, અમારું સપનું ખતમ થઈ ગયું છે. અમારી પાસે ભણવાના પણ પૈસા નથી. ઑક્યુપાય વૉલસ્ટ્રીટ આંદોલનનો પ્રભાવ દુનિયામાં ખૂબ પડ્યો હતો. પરંતુ, મોટા ભાગે બને છે તેમ બધાં આંદોલનો ચૂંટણી આવે, ત્યારે શાસકપક્ષો દ્વારા હાઇજૅક થઈ જાય. જેમ આપણા દેશમાં જયપ્રકાશ-આંદોલન હાઇજેક થયું હતું.
અમેરિકામાં ગુલામીપ્રથા :
અમેરિકામાં આ આંદોલનમાં જે લોકો આવ્યા તે સમજ્યા કે આ માત્ર જ્યૉર્જ ફ્લૉઇડની વાત નથી. આ બધા જ અમેરિકાના ગરીબ અને અશ્વેત નાગરિકોની વાત છે. આ લડતમાં શ્વેત નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ જોડાયા. માતા-પિતા, પોતાનાં બાળકો સાથે આંદોલનમાં જોડાઈ રહ્યાં છે. જ્યૉર્જ ફ્લૉઇડની દીકરીએ કહ્યું, ડૅડી ચૅઈન્જ ધ વર્લ્ડ. તો, ભાઈએ કહ્યું કે સેનેટરભાઈઓ, આ બલિદાન બેકાર ન જવું જોઈએ! અમેરિકામાં ૩૦% અશ્વેત લોકો છે, પરંતુ ‘આઈ કાન્ટ બ્રીધ’ની પ્રકાર આખા અમેરિકા દેશની છે. ૪૦૦ વર્ષ પહેલાં, લંડનના વેપારીઓ અને બીજા દેશના વેપારીઓ આફ્રિકામાંથી-જંગલમાંથી આ અશ્વેત લોકોને પકડીને, ગુલામ તરીકે તેમનો વેપાર કરતા. અમેરિકામાં આ ગુલામીપ્રથાના ઇતિહાસનું મ્યુઝિયમ છે. મોકો મળે અને અમેરિકા જાવ તો બીજું કંઈ જુઓ કે ના જુઓ, આ મ્યુઝિયમ જરૂર જોજો. આ અશ્વેત ગુલામો પાસે અમેરિકામાં ખેતી કરાવવામાં આવી. અમેરિકાની ખેતીના ઇતિહાસમાં હું હાલ નહીં જાઉં. અત્યારે જે પેઢી છે, તેને અંદાજ નહીં આવે કે ત્યારે શું સ્થિતિ હતી? અત્યારે તો પગાર ના મળે, થોડા ઓછા પૈસા મળે, તો મોં પડી જાય છે. માલિક નોકરીમાંથી કાઢી ના મૂકે તે માટે થોડું સમાધાન કરાય છે, પણ, આ ગુલામને માલિક મરવા પણ ન દેતા. ૪૦૦ વર્ષ પહેલાં, તર્કનો યુગ, રેનેસાં યુગ અને સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની વાતો દુનિયામાં ચાલતી હતી, ત્યારે અમેરિકામાં અશ્વેત ગુલામોનો વેપાર ચાલી રહ્યો હતો. આ ગુલામીપ્રથા સામે અમેરિકામાં અનેક આંદોલનો થયાં. ‘અંકલ ટૉમ્સ કૅબિન’ વાંચશો તો આંખમાં પાણી આવી જશે. અબ્રાહમ લિંકને આ ગુલામીપ્રથા સામે ચળવળ ચલાવી. આ ફ્રી લેબર ચળવળ ઘણી અગત્યની હતી. એમણે ગુલામીપ્રથા નાબૂદ કરતો કાયદો પસાર કર્યો અને બધા જ અશ્વેત ગુલામોને મુક્ત કર્યા. પરંતુ, બધું જ તે ન કરી શક્યા, ઘણું થવાનું બાકી હતું.
