નવી સદીની મોટી સમસ્યાએ છે કે વૈશ્વિકીકરણના જમાનામાં પાછળ રહી ગયેલા વંચિતોનું કોઈ સાંભળતું નથી. તેમના રોજ-બ-રોજના પ્રશ્નો, તેમનાં જીવનની સમસ્યાઓ, તેમના વાજબી પ્રશ્નો અને ઉકેલો, વકરતી જતી હિંસા બાબતે તેમનો અવાજ, તંત્રો સુધી પહોંચતો નથી. ક્યારેક તો મીડિયા સુધી પણ પહોંચતો નથી. વાત સર્વસમાવેશકતાની થાય છે. પરંતુ હજુ કેટલોક વર્ગ જે પાછળ રહી ગયો છે તે દૂરને દૂર હડસેલાતો જાય છે.
ઇન્દુકુમાર જાની (૧૯૪૩•૨૦૨૧) એવી વ્યક્તિઓમાંના એક છે, જેમને મન પાછળ રહી ગયેલાઓનો પ્રશ્ન સૌથી મોટો છે. તેમને મન ગરીબો, આદિવાસીઓ, દલિતો, વંચિતો, લઘુમતીઓ, મહિલાઓ આ બધા જ પેલા પાછળ રહી ગયેલા વર્ગના માનવંતા સભ્યો છે, તેઓ ભારતના નાગરિકો છે અને તેમના પ્રશ્નો ઉકેલવા એ આપણી બંધારણીય અને સામાજિક ફરજ પણ છે. આ અંગે કેટલું થયું તેનો જવાબ માંગવાનો તેમનો અધિકાર પણ છે. આવા ઇન્દુભાઈ ગુજરાતમાં જાણીતા થયા, પાક્ષિક ‘નયામાર્ગ’ના તંત્રી તરીકે. આ સામયિક ‘વંચિતલક્ષી વિકાસ પ્રવૃત્તિ, વૈજ્ઞાનિક અભિગમ અને શોષણવિહીન સમાજરચના’ માટે પ્રતિબદ્ધ હતું. ‘નયામાર્ગ’ સાથે ‘ગુજરાત ખેતવિકાસ પરિષદ’ અને ઝીણાભાઈ દરજીનું નામ જોડાયેલું હતું. ‘વેડછીનો વડલો’ તરીકે જાણીતા જુગતરામ દવેના શિષ્ય એવા ઝીણાભાઈનું સ્વપ્ન હતું કે અમે એક દિવસ ગરીબોનું સ્વરાજ લાવશું. ઇન્દુભાઈ આ અમૂલ્ય વારસાને ગૌરવપૂર્ણ રીતે, પૂરી નિષ્ઠાથી લગાવપૂર્વક વળગી રહ્યા. આપણા ચિંતક ગુણવંત શાહે તેથી જ તેમને ‘ગરીબમિત્ર’ તરીકે ઓળખાવ્યા.
ઇન્દુભાઈનો જન્મ આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીના કારણે અતિ જાણીતું એવાં ટંકારા(મોરબી)માં તા. ૧૭મી ડિસેમ્બર, ૧૯૪૩ના રોજ થયો. પિતાનું નામ અમૃતલાલ જાની અને માતા સવિતાબહેન, છ ભાઈ અને બે બહેનોનું અત્યંત બહોળું એવું કુટુંબ. પિતા અમૃત જાની (૧૯૧૨•૧૯૯૭) જૂની દેશી રંગભૂમિના જાણીતા અભિનેતા. વીસમી સદીના બીજા દાયકામાં રંગમંચ પર હજી મહિલાઓનું આગમન નહોતું થયું ત્યારે અમૃત જાની સ્ત્રી ભૂમિકા કરતા. દાદા જટાશંકર જાની અને અમૃતભાઈના મોટાભાઈ મોહનલાલ જાની પણ નાટકોમાં અભિનય કરતા. ૧૯૨૭માં અમૃત જાનીએ ‘ભારત ગૌરવ’ નાટકમાં છાયાદેવીની સ્ત્રી ભૂમિકા ભજવેલી. આ માટે તેમણે ગોઠણ સુધી વાળ વધાર્યા હતા, દિવસે ઊંચી કેપ પહેરતા હતા. તે પછી તેઓ પુરુષ ભૂમિકા પણ ભજવતા થયા.
