ગુજરાતી સાહિત્યમાં ઘણાં બધાં પારિતોષિકો અપાય છે. કોઈક કાળે ઓછાં પારિતોષિકોની ફરિયાદ રહેતી હોય તો ભલે, પરંતુ હવે એવું નથી, એવું સર્વ કોઈ સ્વીકારશે. સ્થિતિ એટલી બદલાઈ છે કે આજે સાહિત્યમાં ગુણવત્તા ભૂતકાળના પ્રમાણમાં તો ઘટી જ છે અને પારિતોષિકોની સંખ્યા વધતી ગઈ છે. આજે સાહિત્યકારો પોતાનાં પુસ્તકોની સંખ્યાના જોરે મોટા હોવાનો દાવો કરે છે, તો બીજા કેટલાંક ઓછાં પુસ્તકો હોવા છતાં વધુ પારિતોષિકો મેળવ્યાનો દાવો પણ કરી શકે તેવી સ્થિતિ છે. મનમાં સવાલ એ થાય છે કે આવી સ્થિતિ સારી કહેવાય ખરી ?
બીજો વિચાર ‘કર્મશીલતા’નો આવે છે. ઘણા બધા સાહિત્યકારોને કર્મશીલ પણ ગણાવાય છે. ક્યારેક પોતે પણ કર્મશીલ હોવાનું સ્વીકારી લે છે અથવા એવો દાવો કરતા થઈ જાય છે. એક તરફ સમાજમાં કામો વધી પડ્યાં છે અને કામ કરનારા ઓછા છે. જેટલા લોકો લેખન તરફ વળે છે, તેટલા પ્રમાણમાં સામાજિક કાર્ય તરફ સ્વેચ્છાએ વળતા હોય એવું ઝાઝું દેખાતું નથી. કામો જરૂર થાય છે, પરંતુ આપણો દેશ અને સમાજ અને તેના પ્રશ્નો એવા તો સંકુલ અને મસમોટા છે કે ગમે તેટલું ગંજાવર કામ થયું હોય અને થતું હોય તો પણ નાનું દીસે છે. આવી પરિસ્થિતિમાં પત્રકાર કે લેખક પોતાને કર્મશીલ ગણાવે, ત્યારે થોડું વરવું લાગે છે, જેમાં ઝટ સંમત થવાનું મન થતું નથી.
ફિલોસૉફર સાર્ત્રે તો કહેલું કે ‘વિચાર એ પણ કાર્ય છે.’ પણ, પછી પ્રશ્ન એ થવાનો : કયો વિચાર અને કેવો વિચાર ? સાર્ત્રની કક્ષાએથી જે કક્ષાની વાત થઈ હોય, તેનો દલીલ તરીકે આપણી ક્ષુલ્લક વાતમાં કોઈ સહારો લે, ત્યારે મનોમન હસવું આવી જાય છે. સાર્ત્રની કક્ષાનો વિચાર કરનારા, કહીએ તો વિનોબા જેવા, આપણે ત્યાં બીજાઓ છે ખરા ? હોય તો પણ કેટલા ઓછા.
સાહિત્યને સમાજ સાથે નાભિનાળનો સંબંધ હોવાનું સ્વીકારવા છતાં બધા સાહિત્યકારોને સામાજિક નામના ખાનામાં ખતવી શકાય ખરા ? જે અર્થ અને જે સંદર્ભમાં ઈશ્વર પેટલીકર કે પન્નાલાલ કે દિલીપ રાણપુરા કે જૉસેફ મેકવાનને સામાજિક સાહિત્યકાર લેખાવી શકાય તે અર્થમાં બીજાને ગણાવી શકાય ખરા ?
આવા કંઈક વિચારો મનમાં ઘમસાણ યુદ્ધ જમાવી બેઠા હતા જ્યારે વર્ષ ૨૦૧૦નું સચ્ચિદાનંદ સન્માન ચંદ્રકાંત શેઠને, ૨૦૧૧નું રતિલાલ બોરીસાગરને અને ૨૦૧૨નું લાભશંકર પુરોહિતને તા. ૭ જૂન, ૨૦૧૪ના રોજ ચિત્રકૂટધામ, મહુવા ખાતે આદરણીય મોરારિબાપુના હસ્તે ગુજરાતી સાહિત્યના પ્રમુખ ધીરુભાઈ પરીખની હાજરીમાં અપાઈ રહ્યું હતું.