ગુલામી પ્રથા સામે ઊઠ્યો અવાજ :
અબ્રાહમ લિંકનનો જમાનો કેવો હતો? ત્યારે કાર્લ માક્ર્સ કહી રહ્યા હતા કે વર્કર્સ ઑફ ધ વર્લ્ડ, યુનાઈટ ! યુ હેવ નથિંગ ટુ લુઝ બટ યૉર ચેઈન્સ ! એ ગુલામી પ્રથા સામે હતા. અને મજદૂરોના શોષણની વાત કરતા હતા! ન્યૂ યૉર્ક ટ્રિબ્યુનમાં તેઓ લખતા હતા, જેને લિંકન વાંચતા હતા. તમે જુઓ! મોટા માણસો ઘણીવાર રૂબરૂ નથી મળી શકતા. પણ લખાણ-પુસ્તકના માધ્યમથી વિચારનો વિનિમય કરતા હોય છે અને તેમાં વિચારનો સમન્વય પણ થતો હોય છે. કાર્લ માર્ક્સે, લિંકનની ગુલામી પ્રથા વિરુદ્ધના કાયદા માટે પ્રશંસા પણ કરી હતી. કાર્લ માર્ક્સની મજદૂરોને યોગ્ય મજૂરી મળવી જોઈએ તે વાત સાથે લિંકન પણ સંમત હતા. આની બધી વિગતોમાં અત્યારે નહીં જાઉં. ક્યારેક ફરી કોઈ વાર.
રંગભેદવિરોધી આંદોલનની એક ઝલક :
પરંતુ, ગુલામીપ્રથા અને રંગભેદ સામેના આ આંદોલન પર સમાજવાદી વિચારોનો જબરદસ્ત પ્રભાવ હતો તે છેક માર્ટિન લ્યૂથર કિંગ સુધી રહ્યો. માર્ટિન લ્યૂથર કિંગ સાથેનું રોઝા પાર્ક્સનું ૧૯૫૫નું આંદોલન, જેમાં તેઓ ધ ફર્સ્ટ લેડી ઑફ સિવિલ રાઈટ્સ તરીકે ઓળખાયાં, પછી ’૭૦ના દાયકામાં એન્જલા ડેવિસનું આંદોલન આવ્યું, તે સમય કેવો હતો? અમેરિકા રશિયાના સામ્યવાદના પ્રભાવને ખાળવા બધે આક્રમણ કરતું હતું. વિયેતનામયુદ્ધ સામે પણ આ રંગભેદવિરોધી આંદોલન હતું. આ આંદોલનની એ ઘોષણા હતી – નો વૉર ઇન વિયેટનામ. ૫૩,૦૦૦ સૈનિકોને ગુમાવ્યા પછી આખું અમેરિકા આ યુદ્ધવિરુદ્ધ ઊભું થયું હતું. આ રંગભેદ-આંદોલને યુદ્ધના વિરોધમાં અને શ્રમજીવી વર્ગની તરફેણમાં અમેરિકામાં જે રીતે માહોલ ઊભો કર્યો, તેને અમેરિકા સહન કરી શક્યું નહીં. ૧૯૬૫માં માલ્કમ એક્સ અને ૧૯૬૮માં માર્ટિન લ્યૂથર કિંગની હત્યા થઈ. એટલું જ નહીં, તે ચળવળો સાથે જોડાયેલા કર્મશીલોને પણ મારી નંખાયા. ૧૯૭૦ના દાયકામાં એન્જેલા ડેવિસ સક્રિય રીતે રંગભેદ વિરોધી આંદોલનમાં આવ્યા. તે પણ અમેરિકન સામ્યવાદી પક્ષના સભ્ય હતાં. તેમણે હાલના આંદોલનના સંદર્ભમાં કહ્યું કે આવી ચળવળ મેં ક્યારે ય જોઈ નથી. નવી પેઢી જાણકાર છે, બલિદાન આપનારી છે. અને આટલી મોટી સંખ્યામાં શ્વેત લોકો પણ આ આંદોલનમાં જોડાયા છે, તે જોઈને ભાવુક થઈ જવાય છે.
હાલના આંદોલનનાં નવાં પાસાં :
આ આંદોલન મહામારીના સમયમાં થઈ રહ્યું છે. અત્યારે આંદોલન કરવું કેટલું અઘરું છે? અહીં ગુજરાતમાં તો આપણે કશું ય નથી કરી શકતા. એક મૅમૉરૅન્ડમ પણ નથી આપી શકાતું. મંત્રીઓને મોકલો તો, તેનો કોઈ જવાબ નથી આપતું. ત્યારે અમેરિકામાં, સાધારણ લોકોએ પોલીસની લાઠી, રબ્બર બુલેટ, પેપરસ્પ્રે બધું સહન કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. આ આંદોલન સાથે જોડાયેલ બીજી ઘણી વાતો બહાર આવી. આપણે ત્યાં પણ ફેર ઍન્ડ લવલી ક્રીમની જાહેરાતમાંથી ફૅર શબ્દ હટાવાયો. તો, ફિલ્મ ‘Gone with winds’ દર્શાવવાનું બંધ કરવાની જાહેરાત થઈ છે. વૅબ્સ્ટર ડિક્શનરીએ રેશ્યલિઝમની નવી વ્યાખ્યા કરવાનું જાહેર કર્યું છે, તો, અભ્યાસક્રમને પણ ડિકોલોનિયલ કરવાની વાત પણ આવી.
