ફેબ્રુઆરી ૧૬મીના “નિરીક્ષક’ના અંકમાં ડાયસ્પોરા વિશે જે લેખ પ્રકાશિત થયો હતો, તેને લંડનથી નીકળતા પ્રખ્યાત ગુજરાતી “ઓપિનિયન”ના છેલ્લા અંકમાં, એ સામયિકના તંત્રી વિપુલ કલ્યાણીએ પહેલે જ પાને સ્થાન આપ્યું છે. એ લેખ લખીને “નિરીક્ષક” માટે એના તંત્રી પ્રકાશભાઇને રવાના કર્યા પછી, એ વિષય વાગોળતાં કેટલીક બાબતો મનમાં તરી આવી છે અને તે પણ, મારે મન, અગત્યની લાગતી હોઇ ”નિરીક્ષક”નાં પૃષ્ઠોનો લાભ તે માટે લઉં છું.
યુ.એસ.એ.ના તાજા જ વરાયેલા રાષ્ટ્રપતિ પણ એક અર્થમાં ‘ડાયસ્પોરા’ છે. એમના પિતા આફ્રિકાના પૂર્વ ભાગના કૅન્યાથી ત્યાં ગયા હતા, ત્યાં ઠરી ઠામ થયા. કોઈ શ્વેત અમેરિકી મહિલાને પરણ્યા અને એમને ત્યાં જે પુત્રનું પારણું બંધાયું તે આ બરાક ઓબામા. એમના પિતાને ત્યાંનું ડાયસ્પોરિક જીવન નહીં ગોઠ્યું હોય તેથી કે, બીજા કોઈ કારણે, એ પાછા કેન્યા ભેગા થઇ ગયા. આ બરાકકુમાર એમની માતા સાથે ત્યાં જ રહી ગયા અને ભાગ્યે એમને આજે – પ્રથમ નાગરિક પદે પ્રસ્થાપિત કર્યા.
પિતા અને પુત્ર વચ્ચેની જૂની નવી પેઢી વચ્ચેની જાણે કે અદૃશ્ય ભીંત ચણાઇ ગઇ. એ ભીંતે એમના હૃદયમાં કેન્યા વિશે જરા પણ ભાવને કદાચ ઉગવા જ ન દીધો. એમના પિતા સાથે એ કેન્યા ગયા હોત તો, એ હાર્વર્ડ યુનિર્વસિટીમાં શિક્ષણ લઈ શકયા હોત ? પિતા પુત્ર વચ્ચેની જે ખાઇ સર્જાઇ તે ભેદક છે. પોતાના બાપા સાથે બરાકકુમાર કેન્યા ગયા હોત તો એમનું શું થયું હોત, એ કેવળ કલ્પનાનો જ વિષય છે.
બે’કે દાયકા પહેલાં, અમારી દીકરીના ‘ગ્રેજયુએશન’ સમારંભમાં ભાગ લઈ, અમેરિકાથી પાછા વળતાં ઈંગ્લેન્ડમાં હું ત્રણચાર અઠવાડિયાં રોકાયો હતો. એ સમય દરમિયાન લંડનમાં દસબાર દિવસ રોકાયો હતો, યોર્ક પાસે આવેલા નાના ગામ દૂબીમાં થોડાંક દિવસ રોકાયો હતો, એડિનબરો ગયો હતો અને ત્યાંથી બ્લેકપુલમાં મારા ગુજરાતીપ્રેમી મિત્ર જોનને ત્યાં બે રાત ગાળી, ત્યાંથી રાલ્ફને ત્યાં દૂબી ફરીથી જઇ, પાછો લંડન ગયો હતો.
