10મી જૂન, શુક્રવાર, 2022 પ્રફુલ્લ સાથે રોજની જેમ અમારા વાર્તાલાપો છેલ્લા કેટલા ય મહિનાઓથી અત્યંત નિયમિત રીતે ચાલતા રહ્યા છે. બંને ભાઈઓની તેજછાંયાની કંઈકે કથાઓ તેમાં ગૂંથાઈ ગઈ છે. આજે પણ હંમેશની જેમ તેને પૂછ્યું, ‘ભાઈ, તારો કાલનો શું કાર્યક્રમ છે ?’ તો કહે, કાલે શનિવાર, શનિ-રવિ કેનના રજાના દિવસો, એની ઑફિસમાં એના કોઈ સાથીદારો ત્યારે ન હોય, એટલે ઘણી વાર એકલા શાંતિથી કામ કરવું હોય ત્યારે તે ઑફિસમાં આવીને બેસે છે. મારાં ચિત્રોને મોટા કમ્પ્યૂટર ૫૨ ગોઠવવા માટે તે મને કાલે લેવા આવવાનો છે પછી તેની ઑફિસમાં અમે બંને સાંજ સુધી કામ કરીશું અને પછી મને ઘરે મૂકી જશે.’ મેં કહ્યું, ‘ભલે.’
બીજા દિવસે શનિવારે બપોરે એને સંદેશો મોકલ્યો, મારે જાણવું હતું કે તને લેવા કેન આવ્યો હતો કે નહીં. જો આવ્યો હોય અને બંને કામ કરતા હોય તો એમને ખલેલ પહોંચાડવાને બદલે હું તેને સાંજે ફોન કરું. જ્યારે એ કામેથી ઘેર આવી ગયો હોય ને નિરાંતે બેઠો હોય ત્યારે.
પ્રફુલ્લને વૉટ્સએપ ૫૨ લાંબા સંદેશાઓ ગમતા નથી એટલે મેં તેને સંદેશો મોકલ્યો, are you working or free ? તેનો તરત જવાબ આવ્યો, working એટલે મેં જવાબ આપ્યો, OK.
આ ટૂંકા સંદેશામાં મેં માની લીધું કે ગઈકાલે કહ્યા મુજબ કેન આવીને તેને લઈ ગયો હશે અને બંને સાથે કામ કરતા હશે.
ત્યાં સાંજે અચાનક કેનનો ફોન આવે છે, કેન એને ઘરે મૂકવા આવ્યો હશે એટલે ઘેરથી જ ફોન કરતો હશે એમ માનીને એને પૂછ્યું, ‘કેમ કેન, કામ બધું બરાબર પૂરું થઈ ગયું ?’ તો કહે, ‘ના, પ્રફુલ્લને ઍક્સિડન્ટ થયો છે અને અત્યારે અમે હૉસ્પિટલમાં છીએ.’
એક ક્ષણ તો હું કશું સમજી જ ન શક્યો, ઍક્સિડન્ટ ? હૉસ્પિટલમાં ? આમ તો સાવ સાજોનરવો હતો એટલે તો કેન સાથે કામ કરવા ગયો હતો. ને આ શું બની ગયું ?
ત્યાં કેનનો અવાજ આવે છે, ‘તમારા માટે ટિકિટની વ્યવસ્થા કરું છું અને ઝુરિક ઍરપૉર્ટ પર હું લેવા આવીશ.’ ને ફોનકપાઈ ગયો.
પહેલાં તો હું કાંઈ સમજી જ ન શક્યો, પ્રફુલ્લને ઍક્સિડન્ટ ? અને હૉસ્પિટલમાં છે ? હજી બપોરે જ મેં તેને પુછાવ્યું, are you working or free ? જવાબ આવ્યો working. શુક્રવારે થયેલી વાતચીત પ્રમાણે શનિવારે એને કેન તેડવા આવવાનો હતો. કેનની ઑફિસ અને પ્રફુલ્લનો સ્ટુડિયો એક જ કમ્પાઉન્ડમાં છે. શનિવારે તેમને રજા હોય એટલે ઑફિસમાં કોઈ ન હોય, ત્યારે ઘણી વા૨ તેનાં ચિત્રોનાં કામ અંગે કેન તેને તેડી જાય અને બંને આખો દિવસ કામ કરે. પછી કેન તેને ઘેરે મૂકી જાય. એ પ્રમાણે આ શનિવારે પણ તેમ જ ગોઠવાયેલું. પ્રફુલ્લે મને કહ્યું હતું, ખાતરી કરવા માટે મેં તેને પુછાવ્યું ત્યારે એક જ શબ્દમાં તેનો જવાબ આવ્યો હતો ‘working’ એટલે માની લીધું કે તે કેન સાથે કામ કરે છે. એટલે મેં તરત જવાબ આપ્યો ‘OK’. પ્રફુલ્લને SMS પર લાંબા સંદેશાઓ ગમતા નથી, એટલે SMSનો અર્થ જ મને સમજાવતો કે શૉર્ટ મેસેજ સર્વિસ.
