આવ કવિતા આવ !
ગરીબગુરબાં કાજે રોટી-મકાન-કપડાં લાવ !
ક્યાં સુધી થઈ કાગળ-હોડી
તરશે ઝરમર-જલમાં ?
ક્યારે ઉલેચશે પાણી જે
ઘૂસી ગયાં છે ઘરમાં ?
એક માટ પીવાનું જલ ક્યાં જડશે મને જણાવ ! –
કળી-ફૂલ ને કોયલ સાથે
ક્યાં સુધી તું રમશે ?
ક્યારે ભૂખ્યાં બાળક બેસી
ઓટે તારે જમશે ?
આડું મારું ગાડું એને સાચે ચીલે ચડાવ ! –
ક્યાં સુધી તું ઝગમગ ઝળહળ
વ્યોમે વિહાર કરશે ?
ઠર્યા કોડિયે ક્યારે ઊતરી
તમસ છવાયું હરશે ?
રંગમંચ છોડી રાંધણિયે રોનક ખરી બતાવ !
૨-૮-૨૦૧૪
(સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2014, પૂ. 02)