ત્યાં ગુજરાતીઓના એક નાના સંમેલનમાં મારાં યજમાન વિલાસબહેન મને લઈ ગયાં. અમેરિકાને પશ્ચિમ કાંઠે, સાન્ફ્રાન્સિસ્કોની કે કોઈ બીજી યુનિર્વસિટીમાં શિક્ષણકાર્ય કરતા કોઈ પ્રોફેસર જૈનના વાર્તાલાપનો કાર્યક્રમ હતો. એ પ્રોફેસર બિનગુજરાતી હતા અને હિન્દી અંગ્રેજીના મિશ્રણમાં એ વાતો કરી રહ્યા હતા. વીસેક કરતાં વધારે વર્ષોથી એ ત્યાં જ રહેતા હતા. પૂર્વપશ્ચિમના સાંસ્કૃતિક તફાવતની વાત નીકળતાં એમણે પોતાનું જ દૃષ્ટાન્ત આપ્યં. એમણે કહ્યું કે, ‘અમારે એક દીકરો છે. એ અમેરિકામાં જન્મ્યો છે અને ત્યાં જ ઉછર્યો છે. એનો અઢારમો જન્મદિવસ અમે આનંદથી ઉજવ્યો. એ દહાડે શનિવાર હતો. બપોરે ઉજવણી કરી હતી ને સારુ જમ્યા હતા. દીકરાને સારી ભેટ પણ આપી હતી. અમે જમીને બેઠા પછી થોડી વાર પછી દીકરાએ મોટરની ચાવી માંગી. ચાવી લઈ, ગાડી ચાલુ કરી એ ઉપડી ગયો.
‘સાંજ પડી. અમારો ડિનરનો સમય થયો, અમે આઠ વાગ્યા સુધી રાહ જોઇ પણ દીકરાનું દર્શન ન થયું. અમે થોડી ચિંતા સાથે ડિનર ખાધું. ટીવી ચાલુ કર્યું પણ મનમાં દીકરાની ચિંતા હતી. રાતના નવ થયા, દસ વાગ્યા, અગિયાર થયા … અમે બંને દીકરાની ચિંતા કરતાં બેઠાં. બીજું કશું થઇ શકે એમ જ નહોતું. આખરે મધરાતે, બારને ટકોરે એ આવ્યો.
‘દુઃખ અને રોષના મિશ્રણવાળા સ્વરે મેં કહ્યું કે બેટા, ઘડિયાળમાં જો. એણે ઉત્તર આપ્યો. પપ્પા, મારી વય સામે જુઓ, હવે હું પુખ્ત થઇ ગયો છું.’
અહીંથી ગયેલી ડાયસ્પોરાની પહેલી પેઢી અને ત્યાં જન્મીને ત્યાં જ ઉછરેલી બીજી પેઢી વચ્ચે કેટલી મોટી ખાઇ પડી જાય છે ! એ બે પેઢીઓ વચ્ચે સંસ્કાર ભેદની કેટલી મોટી, અભેદ્ય દીવાલ ચણાઈ જાય છે.
વિદેશ ગયા પછી પોતાના દેશના, ધર્મના, જ્ઞાતિના, ભાષાના સંસ્કાર જાળવી રાખવા, એ દેશમાં રહેતા હોવા છતાં એ દેશની સંસ્કૃતિ સાથે એકરૂપ ન બનવું તે વલણ કેટલાં યોગ્ય છે તે વિચારવું રહ્યું આપણા દેશમાં આર્યો બહારથી આવ્યા હતા તેવો ઈતિહાસનો એક મત છે. એ મતનો સ્વીકાર કરીએ તો, આર્યોથી માંડીને ઇ.સ.ની છઠ્ઠી સાતમી સદી સુધી જે જે પ્રજાઓ આવી તે અહીંની પ્રજા સાથે એકરૂપ થઇ ગઇ. ઈસ્લામના આગમન પછી ભેદરેખા દોરાઇ ગઇ. સંસ્કારની અનેક બાબતોમાં એકરૂપતા આવ્યા છતાં ભારતવાસીઓએ ઈસ્લામથી આભડછેટનો વ્યવહાર દાખલ કર્યો. યુરોપિયનો આવ્યા ત્યારે પણ એ વ્યવહાર ચાલુ રહ્યો. સર વિલિયમ જોન્સને સંસ્કૃત શીખવવા માટે કોલકાતામાં પંડિતો રાજી ન હતા. એ ‘યવન’ને આ દેવભાષા શીખવી શકાય શું ? યુરોપિયનો પોતાના ધર્મની અને પોતાની ભાષાની ભટે આપણને આપતા ગયા.
