કાઠું ઊંચું, દૂરથી દેખાય અને ટોળામાં તરી આવે એવું. ગજું ય એવું. દેશવિદેશના મહારથીઓ ભેગા ખભેખભા મેળવી ઊભું રહે એવું. મોભા ય મોટા, વહીવટ અને ઉદ્યોગની દુનિયામાં આંક ઊંચો. અમારી વચ્ચે આમાંનું કશું આવે નહિ. રાજકારણના આટાપાટા હું દૂરથી નીરખું અને ઉદ્યોગ-બુદ્યોગની આંટીઘૂંટીમાં મારી ચાંચ ડૂબે નહિ. અમારી ઓળખ સાવ અંગત, વહાલેરા વડીલ કે મોંઘેરા મિત્ર જેવી. ૧૯૬૩ના ગાળે એ દિલ્હીમાં હતા ત્યારે એ અમારા કળાકાર મિત્રોને ઓળખતા. હું ય દિલ્હીનો ફેરો કરતો પણ એમને મળવાનું કેમ ચૂકી ગયો એની હજી નવાઈ. અમારા ‘ગ્રૂપ ૧૮૯૦’ના મોવડી કળાકાર સ્વામીનાથન્ને એ જાણે અને હિમ્મત શાહ તો ઘરના માણસ જેવા. જેરામ પટેલ પણ એ વર્તુળમાં આવે. ‘ગ્રૂપ’ના સભ્યોને દિલ્હીના જૂના કિલ્લે ઊભા રાખી તસ્વીર લેનાર કિશોર પારેખ એમનો ગોઠિયો. એ ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’નો તસ્વીરકાર એટલે એ તસ્વીર એ વર્તમાનપત્રના પહેલા પાને છપાવવાનો જશ એને જ. હસમુખભાઈના બીજા મિત્ર રસિક હેમાણીને સુગંધીનો ધંધો પણ એ કળાકારોને કપરા દિવસોમાં સાચવી લેતા. એ દિવસોમાં હસમુખભાઈ અને નીલાબહેનનું સરનામું કળાકારોમાં અને દિલ્હીના સંસ્કારી સમાજમાં સારું એવું જાણીતું.
હું મળ્યો જરા મોડેથી, લગભગ ૧૯૭૦ની આસપાસ, વડોદરામાં. મળતાંવેંત એમણે સુરેન્દ્રનગરની ઓળખાણ કાઢી : આમ તો બાળપણ કચ્છના બજાણામાં વીત્યું પણ સુરેન્દ્રનગરમાં થોડો વખત ગાળ્યાનાં સંભારણાં ય ખરાં. ચહેરે-મહોરે દેખાવડા હસમુખભાઈનું હેતેય લોભામણું – નોતરે ત્યારે ના પડાય નહિ એવું. બોલે ધીમું પણ મુખ્યત્વે કામનું હોય એટલું. વધારાનો વાગ્વહેવાર ટાળે. અભિપ્રાય આપે ત્યારે મનના શબ્દો રણકતા નીકળે, જાણતલ હોવાની છાંટ સાથે. મળવાનું થતું રહ્યું : એક વાર દલહાઉસી આવ્યા ત્યારે અમારા ત્યાંના ઘરનો ય ફેરો કર્યો હતો. કટોકટી પૂરી થયા બાદ વડા પ્રધાન થયેલા મોરારજી દેસાઈના અંગત સચિવ તરીકે વડા પ્રધાનનું કાર્યાલય (પી.એમ.ઓ.) સંભાળતા ત્યારનો એક પ્રસંગ યાદ છે. ૧૯૭૭માં કેન્દ્રીય લલિતકલા અકાદમીમાં વિખ્યાત કળામર્મજ્ઞ આનંદ કુમારસ્વામીની શતાબ્દી નિમિત્તે યોજાનાર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું સુકાન મારે હસ્તક હતું પણ અકાદમીએ ફાળવ્યું તે ભંડોળ દેશ-વિદેશના કળાના ઇતિહાસકારો અને વિદ્વાનોને નોતરવા પૂરતું નહોતું. મને થયું હસમુખભાઈના કાને વાત નાખું. મળ્યો તો તરત કીધું કે સંસ્કૃતિ વિભાગના સચિવને જોઈતું કરવા કહું છું, પણ શિષ્ટાચાર ખાતર એમને મળવા જજો. હજુ હું એમના દફતરની બહાર નીકળ્યો નહોતો ત્યાં પાછો બોલાવી મરકતાં મરકતાં બોલ્યા, સંસ્કૃતિ સચિવને કુમારસ્વામી કોણ હતા તે બરાબર સમજાવજો, સરકારી અધિકારીઓ બહુ જાણકાર નથી હોતા. થયું પણ એવું જ. સંસ્કૃતિ સચિવે કુમારસ્વામીનું નામે ય સાંભળ્યું નહોતું!
