ગઈ સદીના પૂર્વાર્ધમાં પૂર્વ આફ્રિકામાં વસતા બિહારીલાલ અંતાણી અને ઉછરંગરાય ઓઝા બેઉ પોતાની રીતે લેખકો હતા. એનીયે પહેલાંથી મહાત્મા ગાંધીએ, દક્ષિણ આફ્રિકામાં પોતાની કલમ ચાલતી કરી હતી. એ ઘટના ઓગણીસમી સદીની હતી, પણ ત્યારે આ ‘ડાયસ્પરા’ની વિશેષતા ચર્ચાનો કે ગુણગાનનો વિષય ન હતો. પન્ના નાયક પણ ગઈ સદીમાં જ અમેરિકામાં રહીને ગુજરાતીમાં કાવ્યો લખતાં હતાં પણ ત્યારેયે ડાયસ્પરાનાં ગુણગાન ગાવાની આજની ફેશન ચાલુ થઇ ન હતી. પાછલાં ત્રીસ-ચાળીસ વર્ષોમાં ગુજરાતીઓએ પણ કે અમેરિકા અને ઈંગ્લંડ પર ‘આક્રમણ’ કર્યું છે. આ બંને દેશોની ગુજરાતી વસતિમાં કેટલા ટકા ગેરકાયદે ઘૂસેલા છે તે તપાસનો વિષય છે. એ પણ એક પ્રકારનું ‘પરાક્રમ’ જ ગણીએ તો, ડાયસ્પરાની સિદ્ધિઓ વધી જશે.
અમેરિકાના નવા પ્રમુખ બરાક ઓબામાએ કોઈ ગુજરાતી મહિલાનો સમાવેશ પોતાની ટીમમાં કર્યો તે ભેગો જ કેટલાક ‘દુષ્ટ’ લોકોએ તેમનો ભૂતકાળ ખોળી કાઢ્યો તો કોથળામાંથી બિલાડું નીકળ્યું કે એ સન્નારી વિશ્વ હિન્દુ પરિષદનાં અગ્રગણ્ય કાર્યકર્તા હતાં. આ જાણીને વિ.હિ.પ.ના અનેક આગેવાનોને રસોડે લાપસીનાં આંધણ મુકાયાં હશે. પણ એ આંધણમાં લાપસી ઓરાય તે પહેલાં, એ મહિલાને જાહેર કરવું પડ્યું કે, ‘હું એ સંસ્થા સાથે હવે સંકળાયેલી નથી.’ એ માનનીય મહિલાની પીછેહઠને વખાણી ડાયસ્પરા તરફથી એમનું વિશેષ સન્માન નહીં થવું જોઈએ ?
અમેરિકાની સેનેટમાંની ઈલિનોય રાજયની બેઠક પરથી બરાક ઓબામા રાષ્ટ્રપતિ ચૂંટાતાં આવી પડેલી જગ્યાની, ઈલિનોય રાજયના ગવર્નર બ્લેગોજેવિચે હરરાજી માંડી, જે વ્યકિત વધારે ડોલર આપે તેને એ ટિકિટ આપવી, એમ ગવર્નર બ્લોગેજેવિચે ઠરાવ્યું. અને એ માનનીય ગવર્નર સાહેબની સહાયમાં કોઈ ભટ્ટ દંપતી (હરીશ અને રેણુકા), કોઈ સતીશ ગાભાવાળા, કોઈ રઘુવીર નાયક અને કોઈ બાબુ પટેલ પહોંચી ગયાં અને સેનેટની ખાલી પડેલી જગ્યાની બોલી વધારે ને વધારે ઊંચી કરાવવામાં ગવર્નર બ્લોગોજેવિચને સહાય કરવા લાગ્યા. રઘુવીર નાયક ભલે ગુજરાતી નથી – એ દક્ષિણ કોંકણના છે પણ છે તો ડાયસ્પોરા જ. ગુજુભાઇઓનું આ પરાક્રમ છાપે ચઢ્યું, પણ છાપે ન ચડ્યાં હોય એવાં બીજાં કેટલાં પરાક્રમો હશે ?
અમેરિકન અખબારોમાં ચમકેલા સમાચારોમાં કેટલીક વિગતો આપી છે ઃ જેવી ઓબામાની બેઠક ખાલી પડી કે આ સમૃદ્ધ ભારતીય અમેરિકનોનો સંપર્ક બ્લેગોજેવિચે કર્યો. અમરીશ મહાજન નામના કોઈ બૅંકર અને એનાં પત્ની – એ પણ ત્યાં વેપાર કરે છે – અનિતા મહાજનનો સંપર્ક બ્લેગોજેવિચે કર્યો હતો. અમરીશ કાકા – અંકલ અમરીશ – તરીકે ઓળખાતા આ સજજનની વિશેષતા છે શિકાગોના માફિયા જગત સાથે ક્રિકટનો નાતો ધરાવતા પેરિલો ઘરાણા સાથેનો ગાઢ સંબંધ. ઈલિનોય સરકારનાં કેટલાંક કામોના કોન્ટ્રાકટ અનિતાદેવીએ લીધા હતા અને એ કોન્ટ્રાકટોના બિલોમાં વધારે રકમ – લાખ્ખો ડોલર – ચડાવવા બદલ એમની ધરપકડ કરવામાં આવી હતી.