પરદેશ વસતા ગુજરાતીઓ અને ભારતવાસીઓ, ભારતમાં આવનાર મુસલમાનો અને યુરોપિયનોની માફક જુદો ચોકો જમાવશે તો સંઘર્ષ નહીં થાય ? યુરોપ અમેરિકામાં વસતા મુસલમાનોનો એક વર્ગ તો સંઘર્ષમાં ઉતરી ચૂકયો છે. પ્રોફેસર હંટિગ્ટનની ‘ફોલ્ટ લાઈન’ પશ્ચિમ તરફ ખસીને યુરોપ અમેરિકામાં ગઇ છે. લંડનના હીથ્રો વિમાનમથકે એક વાર મુંબઇથી જતા વિમાનમાં બેસી હું ઉતર્યો તો, મને અને મારા જેવાઓને દાઢીમૂછધારી અને પાઘડીધારીઓથી જુદા તારવી અમને તરત બહાર જવા દેવામાં આવ્યા. આમ જુદા તારવવાનું કારણ પૂછતાં ત્યાંના અંગ્રેજ અમલદારે ચતુરાઇપૂર્વક થોડી આંખ મિચકારી, કહ્યું કે, ‘અમુક માણસો પ્રત્યે અમારે ખાસ ધ્યાન આપવું પડે છે.’ અને એ લોકોની આટલી તકેદારી છતાં, આપણા એક ગુજરાતી લોકસભાના સભ્ય કેટલીય વાર પરસ્ત્રીને પોતાની પત્ની બનાવી ડાયસ્પોરામાં વધારો કરતા હતા ! એમના જેવા બીજા કેટલા ય પરગજુ કામચલાઉ પતિદેવો પણ હશે તે ડાયસ્પોરાના પ્રવાહને સતત વહેતો રાખતા હશે.
યુરોપના જુદા જુદા દેશોમાંથી યુ.એસ.એ. જઇ ત્યાં વસનાર પછી રશિયન, સર્બિયન, ગ્રીક, ઈટેલિયન, આઈરિશ, સ્પેનિશ નથી રહેતો એ અમેરિકન જ બની જાય છે.
વોશિંગ્ટનની કેન્દ્રીય સરકારના શિક્ષણ વિભાગમાં કામ કરતા એક ભાષાવિદ્ને મળવાનું થયું હતું. ડૉ. એલેટિસે મને મારી માતૃભાષા વિશે પૂછ્યું ને મેં એમને ઉત્તરમાં જણાવ્યું કે ‘મારી માતૃભાષા ગુજરાતી – ગાંધીની માતૃભાષા – છે.’ પછી મેં અટકળ કરી એમને પૂછ્યું, ‘ડૉ. એલેટિસ, આપ મૂળ ગ્રીસના છો?’ જવાબમાં ‘હા’ કહી એ બોલ્યા કે, પણ હું ગ્રીક ભાષા બરાબર બોલી શકતો નથી. મારાં માતાપિતા અહીં બેતાળીસ વર્ષોથી વસે છે, પણ એ સરખું અંગ્રેજી બોલી શકતાં નથી.’
આ ડૉ. એલેટિસનો દાખલો સ્પષ્ટપણે બતાવે છે કે, યુરોપના કોઈ પણ દેશમાંથી અમેરિકા ગયેલો વસાહતી ડાયસ્પોરા બનીને રહેવા માંગતો નથી. “નિરીક્ષક”ના આગલા અંકમાં ઈલિનોઇસ રાજયના ગવર્નર બ્લેગોજેવિચનો ઊલ્લેખ કર્યો છે તે પણ પહેલી પેઢીના અમેરિકન – એમના પિતા યુરોપના કોઈ નાનકડા દેશમાંથી અમેરિકા ગયા હતા અને એમની માતા અમેરિકન જ હતાં (કે છે) – છે અને પોતાના પૈતૃક દેશને સાવ વીસરી ગયા છે.