અમૃત જાની અલ્પ શિક્ષિત હતા. પણ વાચનશોખ પુષ્કળ હતો, સાહિત્ય પ્રેમી હતા, તેથી તેમના સમયના સાહિત્યકારો–પત્રકારો સાથે એમને નિકટનો નાતો હતો. તેઓ ‘નટવર્ય’ તરીકે પંકાયા, નટસમ્રાટ જશવંત ઠાકરની પ્રેરણાથી ‘અભિનયપંથે’ નામની આત્મકથા પણ લખેલી. પુત્રનું નામ ઇન્દુકુમાર પણ, કવિ ન્હાનાલાલનું સાહિત્ય વાંચવાને કારણે પાડેલું.
ઇન્દુકુમારનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં થયું. નાટકને કારણે કાયમી ઉજાગરા, અનિયમિત જિંદગી અને તેની તબિયત પર માઠી અસર અને તબીબી સલાહ … બધાને કારણે આ કુટુંબે ૧૯૫૬માં મુંબઈ છોડ્યું. રાજકોટ આવ્યા. પિતા તો સૌરાષ્ટ્ર સંગીત નાટક ઍકેડમીમાં જોડાયા, કેટલાંક વર્ષ રાજકોટ આકાશવાણીમાં કામ કર્યું. ઇન્દુભાઈનું માધ્યમિક શિક્ષણ રાજકોટ ખાતે થયું. પિતા કહેતા કે મારા દીકરાઓ કોરા ચેક છે! એ જે હોય તે પણ ઇન્દુભાઈને પિતાએ મૅટ્રિક પાસ થતાં કૉલેજમાં મોકલવાને બદલે નોકરીમાં દાખલ કરી દીધા.
ઢેબરભાઈએ અને તેમની સરકારે તે સમયે જમીન સુધારાના પ્રગતિશીલ કાયદાઓ કરેલા, ‘ખેડે તેની જમીન’ મુજબ ગણોતિયાઓને જમીન માલિક બનાવવાનો કાયદો કરેલો. આ નવા ખેડૂતોને સહાયરૂપ થવા ખેતી બૅંકની સ્થાપના થયેલી. કોઈ પરીક્ષા નહિ, કોઈ ઇન્ટરવ્યૂ નહિ, માત્ર ભલામણથી ઇન્દુભાઈને ખેતી બૅંકમાં નોકરી મળી ગઈ. સોળ વર્ષ આ નોકરી કરી તે દરમિયાન ગ્રેજ્યુએટ થયા. બૅંકનાં સાથી કર્મચારી રંજનબહેન જંગબારી સાથે પ્રેમલગ્ન કર્યાં. ખેતી બૅંકમાં વ્હાઈટ કૉલર કર્મચારીઓ માટે કોઈ યુનિયન ન હતું ત્યાં મૅનેજમેન્ટ સામે પડવાનું જોખમ વહોરીને યુનિયન સ્થાપ્યું.