કાંઈ સૂઝતું ન હતું, મારી જેમ તેને પણ વર્ટિગોની તકલીફ હતી જ, કાયમ સાથે બે લાકડીઓ રાખતો જ. એકલો બહા૨ ખાસ કામ હોય તો જ નીકળે, આમાં તો તે આખો વખત કેન સાથે જ કામ કરતો હતો તો પછી ક્યાં ઍક્સિડન્ટ થયો ? મનમાં વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું હતું, ફરીથી ફોન જોડાતો ન હતો.
ત્યાં ફિન્ચલીમાં રહેતા મારા જૂના ઘરધણી અને પ્રફુલ્લના ખાસ મિત્ર ટોનીનો ફોન આવે છે, જગદીશ, ‘પ્રફુલ્લની ખબર કાઢવા હું પણ નીકળું છું, કેનનો મને પણ ફોન આવ્યો છે, આપણા બંનેની ટિકિટની વ્યવસ્થા તે ગોઠવી રહ્યો છે. આપણે સાથે જ જવાના છીએ.’
ટોની સાથે આવે છે તે સાંભળીને થોડી ધરપત થઈ. પણ તેની પાસે પણ વધુ વિગતો ન હતી. ફોન લગતા ન હતા. સૌ રોકાયેલા હશે.
એમ ને એમ રાત નીકળી ગઈ. રવિવારે પણ પ્રફુલ્લ આરામ કરે છે અને તમારા બન્નેની ટિકિટ મેળવવા અમે પ્રયત્ન કરીએ છીએ એટલો જ સંદેશો એક વાર આવ્યો. ટિકિટો મળે એટલે ઈમેઇલથી ટોનીને પહોંચી જવાની હતી, અમે બંને આખો રવિવાર કપડાંનો થેલો તૈયાર રાખીને ટિકિટની રાહ જોતા બેસી રહ્યા. પ્રવાસનાં નિયંત્રણો ઉપાડી લીધાં હોવાથી મુસાફરોનો જબ્બર ધસારો હતો, તેથી રાત સુધી ટિકિટો મળી નહિ. સોમવારે છેક બપોરની ઈમેઇલ ટિકિટો આવ્યાના સમાચાર ટોનીએ આપ્યા, સાથે કહ્યું, ‘મેં ટૅક્સી બુક કરી છે, હું તારે ત્યાં આવું છું, તૈયાર થઈને નીચે ઊતરજે, એટલે સીધા જ હિથ્રો ઍરપોર્ટ પર જઈશું.’
ટોની આવ્યો. ઘરે પહોંચ્યો. ઍરપૉર્ટ પર ભારે ભીડ અને અવ્યવસ્થા મારે માટે વ્હિલચેરની પણ મુશ્કેલીઓ, મહામહેનતે માંડ માંડ વ્હિલચેર મળી. અંદર અંદર પણ પ્લેન સુધી પહોંચતાં પંદર-વીસ મિનિટ નીકળી જાય તેમ હતી. ધસારાને કારણે સદ્ભાગ્યે પ્લેન મોડું હતું એટલે પહોંચી શક્યા. વ્હિલચેર એજન્સી અને ટ્રાવેલ એજન્સી સાથે સીધો સંબંધ ન હોવાથી પ્લેન પકડવા અંગે તેઓ ખાતરી આપી શકતા ન હતા પણ ભગવાને લાજ રાખી ને પ્લેનમાં બેસી શક્યા. હવે તો દોઢ કલાક રાહ જોવાની રહી અને ઊતર્યા પછીનો સમય બહાર નીકળવામાં જે વિલંબ થાય તે સહી લેવાનો હતો.
પ્લેનની બારીમાંથી ઝ્યુરિકનાં દર્શન થવા લાગ્યાં હતાં. આ જ ઝ્યુરિક જ્યારે જ્યારે આવતો ત્યારે પ્રફુલ્લને મળવાની ઉત્સુકતા હતી, આનંદની ક્ષણો હતી, સ્વિટ્ઝર્લૅન્ડની જુદા જુદા વિસ્તારોની અનેક સફરો આ પહેલાં કરી ચૂક્યો હતો. તેનાં પ્રવાસવર્ણનો પણ દર વખતે લખાતાં હતાં, છપાતાં હતાં અને વાચકોનો ઉમળકો અને પ્રતિભાવો પણ મળતો રહેતો એટલે આનંદ બેવડાતો.
