લોકશાહીમાં ચૂંટણી અત્યંત મહત્ત્વની બાબત માનવામાં આવી છે. લોકશાહીતંત્રના પાયામાં એ વાત રહેલી છે કે નાગરિકો પ્રજાના પ્રતિનિધિઓને ચૂંટી કાઢે છે. તેમના દ્વારા આખું તંત્ર ચાલે છે. આ અર્થમાં જ મતાધિકારને પવિત્ર માનવામાં આવેલ છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, રાજ્યની ધારાસભા હોય કે દેશની સંસદ હોય, તેમાં પ્રતિનધિઓને ચૂંટવામાં આવે છે, એ તો બધા જાણે છે, પરંતુ મહત્ત્વની વાત સામાજિક કે અન્ય સંસ્થાઓમાં પણ ચૂંટણી હાથ ધરવામાં આવતી હોય, તો તે ગુણાત્મક રીતે સારી બાબત ગણાય છે.
કોઈ પણ સંસ્થાના સભ્યો પોતે ઉમેદવારી કરી શકે અને પોતે મત આપી શકે અને તે દ્વારા વહીવટકર્તાઓ ચુંટાય એ પ્રક્રિયા લોકશાહી પદ્ધતિ છે એમ આપણે માનતા આવ્યા છીએ. એમાં પાયાનો સિદ્ધાંત સર્વની ભાગીદારીનો રહ્યો છે. અયોગ્યને બાજુ પર રાખીને યોગ્યને ચૂંટી કાઢવા એમાં સૂઝ અને સમજ અનિવાર્ય બનતાં હોય છે. બધા સભ્યોમાં પાકી સમજ હોતી નથી. આત્મવિશ્વાસ પણ હોતો નથી, પરિણામે કોઈના દોર્યા તેઓ દોરવાતા હોય છે. પક્ષાપક્ષીનું રાજકારણ સાચા કે ખોટા પ્રચાર આધારિત બની ગયું છે. આનું એકંદર પરિણામ એ આવ્યું છે કે વ્યાપકપણે અયોગ્ય જણાતાં તત્ત્વો સહેલાઈથી વિજેતા બનવા લાગ્યાં છે.
સારા માણસો, સ્વચ્છ માણસો, પ્રામાણિક માણસો, સરળ માણસો, ચૂંટણી પ્રક્રિયાથી દૂર ભાગે એવો માહોલ ઊભો થઈ ગયો છે. ઝેર ઝેરને મારે અને કાંટો કાંટાને કાઢે એ ચૂંટણીમાં ચાલે એવી માન્યતા પ્રબળ બનતી જાય છે. ચૂંટણીપંચે નોટા [NOTA = "None of the Above"] બટનનો વિકલ્પ આપવો પડ્યો તે શું સૂચવે છે? ઉમેદવારો તો છે, મારે મત પણ આપવો છે, પરંતુ મને યોગ્ય ઉમેદવાર જડતો નથી, કોને મત આપવો એ સમજાતું નથી, એવી સ્થિતિમાં ચૂંટણીપંચે વિકલ્પ આપ્યો નોટા બટનનો. મેં મત તો આપ્યો, પણ એવો મત આપ્યો જે કોઈના ખાતામાં નહિ જાય. નાગરિકને યોગ્ય ઉમેદવાર મળતા નથી, એ બાબત કેટલા મતદારોએ નોટાબટન દબાવ્યું તેમાં પ્રગટ થઈ રહે છે. (પછી આ ટકાવારી વધે ત્યારે શું કરવું તે વિશે બહુ સ્પષ્ટતા નથી.)
હવે ભલભલા માણસો મત ન આપવાનું વિચારી રહ્યા છે! સંનિષ્ઠ માણસો, લોકશાહીમાં માનનારા માણસોમાં પણ એટલી બધી નિરાશા વ્યાપી વળી છે કે આ વર્ગને એવું લાગે છે કે મતદાન કરવાનો કોઈ અર્થ રહ્યો નથી.
ખાનગી અને પવિત્ર ગણાતી આ ફરજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ બજાવવાનું મુનાસિબ માન્યું ન હતું, એવાં સમાચાર એક સમયે અખબારોના પાને પ્રગટ્યા હતા! વિનોબા અને કેટલાક સર્વોદયવાદીઓ તો પહેલેથી આવી ચૂંટણીઓને નિરર્થક ગણે છે અને તેમાં સહભાગી થતા નથી, એ જાણીતું છે. ચૂંટણીઓ અત્યંત ખર્ચાળ બની ગઈ છે. ભ્રષ્ટાચારનાં મૂળ આપણી ચૂંટણી-પ્રક્રિયામાં પડેલાં છે. ચૂંટણીમાં કરેલો ખર્ચો જીતેલો ઉમેદવાર વસૂલ કરવા પ્રયત્ન કરે, તો એને ભ્રષ્ટાચારની બાબત ન ગણવી એવાં નિવેદનો થવાં લાગ્યાં છે! ચૂંટણીખર્ચ ઉપરની મર્યાદા હટાવી દેવી જોઈએ, એવા વિચારો પણ વ્યક્ત થાય છે.
