આજે તે દિવસો વહી ગયા છે. કારણ ધર્મોમાંથી જાણે ધાર્મિકતા જ ચાલી ગઈ છે. હવે આર્ય, બૌદ્ધ, યહૂદી, ઇસ્લામ વગેરે સર્વ ધર્મો માનવતાની અદાલતમાં આરોપી બનીને હાજર થયા છે. ધર્મને નામે એટલી સંકીર્ણતા ફેલાવા લાગી છે, એટલો મનુષ્યદ્રોહ થઈ રહ્યો છે કે આજે એકેએક ધર્મ ન્યાયાધીશને બદલે આરોપીના સ્થાને આવી ગયા છે. હવે ધાર્મિકતાને જ ધર્મોના સકંજામાંથી ઉગારવાની ઘડી આવી પહોંચી છે.
– કાકા કાલેલકર
દર્શકના એટલે કે મનુભાઈ પંચોળીના ‘સ્વરાજધર્મ’ (૧૯૯૬) પુસ્તક વિશે વિગતે વાત કરતાં પહેલાં લેખકનો આપણે પરિચય કરી લેવો જોઈએ. ગુજરાતી સાહિત્યના આ અગ્રગણ્ય સાહિત્યકાર અને કેળવણીકાર છે. પિતા પ્રાથમિક શિક્ષક હતા. મનુભાઈએ કિશોરવયે ૧૯૩૦ના સત્યાગ્રહમાં ભાગ લેવા શાળાનો અભ્યાસ નવમા ધોરણ પછી છોડી દીધો. દક્ષિણામૂર્તિ અને આંબલામાં ગૃહપતિ અને શિક્ષક તરીકે ઘડાયા પછી ૧૯૫૩માં સણોસરા ખાતે લોકભારતીની સ્થાપના અને સંચાલનમાં તેઓ જોડાયા. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન બન્યા અને ૧૯૭૦માં બહુ ટૂંકા ગાળા માટે ગુજરાતના શિક્ષણમંત્રી પણ થયેલા.
તેઓ જાણીતા છે તેમની નવલકથા અને નાટકો માટે, પરંતુ તેમણે સાહિત્ય અને ચિંતન બંને દ્વારા સતત વ્યાપક લોકશિક્ષણ કર્યું છે.
તેમની ‘વાચનકથા’ અને ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ બહુ જાણીતાં છે. વાચનકથાની સંવર્ધિત આવૃત્તિ વખતે આપણા જાહેર બૌદ્ધિક અને ‘નિરીક્ષક’ના તંત્રી પ્રકાશ ન. શાહે પ્રસ્તાવનામાં લખ્યું છે : તરુણ ‘દર્શક’ને સમાજવાદ પ્રત્યે લગાવ હતો, જે તેમને સામ્યવાદી અંતિમો સુધી ન લઈ જઈ શક્યો. પ્રસ્તાવનાકારના શબ્દો છે કે “તેઓ જરૂર નસીબદાર છે કે માર્ક્સની અપીલ ઝીલવા છતાં એમને માર્ક્સવાદની મૂઠ વાગી નહીં.” સમાજના અન્યાયો અને વિષમતાઓની આર્થિક-તાર્કિક મીમાંસા એ કર્મઠ ‘દર્શક’નો એક સ્વાધ્યાયવિશેષ રહ્યો છે.
આવા ‘દર્શક’ વિશે દાદા ધર્માધિકારીએ એક વ્યાખ્યાનમાં એવું કહેલું કે “આપણા આ મનુભાઈના હાથપગ રચનાત્મક કાર્યકરના છે, એમનું મસ્તક જ્ઞાની અને રાજકારણીનું છે અને એમનું હૃદય સાહિત્યકારનું છે.”
ભારતે સ્વરાજ મેળવ્યું. પરંતુ આજે પણ લાગે છે કે એવું કે ભારતે પોતાનો સ્વરાજધર્મ જાણ્યો-પિછાણ્યો નથી. આઝાદ ભારતમાં લઘુમતીના ધર્મસ્થાનને બહુમતીથી ખુલ્લેઆમ ધ્વસ્ત કરે એવું ઝનૂની ધર્માભિમાન ૧૯૯૨માં જોવા મળ્યું, ત્યારે મનુદાદાએ ન્યૂ જર્સી, અમેરિકાથી જે લેખ લખ્યો છે, તે આખા પુસ્તકને ગતિ પૂરી પાડનારો છે. તેમણે ટાગોરને યાદ કરીને લખ્યું છે કે “રાષ્ટ્રવાદ, ધર્મવાદ, જાતિવાદ કે વંશવાદ અને સંસ્કૃિતવાદ સર્વોપરી નથી જ નથી. માણસનું બલિદાન માગનારા આ વિચારો મધ્યયુગના અંધારયુગનો વારસો છે, જે આ પ્રકાશયુગમાં ન ચાલે.” તેઓ આ પુસ્તકમાં તારસ્વરે વારંવાર કહેતા રહ્યા છે : ભૂતકાળમાં થયું તેને આજે શું સંબંધ છે ? આજે કોઈ મુસલમાન હિન્દુ મંદિર તોડવા આવે છે? આજે કોઈ હિન્દુ બૌદ્ધ સ્મારક તોડવા આવે છે? ના. તો આપણા પૂર્વજોએ જે ભૂલો કરી તેને ચાલુ રાખી તેની સજા આજે જે ભૂલો નથી કરતા તેમને માથે મૂકવાની શી જરૂર?”