પણ આ વખતે આલ્પ્સના પ્રદેશનું સૌંદર્ય મન સુધી જાણે પહોંચતું જ ન હતું. વિમસ્ક ચિત્તે આંખ બધા પર ફરતી હતી, પણ કશું ઝિલાતું ન હતું. વિમાન ધરતી પર અડ્યાની જાહેરાત થઈ ગઈ, સાથે સાથે સૂચનાઓ પણ અપાતી હતી. તેમાં એક જાહેરાત થઈ, વ્હિલચેરના ઉતારુઓ માટે બધા ઊતરી જાય પછી તેમની વ્યવસ્થા થશે. એટલે આખું ભરચક પ્લેન ખાલી થાય ત્યાં સુધી રાહ જોવાની રહી. બધું ખાલી થઈ ગયું, ઍરહોસ્ટેસ અને અન્ય સહુ તેમની વિવિધ ફરજોમાં મગ્ન બની ગયાં, વ્હિલચેર હજુ આવી જ ન હતી. પાછા ટેલિફોન, પછી રાહ જોવાની, તે વીસ-પચીસ મિનિટ યુગો જેટલી લાંબી લાગી.
છેવટે વ્હિલચેર મળી, પણ તે તો બે મિનિટ પૂરતી જ. બીજા એક વાહન પર ચડાવાઈને એ વાહન ધીમી ગતિએ કેટલીયે પ્રદક્ષિણાઓ કરી છેવટે નીકળવાના દ્વાર પાસે ઉતારી. પાછું એક બીજી ટ્રૉલીમાં ચડાવ્યા. સમાન લેવાની કતાર સુધી પહોંચ્યો. પછી ઇમિગ્રેશનની લાઇન, આ બધી લીલાઓનો જાણે અંત જ ન હતો.
છેવટે અંત આવ્યો, સહેજે કલાક વીતી ગયો હશે. કેનને પણ ખાસી રાહ જોવી પડી હશે. મળતાં ભેટી પડ્યો, તરત પૂછી લીધું, ‘ઘર જઈને થોડો આરામ કરવો છે ?’ મેં તરત કહ્યું, ‘ના, સીધા હૉસ્પિટલ જવું છે.’ કહી પછી યાદ આવ્યું હોય તેમ ટોની તરફ જોયું, એની પણ મૂક સંમતિ જોઈ ને કેનની ગાડીમાં બેસી હૉસ્પિટલ જવા પ્રયાણ કર્યું.
સાંજ નમી ગઈ હતી, હૉસ્પિટલનું પ્રવેશદ્વાર શાંત હતું, એકાદ બે નર્સ સિવાય કોઈની જ હાજરી ન હતી. મારે વ્હિલચેરમાં જાણે હું જ પેશન્ટ હોઉં તે રીતે કેન મને લઈ જતો હતો, સાથે ટોની ચાલતો હતો. અમે સાતમે માળ પહોંચ્યાં. પ્રફુલ્લના સ્પેશિયલ રૂમનું બારણું ખૂલ્યું અને અંદર પહોંચ્યા પછી જે દૃશ્ય અમે જોયું તેમાં હું અને ટોની અવાક જ થઈ ગયા. અનેક નળીઓથી જોડાયેલું પ્રફુલ્લનું શરીર, મોં ખુલ્લું, એક આંખ ઘવાઈને સૂજી ગયેલી, બીજી આંખ સ્થિર બની કશુંક ભાવિને ઉકેલવા જાણે પ્રયત્ન કરતી હોય. કેન એના કાન પાસે ગયો, મોટેથી બોલ્યો, ‘Motabhai and tony are here.’ તેની આંખમાં સહેજ ચમકારો આવ્યો કે પછી મને તેવો ભાસ થયો, કેને કહ્યું, ‘તે બોલી નહિ શકે’ તમે એનો હાથ પકડો, એણે સાંભળ્યું હશે તો હાથ દબાવશે.’ મેં એના કાનમાં કહ્યું, ‘પ્રફુલ્લ, હું આવી ગયો છું, you cannot jump the que. તું આમ ન જઈ શકે, હજી તો તું લંડન આવવાનો છે, આપણે સાથે કેટલીયે વાતો કરવાની છે. આ જો તારો લર્ન ગુજરાતી’ લઈને આવ્યો છું. તારે જોઈતું હતું ને ?’ અને જાણે એણે મારો હાથ દબાવ્યો, સંમતિ આપી. ટોનીએ પણ એ જ રીતે વાત કરી. પછી કેટલા ય વખત સુધી અમે બંને તેનો હાથ ઝાલીને બેસી રહ્યા. છેવટે કેને કહ્યું, ‘તે સૂઈ ગયો છે હવે જવાબ નહિ આપે, હવે ઘેર જઈશું ?’ ધીમેથી હાથ છોડાવીને એના કપાળ ૫૨ હાથ મૂક્યો, શરીર ગરમ હતું. પ્રફુલ્લનો બીજો પુત્ર રાહુલ રોકાવાનો હતો, નર્સ ત્યાં સતત હાજર રહેતી હતી, અને અમે કેનને ઘેર પહોંચ્યા.
