સરકાર નફાખોર વેપારીથી પણ આગળ નીકળી છે. નફાખોર વેપારી ગમે એટલા નફાની દાનત રાખે તો ય ખરોખોટો વેપાર તો કરે જ છે, પણ સરકાર તો વગર વેપારે જ નફો કરવા માંગે છે. સરકારની દાનત શિક્ષણનો ટેક્સ ઉઘરાવીને, શિક્ષણની જવાબદારીમાંથી છટકવાની છે. એ રીતે તે નફાખોર વેપારીથી ચાર ચાસણી ચડે એમ છે. એ જ કારણે સરકારે ખાનગી સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીઓને ઉત્તેજન આપ્યું છે ને સરકારી શૈક્ષણિક સંસ્થાઓને તે બંધ કરતી જાય છે કે તે તરફ ધ્યાન આપવામાં આંખ આડા કાન કરે છે. આમ કરીને તેણે શિક્ષણ એટલું મોંઘું કર્યું છે કે સાધારણ માણસ તેનાં પર હાથ મૂકતાં જ ડરે ને ગરીબ બાળકો ડ્રોપ આઉટનો રેશિયો વધારવા લાચાર બને. શિક્ષણ મોંઘું થયું તેથી ને ભ્રષ્ટાચાર તથા અનામતને કારણે ત્રાસીને, સ્થિતિ સંપન્ન વિદ્યાર્થીઓએ વિદેશની વાટ પકડી છે. ગુજરાતનું યુવાધન આમ વિદેશ જઈ રહ્યું છે, પણ તેની સરકારને પડી નથી. વિદેશમાં બધું સસ્તું છે એવું નથી, પણ પાત્રતા છતાં અહીં શિક્ષણ અને નોકરીની તકો જ ઓછી છે. કમ સે કમ ત્યાં આટલી ખરાબ સ્થિતિ તો નથી જ ! અહીં આટલું મોંઘું શિક્ષણ લીધાં પછી નોકરી માટે લાંચ આપવી પડે કે શોષણનો ભોગ બનવું પડે, ત્યારે સવાલ થાય કે આવું ભણીને મેળવવાનું શું છે? શિક્ષણ આમ તો શોષણ નથી શીખવતું, પણ શીખીને જો શોષણ જ કરવાનું હોય કે શોષણનો જ ભોગ બનવાનું હોય, તો એવાં શિક્ષણનો કોઈ અર્થ ખરો?
ખાનગી શિક્ષણ મોંઘું છે ને સરકારી શિક્ષણ મફત છે, પણ સ્થિતિ એ છે કે મફત મળતું નથી ને મોંઘું પરવડતું નથી. એક ટુચકો યાદ આવે છે. બે દુકાનદારો તેલનો ધંધો સામસામે કરતા હતા. એક મોંઘો હતો, તો સામેવાળો સસ્તો હતો. એક ગ્રાહક મોંઘું વેચનાર પાસે આવ્યો. એક લિટર તેલ માંગ્યું. ભાવ પૂછ્યો તો ગ્રાહક અકળાયો – આટલું મોંઘું? સામેવાળો તો સસ્તું આપે છે. દુકાનદારે કહ્યું કે ત્યાંથી લઈ લો. ગ્રાહક બોલ્યો કે ત્યાંથી જ લીધું હોત, પણ તેની પાસે નથી, ખલાસ થઈ ગયું છે. તો આ બોલ્યો – અમારે ત્યાં નથી હોતું તો અમે ય મફત જ આપીએ છીએ. આ જ સ્થિતિ સરકારની છે, તે મફત આપે છે, પણ તેની પાસે શિક્ષણ નથી ને ખાનગી પાસે છે, પણ તે મોંઘું છે.
ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં શિક્ષણ કેટલું છે તે તો સરકાર જાણે, પણ ખાનગી સંસ્થાઓમાં તે અત્યંત મોંઘું છે ને વધુ મોંઘું રહે એ માટે ખાનગી સંસ્થાઓની કોઈને કોઈ બહાને ઉઘરાણી નીકળતી જ રહે છે. સરકારી યુનિવર્સિટીઓ ઓછી છે ને તે ઓછી જ રહે તેવી ગણતરી છે. દેખીતું છે કે સરકારી યુનિવર્સિટીની સીટ વહેલી ભરાય, કારણ તેની ફી ઓછી છે. ખાનગી યુનિવર્સિટીઓ દુકાનોની જેમ ખૂલી છે ને તેની ફી વધારે છે. જેમને સરકારીમાં એડમિશન નથી મળતું તેમણે વધારે ફી ભરીને છેવટે ખાનગી યુનિવર્સિટી કે કોલેજોમાં એડમિશન લેવું પડે છે. એ ફી સાધારણ વિદ્યાર્થીઓને નથી પરવડતી તો તેણે ઉધાર ઉછીનું કરીને ભણવું પડે છે અથવા તો અડધેથી ભણવાનું છોડી દેવું પડે છે. ખાનગી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરનારના જનરલ પ્રોગ્રામની ફી 96 હજારથી લઈને 12 લાખ સુધી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં યુનિવર્સિટીઓ તો નવ છે, પણ સરકારી તો એક જ છે. હવે આ રેશિયો પરથી પણ ખ્યાલ આવે એમ છે કે સરકાર ખાનગીને ઉત્તેજન વધુ આપે છે. સરકારની દાનત સાફ નથી. તે શિક્ષણ કર ઉઘરાવે છે, પણ ઉત્તેજન સરકારી સંસ્થાઓને આપવાને બદલે, ખાનગીને આપે છે. તે સહેતુક છે. હેતુ સરકારી સંસ્થાઓ બંધ કરવાનો ને ખાનગીની સંખ્યા વધારવાનો. એમ થવાથી ટેક્સ ગજવે ઘાલી શકાય અને ખાનગીને ગ્રાન્ટ ન આપીને, તેની વ્યવસ્થાનો બોજ તેને જ ખભે નાખીને, જવાબદારીમાંથી છટકી શકાય. સરકારી સંસ્થાઓ બંધ થતી જાય એટલે એનો બોજ નહીં ને ખાનગીનો બોજ જે તે સંસ્થા પોતે ઉપાડે એટલે એની ય ચિંતા નહીં. સરકારને તો બંને હાથમાં લાડુ છે. જો કે, ગ્રાન્ટ ન મળવાને કારણે ખાનગી સંસ્થા પાસે, વધતા નિભાવ ખર્ચ માટે ફી વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી એ પણ ખરું.
શિક્ષણને લાગે વળગે છે ત્યાં સુધી, ગુજરાત સરકાર જવાબદારીમાંથી છટકીને કેવી રીતે એક ધંધાદારીની જેમ વર્તે છે તેનો દાખલો જોવા જેવો છે. એક તરફ સરકારે જ રાઇટ ટુ એજ્યુકેશન-RTE અન્વયે પ્રાથમિકમાં પ્રવેશ પરીક્ષા ન લેવાનું ઠરાવેલું ને તેણે જ ધોરણ પાંચમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-CETની પરીક્ષા લીધી. એમાં જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા એમને સરકારે શિષ્યવૃત્તિ જાહેર કરી. જે વિદ્યાર્થી ધોરણ છમાં સરકારી સ્કૂલમાં જ અભ્યાસ કરે તેને પાંચ હજાર શિષ્યવૃત્તિ પેટે મળે, પણ જો એ વિદ્યાર્થી ખાનગી સ્કૂલમાં એડમિશન લે તો તેને વીસ હજારની શિષ્યવૃત્તિ મળે. એટલે કે સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી કરતાં ચાર ગણી વધુ. સમજાતું નથી તે એ કે પરીક્ષા બધાંની સરખી લેવાઈ હોય તો શિષ્યવૃત્તિ પણ સરખી જ હોયને ! નથી. સરકારને તો બધા વિદ્યાર્થીઓ સરખા હોય. નથી. સરકાર જ ઊઠીને એકને ગોળ ને એકને ખોળ ધરે એ યોગ્ય છે? આમ કરવાનો હેતુ શો? હેતુ એ કે સરકારી સ્કૂલો બંધ થાય ને વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલોમાં જાય. હોંશિયાર વિદ્યાર્થીઓ વધુ શિષ્યવૃત્તિની લાલચે ખાનગીમાં પ્રવેશ મેળવે ને નબળા વિદ્યાર્થીઓ પ્રાથમિકમાં જ રહે તો તેમની નબળાઈ, શિક્ષકની નબળાઈ બને અને જતે દિવસે સ્કૂલ નબળી ગણાતાં અટકે.