યુનિયનની સ્થાપના માટે ખાનગી રાહે વ્યૂહરચનાઓ કરી. ત્રણ હજાર કિલોમીટર જેટલો પ્રવાસ મિત્રોને લઈને પોતાના સ્કૂટર પર ફરીને રાજ્યભરની શાખાઓના કર્મચારીઓને સંગઠિત કર્યા. યુનિયન સ્થાપીને જુદે-જુદે તબક્કે જનરલ સેક્રેટરી અને પ્રમુખપદની જવાબદારી નિભાવી. યુનિયન વતી ચાર્ટર ઑફ ડિમાન્ડ રજૂ કરી. ઇન્ડેક્ષ મુજબનું મોંઘવારી ભથ્થું સમયસર મળતું ન હતું એ માંગણી મુખ્ય હતી. મનમાં ખ્યાલ એવો કે આ સહકારી બૅંકના કર્મચારીઓનું ભયંકર શોષણ થાય છે. અમદાવાદની આશ્રમ રોડ પરની પોતાની બૅંકના દરવાજે મરણાંત ઉપવાસ પર બેઠા. પાંચમા દિવસે તબિયત લથડી, બધાના જીવ ઊંચા થવા લાગ્યા. આજનાં યુનિયનો જેવી પાછલે બારણે ખાવા પીવાની રીતરસમ અપનાવી લેવા તેઓ સંમત ન થયા.
ઝીણાભાઈ દરજી બૅંકના ઉપપ્રમુખ હતા. પ્રમુખ કરતાં ઝીણાભાઈનો જ વક્કર વધુ. તેમને કારણે જ સમાધાન થયેલું. આમ તેઓ ઝીણાભાઈ દરજીના વિશેષ અને અંગત પરિચયમાં આવતા ગયા.
ઝીણાભાઈ દરજી ત્યારે ખેતવિકાસ પરિષદનું માળખું ઊભું કરીને તેને રજિસ્ટર કરવાની ફિરાકમાં હતા. ઇન્દુભાઈ એ માટેની દોડાદોડમાં સામેલ થયા. એક દિવસ ઝીણાભાઈએ કહ્યું કે તમે માનો છો કે બૅંકના કર્મચારીઓનું બહુ શોષણ થાય છે, બરાબર ? તમે મારી સાથે અમારા આદિવાસી વિસ્તારમાં ફરવા આવો. ‘જાનીભાઈ’ એમની સાથે વ્યારા, સોનગઢ, ઉચ્છલ અને નિઝરના ઊંડાણનાં ગામોમાં ફર્યા. શૈક્ષણિક, સહકારી અને બીજી વિકાસ પ્રવૃત્તિઓ નજીકથી જોઈ. લંગોટીવાળા આદિવાસીઓને જોયા. આ કોટવાળિયાઓની ભારે ગરીબી પણ જોઈ. એક સંમેલનમાં આદિવાસીઓ સાથે સહભોજનમાં સામેલ થયા. એક આદિવાસીભાઈ જમ્યા પછી એક પત્રાળીમાં ઘેર રહેલાં માટે ભજિયાં લઈ જતા હતા! ઇન્દુભાઈની ઊંઘ હરામ થઈ ગઈ. ઝીણાભાઈ પાસે એમણે માગણી મૂકી કે મને એમાં સભ્ય બનાવો તો પરિષદના રજિસ્ટ્રેશનનું કામ કરું. આ પ્રવૃત્તિને કારણે તેઓ રતુભાઈ અદાણી, માધવસિંહ સોલંકી, સનત મહેતા, નરસિંહ મકવાણા વગેરે અગ્રણીઓના પરિચયમાં આવ્યા.