ટોની ઉપલે માળે ગેસ્ટરૂમમાં સૂવા ગયો, મારાથી દાદરો ચડાય તેમ ન હતું. વર્ટિગોની અસરને કારણે હું કોઈ પણ જાતનું જોખમ લેવા માંગતો ન હતો. પ્રફુલ્લનું પડી જવાનું નજર સામેથી ખસતું જ ન હતું. એટલે હું નીચે જ ડ્રૉઇંગરૂમમાં સોફામાં સૂઈ ગયો. કેનના ઘરમાં ડાઇનિંગહૉલ અને ડ્રૉઇંગરૂમ વચ્ચે ઊંચાં ઊંચાં પગથિયાં હતાં. રાતના ઊઠું ને ભૂલથી તેમાં ગબડી ન પડું માટે કેટલાંક કૂંડાંઓ આડાં ગોઠવી દીધેલાં, વળી બાથરૂમ તરફ જવાના રસ્તામાં પણ એક રસ્તો નીચે ભોંયરામાં જવાનો હતો. ત્યાં પણ હું નીચે ઊતરી ન પડું માટે બીજાં ફૂલનાં કૂંડાં કેને ગોઠવી દીધેલાં. વળી હૉલની લાઇટ ચાલુ રાખેલી, આ બધું સમજાવી જરૂ૨ પડે તો ગમે ત્યારે બૂમ પાડવાનું કહીને કેન સૂવા ગયો.
હું સોફામાં આડો પડ્યો પણ ઊંઘ તો શાની આવે. પ્રફુલ્લ સાથે ગાળેલા બધા જ દિવસોની હારમાળા શરૂ થઈ ગઈ ને એ બેઠો થશે જ પછી સહેજ ઠીક થાય એટલે સીધો લંડન લઈ જઈશ. નિરાંતે બેસીશું, ઘરનું શુદ્ધ ગુજરાતી ખાવાનું કેટલા ય વખત પછી તેને મળશે. દર્શનાબહેન એને માટે એને મનગમતી વાનગીઓ બનાવશે અને અમે સાથે જ જમતાં જમતાં કઈ કંઈ વાતો કરીશું, આવા ભોજન પછી ને આરામ પછી સંપૂર્ણ સારો ન થાય ત્યાં સુધી એને જવા જ નહીં દઉં.
આવા વિચારોમાં સવાર પડી ગઈ. કેનનું ઘર આજુબાજુ અનેક વૃક્ષો અને રળિયામણાં ખેતરો વચ્ચે ખુલ્લી જગામાં આવેલું છે. શહેર સાથે તેને જાણે કોઈ નાતો જ નથી. ઊગતો સૂરજ વહેલી સવારે જ સૌને જગાડે ને સાંજે મોડે સુધી આથમતા સૂર્યનું મનોરમ દર્શન એની વિશાળ બારીઓમાંથી થતું જ રહે. પડોશના ખેડૂત તરફથી આવેલો તાજો ગરમ બ્રેડ અને તરત દોહવાયેલું ગાયનું તાજું દૂધ એનો નાસ્તો કરી અમે જવા નીકળ્યા. સીધા હૉસ્પિટલ પહોંચ્યા. છઠ્ઠ માળે એની ખાસ અલાયદી રૂમમાં પહોંચી ગયા. નર્સે કહ્યું, ‘તે આખી રાત શાંતિથી સૂતો હતો. સવારે તેને સ્પંજ કરવા માટે જગાડ્યો ને પછી પાછો સૂઈ ગયો છે.’
અમને શાંતિ થઈ, એને જેટલો આરામ મળે એટલું સારું. અમે એની શાંતિનો ભંગ ન થાય એટલે કંઈ ખાસ વાત કરવી હોય તો હળવેથી રૂમ બહાર નીકળીને વાત કરી લેતા. સંપૂર્ણ નીરવ શાંતિ હતી. બારીના પડદા ખૂલેલાં વેન્ટિલેટર્સ, સૂર્યનાં કિરણોનો આછેરો પ્રકાશ, ભૂરો બની રૂમમાં છવાઈ ગયો હતો.
ત્યાં દસ વાગે બીજી નર્સ આવી, તેણે બ્લડપ્રેશર વગેરેના ગ્રાફ તપાસી લીધા. પહેલી નર્સે કેટલીક સૂચનાઓ આપી અને વિદાય લીધી.
