‘નિરીક્ષક’નાં સોળમી નવેમ્બરના અંકમાં ‘રે, સરકાદમી !’ વિભાગમાં (આવો વિભાગ પણ ‘નિરીક્ષક’ પાડી શકે) ગુજરાત સાહિત્ય અકાદમી(અને હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી સાહિત્ય અકાદમી)ના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ સહુને પાઠવેલી નવાં વર્ષની શુભેછા અને ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પાઠવેલી પ્રતિ-શુભેચ્છા વાંચવા મળી .સુમન શાહે ગુજરાતી સાહિત્યજગતનાં ‘અણસરખાં વાતાવરણ’માં પ્રવેશેલા ‘મૂંગારા’ની ચિન્તા કરી. તેમણે અકાદમીની સ્વાયત્તતા માટેનો મુદ્દો હવે મન્દપ્રાણ બની ગયો હોવાની જિકર કરી. પણ નિષ્પ્રાણ, નિર્લેપ, નિર્સ્તિત્વ (પ્રકાશ ન. શાહના સરકારી + અકાદમી = સરકાદમી શબ્દની માફક નિઃ + અસ્તિત્વ માટે નિર્સ્તિત્વ શબ્દ સંપાદકશ્રી મંજૂર રાખે ?) હોવા કરતાં મન્દપ્રાણ હોવું ગનીમત ગણી શકાય. સુમનભાઈએ ‘હાલ અકાદમીમાં બે જ છે – મહામાત્ર અને અધ્યક્ષ !’ એવી પણ ટિપ્પણી કરી છે. સુમનભાઈએ આ હોદ્દેદારોના નામ નહીં લખીને વ્યક્તિનિરપેક્ષ, તટસ્થ વગેરે રહેવાનું પસંદ કર્યું છે, ભલે. અકાદમીના મહામાત્ર અજયસિંહ ચૌહાણ છે અને અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા છે. ‘નિરીક્ષક’નો અંક ૧૮-૧૯ તારીખે હાથમાં આવ્યો તે વખતે એક યોગાનુયોગ એ હતો કે અંકમાં પણ વિષ્ણુ પંડ્યા હતા અને ઝવેરચંદ મેઘાણી નિમિત્તે મારી નજરમાં પણ વિષ્ણુ પંડ્યા હતા.
વાત એમ હતી કે એ દિવસોમાં ગુજરાત સાહિત્ય અકાદમીએ જયંત મેઘાણીના અભૂતપૂર્વ સંપાદન હેઠળ પ્રસિદ્ધ કરેલાં ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ના પંદર ગ્રંથોના પાનાં ફેરવવાનો (વાંચવાનું તો શું ગજું ?) મોટો આનંદ માણી રહ્યો હતો. અકાદમીએ સમગ્ર મેઘાણી સાહિત્યનાં કુલ ૭,૬૭૪ પાનાંના પંદર પુસ્તકો માત્ર રૂ.૨,૦૭૦/- રૂપિયામાં પ્રસિદ્ધ કર્યા છે. ગ્રંથ સંપાદનની દૃષ્ટિએ આ ગ્રંથો ગુજરાતી સંપાદનકાર્યનું એક સર્વોચ્ચ શિખર છે.