તેમણે સતત ધર્મ, સંસ્કૃિત, લોકશાહી, સેક્યુલરિઝમ, રાજ્ય અને તેની જવાબદારી આ બધા વિશે પાયાની સમજ આપતાં-આપતાં નરકના ભય અને સ્વર્ગની લાલચ બંનેથી વિરુદ્ધ અને વિપરીત એવા સ્વરાજધર્મની સ્થાપના કરવાનો સબળ પુરુષાર્થ નાના-નાના લેખો દ્વારા આ પુસ્તકમાં કર્યો છે. ધર્મ(સંપ્રદાય)ના નામે ચાલતું રાજકારણ એ વિભાજક છે. ‘એવું થયું તો રાષ્ટ્ર ગયું’ એમ તેઓ ભારપૂર્વક કહે છે.
મુસ્લિમ લઘુમતી સામે બહુમતીનો વિરોધ, એની ચર્ચા તો તેઓ કરે જ છે, પરંતુ ઉર્દૂ શબ્દો અને ઉર્દૂ ભાષાનો વિરોધ કે પૂર્વગ્રહ પ્રગટ થતો જુએ છે, ત્યારે લખે છે કે ‘ઉર્દૂ જાણે (કેવળ) મુસ્લિમોની ભાષા હોય એમ માની નવો હિન્દુ કોમવાદ મુસ્લિમવિરોધ ઉર્દૂ તરફ વાળે છે. આ અવૈજ્ઞાનિક અને ઉત્પાતિયો કોમવાદ છે.’
આપણા દેશમાં આજકાલ ધાર્મિક પુરુષોનું વર્ચસ્વ વધતું જાય છે. યજ્ઞો, રથયાત્રાઓ, જ્ઞાતિ અને પેટાજ્ઞાતિનાં સંમેલનો, સંતમેળાઓ વગેરે ધર્મને નામે લોકમાનસને ઉશ્કેરવાના અને ધર્મ ભયમાં છે, તેમ કહી સંગઠિત કરવાના ઊહાપોહથી વાતાવરણને ક્ષુબ્ધ કરી રહેલ છે. ‘એક બાજુ વવાય છે અને બીજી બાજુ ઉખેડાય છે.’ એક બાજુ વૈજ્ઞાનિકતાની સ્થાપના થાય છે, બીજી બાજુ અવૈજ્ઞાનિક માન્યતાઓનું પ્રસ્થાપન થાય છે. દાદાની શૈલી પોતાની આગવી છે. તેઓ લખે છે : જાણે ઉનાળો આવ્યો છતાં શિયાળાનાં કપડાં પહેરવાનું ચાલુ રાખ્યું. આજનું આ બિનજરૂરી, અવૈજ્ઞાનિક વલણ એ સમાજને પાછો લઈ જવાનો પ્રત્યાઘાતી પ્રયાસ છે, તેમ કહેવું જોઈએ. ધર્મ સમાજમાં ભેદ કરે છે, રાજ્ય સમાજના બધાને જોડે છે. આજે ધર્મ તોડનારું બળ છે, નાગરિકતા જોડનારું બળ છે. જે રાજ્યદંડ શિથિલ હાથે પકડે છે તે, જગ્યા માટે લાયક નથી. રાજ્યનું મુખ્ય લક્ષણ કશા ભેદભાવ વિના કાયદાનું પાલન કરાવવાનું છે કે અને ન કરે, તો તેને નશ્યત કરવાનું છે.
ઇતિહાસ અને સંસ્કૃિતના અભ્યાસી અને સંશોધક એવા દર્શકે આ પુસ્તકમાં છેલ્લું પ્રકરણ ‘સાદો હિન્દુધર્મ’ નામે લખ્યું છે, જે પચ્ચીસ પાનનું છે. તેમાં હિન્દુધર્મનાં સનાતન મૂલ્યોને તેમણે ખૂબ જ તર્કપૂત રીતે ઉજાગર કર્યાં છે. જોડે તે ધર્મ, તોડે તે અધર્મ, એ વાત પર ભાર મૂક્યો છે.