આ બીજી નર્સ પંજાબી હતી. પ્રફુલ્લને દાખલ કર્યો તે ક્ષણથી જ તેણે તેનો કબજો લઈ લીધો હતો. તાકીદની બધી જ સારવાર તેણે કુશળતાપૂર્વક ઝડપથી કરી હતી. દરમિયાન ખાસ ડૉક્ટરો પણ આવી ગયા હતા, તેમ સમાચાર મળ્યા. ગઈકાલે સાંજે એની ડ્યૂટી ન હતી એટલે મળાયું ન હતું. મારે તેની સાથે ખાસ વાત કરવાની હતી. પ્રફુલ્લને માટે જરૂરી સારવાર તેણે પૂરી કર્યા પછી મેં તેને કહ્યું, ‘આપણે થોડી વાત કરી શકીએ ?’ એ પછી બહાર બીજી કૅબિનમાં લઈ ગઈ.
સૌથી પ્રથમ મેં મારો પરિચય આપ્યો ને કહ્યું, ‘પ્રફુલ્લ જે સ્થિતિમાં અહીં આવ્યો ત્યારથી તમે હાજર હતાં અને તમે જે અદ્દભુત સારવાર કરી તે માટે તમારો ખાસ આભાર માનું છું. સાથે સાથે વિનંતી કરું છું કે તેનો પૂરો આછો ચિતાર આપી શકશો ?’ ‘હા, ખુશીથી.’ આ અનામી નર્સબહેન પ્રફુલ્લ દુકાનમાં ખરીદી કરી ઘેર આવવા નીકળતો હશે, ત્યારે ઠેસ વાગતાં નીચે પડ્યો ત્યારે ત્યાંથી પસાર થતાં હતાં. તેમણે જોયું કે પડેલ વ્યક્તિ ઊભી થતી નથી, તરત દોડી, તો પથ્થર સાથે માથું અથડાતાં લોહીમાં તરબોળ બેભાન હાલતમાં પ્રફુલ્લને જોતાં તરત જ ઍમ્બ્યુલન્સ બોલાવીને તેને હૉસ્પિટલમાં લઈ ગઈ ને તરત જ બધી સારવાર શરૂ થઈ ગઈ. પ્રફુલ્લના થેલામાંથી ડાયરી કાઢી દીકરાઓના ફોન નંબર મેળવી સૌને ખબર આપ્યા. આ બહેન ન હોત તો અંધારી રાતે પ્રફુલ્લ ત્યાં જ મૃત્યુ પામ્યો હોત.
એને બીજાં નર્રાબહેન ઍમ્બ્યુલન્સમાં અહીં લઈને આવ્યાં, ત્યારે તેને ભાન હતું. કપડાં અને આખું શરીર લોહીથી તરબોળ હતું. બધાં જ કપડાં કાપીને કાઢી નાખવાં પડ્યાં. લોહી અટકાવવાની વિધિઓ ને બીજા બધા ઉપચારો અત્યંત ઝડપથી વિવિધ નળીઓ દ્વારા તેના શરીરમાં ગોઠવી દેવાયાં. વેદના ન થાય તે માટે મોર્ફિનનો પ્રવાહ ચાલુ કરી દેવાયો. બ્રેઇન સ્ટૅનિંગ એક્સ-રે વગેરે તરત કાઢીને જોતાં ડૉક્ટરની શંકા સાચી પડી કે પેશન્ટને બ્રેઇન હેમરેજ થઈ ગયું છે. તે દરમિયાન બન્ને દીકરાઓ અને અન્ય કુટુંબીજનોને ખબર પહોંચાડી દેવાઈ હતી. પેશન્ટ સાથે આ ત્રણ દિવસમાં કાન પાસે જઈ મોટેથી બોલવાથી જો આપણો હાથ પકડી રાખ્યો હોય તો આપણો હાથ દબાવે એ રીતે જવાબ આપે છે. તેથી વિશેષ બીજું કાંઈ કરી શકતો નથી. પાછા અમે અંદર આવી ગયા. આ પંજાબી બહેન વર્ષોથી અહીંયાં રહે છે. ઍક્સિડન્ટ અને ઇમરજન્સી વિભાગમાં જ કામ કરે છે અને કામમાં ચોક્કસ, સેવાભાવી, અને હસમુખી હોઈ આ વિભાગમાં સૌને પ્રિય બની ગઈ છે.
પ્રફુલ્લની આંખ ઊઘડી હતી એટલે કાન પાસે જઈ કેન, મેં ને ટોનીએ વારાફરતી થોડી વાત કરી. એણે પાછા હાથ દબાવ્યા એટલે અમને સંતોષ થયો. મોડી સાંજ સુધી અમે ત્યાં રોકાયા. સાંજ પછી રાતે રાહુલ રોકાવાનો હતો એટલે અમે કેનને ત્યાં પહોંચી ગયા.
બુધવારની સવાર પડી. સ્વિટ્ઝર્લૅન્ડમાં ઑફિસો, દુકાનો અને અન્ય કામકાજ વહેલાં શરૂ થઈ જતાં હોય છે એટલે બધાને જ વહેલા ઊઠી તૈયાર થઈ નીકળી જવાની ટેવ હોય. કેનની સાથે અમે પણ જાગી ગયા હતા. રાહુલને છોડાવવા કેન વહેલો હૉસ્પિટલ પહોંચી ગયો હતો. અમને મોડેથી લઈ જવા બીજી વ્યવસ્થા તેણે કરી હતી. હું ને ટોની તૈયાર થઈગયા હતા.