હરીશ ભટ્ટની એક કરતાં વધારે ફાર્મસીઓ છે અને બ્લેગોજેવિચના ફંડ ઊઘરાવવાના કાર્યમાં સાથ આપવા માટે, એની પણ તપાસ પોલીસખાતું કરી રહ્યું છે.
આ બધા ભારતીય અમેરિકનો પ્રત્યે ગવર્નર બ્લેગોજેવિચને એટલો પ્રેમ છે કે ભારતના સ્વાતંત્ર્યદિન નિમિત્તની પરેડમાં એ ગવર્નર સાહેબ પણ જોડાયા હતા. ભારતીય અમેરિકનો પ્રત્યે ઈલનોયના ગવર્નરસાહેબના આકર્ષણનું એક કારણ એ છે કે કેટલાક ભારતવાસીઓની જેમ એને પણ પૈસાની મોટી તૃષ્ણા છે. બ્લેગોજેવિચનો બાપ સર્બિયાથી જઇ અમેરિકાવાસી બન્યો હતો અને ત્યાંની શ્રમજીવી વર્ગની સ્ત્રીની સાથે એણે લગ્ન કર્યા હતાં અને સમાજમાં મોભાદાર એવા કુટુંબની કન્યા સાથે લગ્ન કરી, એક જ કૂદકે એ સામાજિક સીડીના પગથિયા કુદાવી ગયો હતો.
આ ઉપરાંત, લોકસભાના ગુજરાતના સભાસદની પત્ની તરીકે પરદેશ જનાર, કોઈ સાંસ્કૃિતક મંડળી સાથે જોડાઇ પરદેશ જનાર અને પછી ત્યાં જ અઠે દ્વારકા કરનાર, મેકિસકોની સરહદેથી કે બીજી કોઈ રીતે પાસપોર્ટ વગર અમેરિકામાં કે ઈંગ્લડમાં કે યુરોપના બીજા કોઈ દેશમાં – ઘુસી જનાર પરાક્રમી ડાયસ્પરાની સંખ્યા પણ મોટી છે.
વળી ભારતના કોઈ હવાઇ મથકેથી વિદેશ જતા વિમાનમાં પગ મૂકતાં વત હરકિસનમાંથી હેરી, મંદારિકામાંથી મેંડી, ડેલીવાળામાંથી ડેલી અને કાડાપય્યામાંથી કાડી બની જનાર ડાયસ્પરા પણ છે. પોતાનાં નવાં નામ પાડવા માટે એમને ફઇબાઓની જરૂર પડતી નથી.
આ ડાયસ્પરાના કેટલાક સજજનો ત્યાંની કોઈ ગોરી યુવતીના મોહપાશમાં બંધાઇ ગયા હોય છે તે છતાં વડીલોના દબાણને કે એવે કોઈ કારણે દેશમાં આવી અહીંની કોઈ કન્યાને ભોળવી, પોતાની સાથે પરદેશ લઇ જાય છે અને ત્યાં એ ભારતીય યુવતીએ કામવાળી થઇને રહેવું પડે છે. આવી રીતે ગયેલી અને ત્યાં ગયા પછી તકલીફમાં આવી પડેલી યુવતીઓની સંખ્યા નાની નથી. આની સાથે કોઈ અમેરિકાવાસી સાથે સગવડિયાં લગ્ન કરી, એની પત્ની તરીકે ત્યાં પ્રવેશવાના અધિકાર મેળવી, ત્યાં જઇ આઝાદ થઈ જનારી યુવતીઓ પણ છે.
લંડનમાં વસતા આપણા ગુજરાતીઓમાંનો ઠીક ઠીક એવો ભાગ આફ્રિકા થઇને ત્યાં ગયેલાઓનો છે. એ લોકો અંદરોઅંદર વાતો કરતા હોય ત્યારે અંગ્રેજો અને બીજા યુરોપિયનો માટે ‘ધોરિયા’ (ધોળિયા) આફ્રિકનો માટે ‘કારિયા’ (કાળિયા) અને આરબો માટે ‘આરબા’ શબ્દ પ્રયોજે છે. એ પ્રજાઓ કરતાં આપણે ચડિયાતા છીએ એ ભાવ આ ત્રણેય પ્રયોગ પાછળ અભિપ્રેત છે. આ ગુરુતાગ્રંથિ પણ ગુજરાતી ડાયસ્પરાનું વિશિષ્ટ લક્ષણ છે.