૧૯૮૨માં એ આઇ.પી.સી.એલ.માં જોડાયા પછી એ વડોદરાવાસી થયા, પછી મળવાનું વધ્યું. એક વાત મેં ‘ઘેર જતાં’માં નોંધી છે : એ કહે કે સમા વિસ્તારમાં જમીન ઓછા દરે મળે છે, અમે ય લઈએ છીએ. તમે વીસેક હજાર આપી રાખો તો અમારી બાજુમાં પ્લૉટની જોગવાઈ કરું. એ ગાળે મારો માસિક પગાર લગભગ બારસો-પંદરસો રૂપિયાનો. એટલે ગોઠવાય તેમ નહોતું. પણ જોગાનુજોગ દિલ્હીના એક પ્રદર્શનમાં મારું ‘વૃક્ષોને પાર’ એવા શીર્ષકનું ચિત્ર મુકાયું હતું તેની કિંમત વીસ હજાર હતી. દિલ્હીના વરિષ્ઠ ચિત્રકાર ક્રિશન ખન્ના ‘મોર્ય’ હોટેલ માટે બૌદ્ધ વિષયને અનુરૂપ ચિત્રો ખરીદવાના હતા. પીપળા નીચે બુદ્ધને સાક્ષાત્કાર થયો હતો એ કારણે મારા ચિત્રમાં પીપળાનું મોટું ઝાડ હોઈ ચિત્ર વિષયને બંધબેસતું ગણાય. ક્રિશન ખન્નાએ એ લેવાની મરજી બતાવી, એટલે મેં હસમુખભાઈને પ્લૉટ બુક કરાવી દેવા જણાવ્યું. મહિનો-બે મહિના નીકળી ગયા તો ય ચિત્રના વેચાણના કોઈ ખબર આવ્યા નહિ એટલે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે મારા ચિત્રને બદલે અકબર પદમસીનું કોઈ ચિત્ર લેવાઈ ગયું’તું! એમના રહેઠાણની બાજુમાં રહેવાનો મોકો ગયો.
એમણે સમા વિસ્તારમાં જમીન લઈને મજાનું ઘર બાંધ્યું અને નીલાબહેને સામે બગીચો કર્યો અને ઝાડ-પાન વાવ્યાં પછી ૧૫, ધનુષ્ય સોસાયટી મિત્રો માટે જઈ ચડવાનું સરનામું થયું. મળવા કે જમવા જઈએ તો દરેક વેળા કોઈ રાજકારણી, વહીવટદાર કે જાહેર જીવનની વિખ્યાત વ્યક્તિનો ભેટો થયા વગર ન રહે. એક વાર એમને ત્યાં ખાણીના જલસે ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારી મળ્યા : એ બીજા મહેમાનો સાથે એમની પ્રિય ‘ગૉલ્ફ’ની રમતની આપ-લે કરતા હતા. સોલી સોરાબજીનો જાઝ સંગીતનો રસ લગભગ નિષ્ણાત જેવો હતો, એ ય એમને મળતાં ખબર પડી. માનવીય હક્કો માટે ઝઝૂમતા સર્વોચ્ચ અદાલતના વકીલ દુષ્યંત દવેને મળવાનું પણ ત્યાં જ થયું. એક વાર રઘુવીર ચૌધરી અને બીજા સાહિત્યકારોનું મિલન થયું એ પણ યાદ છે. મધુસૂદન ઢાંકીને હસમુખભાઈ ઘેર તેડી લાવ્યા ત્યારે એમની અસ્ખલિત, રોચક બાનીમાં રોમાંચક કહાણીઓ ત્યાં જ માણી હતી.