ત્યાં સાડાસાત વાગે રાહુલનો ફોન આવે છે. પ્રફુલ્લ હવે શાંતિથી ચિરનિદ્રામાં પોઢી ગયો છે. પૂનમની પરોઢના અજવાળા સાથે તેના આત્માનું અજવાળું વિલીન થઈ ગયું છે. આ જ ક્ષણ જેની કદીયે મેં અપેક્ષા રાખી ન હતી. આ ક્ષણ મણ બનીને ઘા કરી ગઈ. કશું જ સૂઝતું ન હતું, મન બહેર મારી ગયું હતું. પાસે જ ઊભેલા કેને જો પકડી લીધો ન હોત તો વર્ટિંગોની જેમ આખી દુનિયા ચક્રવાતમાં ફસાઈ ગઈ હોય અને હું ક્યાં ય ગોળ ગોળ ફરતો, કોઈ અંધકારભર્યા કેન્દ્રમાં ખેંચાતો હોઉં, ઊંડે ને ઊંડે ઝડપભેર ઊતરતો જતો હોઉં, કેને મને ખુરશી પર બેસાડી દઈ બે ખભા પકડી રાખ્યા હશે. કેટલી વાર સુધી આવી સ્થિતિ રહી હશે? કાળ જ જાણે થંભી ગયો હતો.
દૂર દૂરથી જાણે અવાજ આવતા હોય તેમ Jagdish are you ok ? Kaka how are you ?પુરુષ અને સ્ત્રીના અવાજોનું મિશ્રણ થઈ આમતેમ અથડાઈ રહ્યા હતા. કોઈ અર્થબોધ થતો ન હતો. હવામાં તરતો તરતો પાણીનો ગ્લાસ આવે છે, મારા હોઠને અડે છે, પણ હાથ ક્યાં ગયા ? આજુબાજુ ક્યાંક ફેંકાઈ ગયા હશે ? પાછું કોઈ માથું થપથપાવે છે, ત્યાં પેલો ગ્લાસ પાછો હોઠ પાસે આવી જાય છે.
નિદ્રા, તંદ્રા, જાગૃતિ બધું ય જાણે સેળભેળ છે. પાણીનો ગ્લાસ કોઈ પકડીને મને પાય છે, આંખો ખૂલી જાય છે, પાછો ધરતી પર આવી જાઉં છું. સામે કેન ઊભો છે. ડાઇનિંગરૂમની પૂર્વ તરફની વિશાળ બારીમાંથી સૂર્યપ્રકાશ રેલાઈ રહ્યો છે. ને એ પ્રકાશમાં પ્રફુલ્લ ઊભો છે. બે હાથ પહોળા કરીને, એ જ અવસ્થામાં ધીમે ધીમે સૂર્યના પ્રકાશમાં એ ભળી જાય છે.
ત્યાર પછીની ક્રિયાઓ જાણે યંત્રવત્ બનતી ગઈ. સ્નાન કરી અમે સૌ હૉસ્પિટલે પહોંચી ગયા. હૉસ્પિટલમાં બધા જ સ્વજનો વારાફરતી આવી રહ્યા હતા. મેં ધીમે ધીમે મૃત્યુંજ્ય મંત્રપાઠ શરૂ કર્યો. બધા આવી ગયા પછી, સૌને મૃત્યુંજ્ય મંત્રનો અર્થ અંગ્રેજીમાં સમજાવ્યો. પછી ભગવત્ગીતાના કેટલાક શ્લોકોનું ગાન કર્યું, ખાસ કરીને બીજા અધ્યાયના શ્લોકોની ગહેરી અસર સૌના પર દેખાતી હતી. પરદેશમાં વસતા આજની યુવાન પેઢીના માટે ગીતાનો પરિચય નામ પૂરતો જ હોય. બાઇબલની જેમ આ હિન્દુઓનો ગ્રંથ છે એટલું જ જાણે, પણ દેહ નાશવંત છે આત્મા અમર છે. જૂનાં વસ્ત્રોનો આપણે ત્યાગ કરીને નવાં પહેરીએ છીએ તેમ આત્મા પણ જૂના શરીરનો ત્યાગ કરે છે. દેહત્યાગને અફસોસ ન હોય, આવા વિચારોથી સૌના મનને સાંત્વન મળતું હોય તેવું દેખાઈ રહ્યું હતું.
