છેલ્લાં વર્ષોમાં અજય પાઠકની ઓળખ ડંકેશભાઈએ નોંધ્યું છે તેમ – અને મેં અજયસિંહ ચૌહાણની આ અંગેની (કદાચ સર્વપ્રથમ) મુખટપાલ(ફેસબુક પોસ્ટ)માં પણ જોયું તેમ – હેવાલલેખક તરીકે સતત સામે આવતી રહી, પછી તે અસ્મિતા પર્વ હોય કે પરિસદ સત્ર. જો કે અજય વિશે મારી શરૂઆતની સાંભરણ અને સળંગ છાપ એક સહૃદય સમીક્ષક વ્યક્તિત્વની. પાંચેક દાયકા પર પહેલીવાર મળવાનું થયું ત્યારે સ્ટેટ બેંક ઑફ સૌરાષ્ટ્રની અમદાવાદ શાખામાં બદલી થઈ આવેલા એ ‘નિરીક્ષક’ના લેખકની શોધમાં હતા. પછી તો, તરતમાં, હું ‘વિશ્વમાનવ’ના સંપાદનમાં સંકળાયેલો અને એમાં અજયે ‘કાન્ત’ વિશે કોઈ મુદ્દો કર્યો હશે તેથી ખેંચાઈ ઑફ ઑલ ધ પર્સન્સ મુ. નગીનદાસ પારેખે મને પરિચયપૃચ્છા કર્યાનું સાંભરે છે. થોડા વખત પર વાત થઈ (હજુ ૨૪મી એપ્રિલે તો એમણે ટૂંકાક્ષરી મુખટપાલ મૂકેલી કે ‘ઠીક છે.’) ત્યારે ઈશ્વરલાલ ર. દવે વિશે વિગતે લખવા માટે સામગ્રી એકત્ર કર્યાનું કહેતા હતા. ઈ.ર.દ.ના છાત્ર તરીકે એક અભ્યાસીની હૈયાઉલટ એ હતી. આ સંદર્ભમાં સુદીર્ઘ અભ્યાસલેખ કરવો, પરિષદ-વ્યાખ્યાન તૈયાર કરવું ને ‘નિરીક્ષક’ લાયક નોંધ એવી ત્રિવિધ હોંશ એમને હવેના મહિનાઓ માટે હતી. પરિષદ પરત્વે કોઈ મહત્ત્વાકાંક્ષી ગોઠવણ વગર સ્વયંસેવી સંપૃક્તતા એ એમનો વિશેષ હતો. વિષમ સંજોગોમાં મંત્રી તરીકેનું દાયિત્વ આવ્યું તો વિવિધ વ્યાખ્યાન આયોજનનો આખો બૅકલૉગ એમણે એવો તો સુપેરે પાર પાડી આવ્યો હતો કે … ગમે તેમ પણ, વ્યક્તિગત સ્નેહસંબંધ ઉપરાંત ‘નિરીક્ષક’ના ૧૯૬૮થી સળંગ વાચક તરીકે તે શું વિચારે છે, શું સૂચવે છે એનું મને હંમેશ ખેંચાણ રહ્યું એ આ ક્ષણે વિશેષરૂપે સંભારું છું.
— “નિરીક્ષક” તંત્રી
અજય પાઠક, ભાવનગરના પ્રશ્નોરા નાગર અને નિવૃત્ત અધિકારી, સ્ટેટ બૅંક ઑફ સૌરાષ્ટ્ર. એંસી આસપાસની ઉંમરે આઠમીને શનિવારે કોરોનાગ્રસ્ત થઈને શહેરની સર તખ્તસિંહજી હૉસ્પિટલમાં અવસાન પામ્યા. સાહિત્યવ્યાસંગી અને કલાનુરાગી એવા અજય પાઠક છેલ્લાં વર્ષોમાં સાહિત્ય પરિષદનાં અધિવેશન અને જ્ઞાનસત્ર તથા સદ્ભાવના પર્વના અહેવાલલેખનકાર તરીકે ઘણાને યાદ આવશે.