હવે, ઇન્દુભાઈનું મગજ ભમવા લાગ્યું. બૅંકની નોકરી છોડવાના વિચારો શરૂ થયા. આદિવાસીઓ માટે કામ કરવા મન તલપાપડ હતું. પત્નીની સંમતિથી નોકરી છોડવાનો વિચાર કર્યો. ઘણી બધી ચર્ચા પછી જીવનસાથીએ ધરપત આપી કે ‘મારો પગાર તો આવે જ છે. તમે નોકરી છોડી દો. તમને ગમે છે તેવી પ્રવૃત્તિ કરો. 'આર્ય સમાજમાં પ્રેમલગ્ન કર્યા પછી આ દંપતી ભાડાના ઘરમાં રહેતું હતું. ભાડૂત પ્રત્યે અમદાવાદીઓની નફરતથી બંને કંટાળ્યાં હતાં. મકાન માટે બૅંક લોન મળતી હતી. તે લઈને સત્વરે ગુલબાઈ ટેકરે મકાન ઊભું કરી દીધું હતું. ઇન્દુભાઈને હતું કે સ્કૂટરનું પેટ્રોલ, પરચૂરણ ખર્ચ જોગું મળી રહે એટલે બસ ! ઝીણાભાઈ પરિષદ પ્રમુખ થયા અને ઇન્દુભાઈને મંત્રી તરીકેની જવાબદારી સોંપી. જીવનનો આ મહત્ત્વનો વળાંક જેમાં ઇન્દુભાઈ બૅંક કર્મચારી મટીને ગરીબ કલ્યાણની જાહેર પ્રવૃત્તિ તરફ વળી ગયા. બહુ ટૂંકો સમય વડી અદાલતમાં સિનિયર વકીલ હરુભાઈ મહેતા સાથે જોડાઈને વકીલાત શરૂ કરી. કૉમર્સ ગ્રેજ્યુએટ થયા પછી કાયદાની ડિગ્રી તો તેમણે મેળવેલી જ હતી. લાગ્યું એવું કે પરિષદનાં કામો માટે સમય બચતો નથી તેથી વકીલાત પણ છોડી દીધી.
હવે ઝીણાભાઈ સાથે પૂરા જોશથી કામમાં લાગી ગયા. અસંગઠિત જનસમૂહો વચ્ચે કામ શરૂ કર્યું. પરિષદ દ્વારા શિક્ષણ સંસ્થાઓ શરૂ થઈ. કચ્છ, ભાવનગર, અમદાવાદ, પંચમહાલ, સુરત અને વલસાડ જિલ્લામાં પ્રવૃત્તિ કેન્દ્રો શરૂ થયાં. એ દિવસોમાં નાના સીમાંત ખેડૂતો માટે દેવાં નાબૂદીનો કાયદો આવ્યો હતો. તેનાં હજારો ફોર્મ ભરાવ્યાં. ગુજરાતની કાઁગ્રેસ સરકારમાં ઝીણાભાઈ વીસ સૂત્રી કાર્યક્રમ અમલીકરણ સમિતિના કાર્યકારી અધ્યક્ષ થયા ત્યારે પરિષદના ઉપક્રમે ચાલી રહેલાં વંચિત લક્ષીકામોમાં ઉછાળો આવ્યો. અંત્યોદય કેન્દ્રો ચલાવ્યાં, સરકારની કેટલીક સમિતિઓમાં અપવાદ રૂપે રહ્યા, પરંતુ કોઈ પણ રાજકીય પક્ષમાં કદી જોડાયા નહીં.
‘નયા માર્ગ’ પહેલાં વ્યારામાં કાઁગ્રેસ પત્રિકા તરીકે ચાલતું હતું. પછી સનત મહેતા તેને વડોદરા લઈ આવ્યા. સનતભાઈ મંત્રી મંડળમાં જોડાયા પછી ‘નયામાર્ગ’ તેમણે ઇન્દુભાઈને સોંપ્યું. તેના બે તંત્રીઓ બન્યા : અરુણા મહેતા અને ઇન્દુકુમાર જાની. તારીખ હતી ૨૬-૧-૧૯૮૧. ઇન્દુભાઈને કામ કરવાની અહીં તક પણ મળી અને યશ પણ મળ્યો. અત્યાચારો, હિજરતો અને બીજા અનેક મુદ્દે તેઓ રાજ્યભરમાં ઘૂમવા લાગ્યા. પ્રવાસ અહેવાલો ‘નયામાર્ગ’નાં પાને ચમકવા લાગ્યા. ભૂમિહીન ખેતમજૂરો, આદિવાસી શેરડી કામદારો, સિલિકોસિસનો ભોગ બનતા અકીક કામદારો, મીઠાના અગરિયાઓ, જંગલ જમીનની લડતો લડતા આદિવાસીઓ, ટીમનાં પાન કે ગુંદર વીણતી બહેનો, પીવાનું પાણી મેળવવાં વલખાં મારતી બહેનો, બાળમજૂરો, સફાઈ કામદારો, અનેક અત્યાચારોનો ભોગ બનતા દલિતો, કાળી મજૂરી પછી ય કાયદાકીય લઘુત્તમ વેતન ન પામતા શ્રમજીવીઓ વગેરે વગેરેની સમસ્યાઓ ઉપર મહત્ત્વનું સંતોષકારક કામ તેઓ કરી શક્યા. ગુજરાતનાં સંખ્યાબંધ સ્વૈચ્છિક સંગઠનોની પ્રવૃત્તિઓના પરિચયમાં આવી તેને ઉજાગર કરવા લાગ્યા. સમાજ પરિવર્તનની દિશામાં કાર્યરત સંસ્થાઓ સાથે જોડાતા રહ્યા. માનવ અધિકારના જતન, સંવર્ધન માટે તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં પણ નિમિત્ત બન્યા.