પાછલાં પચીસપચાસ વર્ષોથી ઈંગ્લડ અને અમેરિકા વસનાર ભારતીયો કે ગુજરાતીઓ જ ડાયસ્પોરા નથી. ગુજરાતીઓ પૂરતી જ વાત કરીએ તો, સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાળ પ્રદેશોના વાસીઓ ઓછામાં ઓછાં બસો વરસોથી આફ્રિકાના વિવિધ દેશોની ખેપ ખેડતા થયા છે. આવો દરેક ડાયસ્પરા જણ પ્રથમ તો એકલો જ જાય છે. ત્યાં ગયા પછી એને ઠરીઠામ થતાં થોડો સમય વીતી જાય છે. ત્યાં સુધીના ગાળામાં એ પોતાની બધી શકિત અને બધો સમય બે પૈસા ભેગા કરવામાં ‘શેઠ’થી નોખો પડી પોતાની દુકાન માંડવામાં એ ખરચતો થતો હોય છે. એને નસીબે યારી આપી અને એણે પોતાની હાટડી માંડી કે એનું લક્ષ બીજી દિશાઓ તરફ જવા લાગે છે. કાં તો એ હજી પરણ્યો હોતો નથી કે કાં પરણ્યો હોય તો પત્નીને બોલાવવાની ત્રેવડ એનામાં હજુ આવી નથી એટલે એ એકલો જ રહેતો હોય છે અને ત્યાંની સ્થાનિક સ્ત્રીઓને પોતાના પાશમાં એ લેતો થાય છે. સને ૧૯૫૨માં આર્યસમાજી સ્વામી ભવાનીદયાળે પોતાના હિંદી પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, એ ગુજરાતી જણ ત્યાંની શ્યામ નારીને ભોગવે છે, એના દ્વારા જન્મેલાં બાળકોનો પિતા બને છે પણ એને પોતાની પત્ની બનાવતો નથી. એ બાળકો છતે બાપે નબાપાં બની જાય છે. અને કોઈ યતીમખાનામાં જોડાઇ મુસલમાન બને છે કે કોઈ ખ્રિસ્તી અનાથાશ્રમમાં જોડાઇ ખ્રિસ્તી બને છે. ડાયસ્પરાનું આ પણ એક પરાક્રમ જ છે.
દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં કેટલાંક વર્ષો રહેલા અને ત્યાં ગયેલા અને જતા ભારતવાસીઓને એકત્રિત કરી સંસ્કારનું સિંચન કાર્ય કરનાર સ્વામી ભવાનીદયાળે આફ્રિકન શ્યામ સ્ત્રીને આર્યસમાજી ઢબે િહંદુ બનાવી તેને એક ગુજુ વેપારીએ અપનાવ્યાનો માત્ર એક જ કિસ્સો પોતાના પુસ્તકમાં ટાંકયો છે. એ પુસ્તક ૧૯૫૨માં પ્રકાશિત થયું હતું. ડાયસ્પરાનું આ પરાક્રમ પણ નોંધવું પડે.
અહીં એક જુદો વિચાર પણ આવે છે. યુરોપના કોઈ પણ દેશમાંથી અમેરિકા ગયેલો યુરોપિયન પછી આઈરીશ, ફ્રેન્ચ, જર્મન, સર્બિયન, ઈટેલિયન, હંગેરિયન, રશિયન, સ્પેિનશ કે પોર્તુગીઝ રહેતો નથી. એ અમેરિકન જ બની જાય છે. ભારતવાસીઓનો સારો એવો ભાગ રહેણીકરણીમાં અને ખાણીપીણીમાં અમેરિકન બની જતો હોવા છતાં, પૂરો અમેરિકન બની જતો નથી. અને ઈંગ્લડમાં કે અમેરિકામાં, ગુજરાતીઓનાં, મરાઠીભાષીઓનાં તામિલોનાં, કેરળવાસીઓના … એ ય અલગ અલગ મંડળો હોય છે. અને ગુજરાતીઓમાં જ્ઞાતિવાર મંડળો પણ, કદાચ અસ્તિત્વ ધરાવતાં હશે. આમ, ત્યાં જઇને પોતાની અલગતા જાળવી રાખવાનો આ પ્રયત્ન કેટલો યોગ્ય છે ,તે વિચાર પણ કરવો પડે. અલગતાની ઓળખ જાળવી રાખવાની આ વૃત્તિ શિખ લોકોને માથેથી પાઘડી ઊતરાવતી નથી અને મુસલમાન સ્ત્રીઓને બુરખામાં જકડી રાખે છે તથા, પોતાનાં બાળકો માટે દેશની કન્યા કે દેશનો વર મેળવવાનો આગ્રહ રાખતાં કરે છે. કમ સે કમ, ભારતીય અને ગુજરાતીઓ તેમાં આવી જ જશે. ડાયસ્પોરાની આ પણ વિશેષતા છે.
ડાયસ્પોરાનો વિચાર આમ બધી બાજુઓએથી કરવો જોઈએ.
(સદ઼ભાવ : ‘કહું, મને કટેવ’; “નિરીક્ષક”, ૧૬.૦૨.૨૦૦૯; "અોપિનિયન", ૨૬.૦૨.૨૦૦૯)