પછી તો પ્રફુલ્લ માટે તેને ગમતો કાયમી પહેરવેશ ઘેરથી રાહુલ લઈ આવ્યો. ઝબ્બો અને પાયજામો. હૉસ્પિટલનો પહેરવેશ તો પહેરી રાખ્યો હતો. તેના દેહને નર્સે આવીને સ્પંજથી શુદ્ધ કર્યો, પછી ઘરનાં વસ્ત્રો પહેરાવ્યાં. મંત્રોનું અને શ્લોકોનું પઠન ચાલુ જ હતું, હું શ્લોકોના એક-એક શબ્દ છૂટા પાડી તેમને ગવડાવતો હતો, ને સૌ પોતપોતાની શક્તિ અનુસાર તેને અનુસરતા હતા. મીણબત્તીના દીવાનો પ્રકાશ તેજ ઉપરાંત સુગંધ પણ રેલાવતો હતો. પુષ્પોના ગુચ્છમાંથી પ્રગટતી સુગંધ તેમાં ભળી જતી હતી. વેનિશિયન બારીના પડદામાંથી સૂર્યકિરણો પ્રકાશી રહ્યાં હતાં. હૉસ્પિટલનો એ ખંડ જાણે મંદિર બની ગયો હતો. પૂનમના ચંદ્રની ચાંદનીમાં પ્રફુલ્લનું તેજ ભળી ગયું હતું, ત્યારે અત્યારે એની અંતિમ વિધિ સમયે સૂર્યકરો પણ જાણે મળવા આવી પહોંચ્યાં હતાં.
હવે તેના દેહને ઘેર લઈ જઈશું, સાત્ત્વિક રીતે સ્નાન કરાવીશું, બીજાં વસ્ત્ર પહેરાવીશું અને પછી ક્રેમેટોરિયમમાં લઈ જવાની વ્યવસ્થા કરીશું. ત્યાં પ્રફુલ્લના મોટા દીકરા કેને સમાચાર આપ્યા કે આપણે હવે ઘેર જવાનું છે ! હૉસ્પિટલના નિયમો પ્રમાણે હવે દેહ હૉસ્પિટલના મોર્ગમાં જ રહેશે. અને ક્રેમેટોરિયમમાંથી સમય જાહેર થાય તે સમયે તેઓ જ ત્યાં પહોંચાડશે. કૉફિનમાં જ તેનો દેહ બંધ હશે અને હવે પછી તેનું દર્શન આપણને થઈ શકશે નહીં !
આ સમાચાર મારા માટે આઘાતજનક હતા. આપણી પરંપરા પ્રમાણે લંડનમાં પણ અંતિમવિધિ ઘરે આવીને જ અંગત સ્વજનોની હાજરીમાં પુરોહિત કરાવે પછી જ કોફિનમાં તેને ગોઠવીને ક્રેમેટોરિયમમાં લઈ જવામાં આવે. જ્યારે અહીંના નિયમો સાવ જુદા. હૉસ્પિટલમાંથી જ તેને વિદાય આપી દેવાની ? અન્ય સૌ માટે આ ઘટના સ્વાભાવિક હતી, જ્યારે મારે માટે આ ઘટના સહજ ન હતી. તેમના નિયમો પ્રમાણે તો અમારે તરત જ ખંડ ખાલી કરી આપવાનો હતો. જેથી તેમના સેવકગણો આગળની વ્યવસ્થા કરી બીજા પેશન્ટ માટે તરત સગવડ કરી શકે. મહામહેનતે તેમને સમજાવી પંદર વીસ મિનિટનો સમય વધારે મેળવી ફૂલોથી અને મંત્રોથી ભારે હૃદયે તેને વિદાય આપી ને ખંડમાંથી બહાર નીકળી ગયા. સાંજ નમી રહી હતી, સૂર્યકિરણોનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. જાણે કશું ય બન્યું નથી તે રીતે પ્રકૃતિ પોતાનું કાર્ય કરી રહી હતી. કેનને ઘેર પહોંચ્યા ત્યારે કેસરી રંગ છટાઓથી કુદરતની પીંછી અદ્ભુત દૃશ્યો આકાશના અવકાશમાં રંગોની ઉજાણી કરી રહી હતી. પક્ષીઓનો કલ૨વ સંભળાઈ રહ્યો હતો. કેનના ઘરની આસપાસ વૃક્ષો છવાયેલાં છે, અને આજુબાજુ વિશાળ ખેતરો વચ્ચે તેનું ઘ૨ હોવાથી કુદરતની આ લીલા પૂરેપૂરી પ્રગટતી હતી. તે જાણે કે બીજા કલાકારને પોતાની સાથે ભેળવવા આમંત્રણ આપી રહી હતી.