એ ઘરની રસપ્રદ જમણ-કહાણીઓમાં એક જરા અનેરી છે. નીલાબહેન કહે છે કે એ ઘરશાળામાં ભણતાં ત્યારે છોકરાઓને ‘સ્વયંપાક’ બનાવતા જોયા હતા – તેમાંથી વિચાર ઉદ્ભવ્યો કે એમનાં લગ્નની વરસગાંઠ ૨૬ જાન્યુઆરીએ આવે ત્યારે એવું કાંઈક કરવું. પછી શાહ-દંપતીએ એમના બહોળા મિત્રવર્ગને નોતરતાં શરત કરી કે એ સાંજનું ખાણું માત્ર પુરુષવર્ગ સહુની સામે રાંધીને બધાંને ખવડાવે. ઘરની સામેના ખુલ્લા બગીચાની ધારે ધારે ગૅસના ચૂલા મુકાય અને એક પછી એક આવતો પુરુષમિત્ર ત્યાં ખાણીની સામગ્રી ગોઠવે. કેટલાક તો શાકભાજી સૌની સામે સમારે, વાસણ ચૂલે ચડાવે, તેલ-ઘી વસાણાં ઓરે એટલે ચોમેર સુગંધી ફેલાવા માંડે. સ્ત્રીવર્ગને ભારોભાર રમૂજ અને કૌતુક થાય, પણ દખલની મનાઈ એટલે ટીખળ કરે, પછી ચાખે અને ગમ્યા-નહિ ગમ્યાની ચોવટ કરે. ‘રસોઇયાઓ’માં કેટલાકને આવડત, કેટલાક નવું શીખેલા અને બીજા થોડા અખતરાબાજ એટલે ખાણી અને વાણી બેયનો જલસો થાય. ભૂપેન(ખખ્ખર)ને તો મશ્કરી વગર ચાલે નહિ. બધા ભાતભાતના મસાલે શેકેલી, તપાવેલી, ભૂંજેલી અને ધીમા કે ઊંચા તાપે રાંધેલી વાનગીઓ પીરસે ત્યાં એણે પાતળી, પાણી જેવી દાળ મૂકેલી. ખાણીપીણીનો રસિયો કરણ ગ્રોવર, ધંધે સ્થપતિ તે શાહ-દંપતીના નિરામિષ આંગણે મચ્છી કે મટન રાંધે એનો કોઈ છોછ નહિ.
હસમુખભાઈ આઇ.પી.સી.એલ.માં આવ્યા પછીના દશેક વર્ષના ગાળામાં અવનવી પ્રવૃત્તિઓનાં મંડાણ થયાં. વડોદરાની કળાસંસ્કૃતિને આવરી લેતાં વાર્ષિક કૅલેન્ડર્સ પ્રગટ કરવાની સરકારી સંકુલોને પરવાનગી નહોતી, તે એમણે મેળવી લીધી, અને એ અભિયાનમાં હું પણ જોડાયો. એક તો થયું વડોદરા સંગ્રહાલયમાં સચવાયેલાં યુરોપીય ચિત્રોનું, બીજાં બેમાં શહેરનાં ભીંત-ચિત્રો સમાયાં : એક ઓગણીસમી સદીના ગાયકવાડી રીતના તાંબેકરવાડા પરનું, બીજું નંદલાલ બોઝે કરેલા ગાયકવાડી કુટુંબના સ્મારક કીર્તિમંદિરનું. હું ચિત્રોની પસંદગી કરું અને ચિત્રો વિષે ટૂંકમાં લખું. એ ચિત્રોની તસ્વીરો લેવાનું જ્યોતિ ભટ્ટ જેવા સિદ્ધહસ્તને સોંપાતું. હસમુખભાઈને વડોદરાનાં અને આજુબાજુના વિસ્તારનાં દૃશ્યોનું બ્રિટિશ અથવા યુરોપીય કળાકારોએ કરેલાં આલેખનોનું ભારે આકર્ષણ. મેં એમને એ વિષયના નિષ્ણાત મિલ્ડ્રેડ આર્ચરનો સંપર્ક કરાવ્યો અને તેમણે લખાણ મોકલ્યું.
એવી ધારણા છે કે આઇ.પી.સી.એલ.માં કળાકારોની શિબિરોની શરૂઆત હસમુખભાઈ જોડાતાં પહેલાં થઈ ચૂકી હતી અને એનું આયોજન મારો મિત્ર નાગજી પટેલ સંભાળતો. નાગજી આમ તો વિખ્યાત શિલ્પી પણ એ સંકુલની શાળામાં ભણાવેય ખરો. દેશ-વિદેશમાંથી કળાકારો બોલાવી શિબિરો કરવાની એને ફાવટ હતી. દેશમાંથી જુવાન અને મોટા ગજાના કળાકારો તેડી લાવે પણ એને બલ્ગેરિયા, જૂના યુગોસ્લાવિયા અને જાપાનના કેટલા ય કળાકારોનો અંગત પરિચય. બધા આવે. ચિત્રકારો ચીતરતા હોય અને શિલ્પીઓ ખુલ્લા પરિસરમાં પથરા કોરતા હોય ત્યારે શહેરના કળારસિયા જોવા એકઠા થાય. સહિયારું ખાણું થાય એમાં હસમુખભાઈ અને નીલાબહેન જોડાય અને ગોઠડીઓ જામે. શિબિરો કેટલી થઈ એનો હિસાબ નથી પણ શિબિરોમાં થયેલાં શિલ્પ સંકુલના પરિસરમાં મુકાયાં અને ચિત્રો એનાં દફતરોની દીવાલે. પછી નાગજીની કોઈ તબક્કે કળાના સલાહકાર તરીકે નિમણૂક થઈ હતી અને પરિસરમાં જ એને પોતાનું કામ કરવાની સવલત થઈ હતી એવું યાદ છે. એણે ઊડતા પક્ષીનું મોટું શિલ્પ કાળા આરસપહાણમાં કોર્યું તે આઇ.પી.સી.એલ.ના મુખ્ય દફતરની સામે મૂકેલું છે. ૧૯૯૦માં એમણે નાગજીને વડોદરા શહેરના ફતેહગંજના ચોભેટે મૂકવા શિલ્પ ઘડવાનો પ્રસ્તાવ મૂક્યો. નાગજીએ બે થંભવાળા વડલાનું શિલ્પ ઘડ્યું ને એ ચોભેટે મુકાયું પછી તો જાણે કે એ શહેરની ઓળખાણ જેવું થઈ ગયું. ઉદ્ઘાટન ટાણે વડોદરાના રાજવી અને સંગીતકાર રણજિતસિંહે ગાયન રજૂ કર્યું ત્યારે હસમુખભાઈનો હરખ માતો નહોતો.