બૅંકના અધિકારી હોવા છતાં એમનો સાહિત્યરસ પાકો અને ઊંડો હતો. યશવંત દોશીના પુસ્તક સમીક્ષાના માસિક ‘ગ્રંથ’ના શરૂઆતનાં વર્ષોના અંકોમાં તેઓ ટૂંકાં અવલોકનો લખતા. પાછળના એમના લાંબા અહેવાલોના સંદર્ભમાં આ નોંધવા યોગ્ય લાગે છે. પરિષદની મધ્યસ્થ સમિતિમાં તો જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓ ઉમેદવારી કરતા રહ્યા. ક્યારેક ચૂંટાયા – હાર્યા અને તત્કાળ પૂરતો મંત્રીનો હવાલો સોંપાયો, ત્યારે પરિષદ વ્યાખ્યાનમાળાના આયોજનમાં મોટી ઉંમરે પણ નાનાં કેન્દ્રો સુધી દોડીને તેમણે સારું કામ બજાવ્યું. પરિષદના અધિવેશનમાં અને જ્ઞાનસત્રોમાં તેઓ છેક ૧૯૬૦થી લગભગ નિયમિતપણે જતા.
‘નિરીક્ષક’, ‘વિ. વિદ્યાનગર’, ‘સદ્ભાવના ફોરમ’, ‘પરબ’ વગેરેમાં તેઓ લખતા રહ્યા. યાદ આવે છે દક્ષાબહેન પટ્ટણી વિશે તેમણે ‘નિરીક્ષક’માં જે અંજલિલેખ લખેલો તે પછીથી ‘નવનીત સમર્પણ’માં પણ પુનર્મુદ્રિત થયેલો. અંજલિલેખો લખવા એ અહેવાલ લેખનની જેમ એમનું મનગમતું કામ હતું. આશ્ચર્યજનક રીતે તેઓ ફેસબુક ઉપર પણ સક્રિય હતા. ત્યાં પણ ટૂંકી સ્મૃતિઅંજલિ મૂકવામાં તેમને આનંદ આવતો.
વયોવૃદ્ધ માતાપિતાની આનંદથી સેવા કરી, જ્યારે તેમની પોતાની ઉંમર અને તબિયત સેવા લેવાની હકદાર હતી. સાંભળ્યા મુજબ, એમની દીકરી શૈલા તેઓ હૉસ્પિટલમાં માંદગી બિછાને હતા ત્યારે અવસાન પામી, જેના સમાચાર પણ તે સમયે અજયને આપી શકાય તેમ ન હતા. બીજી દીકરી હેમા ભાવનગર જ છે. હવે રંજનબહેને આ બધું સંભાળવું રહ્યું.
શામળદાસ કૉલેજ, ભાવનગરમાં અભ્યાસ કર્યાનું તેમને ગૌરવ હતું. કોઈ અધ્યાપક લાંબી રજા પર હોય કે જગ્યા ખાલી રહી હોય, ત્યારે આપદ્ ધર્મ, તરીકે તેમણે અધ્યાપનકાર્ય પણ કર્યું, જેનો તેમને અનહદ આનંદ હતો. ભાવનગરની ‘ગદ્યસભા’ સહિતની જે કોઈ સાહિત્યિક પ્રવૃત્તિઓ હોય તે સાથે તેમનો લગાવ કાયમી રહ્યો. વ્યવસ્થિત રીતે અધ્યયન કરવું, વાંચતાં રહેવું એ તેમની શિસ્ત હતી. વિનોબાના રમેશ સંઘવી સંપાદિત પંચામૃત સંપુટનું અત્યારે તેઓ અધ્યયન કરી રહ્યા હતા. તે અંગે લખાય અને છપાય એવી મોકળાશની શોધમાં હતા.
મારો અજય સાથેનો પરિચય દિલીપ ચંદુલાલને કારણે. તેઓ પ્રકાશભાઈ, હરિકૃષ્ણ પાઠક, માધવ રામાનુજ વગેરેના અંતરંગ પરિચયમાં હતા. પછી તો એમાં ઘણા ઉમેરાયા, ગુરુકુળ મહુવા ખાતે મોરારિબાપુના સાંનિધ્યમાં કાર્યક્રમોમાં સામેલ થવું એમને ખૂબ ગમતું. ત્યાં સવારની વહેલી અને પહેલી ચા સાથે જે ચર્ચાઓ ચાલતી તે પણ હવે સ્મૃતિશેષ. વિજય પંડ્યા, સતીશ વ્યાસ, અજય અને અમે ચાય પે ચર્ચાનો જે આનંદ લૂંટ્યો છે, એ તો માત્ર અમારો જ. સ્મરણસ્થ અજય પાઠક ભુલ્યા ભુલાય તેમ નથી. મારી આદરાંજલિ.
અડાલજ – ૩૮૨ ૪૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 11