આજકાલ અમદાવાદ ખાતે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અનેક પ્રવૃત્તિઓથી ધમધમે છે. વિવિધ પ્રકારનાં કાર્યક્રમો અને પ્રદર્શનો, વક્તવ્યો ત્યાં યોજાય છે. જેનો રસિક અને ઉત્સુકજનો પૂરતો લાભ લે છે. તા. પમી સપ્ટેમ્બરના રોજ આવો જ એક કાર્યક્રમ યશવંત દોશી સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણીનો યોજાઈ ગયો. એમાં જાણીતા રાજકીય સમીક્ષક, અનુવાદક, ઇતિહાસ તથા બંધારણના અભ્યાસી નગીનદાસ સંઘવીએ ‘યશવંત દોશીનું જીવન અને કવન’ વિષય પર મનનીય પ્રવચન આપ્યું હતું. આ નિમિત્તે ગુજરાતી સાહિત્યના અભ્યાસી અને સંશોધક દીપક મહેતાએ વક્તાનો વિગતે પરિચય આપ્યો હતો અને દીપક મહેતા લિખિત ‘ગ્રંથના પંથના અનોખા યાત્રી યશવંત દોશી’ વિશેની ૭૨ પાનાંની નાનકડી પુસ્તિકાનું શતાયુ નગીનદાસ સંઘવીએ વિમોચન પણ કર્યું હતું.
યશવંત દોશી (૧૯૨૦-૧૯૯૯) આપણા ગ્રંથસમીક્ષાના સામયિક ‘ગ્રંથ’ના તંત્રી અને પરિચય પુસ્તિકાના સંપાદક તરીકે પૂરતા જાણીતા છે. આપણે ત્યાં અંગ્રેજીમાં ગ્રંથસમીક્ષાનાં થોડાં સામયિકો જોવા મળે છે. પરંતુ ગુજરાતી ભાષામાં ગ્રંથ અને પરિચય પુસ્તિકા એ એક અવનવું કાર્ય હતું. એ પ્રવૃત્તિ પાછળ વાડીલાલ ડગલી અને યશવંત દોશીની મિત્રબેલડી હતી. ‘ગ્રંથ’ સામયિક ૧૯૬૩માં શરૂ થયું, પરિચય પુસ્તિકા ૧૯૫૮માં. ‘ગ્રંથ’ સામયિક કાળક્રમે ૧૯૮૬ના વર્ષમાં આટોપી લેવાયું. પરિચય પુસ્તિકાની પ્રવૃત્તિ આજે પણ ચાલુ છે! યશવંત દોશીએ પોતે આઠ જેટલી પરિચય પુસ્તિકા લખી છે. જેમાંની સૌથી વધુ જાણીતી છે : સાચી જોડણી અઘરી નથી. (૧૯૫૯) આ ઉપરાંત તેમણે કેટલાંક સંપાદન અને કેટલાક અનુવાદો ઉપરાંત મોરારજી દેસાઈ વિશેની ચરિત્ર પુસ્તિકા અને સરદાર પટેલનું બે ભાગમાં જીવનચરિત્ર લખ્યું છે. આ જીવનચરિત્ર નવજીવન પ્રકાશિત છે.
યશવંત દોશી નગીનદાસ સંઘવીના પરમ મિત્ર. મુંબઈના કાંદિવલીમાં કવિ પ્રહ્લાદ પારેખના અવસાન સમયે આ મિત્રનો પરિચય થયેલો. પછી પરિચય ટ્રસ્ટની ઑફિસમાં અઠવાડિયે બે-ત્રણ વાર લગભગ નિયમિત જવાનો અને ચા પીવાનો ઉષ્માભર્યો સંબંધ તેમનો રહ્યો. ડગલી અને દોશી બંને મિત્રોએ પરિચય ટ્રસ્ટના કામ માટે પોતપોતાની નોકરી છોડવાનું નક્કી કરેલું. દોશીએ યુનાઈટેડ સ્ટેટસ ઈન્ફરમેશનની સર્વિસની ઊંચા હોદ્દાની અને અમેરિકન ડૉલરમાં મળતા પગારની નોકરી છોડી દીધી, અને ડગલીએ ન છોડી. મિત્ર નગીનદાસનું કહેવું હતું કે પોતાનું જીવન યશવંતભાઈએ પરિચય ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં આપી દીધું. મિત્રોએ યથવંતભાઈને ઘણો અન્યાય કર્યો છે, યશવંત દોશીએ તે મૂંગે મોઢે સહન કરી લીધો છે. સૌથી વધુ પરિચય પુસ્તિકા નગીનદાસ પાસે તેમણે લખાવી. લખવાની શિસ્ત પોતે યશવંતભાઈના કારણે શીખ્યા, પોતાના લેખન ઘડતરમાં યશવંત દોશીનો અમૂલ્ય ફાળો છે એમ નગીનદાસે જાહેર કબૂલાત કરી. ય.દો. અજાતશત્રુ હતા. પરિચય ટ્રસ્ટની પ્રવૃત્તિ તેમને માટે બીજી પત્ની જેટલી મૂલ્યવાન હતી.