પુસ્તકની પ્રસ્તાવના આપણા જાણીતા બિનસાંપ્રદાયિક અને બુદ્ધિનિષ્ઠ ચિંતક યાસીન દલાલે લખી છે. તેમણે ‘દર્શક’ના સમતાવાદી ધર્મતત્ત્વવિચારને પુરસ્કાર્યો છે અને આવકાર્યો છે. દર્શક મસ્જિદ હટાવીને મંદિર બાંધવાના વિરોધી છે. રામમંદિરના વિરોધી નથી. રાજજન્મભૂમિ અયોધ્યામાં હોવાનું એકમત નથી તેથી પણ ત્યાં મંદિર બાંધવાના તેઓ તરફદાર નથી. યાસીન દલાલ તો તેથી પણ આગળ જાય છે. તેમનું સૂચન એવું છે કે બાબરી મસ્જિદ સામે ચાલીને હિન્દુસમાજને સોંપી દેવી જોઈએ. આનાથી બે કામ થાય : હિન્દુ-મુસ્લિમ તંગદિલી ઘટે અને ભા.જ.પ. જેવા રાજકીય પક્ષો આવી સમસ્યાનો ગેરલાભ ઉઠાવતા બંધ થઈ જાય.
‘દર્શક’ એક રાજકારણી હોવા છતાં બાંગ્લાદેશમાં ઘૂસીને મુજીબૂર રહેમાનને મદદ કરવાના મતના નથી. તેમનો તર્ક હતો કે મુજીબૂર રહેમાન જતા રહેશે અને મુલ્લાંશાહી કાયમ થશે. તસ્લિમા નાસરીનની જે દશા બાંગ્લાદેશે કરી, તેમાં ‘દર્શક’ના વિચારનો પુરાવો મળે છે. બાંગ્લાદેશની ધર્મપરસ્ત લોકશાહીનો પડદો ચીરનાર તસ્લિમાને ‘દર્શક’ ‘બાંગ્લાદેશની માર્ટિન લ્યૂથર’ કહે છે.
એ તો એક અફીણ છે, સત્તાવાળાઓએ ગરીબોનો કબજો રાખવા માટે યોજેલ કપટ છે. પણ મનુદાદાનું સંશોધન છે કે આ અધૂરું વાક્ય છે, તેના પછીનું વાક્ય ખરું મહત્ત્વનું છે, જે કોઈ વાંચતું નથી. તે એવું છે કે “આ નિર્દયી દુનિયામાં ધર્મ એક જ દયાભરી જગ્યા છે.” માર્ક્સનું વાક્ય હતું : ઇટ વોઝ ધી હાર્ટ ઑફ ધી હાર્ટલેસ વર્લ્ડ. નિર્બલ કે બલરામ, કઠોરજગતમાં એ જ હૃદય હતું. કંઈ પાકતું ન હતું, રોગો હતા, ભયત્રસ્તતા હતી, બહારવટિયા હતા, કંઈ-કંઈ હતું. એ વખતે તે કઠોરતા વચ્ચે ખરું હૃદય તે આ ધર્મ હતો. ટૂંકમાં, દર્શકે ધર્મની સનાતનતા અને તેની કાળબદ્ધતા, બંનેને ઘણી તટસ્થતાથી સમજાવી છે. તેઓ ધર્મને અંતતોગત્વા માનવીય ઇતિહાસનું એક વિધાયક પરિબળ માને છે.
એકંદરે આજે આઝાદભારતમાં લોકો હજુ નાગરિકમાં પૂરેપૂરા વિકસિત થતા નથી, થયા નથી, ત્યારે તેમનો નાગરિક ધર્મ કે સ્વરાજધર્મ શો છે એ સમદૃષ્ટિપૂર્વક દર્શાવવાનો, ચીંધવાનો ઉત્તમ પુરુષાર્થ દર્શકે આ લેખો દ્વારા કર્યો છે. દેશના ભાન ભૂલેલા રાજકારણીઓને પણ તેમાંથી સાચી દિશાનો સ્પષ્ટ સંકેત પ્રાપ્ત થાય તેમ છે, જો તેઓ દાદાની વાત કાને ધરે તો.
‘સ્વરાજધર્મ’, લેખક – ‘દર્શક’, રંગદ્વાર પ્રકાશન, યુનિવર્સિટી પ્લાઝા, અમદાવાદ-૩૮૦ ૦૦૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2017; પૃ. 13-14