આવા વિકટ માહોલમાં જનપથ સંસ્થાના માહિતી-આધિકાર પહેલ દ્વારા તાજેતરમાં પૂરી થયેલી ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં મતદારોને અને ઉમેદવારોને ચૂંટણીના કાયદાઓ, એના નિયમો અને એની પ્રક્રિયા વિશે જાણકારી આપવાનો પ્રયત્ન થયો. આ ક્ષેત્રે પણ ઉમેદવારીફૉર્મ ભરી આપવા સુધી દલાલો સક્રિય થઈ ગયા છે, જેઓ રૂપિયા બે હજાર જટેલી રકમ વસૂલે છે. અને આ રકમ આપનારા તેને મળી પણ રહે છે !
માહિતી-અધિકાર પહેલ તરફથી એનાથી પણ વધુ સારું એ કાર્ય બજાવવામાં આવ્યું કે એવા ઉમેદવારોને એકઠા કરવામાં આવ્યા, જેઓ નજીવા ખર્ચે ચૂંટણી જીતવામાં સફળ થયા હોય. ગુજરાતના દસ જિલ્લાઓમાંથી ૧૬૮ જેટલા એવા ઉમેદવારો મળી આવ્યા, જેઓ ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં ભાગ્યે કંઈક ખર્ચ કર્યા વિના જીત્યા હોય.
દાહોદના દેવગઢબારિયા વિસ્તારના મેઘબા-મુવાડી ગામનાં સાવિત્રીબહેન પટેલે જણાવ્યું કે ઉમેદવાર તરીકેની ફૉર્મ ફી એટલે કે ડિપોઝિટની રકમ સિવાય તેમણે અન્ય કોઈ ખર્ચ કર્યું ન હતું. તેઓ પોતાના વોર્ડમાં ઘેર ઘેર ફરીને મતદારોને સમજાવતાં રહ્યાં કે આગામી પાંચ વર્ષ માટે કોણ સારું કામ કરી શકે એમ છે, એનો વિચાર કરીને મત આપજો. અન્ય પ્રકારનાં લોભ, લાલચથી દોરવાશો નહિ. બાવીસ વર્ષનાં નિરાલી પારધી આવી જ રીતે વિના ખર્ચે સરપંચ તરીકે ચુંટાયાં હતાં. એમણે છ મહિના પ્રચાર કર્યો હતો.
માહિતી-અધિકારનાં પંક્તિ જોગે જણાવ્યું હતું કે મોટા-ભાગની પ્રજાને હજુ માહિતીના અધિકાર કે ચૂંટણીની પ્રક્રિયા વિશે પૂરી ગતાગમ નથી. પાંચ વર્ષે એક વાર મતદાન કરીને સંતુષ્ટ રહેવાય એવો આજનો સમય નથી. ચુંટાયેલો ઉમેદવાર બરાબર કામ કરે છે કે નહિ તેની તપસીલ જાગૃત નાગરિક તરીકે રાખ્યા વિના હવે છૂટકો નથી.
નાગરિકોની સક્રિયતા મતાધિકારથી પણ આગળની વાત છે. આજનો મહોલ ટીકાટિપ્પણ કરનારાઓને વિધાયક રીતે જોવામાં આવે એવો તો નથી જ, પરંતુ ‘દેશદ્રોહી’માં ખપાવી દેવામાં આવે ત્યાં સુધીનો છે. સરકાર કે સમાજ કે કોઈ પણ તંત્ર દોષથી પર નથી. દોષની ટીકા કરવી અને સાચી બાબતની સલાહ આપવી કે સૂચન કરવું એ પણ જાગૃત નાગરિકની પવિત્ર ફરજ બની રહે છે. વિરોધપક્ષ તેને સોંપાયેલી ફરજ બજાવવામાં નિષ્ફળ કે નિષ્ક્રિય લાગે અને નાગરિક સમાજ (સિવિલ સોસાયટી) પણ ગેરહાજર જણાય, ત્યારે એકલ-દોકલ વ્યક્તિએ પણ જાહેર બાબતો માટે સમય તો ફાળવવો પડશે.
e.mail : dankesh.oza20@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 08