પોલીસ – Defundingની વિશિષ્ટ માંગ :
તો, પોલીસના અત્યાચાર વિરુદ્ધ પોલીસને ડિફન્ડિંગની માંગ ઊઠી. પોલીસ અને જેલસુધારા અમેરિકામાં પણ નથી થયા. પોલીસ ફોર્સનું લોકશાહીકરણ નથી થયું. એટલે જ પોલીસ ડિફન્ડિંગની માંગ ખૂબ બુલંદ બની છે. ટ્રમ્પે, પોલીસથી આ આંદોલન ના રોકાયું તો મિલિટરી બોલાવી, પરંતુ, વહીવટીતંત્ર અને લશ્કરના નિવૃત્ત જનરલોએ પણ તેનો વિરોધ કર્યો. એ પણ ભૂલવું ન જોઈએ કે, ટ્રમ્પ જ્યારે ચૂંટાઈને આવ્યા ત્યારે શરૂઆતના બે-ત્રણ મહિનાઓ અમેરિકાના લોકોએ ટ્રમ્પ ઇઝ નોટ અવર પ્રેસિડન્ટ એવી રેલીઓ કાઢી હતી. જો કે, નવેમ્બરમાં ચૂંટણી આવી રહી છે, એટલે ટ્રમ્પની વિરોધી પાર્ટી ડેમોક્રેટિક પાર્ટી આ આંદોલનના ટેકામાં આવી. પરંતુ, જેવી પોલીસ ડિફન્ડિંગની વાત આવી કે એમાં અસંમતિ દર્શાવી. એક વાત સમજવી જરૂરી છે કે જો આ આંદોલન ચૂંટણીમાં ફસાઈ જશે, તો મુશ્કેલી થશે.
અમેરિકામાં અશ્વેત લોકોને ગુલામો તરીકે લાવનારની પ્રતિમા ધ્વસ્ત કરાઈ. તો, બીજી અનેક મૂર્તિઓ તોડવાની વાત આવી તે સંદર્ભમાં હું આપણા દેશમાં, પશ્ચિમ બંગાળના દાખલાની યાદ દેવડાવવા માગું છું. ૧૯૬૮માં સંયુક્ત ડાબેરી સરકારના શ્રમમંત્રીશ્રી સુબોધ બેનરજીએ કોલકાતામાં સંસ્થાનવાદી નેતાઓનાં પૂતળાં ખસેડીને, ભારતીય આઝાદીના આંદોલનના નેતાઓની પ્રતિમાઓ સ્થાપી અને જાહેરમાર્ગોનું ક્રાંતિકારીઓ-લેખકો-કવિઓનું નવું નામકરણ કરાયું. અમેરિકામાં અત્યારે ફિલ્મો-ટી.વી. સિરિયલોના વિષયવસ્તુ વિશે પણ પુર્નવિચાર થઈ રહ્યો છે. છતાં, આ મહામારીના સમયમાં આ આંદોલન કેટલું આગળ જશે, તે કહેવું મુશ્કેલ છે.
આજે જૂથટીન્થ (જૂન+નાઈન્ટિન્થ) :
આજે Junteenthની વાત થઈ રહી છે, ત્યારે આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. ૧૯ જૂનને આખા અમેરિકામાં મુક્તિદિવસ તરીકે મનાવાય છે. એ જ દિવસ હતો જ્યારે ગુલામીપ્રથા સામે મુક્તિનો દિવસ ઊગ્યો હતો. આ સમયે આ રંગભેદવિરોધી આંદોલનના જમા પાસાની વાત કરીએ, ત્યારે આનંદ થાય કે
• અખબારો આંદોલનની તરફેણમાં હતાં. ન્યુયૉર્ક ટાઇમ્સના એક તંત્રીએ રિપબ્લિકન પાર્ટીના સેનેટરના વૉશિંગ્ટનમાં મિલિટરીના ઉપયોગને યોગ્ય ઠરાવતો આર્ટિકલ લખ્યો તે માટે રાજીનામું આપવું પડ્યું.
• બીજી અગત્યની વાત એ છે કે બીજા અખબારના તંત્રીએ રાજીનામું આપવું પડ્યું, કારણ કે આંદોલનમાં લૂંટફાટ થઈ રહી છે એવા સમાચાર છાપવામાં આવ્યા.
• એ પણ સારી બાબત છે કે પોલીસ-સુધારણાની ચર્ચા આખા અમેરિકામાં ચાલી રહી છે.
• ઉપરાંત એન્જેલા ડેવિસ જેવાં વરિષ્ઠ નાગરિકસ્વાતંત્ર્ય કર્મશીલો પણ આ લડતમાં જોડાઈ શક્યાં.