ત્યાં આ સ્થિતિ સામાન્ય હોવા છતાં અપવાદ પણ જોવા મળે ખરા. એક યુવાનના દાદા આયર્લેન્ડ અને દાદી ઈંગ્લેન્ડથી ત્યાં ગયેલા હતાં. આજે પણ એ યુવાનને ઇંગ્લેન્ડ પ્રત્યે ધિક્કારની જોરદાર લાગણી છે અને ત્યાં બેત્રણ સદીઓથી વસતા યહૂદીઓના મોટા ભાગનાનું વલણ સ્પષ્ટપણે અરબવિરોધી છે. એમની સહાનુભૂતિ સ્પષ્ટ જ છે, પોતાનું જુદું અસ્તિત્વ જ એ લોકો ટકાવી રાખવા માગે છે. ભારતમાં પંદરસો-બેહજાર વર્ષોથી વસતા યહૂદીઓમાંથી ઈઝરાયેલ પાછા જનાર યહુદીઓની સંખ્યા પણ નાની નથી. ‘જમાલ ભાઇઆનો જુદો ચોકો’ કહેવત આવા લોકો સાચી પાડે છે.
આવા જુદા ચોકા માટે કેટલાંક કારણો અવશ્ય છે. ત્યાંનાં પુરુષો બાળકોનાં બાળોતિયાં સાફ કરે, પત્નીની ગેરહાજરીમાં અને કેટલીયેવાર હાજરીમાં પણ રસોઇ તથા એનાં બીજાં કામ કરતાં હોય છે. ત્યાં જતાં આપણા અનેક યુવાનોને રસોઇ જ આવડતી હોતી નથી. સ્વ. રામુભાઇ પંડિત કોઈ ગુજરાતી જુવાનની વાત કરતા હતા કે ત્રણચાર મહિના એ જુવાન માત્ર ડબલ રોટી અને દૂધ પર જ રહ્યો હતો. પણ આજે પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. પાપડ, ખાખરા સહિતના આપણા બધા ખાદ્ય પદાર્થો વિદેશોમાં મળતા થઇ ગયા છે. બેડેકરનાં અથાણાં મળે છે, ખાખરા મળે છે, પાપડ મળે છે, સોપારી મળે છે અને લંડનમાં તો પાન પણ મળે છે. આવી બધી ચીજવસ્તુઓ મળવાની ખબર થતાં, મારે ત્યાં શૈક્ષણિક વર્ષ રહેવાનું થયું ત્યારે, સૂડી અને સોપારીની ખરીદી મારી પ્રથમ ખરીદી હતી. ઘરમાં હીંચકો ન હતો પણ સોફા પર બેસીને સોપારી કાતરતાં અને ચાવતાં મારું મન ભારત દોડી આવતું. અમેરિકન જીવનશૈલી સાથે મેળ બેસાડવાની મારી વય મેં કયારેય વીતાવી દીધી હતી. એ ડાયસ્પોરિક જીવનમાં હું મારી જાતને ગોઠવી શકયો નહીં. ત્યાં પૌત્રપૌત્રીને કે દૌહિત્રને સાચવવા જતાં અનેક વૃદ્ધો, ત્યાંની શીતળ આબોહવાને કારણે સતત બંધ રાખવા પડતા ઘરમાં રહેવાથી બંધિયારપણાથી પીડાય છે.
અગાઉ કહેલા પ્રો. જૈનના પુત્રના કિસ્સાના ઉલ્લેખથી ડાયસ્પોરાની બે પેઢીઓ વચ્ચેની ખાઇ આપણી નજરે પડે છે. ડાયસ્પોરિક જીવનનાં અનેક પાસાં છે.
(સદ્દભાવ : “નિરીક્ષક”, ૦૧.૦૪.૨૦૦૯; “ઓપિનિયન”, ૨૬ એપ્રિલ ૨૦૦૯)