કશા કારણ વિના ૧૯૭૭ના વર્ષ દરમ્યાન ‘ગ્રંથ’ મુંબઈથી અમદાવાદ ગયું અને કવિ નિરંજન ભગતે તે સમય દરમિયાન તેનું સંપાદન કર્યું. માતાના ખોળામાંથી બાળક ઝૂંટવી લેવાય એવી વેદના એ કાળે ય.દો.એ અનુભવી. પોતાની વ્યથા તેમણે કદી પ્રગટ કરી નહીં. ફરીથી સંપાદન સંભાળવાનું આવ્યું ત્યારે એક માતાની લાગણીથી એ બાળકને પુનઃ તેડી લીધું! ડગલીના અવસાન પછી ડગલીનાં પત્ની ઇન્દિરાબહેન ટ્રસ્ટમાં દાખલ થયાં. ક્રમશઃ યશવંતભાઈ તેમાંથી મુક્ત થયા. ૨૨ વર્ષ તેમણે ‘ગ્રંથ’નું સંપાદન સભાળ્યું. તે પછી ‘સમકાલીન’ અને અન્ય પત્રમાં તેમણે કોલમ-લેખન કર્યું, જે લેખોના ત્રણેક સંચયો પ્રગટ થયા છે.
રાજમોહન ગાંધીએ અંગ્રેજીમાં સરદારનું દળદાર જીવનચરિત્ર લખીને પ્રગટ કર્યું તે જ સમયે ય.દો.નું આ જ વિષયનું ચરિત્ર બે ભાગમાં નવજીવન દ્વારા પ્રકાશિત થવાનું હતું. રાજમોહનની પ્રતિભા અને આગ્રહને કારણે બંને ચરિત્રો એક સાથે પ્રગટ ન થયાં, ય.દો.નું પુસ્તક પછીના વર્ષે પ્રગટ થયું જ્યારે તેઓ મૃત્યુ પામી ચૂક્યા હતા! નગીનદાસ તો રાજમોહનના પુસ્તકના અનુવાદક રહ્યા છે. તેમનું પ્રગટ મંતવ્ય હતું કે ય.દો.નું ચરિત્ર રાજમોહનના ચરિત્ર કરતાં ચોક્કસ ચઢિયાતું છે.
પરિચય ટ્રસ્ટમાં તેમના બીજા મિત્ર ભૃગુરાય અંજારિયા પણ નિયમિતપણે મળવા આવતા. ક્યારેક લેખકમેળો જામતો. ચંદ્રકાંત શાહ, દીપક મહેતા, હસમુખ ગાંધી, સૌરભ શાહ જેવા સાથી કર્મચારીઓને ય.દો. પાસેથી લેખન સંપાદનનો ઘણો અનુભવ પ્રાપ્ત થયો છે. દૈનિક ‘સમકાલીન’નું નામકરણ પણ ય.દો.ના નામે જ જમા છે.
મિત્ર વિશે બોલવાના આનંદ અને વ્યથા નગીનદાસે એક સાથે પ્રગટ કર્યાં. સહન કરવાનું જીવનમાં ઘણાને ફાળે આવે છે જેનો ક્યારેક કોઈ વિકલ્પ હોતો નથી. પણ ય.દો.એ તેમના સ્વભાવ મુજબ જે સહન કર્યે રાખ્યું તેનો જોટો મળવો મુશ્કેલ છે. એ તિતિક્ષાની કક્ષાનું હતું એમ કહી નગીનદાસે તિતિક્ષાની વ્યાખ્યા કરતો શંકરાચાર્યનો શ્લોક ટાંક્યો હતો. માનવીય ગુણોથી ય.દો. ભર્યાભર્યા હતા. આવો મિત્ર ભાગ્યે જ કોઈને મળે એમ પણ તેમણે કહ્યું.
આજનો સમય આત્મપ્રશંસાનો અને બધે કહી બતાવવાનો છે ત્યારે આવા મૂક સેવકોને યાદ કરવા એ પણ એક મહત્ત્વનું કાર્ય છે. નગીનદાસ કહેતા હતા કે ૧૦૦ વર્ષની મારી ઉંમરમાં અમદાવાદ જાહેરમાં બોલવાનો મારે માટે કદાચ આ પહેલો પ્રસંગ છે. મોટા માણસોના દાંભિક આચરણનો નગીનદાસે વક્તવ્ય દરમ્યાન નામો દઈને પર્દાફાશ પણ કર્યો. ચંદ્રકાંત બક્ષી અને ‘કુત્તી’ વાર્તા નિમિત્તે થયેલો વિવાદ પણ તેમણે યાદ કર્યો. દર્શકની ‘સોક્રેટિસ’ નવલકથા પોતે કરેલી સમીક્ષા અને દર્શકે અન્યત્ર તેનો કરેલો જવાબ પણ બાદ કર્યાં. ય.દો.ની ભાષા સંઘેડા ઉતાર હતી એમ પણ તેમણે કહ્યું. સોમા વર્ષે ટટ્ટાર ઊભા રહીને જુસ્સાપૂર્વક થયેલું નગીનદાસનું વ્યાખ્યાન સાંભળવું એ એક યાદગાર લહાવો બની રહ્યો.
E-mail : dankesh.oza20@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 19 તેમ જ 22
પ્રા. નગીનદાસ સંઘવીના આ પ્રવચનની લિન્ક :