એ ગ્રંથોમાં વાંધાજનક બાબત એ છે કે તેમાંથી સાત ગ્રંથોમાં ‘અધ્યક્ષસ્થાનેથી’ એવાં મથાળા હેઠળ ગુજરાત સાહિત્ય અકાદમી(અને હિન્દી, સંસ્કૃત, સિંધી, ઉર્દૂ અને કચ્છી સાહિત્ય અકાદમી)ના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાનું પોતાનું, ખુદના હસ્તાક્ષરવાળી સહીથી આપેલું નિવેદન છે. તે મોટે ભાગે ઉઘડતાં જમણાં પાનાંમાંથી એક પાને ખાસ નજરે ચઢે એ રીતે મૂકાયું છે. વિરોધાભાસે સંપાદક જયંત મેઘાણીનું નિવેદન અચૂકપણે ડાબી બાજુના પાને ઓછું નજરે પડે એ રીતે મૂકાયું છે. એ કદાચ જયંતભાઈની લાક્ષણિક નમ્રતાભરી પસંદગી હોઈ શકે. અધ્યક્ષનું નિવેદન અધ્યક્ષની પોતાની પસંદગી જ નહીં, પણ એમનો આગ્રહ અને નિગ્રહ પણ જણાય છે. વિષ્ણુભાઈ પહેલાંના અકાદમીના કોઈ અધ્યક્ષે અકાદમીના કોઈ પ્રકાશનમાં આ રીતે નિવેદન લખ્યું નથી. દરેક ગ્રંથનું નિવેદન વિષયોચિત હોય તો પણ તેમાંથી મેઘાણી માટેના આદર કરતાં પ્રકાશન પર સત્તાની મહોર મારવાની વૃત્તિ વધુ જણાય છે.
અહીં પ્રસ્તુત આડ-વાત તરીકે યાદ આવે છે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડનાં ઉપાધ્યક્ષ ભાવનાબહેન દવે. તેમને બોર્ડનાં પ્રકાશનોમાં પોતાના ફોટા સાથે નિવેદન મૂકવાની આદત છે. અનેક વિદ્વાન લેખકોના પુસ્તકોમાં પણ પુસ્તક ઉઘાડતાંની સાથે વાચકને પહેલો ઉપાધ્યક્ષનો ફોટો દેખાય, તેની સાથે તેમનું નિવેદન હોય અને પછી પુસ્તકનાં નામ અને લેખકના નામનું પાનું આવે. સર્જકતા કે જ્ઞાન કરતાં સત્તાને પહેલાં રાખવાની આ મનોવૃત્તિને – ઓછામાં ઓછું કહીએ તો ય – જાહેરજીવનના સંદર્ભે વાંધાજનક તો કહેવી જ પડે.
જયંત મેઘાણીનાં સંપાદનકાર્ય તરફ નજર કરતાં સ્વાભાવિક રીતે જ ગુજરાત સાહિત્ય અકાદમીએ અને અન્ય પ્રકાશકોએ બહાર પાડેલાં સંપાદનો યાદ આવ્યાં. અકાદમીએ વીતેલાં વર્ષોમાં, અને તાજેતરમાં પણ, જાણીતા સાહિત્યકારોનાં સમગ્ર કે ચૂંટેલાં સાહિત્યનાં ગ્રંથોના સંપાદનો પર નજર કરી. એ સંપાદનોની જયંતભાઈનાં મેઘાણી-સંપાદનો સાથે સહજ વિદ્યાકીય વૃત્તિથી સરખામણી થઈ ગઈ. કેટલાક સંપાદિત ગ્રંથો પર ગ્રંથાલયમાં નજર ફેરવી. તેમાં ધ્યાનમાં આવ્યું કે એમાંથી બધાં નહીં તો ય ઘણાં સપાદનોમાં ઘણું ઓછું કામ થયું છે. એ સંપાદકોમાંથી લગભગ બધા, જે તે સમયના, અને અત્યારના સમયના પણ, અગ્રણી સાક્ષરો છે. તેમણે સંપાદનનો અર્થ જ બહુ સંકુચિત કરી નાખ્યો હોવાની છાપ ઉપજે છે. આ સંપાદકોમાં મોટા ભાગના ગુજરાતી ભાષા-સાહિત્યના અધ્યાપકો પણ છે. કેટલાંકે તો સાહિત્યને લગતાં વિદ્યાકીય કાર્યોમાં (અને કેટલાંકે જાહેર જીવનમાં પણ) પ્રામાણિકતા, નિષ્ઠા અને ઊંચા ધોરણો વિષે વ્યાખ્યાનો તેમ જ લખાણોમાં ઊંચી અપેક્ષાઓ પણ વ્યક્ત કરી છે. તો પછી અકાદમીનાં સંપાદનોમાં કેમ આવું ? ઇતિ અલમ્ !
૨૮ નવેમ્બર, ૨૦૧૯
E-mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 13-14