વડોદરા સંગીતની કળાનું થાણું ગણાતું એ હકીકત સૌ જાણે, મૌલા બક્ષ અને ફૈયાઝખાં જેવા ધુરંધરોની કહાણીઓ પણ પ્રચલિત તો ય વડોદરાની વિરાસત ગણાય એવી એ કળા પર આધારભૂત ગ્રંથનો અભાવ. હસમુખભાઈએ એ માટે અભિયાન આરંભ્યું, એની કેટલીક વાતો એમના ‘દીઠું મેં’ ગ્રંથમાં સંગ્રહિત છે. એમણે સંગીત અને સંગીતશાસ્ત્રના નિષ્ણાત રમણલાલ ચી. મહેતાને આઇ.પી.સી.એલ. તરફથી ગ્રંથના લેખન-આયોજનનું નિમંત્રણ દીધું. વડોદરાની દૃશ્યકળા વિશે પણ એવો કોઈ ગ્રંથ નહિ. જાણનારા જાણે કે સયાજીરાવે રવિવર્મા માટે સ્ટુડિયો બંધાવ્યો હતો, નંદલાલ બોઝને કીર્તિ મંદિરમાં ભીંતચિત્રો કરવા તેડાવ્યા હતા. મ.સ. યુનિવર્સિટીની સ્થાપનાકાળે ફાઇન આટ્ર્સ કૉલેજનાં મંડાણ થયાં અને મોટા ગજાના કળાકારો એન.એસ. બેન્દ્રે, શંખો ચૌધરી અને કે.જી. સુબ્રહ્મણ્યને નવી શિક્ષણપદ્ધતિનો પાયો નાખ્યો પણ એ બધું સવિસ્તર સંગૃહીત થયું નહોતું. એ કામ એમણે મને સોંપ્યું અને સંશોધન વગેરે માટે આર્થિક જોગવાઈ કરી. કામ કપરું પણ પડકાર ઝીલવા જેવો. સંશોધન માટે જૂની વિદ્યાર્થિની બેલીન્દર ધનોઆને રોકી લીધી અને બીજી વિગતો અને તસ્વીરો મેળવવા મેં ઝંપલાવ્યું. જ્યાં માગ્યું ત્યાંથી માહિતીના અને દસ્તાવેજી તસ્વીરોના ભંડાર મળ્યા. બેલીન્દર તો મુંબઈ જઈને યુનિવર્સિટીના પહેલાં ઉપકુલપતિ હંસા મહેતા સાથે વાર્તાલાપ પણ કરી આવી. કેટલાંક પેટદુખિયાં તત્ત્વોએ અભિયાનમાં આડશો નાખી તો ય છ-સાત વર્ષના સંશોધન બાદ, લગભગ અઢારમી સદીના અંતથી છેક ૧૯૯૪ના ગાળા લગીનો તબક્કાવાર ઇતિહાસ સંચિત કરવાનો પ્રકલ્પ પૂરો થયો. તે ગાળામાં જ હસમુખભાઈ નિવૃત્ત થયા. એમના અનુગામી કે.જી. રામનાથને પ્રકલ્પને જાળવી, અપપ્રચાર સામે નમ્યા વગર પ્રકાશનને લીલી ઝંડી દીધી અને છેવટે ૩૦૦ પાનાંનો ગ્રંથ ‘કન્ટેમ્પરરી આર્ટ ઇન બરોડા’ પ્રગટ થયો. પેટ્રોકેમિકલને વરેલી સંસ્થા કળાને સમર્પિત ગ્રંથ પ્રગટ કરે તે ઘટના માત્ર હસમુખભાઈની દીર્ઘદૃષ્ટિને કારણે. નિવૃત્ત થતાં પહેલાં એમણે પ્રસ્તાવના ય લખી. લોકાર્પણના પ્રસંગ ટાણે ચણભણિયા વિરોધ કરે તેવી દહેશત હતી, પણ પ્રકાશક ઇન્દુ ચન્દ્રશેખરની હાજરીમાં એ સંપન્ન થયો. એ સમયે અચાનક હસમુખભાઈને દુબઈ જવાનું થયું એટલે પ્રાગટ્યનો જલસો એમના વિના થોડો અધૂરો રહ્યો. સંગીત પરનો ગ્રંથ થયો નહિ, એનો એમને ઊંડો વસવસો રહ્યો.