• વળી, સારા એવા શ્વેત નાગરિકો પણ આ આંદોલનને ટેકો કરી રહ્યા છે તથા વહીવટીતંત્રના લોકો ટ્રમ્પ સાથે નથી.
• શિક્ષણશાસ્ત્રીઓ અને કેળવણીકારો રંગભેદ વિશે પુનર્વિચાર કરી રહ્યા છે.
• ન્યાયતંત્રના ભૂતપૂર્વ ન્યાયાધીશો એ વાત જાહેરમાં કબૂલી રહ્યા છે કે અમેરિકાની ન્યાયવ્યવસ્થા રંગભેદના વિષાણુથી પ્રભાવિત છે.
આંદોલનની મર્યાદાઓ :
જો કે આંદોલનની થોડી ઘણી મર્યાદાઓ પણ નજરે ચડે તેવી છે. પહેલી, આંદોલનના કોઈ નેતા નથી. એટલે કે આંદોલન નેતા વિનાના આંદોલન તરીકે જાણીતું બન્યું છે. આંદોલનનું યુદ્ધના વિરોધમાં કે પછી અમેરિકાની યુદ્ધખોરીના વિરોધમાં કોઈ વલણ જોવા મળતું નથી. ન્યુ લિબરલિઝમ એટલે કે નવઉદારવાદના વિરોધમાં પણ કોઈ ક્લિયર સ્ટૅન્ડ નથી. કદાચ સામ્યવાદનો ડર કે જે અમેરિકાનો કાયમી રોગ છે, તેના ડરને કારણે આંદોલન પોતાને શ્રમજીવી વર્ગ સાથે જોડી રહ્યું નથી. ભૂતકાળના બધાં જ રંગભેદ વિરોધી આંદોલનનો જૂની ચળવળ સાથે નાતો જોડતા હતા, જેમ કે માર્ટિન લ્યૂથર કિંગના આંદોલને લિંકનની લડત સાથે જોડાણ અનુભવ્યું હતું. જે લોકોએ રંગભેદવિરોધી આંદોલન કર્યું એમણે યુદ્ધના વિરોધમાં અને ખાસ કરીને વિયેતનામ યુદ્ધના સંદર્ભમાં વલણ લીધું હતું. શ્રમજીવી વર્ગ સાથે જોડાણ, લોકશાહી અધિકારો માટે આગ્રહ અને સમાજવાદના આદર્શ સાથે એકરૂપતા – જેની અહીંયા ગેરહાજરી જોવા મળી છે.
રંગભેદ-આંદોલનનું અન્યાય-શોષણવિરોધી આંદોલનની ગંગામાં જોડાણ જરૂરી :
સમાપનમાં એટલું જ કહેવું છે કે કદાચ કાલે ટ્રમ્પ હારી પણ જાય, પરંતુ તેથી શું રંગભેદ ખતમ થઈ જશે? શું અમેરિકામાં અશ્વેત લોકોના સન્માનને શ્વેત લોકોના સન્માનની બરોબર ગણવામાં આવશે? અમેરિકામાં જે બેરોજગારીનો પ્રશ્ન તથા બીજા સામાજિક અને સાંસ્કૃતિક સવાલો છે, એ બધાનો શું એકદમ ઉકેલ આવી શકશે? આ ત્યારે જ શક્ય બને, જ્યારે અમેરિકામાં મૂડીવાદી વ્યવસ્થા છે, જે શોષણની-અન્યાયની વ્યવસ્થાને ખતમ કરવા માટે આ બધાં આંદોલનો મૂડીવાદ વિરોધી સમાજવાદી ક્રાંતિનાં આંદોલન સાથે, એક વિશાળ આંદોલન સાથે, એક નવા સમાજપરિવર્તનના ગંગા જેવા વિશાળ આંદોલન સાથે જોડાઈ ના જાય, ત્યાં સુધી અમેરિકામાં કેવળ ચૂંટણીથી કોઈ પરિવર્તન આવે એવી આશા રાખવી વ્યર્થ ગણાશે. આખી દુનિયા મૂડીવાદના ગઢ ગણાતા અમેરિકામાં લોકો જે રીતે આંદોલન કરી રહ્યા છે, એને બિરદાવી રહી છે અને આશા પણ રાખી રહી છે કે આવનારા દિવસોમાં આ આંદોલનકારીઓ એક દાર્શનિક રીતે પણ આંદોલનની દિશાને નક્કી કરશે.
(ભાવિક રાજા ફેસબુક પેજ પર ઉપર લાઈવ ‘I can’t Breathe Movement and Aftermath’માં વ્યક્ત કરેલા વિચારો, ઉમેરણ સાથે.)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2020; પૃ. 09-10 તેમ જ 14