ગિરીશભાઈ પટેલ (૧૯૩૨-૨૦૧૮), ગુજરાતના એક ખ્યાતનામ માનવ-અધિકાર કાર્યકર અને લોકાર્ભિમુખ વકીલ, એક ટૂંકી માંદગી પછી, ઑક્ટોબર ૬ના દિવસે સવારે ૪ઃ૩૦ વાગ્યે તેમનું નિધન થયું. આ સમયમાં, જ્યાં “Survival of the fittest” એટલે કે જે શક્તિશાળી છે તે જ ટકે, જ્યાં સત્તા અને સંપત્તિ યેનકેન પ્રકારે (ગમે તે ભોગે) મેળવવાની હોડ, બીજાને પછાડી આગળ નીકળી જવાની આવડતને કહેવાય હોંશિયારી, ત્યાં ગિરીશભાઈ જેવા વકીલ જ્વલ્લે જ મળે. ગિરીશભાઈએ, એમની જિંદગી માનવતા, સહકાર, બલિદાન, આ સૌ મૂલ્યોનું એક ઉત્તમ ઉદાહરણ … ગિરીશભાઈ, કે જે નીચલામાં નીચલા સ્તરે જીવતાં માનવસમાજના લોકોનું, એક મોટું આશાનું કિરણ તેમણે હંમેશાં જીવન અર્પણ કર્યું હતું.
અમદાવાદ મ્યુિનસિપલ કૉર્પોરેશના એક સ્વચ્છતા (સેનેટરી) નિરીક્ષકના પુત્ર, જે મ્યુિનસિપાલિટીની સ્કૂલમાં ભણેલા, તેમણે ૧૯૫૮માં, એલ.એલ.બી. કરી અમદાવાની એક પ્રતિષ્ઠિત લૉ કૉલેજના પ્રોફેસર તરીકે જોડાયા. ૧૯૬૨માં તેમણે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં એલ.એલ.બી. ભણવાની, પૂર્ણ સ્કૉલરશિપ સાથે તક મળેલી, જે તેમણે ઝડપી લીધી હતી, આ હાર્વર્ડ યુનિવર્સિટીમાં તેમને કાયદાની પાછળની ફિલસૂફીની મહત્તાની સમજણ મળી, જેનો તેમણે આખી જિંદગી ઉપયોગ કર્યો. ૧૯૬૨માં નેધરલૅન્ડની Hague એકૅડમી ઑફ ઇન્ટરનેશનલ લૉમાં તેમણે પૂર્ણ સ્કૉલરશિપ સાથે એક વર્ષનો અભ્યાસ કર્યો અને ત્યાર બાદ ૧૯૬૨માં તેઓ અમદાવાદ પરત આવી, શિક્ષણક્ષેત્રે જોડાયા અને એક લૉ કોલેજમાં પ્રિન્સિપાલની પદવી સંભાળી.
૧૯૭૨માં લૉ કૉલેજના આંતરિક વિખવાદ દરમિયાન ગિરીશભાઈ પર મૂકવામાં આવેલ આક્ષેપ પછી તેમને બરખાસ્ત કરવાના રાજકારણને લઈને તેમનું મન ઊઠી ગયું હતું. પછી, જસ્ટિસ પી.એન. ભગવતીના કહેવાથી તેઓ ગુજરાત લૉ કમિશનમાં જોડાયા હતા, જ્યાં તેમણે ત્રણ વર્ષ સેવા આપી. ત્યાર બાદ લગભગ ૧૯૭૪થી તેઓએ માનદ્ ગુજરાત હાઈકૉર્ટમાં તેમની લૉની પ્રૅક્ટિસ ચાલુ કરી.
એક શિક્ષક તરીકે તેમેણે યુનિવર્સિટી ટીચર ઍસોસિયેશનને ટેકો આપેલો. આ ઍસોસિયેશને શિક્ષણ ભ્રષ્ટાચાર અને ખાસ રસ ધરાવતી પ્રવૃત્તિઓ સામે વિરોધ ઉઠાવેલ. ગિરીશભાઈએ ૧૯૭૪માં નવનિર્માણ આંદોલનનું અને ભૂખમરા સામેના અવાજને સમર્થન આપેલું. એમણે ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીનો પણ વિરોધ કરેલો. આ સમય દરમ્યાન, તેમણે અન્ય ડાબેરી કાર્યકરોની જેમ, ગુજરાતમાં પણ સિવિલ લિબર્ટીઝ અને રાજકીય હક્ક વિશેના તફાવતનો અસ્વીકાર કરેલો. ગિરીશભાઈ, કેરળ માર્ક્સવાદી કે.વી. કુમારે સ્થાપેલ મહાગુજરાત લેબર યુનિયનના પ્રમુખ રહી ચૂક્યા હતા. આ ચળવળના અનુભવ પછી તેઓ કાયમ કહેતા, ‘ઝાંપે લઢી લો’.