પેટલાદના દંતાલી ખાતે નિવાસ કરતા સ્વામી સચ્ચિદાનંદે સાહિત્ય પરિષદને જ્યારે આ સન્માન માટે જે કંઈ રકમ આપી હશે, ત્યારે સાહિત્ય અને સમાજ વચ્ચેના સંબંધો ગાઢ હોય અને એવું સાહિત્ય લખતા હોય તેવાને તે અપાય એવો જ વિચાર હશેને ? એટલે તો ગુજરાતી સાહિત્ય પરિષદ જેમને આ સન્માન આપે છે, તે બધાને ‘કર્મશીલ’ ગણાવવાનો પુરુષાર્થ કરે છે !
શરૂઆત ૧૯૯૭માં ભોગીલાલ ગાંધીને આ સન્માન આપવાથી થયેલી. પછી તે નિરંજન ભગત(૧૯૯૯)ને પણ અપાયું. ગુણવંત શાહ(૨૦૦૧)ને પણ અપાયું. ધીરુભાઈ પરીખ(૨૦૦૪)ને અપાયું. અત્યાર સુધીમાં કુલ સોળ સાહિત્યકારોને અપાયું. એમાં નથી જૉસેફ મેકવાન, નથી દિલીપ રાણપુરા કે નથી ધ્રુવ ભટ્ટ !
ગુજરાતી સાહિત્ય પરિષદ શતાયુ બની છે, તેનું આપણે ગૌરવ લઈએ તે સારુ છે. પરંતુ જે રીતે આ સન્માન જેમને અપાય છે, તે બાબતે ચર્ચાવિચારણા પણ ન કરીએ તો તે વાજબી નથી. સચ્ચિદાનંદ સન્માન માટેની કોઈ નિર્ણાયક-સમિતિ નથી. સન્માન પ્રતિવર્ષ એક સાહિત્યકારને અપાય છે. પરિષદના ટ્રસ્ટીમંડળના સભ્ય રઘુવીર ચૌધરીએ જાહેર સમારંભમાં એવું કહ્યું કે ટ્રસ્ટીઓ વાતચીત કરીને, પ્રમુખની સંમતિથી આ નિર્ણય લે છે. આને બહુ સંયત રીતે કુલડીમાં ગોળ ભંગાતો હોવાનું કહી શકાય ? સમાજમાં પારદર્શકતાની ઝંખના વધી છે. અગાઉ ચાલ્યું એવું હવે ચાલવાનું કે ચલાવવાનું નથી. લોકશાહી સરકારો માહિતી અધિકાર આર.ટી.આઈ. સુધી પહોંચી ગઈ છે, ત્યારે આપણે નિર્ણાયક-સમિતિઓ પણ ન રચીએ અને તે જાહેર ન કરીએ, તો તે કેટલું યોગ્ય કહેવાય ? સવાલ કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાનો નથી. સવાલ વિશ્વસનીયતાનો, જવાબદારીનો અને પારદર્શિતાનો છે. આ લઘુતમ અપેક્ષા છે.
સમાજમાં અને સાહિત્યમાં જે કંઈ ચાલી રહ્યું છે, તેને તટસ્થતાથી મૂલવવાનું વલણ સમાજમાં ઓછું થતું જાય છે એ ખરી ચિંતાનો વિષય છે. પછી બધાંને ફાવતું થઈ જતું હોય છે. મૂલ્યનાં ધોરણો જળવાય તે માટેની કડક પરીક્ષા અને આલોચના ન થાય તે કેમ ચાલે ? આપણે ત્યાં વિચારપત્રો છે પણ તેમાં પૂર્વગ્રહ અને વ્યક્તિલક્ષી વિચારણાઓ પ્રવેશી જાય છે, જે ચર્ચાના સ્તરને દોદળું અને નકામું બનાવી મૂકે છે. સાહિત્યનાં સામયિકો પણ ડઝનબંધી છે. તેમને કદાચ આવા વિષયોમાં પદાર્પણ કરવા જેવું પણ લાગતું નથી. જે કંઈ સર્જન થયું તે છપાવવામાં અને આવી મળે તે છાપવામાં બધા રત છે … ઑલ ઇઝ વેલની આલબેલ પોકારી શકાય તેમ તો નથી જ નથી.
મિત્રો, થોડી વધુ ગંભીરતાથી ન વિચારીએ ?
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 15-16