અમારાં સહિયારાં અભિયાનોમાં બીજું સાહસ તે વડોદરાની વિખ્યાત ‘મ્યૂઝિયમ અને પિક્ચર ગૅલેરી’ની શતાબ્દીની ઉજવણી. અભિયાનનો મુખ્ય હેતુ એ હતો કે શતાબ્દી ઊજવાય તો સંગ્રહાલયનાં વિરલ ચિત્રો-શિલ્પોની જાણ ફેલાય અને એમની જાળવણી માટે કોઈ પ્રકલ્પ રચાય. ગુજરાત સરકારે સમિતિ નીમી એમાં હસમુખભાઈને પ્રમુખપદ સોંપાયું : સભ્ય તરીકે હું ય જોડાયો. મારી ભલામણે સંગ્રહાલયના ભારતીય કૃતિઓના સંગ્રહની ચકાસણી કરવા માટે નિષ્ણાત કળા-ઇતિહાસકારો ડૉ. બ્રજેન ગોસ્વામી, ડૉ. આનંદ કૃષ્ણ અને ડૉ. સરયૂ દોશીને વડોદરા બોલાવ્યાં. એમણે બધું જોયું, વિશેષતઃ અલાયદા (‘રિઝર્વ’) સંગ્રહને દિવસો ગાળી જોયો, સૂચનો આપ્યાં અને ભલામણો કરી. વિદેશી ચિત્રોના સંગ્રહને ચકાસવા મારા મિત્ર કળા-ઇતિહાસકાર ટીમથી વિલ્કોક્સ જેણે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનનાં ચિત્રોની ચકાસણી કરેલી તેને અને એની ભલામણે લંડનની કોર્ટોલ્ડ ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક જોઆન્ના વૂડઓલને બોલાવ્યા તે બેએક મહિના રહ્યા અને વિસ્તૃત હેવાલ સુપરત કર્યો. હસમુખભાઈ હોલૅન્ડમાં સ્થાયી થયેલા યુરોપીય કળાના નિષ્ણાત રિસ્ટોરર વિશ્વરાજ મહેરાને ઓળખે; એ પણ આવ્યા અને ભલામણોથી ભરપૂર હેવાલ તૈયાર કર્યો. સરયૂ દોશીએ એ સંગ્રહાલય પર માહિતીપ્રદ, સચિત્ર ગ્રંથનું સંપાદન કર્યું જે પછીથી પ્રગટ થયો.
હસમુખભાઈ જાણે કે સંગ્રહાલયની મૂળ ડિઝાઇન અને બાંધકામમાં ભવ્ય પ્રવેશદ્વાર હતું તે કોઈ કારણસર પડતું મુકાયું હતું અને બીજું થોડું વામણું જે હાલ વપરાય છે તે પ્રવેશદ્વાર થયું હતું. પણ સરકારી મોટાં માથાં એ બદલવા તૈયાર થાય નહિ, તેથી એ વાત બાજુએ મુકાઈ. સમિતિએ સંગ્રહાલયના વિપુલ કલાભંડારને આવરી લેવા એક નવા મકાનની ભલામણ કરી તે છેવટે બંધાયું પણ ખરું. સંગ્રહાલયના અંદરના ભાગે અમુક ઓરડા બંધ, એ માટે નિયામકને પૂછ્યું તો કહે, ત્યાં જૂના સિક્કાનો અમૂલ્ય સંગ્રહ છે અને ત્યાં એલાર્મ સિસ્ટમ મૂકી છે. ઓરડો ખોલાવ્યો તો ખબર પડી કે સિક્કા તો ખસેડી બીજે મુકાયા છે અને એલાર્મ સિસ્ટમ વર્ષોથી ઠપ હતી! ખરેખર તો નિયામક અમારી સમિતિમાં એમની પસંદગીના સભ્યો નહિ હોવાથી નારાજ હતા. અમે એ ઓરડાઓને યોગ્ય રીતે આયોજિત કરી પ્રદર્શનખંડ કરવાનું સમિતિના સ્થપતિ સભ્ય સૂર્યકાન્ત પટેલને સોંપ્યું. નિયામકની સાથે એક વિદ્વાન સભ્ય પણ કોઈ કારણે આડા ફાટ્યા હતા તો ય સમિતિને ઝાઝી આડખીલી નડી નહિ. હવે પ્રશ્ન એ હતો કે નિષ્ણાતોની ભલામણોનો અમલ કેમ થાય? સરકાર કદાચ ભલામણો સ્વીકારે પણ એ માટે નાણાની ફાળવણી ના કરે તો? હસમુખભાઈએ એની ચર્ચા સંસ્કૃતિ સચિવ કુ. સ્વતંત્ર સાથે કરી હશે. સંશયનો નિવેડો લાવવા એમણે શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓની બેઠક બોલાવી. બધાએ એકીઅવાજે જોગવાઈનું વચન દીધું પણ એવી શરતે કે એ સુધારાઓના અમલનું સંચાલન અમારી સમિતિ કરે તો જ. વરસ દહાડે સમિતિ બરખાસ્ત થઈ અને ભલામણો કાગળ પર જ રહી. જો કે બરખાસ્ત થતાં પહેલાં પ્રદર્શનખંડનું ચિત્રો સાથે ઉદ્ઘાટન થયું અને તે જ સાંજે સંગ્રહાલયના પ્રાંગણમાં ગંગુબાઈ હંગલના ગાન સાથે શતાબ્દી સમારંભની પૂર્ણાહુતિ થઈ.
હસમુખભાઈને આપણી સાંસ્કૃતિક વિરાસતને સાચવવાની ઊંડી ધખના. દિલ્હીમાં સ્થપાયેલ INTACHનું એ ધ્યેય, ત્યાં એ ઉપાધ્યક્ષ થયા હતા. વડોદરામાં ‘હેરિટેજ ટ્રસ્ટ’ સ્થપાયું એમાં એ વર્ષો લગી અધ્યક્ષ રહ્યા હતા. એમના એ અભિયાનના સાથી, સ્થપતિ કરણ ગ્રોવરે ચાંપાનેરની મધ્યકાલીન ઇમારતો અને પ્રાચીન અવશેષો-ખંડેરોને યુનેસ્કોની ‘વર્લ્ડ હેરિટેજ’ શ્રેણીમાં મૂકવાની ઝુંબેશ ચલાવી એના એ સાથી અને સમર્થક રહ્યા હતા. અસાધારણ અને અસંભવિત લાગે તેવું એ અભિયાન સફળ થયું ત્યારે હસમુખભાઈને ઘેર લહાણી થઈ હતી. તે સાંજે કરણે કેવા કેવા સરકારી આટાપાટા પાર કરી, નીંભર અધિકારીઓને સમજાવી-પટાવી, યુનેસ્કોની ‘વર્લ્ડ હેરિટેજ’ની બેઠકોમાં જઈ, બીજા દેશના સભ્યોનો સહકાર મેળવી ચાંપાનેરને વિશ્વકક્ષાની વિરાસતોમાં મૂકી એની કડવી-મીઠી કહાણી કહીને બધાને રસતરબોળ કર્યા હતા. ચાંપાનેરના ઐતિહાસિક અવશેષોને પાર્શ્વભૂમિમાં પલટી ‘હેરિટેજ ટ્રસ્ટ’ દ્વારા કાર્યક્રમો થયા એમાં મલ્લિકા સારાભાઈ, અસ્તાદ દેબૂનાં નૃત્યો યોજાયાં અને છેવટે ચન્દ્રલેખા દ્વારા નિર્દેશિત ‘શરીર’, તીશાની દોશીએ ગૂંદેચા બંધુઓની ધીરગંભીર ધ્રુપદ ગાયકી સાથે રજૂ કર્યું ત્યારે જોનારાને અદ્ભુત નજારો અનુભવ્યાની લહાણ થઈ હતી.