ગિરીશભાઈ સ્પષ્ટપણે માનતા કે, ‘નાગરિક, રાજકીય અને લોકશાહી હક્ક માટેની લડત ફક્ત સમાજના મધ્યમવર્ગની (bourgeoisie) લડત નથી; સમાજના ગરીબ અને નબળા વર્ગોને તેની અમીર અને શક્તિશાળી વર્ગો કરતાં વધારે જરૂર છે. ઉપરાંત, સામાજિક, આર્થિક અને સાંસ્કૃિતક હક્કોની લડતો એકબીજાથી વિભિન્ન નથી, એકબીજા સાથે જોડાયેલી જ છે.’ માનવ-અધિકાર ત્યારે જ સાચા અર્થમાં હકીકત, અસરકારક અને અર્થપૂર્ણ બને, જ્યારે રાજ્ય, સમાજ અને આર્થિક વ્યવસ્થા સૌ લોકશાહી-સભર બને. આ પરિપ્રેક્ષ્યથી એમણે અન્ય સમાન વિચારધારાવાળા સાથે મળીને, ૧૯૭૭માં લોકઅધિકાર સંઘ(LAS)ની સ્થાપના કરેલી, જે ગુજરાતના ગરીબ અને વંચિતના અધિકાર માટે લડે.
ગિરીશભાઈનું ખાસ પાસું રહેલું છે, તે અધિકારો માટેની સામાજિક લડતમાં એક સામાજિક કર્મશીલ તરીકે રહી, કોર્ટોમાં કાયદાકીય લડત અપાવી. એક સામાજિક વકીલ કે કાર્યકર્તા તરીકેના તેમનાં મૂલ્યો એકસમાન હતાં. એક વકીલ તરીકે એમણે ક્યારે ય પણ દલિત, આદિવાસી, મહિલા અને મજૂરો વિરુદ્ધ કેસ લીધેલા નહીં. એમનું ઘર, સામાજિક કાર્યકરો તથા ગરીબ અને વંચિતોના માટે હંમેશાં ખુલ્લું રહેતું અને સૌને કુસુમબહેન પ્રેમથી ચા પિવડાવે.
ગિરીશભાઈ, ખૂબ જ કલ્પનાત્મક રીતે કાનૂની વ્યવસ્થાનો સામાજિક ન્યાય અને રાજકીય કાર્યવાહી માટે ઉપયોગ કરતાં. આ રીતે તેમણે ૧૯૮૦થી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન (PIL) ખૂબ જ નવીન રીતે ઉપયોગ કરવાનો શરૂ કર્યો. ગુજરાત હાઈકૉર્ટનાં તેઓ સૌથી પહેલાં વકીલ હતા જેમણે પી.આઈ.એલ. ચાલુ કરેલ. લગભગ ૨૦૦થી પણ વધારે પી.આઈ.એલ. એમણે હાલ સુધીમાં કરેલી છે, જેમાં ઘર-હક્ક, પુનર્વસન, ન્યૂનતમ મજૂરી, આજીવિકા અધિકાર, દલિત-આદિવાસી-મહિલાઓ પરના અત્યાચારો વગેરેના મુદ્દાઓ સંકળાયેલ છે. તેમની ઘણી બધી સફળતાઓમાંની એક, તે ૩૦૦ જેટલા બંધુઆ મજૂરોને મુકિત અપાવેલ અને સાથે-સાથે તેમને હક્ક અને મજૂરીની રકમ પણ અપાવેલ. શેરડીનાં ખેતરોમાં અમાનવીય પરિસ્થિતિમાં જે કામદારો કામ કરતાં, તેમની એક પ્રખ્યાત માનવશાસ્ત્રી ઇયાન બ્રેમેનના અભ્યાસ શિક્ષણ પરથી, ગિરીશભાઈએ LASમાંથી ન્યૂનતમ મજૂરી માટે પી.આઈ.એલ. કરેલી. તેમની સફળતા પછી, એમણે ત્યાંનાં સ્થાનિક સામાજિક કાર્યકરોને હાઈકૉર્ટના ઑર્ડરની અમલીકરણની જવાબદારી સોંપેલી. ગિરીશભાઈએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક કેસ જીત્યા છે અનેક હાર્યા છે અને કેટલાયની કોઈ પ્રગતિ પણ નથી થઈ. તેઓ એકદમ સભાન હતા કે પી.આઈ.એલ.ની એક મર્યાદા છે; જ્યારે કોઈ પણ ન્યાયમૂર્તિ તેમને પૂછતા કે મર્યાદા જાણ્યા પછી પણ ગિરીશભાઈ તમે શા માટે પી.આઈ.એલ. દાખલ કરો છો? ગિરીશભાઈ સહજભાવે રમૂજથી જવાબ આપતા કે "સાહેબ, તમારી રાતની ઊંઘમાં ખલેલ પહોંચાડવા, જેથી આપ પ્રભુત્વશાળી (Lordship) એમ ના માનીને સૂઈ જાવ કે દેશમાં બધું બરાબર ચાલે છે."
લોકજાગૃતિ માટે, એ જ રીતે તેમણે અંગ્રેજી છાપાંઓમાં ૪૦૦થી પણ વધારે letters to the editor લખ્યા છે. આ પત્રોનો એક સંગ્રહ પણ પુસ્તકરૂપે પ્રકાશિત થયેલ છે.
અંતે, ૧૯૯૦ના દાયકાથી, પી.આઈ.એલ.ની મર્યાદા બહાર આવવા માંડી. ન્યાયતંત્ર અને ન્યાયાધીશોની ગરીબલક્ષી વિચારધારા બદલાઈ; જે નવી ઉદારવાદી, આર્થિક નીતિથી પ્રભાવિત હતી. પી.આઈ.એલ.ની અસરકારકતા ઓછી થઈ. પી.આઈ.એલ.નો ઉપયોગ ખાસ હિતના લોકો કરવા માંડયા. ગિરીશભાઈએ લખ્યું, ‘સામાજિક દમન, કોમી સાંપ્રદાયિકતા, જ્ઞાતિવિગ્રહ વગેરેએ નાગરિક સમાજ અને લોકોની લડતોનું ભવિષ્ય નબળું કરી નાખ્યું છે, નષ્ટ કરી નાખ્યું છે. એક મોટો વિરોધાભાસ ઊભો થયો છે, એક તરફ કૉર્પોરેટ પાવર સામે ઉગ્ર બનતી લોકચળવળો અને બીજી બાજુ, રાજ્યનો તો આતંક".
ગિરીશભાઈ એટલે કે ગુજરાતના સૌ ઉદ્દામવાદી જૂથોના સર્વમાન્ય મિત્ર અને નૈતિક સમર્થક. જે કોઈ પણ આજીવિકા, સ્વગૌરવ અને બિનસાંપ્રદાયિક લડતો લડતા, તેમના ગિરીશભાઈ મિત્ર. એમને હંમેશાં, એક આખા દેશના સ્તરે લોકોની લડતો માટે એક સર્વમાન્ય વૈચારિક માળખાની જરૂરિયાત લાગેલી છે, જેથી લોકશાહી વિરુદ્ધનાં તત્ત્વો અને દળો સામે લોકચળવળ કૉન્સ્ટિટ્યૂશનલી (Constitutionally) ચાલી શકે.
ગિરીશભાઈને તેમના અખૂટ યોગદાન માટે ગુજરાતના નાગરિક-સમાજે ૨૦૦૯માં બિરદાવેલા, તેમનો સન્માન-સમારોહ રાખેલ૧. ખાસ કરીને જે માનવમૂલ્યો ગિરીશભાઈએ સાચવેલ, જે ’ગુજરાત મૉડલ’નું એક માનવતાવાદી અને સમાવેશક પાસું છે, તેને બિરદાવવાનું.
તેમની પાછળ કુસુમબહેન, દીકરીઓ રૂપલ અને સીમા અને પ્રપૌત્ર અને પ્રપૌત્રીઓ છે. આપણે સૌ ક્યારે ય પણ ગિરીશભાઈનું હંમેશાં હસતું મોઢું નહીં વીસરી શકીએ.
E-mail : ghanshyam.shah2008@gmail.com
૧. તે પ્રસંગે વ્યક્ત કરેલા અને કરવા ધારેલા વિચારો માટે જુઓ નિ. ૧૬-૧૦-’૧૮
સૌજન્ય : "નિરીક્ષક", 01 નવેમ્બર 2018 ; પૃ. 12 અને 11