વધારે શિષ્યવૃત્તિ મેળવવી હોય તો વિદ્યાર્થીએ સરકારી સ્કૂલ છોડીને ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવવો પડે. એમ થાય તો હોંશિયાર વિદ્યાર્થીઓ ખાનગીમાં જાય ને સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ઘટે. વિદ્યાર્થીઓ ઘટે તો સંખ્યાના અભાવમાં સ્કૂલો બંધ કરવાનું બહાનું મળે. આમે ય સરકારી સ્કૂલો ચાલુ રાખવામાં સરકારને રસ નથી. રસ એટલે નથી, કારણ એનો ખર્ચ સરકાર કરવા માંગતી નથી. એ ખર્ચ બચે તો રોજ મીડિયામાં ડાચાં દેખાડવાની સગવડ વધે, પ્રોજેક્ટ્સને નામે પૈસા અંકે કરવાની તકો વધે. પ્રોજેક્ટસથી કામ થાય છે, પણ તે કેટલું તકલાદી છે તે એટલીસ્ટ તૂટતા પુલો પરથી પણ સમજી શકાય એમ છે. એ જે હોય તે, પણ ખાનગીને વધુ સ્કોલરશિપ ફાળવીને પ્રાથમિક સ્કૂલો ખાલી કરાવવાની રમત બધી જ રીતે નિંદનીય છે. સરકાર જ ઠરાવે છે કે પ્રાથમિકમાં પ્રવેશ વખતે વિદ્યાર્થી કે વાલીની પરીક્ષા કે તેનાં ઇન્ટરવ્યૂ લઈ શકાશે નહીં ને તે જ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-CET લે છે, એટલું જ નહીં, સરકારી અને ખાનગી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં 15,000 રૂપિયાનો તફાવત રાખે છે. આ શરમજનક છે ને પ્રાથમિકના વિદ્યાર્થીઓને અન્યાયકર્તા છે.
સરકારના ચાવવાના ને બતાવવાના જુદા છે. તેને કોઈ આદર્શ, કોઈ સિદ્ધાંત, કોઈ નીતિનિયમ નથી. સગવડ કે લાભ એ જ એક નિયમ પર સરકાર ચાલે છે. સરકાર ખાનગીને ઉત્તેજન આપે છે તે તો જગજાહેર છે, પણ સરકારી સંસ્થાનો લાભ મળતો હોય તો તે ખાટવાનો ય વાંધો નથી. જે ડીમ્ડ યુનિવર્સિટીઓ છે ને સરકારની 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવે છે, તેમાં સરકારે પોતાનાં માણસો ગોઠવવાની તજવીજ, નવાં રેગ્યુલેશન્સને નામે શરૂ કરી છે. ગુજરાત વિદ્યાપીઠ કેન્દ્ર સરકારની સો ટકા ગ્રાન્ટ મેળવે છે, એટલે કુલપતિ અને કુલાધિપતિની નિયુક્તિ હવે સીધી કેન્દ્ર સરકાર કરશે, એટલું જ નહીં, એનો સમગ્ર વહીવટ પણ કેન્દ્ર સરકાર હસ્તક જ હશે. આ વાત વિદ્યાપીઠને જ નહીં, 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવતી તમામ સંસ્થાઓને લાગુ પડે છે. એવી ડીમ્ડ યુનિવર્સિટીઓને સરકારે નક્કી કરેલા નવા નિયમો સ્વીકાર્ય છે એવું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન-MOA કરવાની પણ સૂચનાઓ અપાઈ છે. જો કે, વિદ્યાપીઠના કેટલાક સભ્યો MOA કરવા અંગે નારાજ છે, પણ વિદ્યાપીઠ 100 ટકા ગ્રાન્ટ મેળવતી હોય તો સરકારના MOA અંગે કોઇના ય વાંધા સરકાર ધ્યાને ન લે એમ બને.
ટૂંકમાં, 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવતી ડીમ્ડ યુનિવર્સિટીઓમાં સરકારનાં માણસો દાખલ પડે એમ બને ને સરકારી યુનિવર્સિટીઓમાં કુલપતિથી માંડીને અન્ય નિયુક્તિઓએ શી પરિસ્થિતિ સર્જી છે તે કોઇથી અજાણ્યું નથી. એ જ સ્થિતિ ડીમ્ડ યુનિવર્સિટીઓની સરકાર કરવા માંગે છે. એક તરફ ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપીને સરકાર, સરકારી સ્કૂલોની પળોજણમાંથી છૂટવા માંગે છે, એટલે જ તો એક જ ધોરણના સરકારી અને ખાનગી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિઓમાં 15,000 જેવો માતબર તફાવત રાખે છે ને બીજી તરફ 50 ટકાથી વધુ ગ્રાન્ટ મેળવતી ડીમ્ડ યુનિવર્સિટીઓનો કારભાર સરકાર પોતાને હસ્તક રાખીને ચંચુપાત કરવાની દાનત પણ રાખે છે. એક તરફ સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે ને બીજી તરફ શૈક્ષણિક પ્રદૂષણથી કોઈ ખૂણો અછૂતો ન રહે એની કાળજી પણ રાખે છે. વિનાશ કાળે … એવું આવા કોઈ કાળ માટે જ કહેવાયું હશે કે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ડિસેમ્બર 2023