આ તબક્કે નોંધવું જોઈએ કે ઝીણાભાઈ દરજીના કારણે ઇન્દુભાઈના જીવનમાં મોટો વળાંક આવ્યો. પણ તે સાથે તેમનું વૈચારિક ઘડતર ભાનુભાઈ અધ્વર્યુ, જૉસેફ મૅકવાન અને લડતોના સાથી મધુસૂદન મિસ્ત્રી સાથે થયું. એડ્વોકસીના પ્રોગ્રામમાં અમેરિકા પણ ગયા, ‘લોકસત્તા – જનસત્તા’ અને ‘સમકાલીન’માં કૉલમ લેખનનો અવસર સાંપડ્યો. તેમાંથી ૧૯૯૪માં રાજ્ય સરકારનો શ્રેષ્ઠ પત્રકાર તરીકેનો એવૉર્ડ પણ મેળવ્યો. મોરારિબાપુના હસ્તે ૨૦૧૫માં સદ્ભાવના સન્માન પણ મળ્યું. રેશનાલિસ્ટ પ્રવૃત્તિઓને કારણે સાવલિયા રિસર્ચ સેન્ટરનો કીર્તિ સુવર્ણ ચંદ્રક અને રમણ-ભ્રમણ ચંદ્રક પણ તેમને અર્પણ થયા.
૧૯૮૧-૧૯૮૫માં અનામત વિરોધી આંદોલનોથી ગુજરાત ખળભળી ઉઠ્યું ત્યારે અનામત સમર્થન સમિતિ અને સામાજિક વિષમતા નિર્મૂલન સમિતિ ઊભી કરીને અનામત પદ્ધતિની ચોખ્ખી તરફદારી કરીને તે અંગેનું સાહિત્ય, પત્રિકાઓ, સંમેલનો અને સંઘર્ષોમાં સક્રિય બન્યા. પોતે એટલા તો સંવેદનશીલ હતા કે કાયમ માટે ઊંઘની ગોળીઓ લેવી પડતી અને બી.પી. પણ ઊંચું જ રહેતું. એ ઉપરાંત પણ અનેક બીમારીઓનો તેઓ ભોગ બનતા રહ્યા. ૧૮-૪-૨૦૨૧ના રોજ કોરોના વાઇરસથી તેમનું અવસાન થયું. ઇન્દુભાઈ અને રંજનબહેને બાળક દત્તક લીધેલું. તે પુત્ર અનુજના ઉછેરમાં જીવનના અંત સુધી લાગેલા રહ્યા. માતા-પિતા અને નાના ભાઈઓને પોતાની સાથે રાખીને સંયુક્ત કુટુંબનું સરસ ઉદાહરણ પૂરું પાડતા રહ્યા.
