શાળાના દરેક પાઠ્યપુસ્તકમાં પ્રતિજ્ઞા લખેલી હોય છે, અને શાળાના કાર્યક્રમોમાં વિદ્યાર્થી મુખેથી તે બોલાવવામાં આવે છે કે દરેક ભારતીય મારાં ભાઈ-બહેન છે. બાળકો અરસપરસ ભાઈચારો અને સૌહાર્દ ભાવના કેળવે તે જરૂરી છે. પરંતુ એ કમનસીબ બાબત છે કે ભારતની બે મુખ્ય જાતિઓ વચ્ચે નફરત પેદા કરવા માટે ઝનૂનપૂર્વક પ્રયત્નો કરવામાં આવે છે.
હરિયાણાના નૂહમાં થયેલ એકપક્ષીય તોફાનો તેમ જ ઉત્તર પ્રદેશમાં આરોપી મુસ્લિમોના ઘર પર બુલડોઝર ફેરવ્યાની વાતો હવે જૂની થઈ ગઈ. પરંતુ જ્યાં બાળકોને સારા નાગરિકો બનવાની તાલીમ આપવાની વાત હોય, ત્યાં તેમનાં કુમળાં માનસમાં અન્ય જાતિ તરફ નફરત જગાડવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ આંધી દેશને વિનાશના કયા તબક્કે પહોંચાડશે ? બીજો પ્રશ્ન એ થાય છે કે શું તેનાથી મોંઘવારી કે ગરીબી ઘટશે, બેરોજગારી હટશે, અસ્પૃશ્યતા અટકશે, શિક્ષણ સસ્તું થશે, અંધશ્રદ્ધા નાબૂદ થશે, ગંદકી દૂર થઈ જશે ?
કેટલાંક ઉદાહરણો ચોંકાવનારાં છે. મુઝફરનગર જિલ્લાના કોઈ ગામે શિક્ષિકા તૃપ્તા ત્યાગીના કહેવાથી હિંદુ બાળકોએ મુસ્લિમ બાળકને લાફા માર્યા. પાછળથી ડેમેજ કંટ્રોલ તરીકે એકબીજાને ગળે લગાડ્યા. પરંતુ ‘બૂંદ સે બિગડી, હોજ સે નહીં સુધરતી’, કહેવતની માફક પીડિત બાળકના મનમાં કેવા ભાવો જાગ્યા હશે તેનો વિચાર નફરત પ્રચારકોએ કર્યો લાગતો નથી. શું આવા બનાવથી તેને હિંદુ ધર્મ તરફ પ્રેમ ઊભરાશે ? આવા બાળકના મનમાં ખુન્નસ પેદા થવાની સંભાવના છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના લુણવા ગામે એક સમારંભમાં મુસ્લિમ બાળાને ઈનામ લેતાં અટકાવવામાં આવી હતી.
૧૫ ઑગસ્ટના રોજ ધોરણ ૧૦માં શાળામાં નંબર લાવનાર બાળકોને ઈનામ વિતરણનો કાર્યક્રમ રખાયો હતો. પ્રથમ ક્રમે મુસ્લિમ બાળાનો ક્રમ હતો. તેણી પ્રથમ ક્રમે હોવા છતાં, તેણીને બાકાત રાખી તેના પછીના ક્રમે આવનાર બાળકોને ઈનામ અપાયાં. સોશિયલ મીડીઆ તથા અખબારોમાં શાળાએ કરેલ ભેદભાવ સામે ખૂબ ઊહાપોહ થયો. શાળાના આચાર્યે અંતે માફી માગી અને પાછળથી ડેમેજ કંટ્રોલ તરીકે થોડા દિવસો બાદ ખાસ સમારંભ યોજીને પીડિત મુસ્લિમ બાળાને ઈનામ અપાયું. એમ કહેવાય છે કે તે શાળામાં નિશા નામની દલિત કન્યા પણ અગાઉના પ્રથમ નંબરે આવેલ હોવા છતાં, નથી તેણીની માફી માગવામાં આવી કે નથી તેણીને ઈનામ અપાયું.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે તાજેતરમાં સમાન નાગરિક ધારા પર વ્યાખ્યાન યોજાયેલ. આ વિષયનાં બંને પાસાંઓ પર વાદ થાય તો આવકાર્ય છે. જાણવા મળ્યું છે કે વ્યાખ્યાનને નામે મુસ્લિમ વિરોધી વાતો કરવામાં આવી હતી. ઉપરાંત, હોલમાં પ્રવેશ કરનાર વ્યક્તિ પાસે ‘જય શ્રીરામ’નો નારો ઉચ્ચારવામાં આવતો હતો. શું આ રીતે ભેદભાવભરી નીતિ અપનાવવાથી સુરાજ્ય સ્થપાશે ? આપણી સામે પાકિસ્તાન, સીરીઆ, અફઘાનિસ્તાન જેવા ધર્મ આધારિત દેશોની જે હાલત છે તેને કેમ નજરઅંદાજ કરીએ છીએ ?
કશ્મીરનો બનાવ પણ આંખ ઉઘાડનારો છે. કોઈ એક શાળામાં એક વિદ્યાર્થીએ બોર્ડ પર ‘જય શ્રીરામ’ લખ્યું. તેને લઈને બે મુસ્લિમ શિક્ષકોએ તેની પિટાઈ કરી. શિક્ષકોનું આ કૃત્ય અધમ, અમાનવીય અને અસ્વીકાર્ય છે.
કોઈપણ બાળકને તેણે ઉચ્ચારેલ પ્રતિજ્ઞા કરતાં વિરુદ્ધ વર્તન કરવા ફરજ પાડતા શિક્ષકો તરફ શું માનની લાગણી પેદા થતી હશે કે ગૌરવ પેદા થતું હશે ? તેના પર માનસશાસ્ત્રીઓએ પ્રકાશ ફેંકવો જોઈએ.
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑક્ટોબર 2023; પૃ. 20