હસમુખભાઈનો ધરોહરને સાચવવાનો રસ ધીમે ધીમે ઇતિહાસનાં અધખૂલેલાં બારણાં ખોલવામાં પરિણમ્યો : દર્શક ઇતિહાસ નિધિની સ્થાપના અને એના નેજા હેઠળ ગુજરાતના સાગરકાંઠાના ઇતિહાસ પર આંતરરાષ્ટ્રીય તેમજ દેશના નિષ્ણાતો સાથે પરિસંવાદોની યોજનામાં એ અથથી ઇતિ લગી જોડાતા થયા. ભરૂચના પરિસંવાદમાં હું પ્રેક્ષક તરીકે ગયો હતો, પણ મારી ઇતિહાસકાર દીકરી સમીરાએ ભરૂચ ઉપરાંત સુરત અને દમણના પરિસંવાદોમાં ય ભાગ લીધો હતો. ઇતિહાસકાર તરીકેની એની ઊજળી થતી છાપને કારણે એ એની સાથે મસ્લત કરતા અને એને વહાલી ભત્રીજી ગણતા. અમારા દીકરા કબીરની જાહેર આરોગ્યની સૂઝ-સમજથી એ પ્રભાવિત થયાનું પણ યાદ છે. શરીફા વીજળીવાળા તો દીકરી દાવે એમના ઘેર રહેતી અને એમનાં લખાણોને જોઈતો ઓપ દેતી. એવું સાંભળ્યું’તું અને દેખાતું ય કે એમના પરિચયમાં આવનારા ઘણા, પછી એ સંસ્કાર સમાજના હોય કે ઔદ્યોગિક ક્ષેત્રના, એમના પરિઘના અંગત વર્તુળમાં સમાઈ જતા. એમના ઘેર ખાણીમાં દર વખતે નવી નવી વ્યક્તિઓનો પરિચય થતો. કેટલાક તો ‘આપણા’માંથી એમના પોતીકા થઈ જતા.
અમુક વર્ષો પહેલાં એમણે સમા વિસ્તારની ધનુષ્ય સોસાયટીનું ઘર મૂકી ગામને છેડે આવેલી ‘ઈશાવાસ્યમ્’ સોસાયટીના વિશાળ બંગલે રહેવાનું નક્કી કર્યું ત્યારે અમને ય સમજાયું નહિ કે સમાનું મજાનું ઘર કેમ છોડ્યું. નીલાબહેને ફોડ પાડ્યો કે સમાના ઘરની સામે થયેલા બહુમાળી મકાનના રહેવાસી એમના અંગત વહેવારને એવું ને એટલું જોતાં થયાં કે ઘરનું અલાયદાપણું સાવ છીનવાઈ ગયું – એ જ ઘરબદલાનું કારણ. આ ઘર સમાની બંગલીથી બેવડું કે ત્રેવડું, મોભાદાર અને એના વિશાળ પરિસરમાં ઢગલો આંબા. ઓરડા મોટા, પહોળી પરસાળ, બેસો ત્યાં જ મોરના ટહુકા અને પંખીઓનો કલરવ સંભળાય.
એમની આત્મીયતા અમને મૂંઝવણોમાંથી રસ્તો કાઢવા કામ લાગી. એક વાર કોઈ જાહેર હિતની ‘પિટિશન’માં નીલુ અને મેં સહીઓ કરેલી તે છાપે ચડ્યું – અને એને કારણે (?) મારે નવો પાસપૉર્ટ કઢાવવો હતો એમાં આડખીલી આવી પણ એમણે જે તે અધિકારીઓનો સંપર્ક કરાવી એ મુશ્કેલી દૂર કરી હતી. બીજો પ્રસંગ મેં ‘ઘેર જતાં’માં નોંધ્યો છે. ૨૦૦૨નાં રમખાણો ટાણે ૨૭મી ફેબ્રુઆરીએ સાંજે અમને એ પરાણે એમને ઘેર તેડી ગયા હતા અને બીજે દહાડે જાતે ગાડી હંકારી એરપૉર્ટ પહોંચાડ્યાં હતાં. ૨૦૧૦ના વરસે જ્યોતિ લિમિટેડના પરિસરમાં ‘કબીર’ ઉત્સવ થયો તેમાં મારા કબીર ચિત્રનું પોસ્ટર લગાડ્યું હતું એ કેટલાક કબીર-પંથીઓને ખટક્યું કારણ કે કબીરની એ આકૃતિ ‘એમના’ કબીર જેવી નહોતી. અગાઉના દિવસે વિખ્યાત ભજનિક પ્રહ્લાદ ટિપણિયા – જેમને કોઈ કબીર ચોરામાંથી હાંકી કાઢ્યા હતા તેમનું ગાન પૂરું થતાં એમના પર હિંસક હુમલો થયો હતો. પછીના દહાડે મારે કબીર પર બોલવાનું હતું પણ પરિસ્થિતિનો તાગ કાઢી હસમુખભાઈએ આડો હાથ દીધો. કહે કે ત્યાં જવાનું ટાળો. મને અંદેશો છે કે તમે જાવ તો હોબાળો થાય એવું લાગે છે અને છાપાંવાળાને એમાંથી વિવાદનો મસાલો મળે તો હુસેન-વાળી થાય. મને એમનો નિર્ણય મંજૂર નહોતો, પણ એમના આગ્રહે તે દિવસે જવાનું ટાળ્યું. બીજે દિવસે જઈને સભાગૃહમાં બોલ્યો ત્યારે બધું ટાઢું પડી ગયું હતું.
