જે સમાચાર આવું આવું થવાનો ડર હતો, તે આવી ગયા છે. આશા, અપેક્ષા તો એવાં હતાં કે તંત્રીમહોદય શુભેચ્છકોની લાગણી હૈયે ધરશે, પરંતુ એમ ન બન્યું. સામાન્યપણે નિયમિત ન મળતું ‘નયામાર્ગ’ સમયસર મળ્યું! તેમાં શરૂઆતના સાંપ્રતના પાનાંમાં છેલ્લી નોંધ ‘નયામાર્ગ’ને તા. ૩૧-૩-૨૦૨૦થી વિરામ આપવાની છે. વિરામ કાયમ માટે છે. વળી, ચાલુ રાખવા વિશે પત્રવ્યવહાર ન કરવાની છેલ્લી અરજ છે, તેથી આ વાત ગુજરાતના પાક્ષિક વિચારપત્રના પાને લાવવી રહી.
ગુજરાત બડભાગી છે કે એને શરૂઆતથી સારાં સામયિકો મળતાં રહ્યાં છે. તેથી વધુ સારા તંત્રીઓ મળ્યા છે. જેઓ સ્વેચ્છાએ બંધ કરવાનો નિર્ણય પણ લઈ શક્યા છે! નામ ગણાવવા બેસીએ, તો યાદી લાંબીલચક થઈ જાય. છતાં બે-ચાર નામ તો પાડી જ દઈએ. ઉમાશંકર જોશી, મહેન્દ્ર મેઘાણી, ભરત નાયક વગેરે. પુષ્પ જેમ ખરી પડે તેમ ‘મિલાપ’ બંધ કરવામાં આવેલું. ક્યારેક તંત્રીઓ થાક્યા છે, તો ક્યારેક આર્થિક વિટંબણાઓએ એમને થકવ્યા પણ છે. ‘નયામાર્ગ’ બંધ થવા પાછળ આ બંને કારણો છે. કોઈને ન પડે એટલી આરોગ્યની તકલીફો કોણ જાણે કેમ ઇન્દુભાઈ જાનીને પડી છે. તેમ છતાં, તેમણે જે રીતે કામ કર્યે રાખ્યું, એ હિંમતને દાદ દેવી પડે.
‘નયામાર્ગ’ ૧૯૮૧થી ઇન્દુભાઈ સંભાળતા હતા. તે પૂર્વે ભીખુભાઈ વ્યાસ તેના પ્રથમ તંત્રી હતા. ‘નયામાર્ગ’ના પાયામાં સનત મહેતા અને ઝીણાભાઈ દરજી. એક સમાજવાદી, બીજા ગાંધીવાદી. પાયાનાં બંને તત્ત્વો ‘નયામાર્ગ’ બંધ થાય છે, ત્યાં સુધી બરાબર જળવાયાં. ‘વંચીતલક્ષી વીકાસપ્રવૃત્તી, વૈજ્ઞાનીક અભીગમ અને શોષણવીહીન સમાજરચના માટે’ આ પાક્ષિક પ્રતિબદ્ધ રહ્યું. ગુજરાત પાસે આવું બીજું સામયિક નથી, તેથી જ દુઃખ કરવાપણું છે. ઊંઝા પરિષદે ઠરાવ્યા મુજબની જોડણીમાં તે પ્રસિદ્ધ થતું હતું. જોડણી અંગેની પુરવણીઓ તેમણે કેટલોક સમય નિયમિત છાપી. પોતાનું સામયિક બંધ કર્યા પછી મહેન્દ્ર મેઘાણીને જ્યારે કંઈક લખીને કે સંપાદિત સ્વરૂપે રજૂ કરવાનો સોલો ઊપડતો, ત્યારે ઇન્દુભાઈને તે માટે ‘નયામાર્ગ’નાં પાનાં ફાળવતાં દિલીઆનંદ અનુભવાતો. આવી ઉદારતા અન્ય સામયિકોએ કેળવી હોવાનું જાણ્યું નથી.
રોજનાં દૈનિકો વાંચવાની આપણને ચાની માફક ટેવ પડી ગઈ હોય છે. વાંચતાં જઈએ અને એ જ વાંચવા વિશે ઉકળાટ પણ ઠાલવતા જઈએ એવું લગભગ રોજ સવારે બનતું હોય છે. છૂટવું છુટાય નહીં, બીજી બાજુ સહન થાય નહીં. જાહેરાતોના મારાને તો માનો કે સહી લઈએ, પરંતુ તે પછી પણ જાણવાજોગ સમાચાર મળે નહીં, સરખી રીતે મળે નહીં, તટસ્થપણે મળે નહીં, ત્યારે ચિંતા ઘેરી બને, વધુ સંવેદનશીલ હોઈએ, તો લોહીનું દબાણ ઊંચું પણ થઈ જાય. આવા કપરા કાળમાં મારા મતે નાનાં સામયિકોની મોટી ભૂમિકા બને છે. જે લોકો આ સમજી ગયા છે, તેઓ દૈનિકો છોડીને સામયિકોના શરણે જાય છે, કેટલાક આ રસ્તો જાણતા હોવા છતાં ટેવવશ પેલું છોડી શકતા નથી, નવું અપનાવી શકતા નથી. ખરેખર, છાપાં છોડી સામયિકોને શરણે જવામાં જ ઔચિત્ય છે, એ નવો માર્ગ પણ છે.
દરેક માણસને પોતાનો સમય કપરો લાગતો હોય છે. ઓશો રજનીશ યાદ આવે છે, જેમણે કહેલું કે સતયુગ કે કળયુગ કોઈ કાળે હોતા નથી. પ્રત્યેક સમયમાં કંઈક સતયુગીન, કંઈક કળયુગીન બનતું રહે છે. આપણે શું કરીએ છીએ, તે પણ ઘણું મહત્ત્વનું બની રહેતું હોય છે. આજે મને ‘નયામાર્ગ’ મહત્ત્વનું લાગે છે જેનો કોઈ વિકલ્પ નથી. જેમ ૧૯૭૦ના દશકામાં સરદાર ખુશવંતસિંઘને સ્વેચ્છાનિવૃત્ત આઈ.સી.એસ. એ.ડી. ગોરવાલાનુ ‘ઓપિનિયન’ લાગતું હતું. સમાજ તો બુલેટ ટ્રેનની ગતિએ કોઈ એક દિશામાં ધસમસ દોડતો રહેતો હોય છે. પછી કોઈકે કહેવું પડે કે એ દિશા સાચી નથી. એ કામ કોઈક કાળે ગોરવાલાએ કર્યું, તો કોઈક કાળે ઇન્દુકુમાર જાનીએ.
સામયિકોની આવી તાતી અનિવાર્યતાના સમયે ‘નયામાર્ગ’ સંકેલો કરે છે, તે સમાચાર સ્વીકારવા ગમે તેવા નથી. એની ખાલી જગ્યા પૂરી શકે તેવું અન્ય કોઈ સામયિક ક્ષિતિજે વર્તાતું નથી તેથી, તો ખાસ ગુજરાતના વાચકો સામયિકોની ઝોળી છલકાવતા રહે, તો કદાચ ચમત્કાર બને!?
E-mail : dankesh.oza@reddiffmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2019; પૃ. 12