સામયિક ‘નયામાર્ગ’ સરળ ઊંઝા જોડણીમાં છપાતું હતું. શરૂઆતની કાઁગ્રેસ પત્રિકાની છાપથી તદ્દન જુદી ગરીબોના અવાજની વ્યાપક ઓળખ ઊભી કરવામાં નિમિત્ત બન્યા. શોષિતોનો-પીડિતોનો અવાજ ‘નયામાર્ગ’માં સતત પડઘાતો રહ્યો. દલિતોના સાહિત્ય સર્જનને નયામાર્ગે અને પ્રકાશનને પરિષદે મોટી હૂંફ આપી. મોટા બંધથી આદિવાસી વિસ્તારમાં પાણીની સ્થિતિમાં કોઈ જ ફરક પડતો નથી. બંધ તરફી અભિયાન અંત્યોદયના સિદ્ધાંત વિરુદ્ધ જઈ રહ્યું છે તે વાત બંધને સમર્થન આપતા સર્વોદયવાદી કાર્યકરોને યાદ કરાવી, સવાલો કર્યા અને મુખ્ય મંત્રી ચીમનભાઈના ‘નયા ગુજરાત’ના નારાને પણ પડકાર્યો. પોતાની સાંપ્રત કૉલમ દ્વારા કોમવાદી પરિબળો અને તેમના દ્વારા થતા બંધારણીય મૂલ્યના હ્રાસનો સતત પર્દાફાશ કરતા રહ્યા. વિવિધ લડતો અંગે માહિતીપ્રદ અને પ્રેરક પુસ્તિકાઓ લખીને પ્રગટ કરતા રહ્યા. એમની પ્રતિબદ્ધતાને કદી પાતળી પડવા ન દીધી. લખાણોમાં અને વિચારોમાં તેજતર્રાર હોવા છતાં એકદમ કોમળ, અતિ સંવેદનશીલ, પારદર્શક અને ગરીબો માટે પાકી નિસબત ધરાવનાર ઇન્દુભાઈ ઘણાને કંઈક જુદી જ વ્યક્તિ લાગેલા.
‘નયામાર્ગ’ સાથેની એમની ઓળખ અભિન્ન બની રહી. લગભગ ૪૦ વર્ષની સફરને અંતે માર્ચ-૨૦૨૦માં તેમણે ‘નયામાર્ગ’ને આટોપી લેવાનો અફર નિર્ણય કર્યો તે પૂર્વે બે-એકવાર ‘નયામાર્ગ’ ઝીણાભાઈ દરજી અને રજનીકુમાર પંડ્યા જેવાના સઘન પ્રયાસોને કારણે મરતાં-મરતાં માંડ બચેલું. જૉસેફ મૅકવાન, યશવંત મહેતા જેવા મિત્રો ઉપરાંત ચંદુ મહેરિયાનો તેમને ઘણો સહકાર સાંપડતો રહ્યો ને નયામાર્ગે સંખ્યાબંધ ઉત્તમ વિશેષાંકોની એક નોખી પરંપરા જ ઊભી કરી દીધી, કટોકટીના સમયે ‘નવનીત સમર્પણ’ જેવા મુંબઈના સામયિકે ‘નયામાર્ગ’ને સહાય માટેની અપીલ વિના મૂલ્યે છાપેલી. ‘નયામાર્ગ’ આટોપાતાં ઇન્દુભાઈના પ્રદાન અંગેની મુલાકાત છાપતાં પણ તેના તંત્રી દીપક દોશીએ આનંદ અનુભવેલો. આવા ઇન્દુભાઈ જેવા કર્મશીલ થતાં થાય એમ ઘણાને લાગે છે. એ ભાવના જ એમને ઉચિત એવી અંજલિ છે.
(‘સામાજિક ન્યાયના મશાલચી : ઈન્દુકુમાર જાની’ પુસ્તકમાંથી)
E-mail : dankesh.oza@reddiffmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2022; પૃ. 13, 14 તેમ જ 12