એમણે નિવૃત્તિ લીધા બાદ થયેલી બીમારીની હકીકત ‘દીઠું મેં’ની બીજી આવૃત્તિમાં સવિસ્તર વર્ણવી છે. (પૃ. ૧૬૬–૧૭૧) એની વાત કાઢું તો થોડું બોલે પણ વિગતો ટાળે. એ અટપટા નામની પીડા સાવ અજાણી. એમાં પગ અનાયાસ હલ્યા કરે જેથી દહાડે પજવણી અને રાતે નીંદરું વેરણ થાય. ખૂબ ખમ્યું હશે. એમાં છેવટે કૅન્સરનો એક પ્રકાર ‘મલ્ટિપલ માયલોમા’ એમને અને નીલાબહેનને વળગ્યો. પીડા ઊપડે ત્યારે બે ય જણ – એમને ગમતા કરમસદના દવાખાને જઈ સારવાર કરાવે ને પાછાં આવે. આવું વારંવાર થાય, પણ વાતચીતમાં એનો ઉલ્લેખ માત્ર નહિ, પૂછીએ તો જ બોલે, મોટે ભાગે રમૂજમાં ટાળે. ધીમે ધીમે વ્યાધિઓ વધી પછી ચાલવાનું ઓછું થયું – છેલ્લે તો વ્હીલચેરમાં બેસતા, પણ પ્રસંગોમાં હાજરી પાક્કી. ભરૂચનો પરિસંવાદ ઉપરના માળે, ત્યારે બે જણ એમને ખુરશી સાથે ઊંચકીને લાવતા અને આગળ બેસાડતા. શિરીષ પંચાલના મોટા પ્રકલ્પ ‘ભારતીય કથાવિશ્વ’ને પૂરો કરવા એમણે એક મિત્ર દ્વારા આર્થિક નિધિ સંપડાવ્યો હતો. અમદાવાદમાં એના લોકાર્પણનો ઓચ્છવ ગોઠવાયો ત્યારે કોઈએ કલ્પના ય કરી નહોતી ને એ આવી ચડ્યા હતા!
છેલ્લે મળ્યો તે ‘ઈશાવાસ્યમ્’ના બંગલે એમની અને નીલાબહેનની વરસગાંઠ તિથિ પ્રમાણે એક જ દિવસે આવી તેની ઉજાણીમાં. એમને એ અગાઉ મારું એક ચિત્ર ભેટ ધરવાની દરખાસ્ત મૂકી હતી તેની એમણે ઘસીને ના પાડેલી, કહે કે કશું મફત લેતો નથી. એક વાર નીલુનું ચિત્ર એમણે ખરીદ્યું’તું. ઘરમાં બીજા ઘણા ય કળાકારોનાં કામ, મારી એક નાનકડી પ્રિન્ટ સિવાય કશું નહિ. વરસગાંઠે થયું કે મેં ૧૯૭૦માં ફતેહપુર સિક્રીમાં પાડેલી તસ્વીરો બેયના નામે ભેટ આપું તો વાંધો નહિ લે. મને એ વિશે કશું કહ્યું નહિ પણ નીલુને ટકોર કરેલી કે તમારા પ્રણયની યાદગીરી જેવી તસ્વીરો મળી છે. તે દહાડે દીવાનખંડમાં મિત્રો અને સંબંધીઓ ભેગાં થયાં હતાં, પણ બીજાની સાથે વાત પડતી મૂકી, મને પાસે બોલાવ્યો અને ઘણી વાર લગી એટલી નવાજૂની કરી કે અમે વાતે વાતે તરબોળ થયા. અમારા બેમાંથી કોને ખબર કે આ અમારું છેલ્લું મિલન હતું!
મેં સાંભળ્યું કે એ કરમસદમાં માંદગીના બિછાને હતા ત્યારે ‘દીઠું મેં’ની બીજી આવૃત્તિની આગોતરી નકલ એમણે હેતે પંપાળી હતી. એમની દીકરી અલ્પનાએ મને મોડેથી જણાવ્યું કે એમણે એની પહેલી નકલ મને પહોંચાડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
(વડોદરા, ૨૪ ઑગસ્ટ, ૨૦૨૦)
નિહારિકા, યુનિવર્સિટી હેલ્થ સેન્ટરની પાછળ, પ્રતાપગંજ, વડોદરા – 390 002
પ્રગટ : “એતદ્દ” • 236 • ઑક્ટોબર – ડિસેમ્બર 2022; પૃ. 80-87