પછીના દિવસોમાં હૉસ્પિટલમાંથી ક્રેમેશનની તારીખ આવે ત્યાં સુધી કશું જ કરી ન શકાય તેવું બની ગયું. કેને ત્યાં સુધી પોતાને ઘરે જ રહેવાનું ગોઠવ્યું હતું, પણ મારો વિચાર બીજો હતો. મારે તરત જ પ્રફુલ્લના નિવાસસ્થાને પહોંચી જવું હતું એ બધો સમય હું જાણે કે પ્રફુલ્લ સાથે જ વિતાવવા માંગતો હતો. સૌ સ્વજનો સાથે દલીલો થઈ, ત્યાં એકલા રહેવાથી તો હું વધુ દુઃખી થઈ જઈશ એમ સૌનું કહેવાનું હતું. સૌને મારી રીતે મેં સમજાવ્યા, અને અંતે પ્રફુલ્લના ઘેર બધી વ્યવસ્થા કરીને મને મૂકી ગયા.
રાત્રે ફોન કરીશું, સવારમાં આંટો મારી જઈશું એવી હૈયાધારણા આપીને તે સૌ ભારે હૃદયે વિદાય થયા.
હવે શું ? અત્યાર સુધી તો કઠણ બની ઘરના વડીલ તરીકે સૌને ધીરજ આપતો રહ્યો હતો. પણ એકલો પડતાં સાવ શૂન્યાવકાશ સર્જાઈ ગયો. તેના ટેબલ ૫૨ શુક્રવારે સવારમાં પોતે સ્ટુડિયો પર જઈ રહ્યો છે, તેવી નોંધ હતી અને ડાયરી ખુલ્લી પડી હતી. કમ્પ્યૂટર ટેબલ પર શાંત પડ્યું હતું. ખુરશી પર તેણે બદલેલાં કપડાં પડ્યાં હતાં. રાતે આવીને સૂવા માટે પથારી ગોઠવીને મૂકી હતી, પ્રફુલ્લ જાણે કે સાંજે ખરીદી કરીને આવશે પછી તેનાં પૌત્ર-પૌત્રીઓ માટે નાસ્તાની જે વ્યવસ્યા કરવાની તે પ્રમાણે રસોડું પણ તૈયા૨ પડ્યું હતું. સમગ્ર ઘ૨ ઉપર જાણે હમણાં જ એ પાછો આવશે તેવી તૈયારીઓ દેખાતી હતી.
ત્યાં જ ડૉરબેલ રણક્યો. બે વાર ઘંટડી એ જ વગાડે. તરત બારણે દોડ્યો, બારણું ખોલ્યું, કોઈ જ નહીં. આજુબાજુ પણ બરાબર જોયું. પછી ભાન થયું એ ક્યાંથી હોય ? એ તો અત્યારે હૉસ્પિટલની બેડશીટમાં લપેટાયેલો, મોર્ગની ઠારી દેતી ઠંડકમાં એક બોક્સમાં હૉસ્પિટલમાં નંબરની એક ચિઠ્ઠી સાથે કાયમી નિદ્રામાં સૂતો હશે, આજુબાજુમાં બીજા અનેક અનામી દેહો સાથે. ઘંટડી વાગ્યાની તો ભ્રમણા જ હતી. હું મારી પથારીમાં બેસી પડ્યો.
વાસ્તવિકતા અને ભ્રમણાઓ વચ્ચે જ હવે જાણે જીવવાનું હતું, હવે તો તેનું દર્શન પણ દુર્લભ હતું. આ દેશના કાયદાઓ પ્રમાણે જ વાસ્તવિકતા સ્વીકારવાની હતી. ભારત છોડી પરદેશ આવ્યા પછી 1984થી સતત આવવા-જવાનું રહેતું હોવાથી ચિરપરિચિત બની ગયેલી એકેએક ચીજવસ્તુઓ એની જીવંત હાજરીનો જ અનુભવ તાજો કરાવતી હતી. અનેક સંસ્મરણો ધસમસતાં આવી રહ્યાં હતાં. એ વેગમાં ક્યારે પથારીમાં પડી ગયો નિદ્રા, તંદ્રા, જાગૃતિ એકબીજામાં ભળી ગયાં ને બીજા દિવસની સવાર ટેલિફોનની ઘંટડીઓથી થઈ. ફોન જોતાં કેન કે રાહુલ મને ફોન કર્યાં કરતો હશે, ત્યારે બટન દબાવતાં જ, ‘જગદીશકાકા, કેમ છો ? આઈ એમ ટ્રાઇંગ ટુ કૉન્ટેક્ટ યૂ સીન્સ લોન્ગ’ કેનનો ચિંતાતુર અવાજ આવ્યો. ને બીજો દિવસ ઊગ્યો.
આ લખી રહ્યો છું, ત્યારે દેવદિવાળીના બીજા દિવસે પ્રફુલ્લ ગયાને પૂરા પાંચ મહિના થયા છે. તિથિ પ્રમાણે એણે પૂનમની રાતે વિદાય લીધી હતી.
e.mail : jdrdave@aol.com
સૌજન્ય : “ગુર્જરી ડાયજેસ્ટ”, ઑક્ટોબર 2023; પૃ. 13-17