સરમુખત્યારશાહીમાં પ્રજાને વિના વિરોધે સરમુખત્યાર શાસકના આદેશોનું કેવળ પાલન કરવાનું – કહો કે ત્રાસ અને પીડા વેઠવાના હોય છે.
રાજાશાહીમાં શાસક રાજાના મનના તરંગોને કાયદા-કાનૂન ને ફરમાન બનતા સહેજે વાર લાગતી નથી; અને એને પરિણામે રૈયત તો રાંક જ બની રહે છે; ફરમાનના વિરોધ કરનારને ભાગ્યે શૂળીએ ચડવાનું અથવા કેદખાનામાં ચાબૂકના મીઠામાં બોળેલા કોરડાના માર અથવા ચાબખા જ ખાવાના રહેતા એ વૈશ્વિક ઐતિહાસિક સત્ય છે.
લોકશાહીમાં નાગરિક અને પ્રજા નામથી ઓળખાતો નાગરિક સમૂહ આ બાબતમાં ભાગ્યશાળી છે; કારણ કે એને એ જે બાબતમાં અસંમત હોય એમાં અસંમતિ દર્શાવવાની અને અયોગ્ય-અનુચિતનો વિરોધ કરી એની સામે પડવાની પણ છૂટ મળે છે; પણ આ છૂટ મેળવવા એણે જવાબદાર નાગરિકની હેસિયતથી આ બધું કરવાનું છે. દેશમાં બનતી નાની-મોટી ઘટનાઓ, ઘડાતા કાયદા-કાનૂનો, લોકોની રોજ બ રોજની સમસ્યાઓ વગેરેનો ઝીણવટભર્યો અભ્યાસ કરી – એ વિષયક ચિંતન-મનન કરી, કોઈ નક્કર નિષ્કર્ષ પર પહોંચી, આ નિષ્કર્ષને સહુ માટે પ્રતીતિકર અનુભવાય એ રીતે રજૂ કરી, એ સર્વગ્રાહ્ય બને એ માટે ઝૂંબેશ-અભિયાન આદરવાનું છે. પોતાના હકથી વંચિતોને આ અભિયાનમાં સામેલ કરવાના છે. બિનજવાબદાર બનતા જતા શાસકોની સામે આ રીતે દબાણ ઊભું કરવાનું છે. લોકશાહીનો મોટો ફાયદો એ છે કે એમાં કાયદા-કાનૂન અને અદાલતોનું મોટું બળ અદનામાં અદના નાગરિક પાસે હોય છે.
લોકશાહીમાં, જેમને વિચારવાની બિલકુલ તસ્દી નથી લેવી અથવા ડર કે ધાકધમકીના કારણે કે એના ભયના કારણે અન્યના ખોટા નિર્ણયમાં કમને-અનિચ્છાએ સામેલ થવાનું બને છે, એને કારણે લોકશાહીને નિષ્ફળ બનાવતી ટોળાંશાહી જન્મે છે. આવી ટોળાંશાહી બિનજવાબદાર શાસકને મોટો ફાયદો કરાવે છે; કારણ કે એને કારણે એના રાજપાટ ખૂબ લાંબા સમય સુધી નિર્વિઘ્નપણે ટકી રહે છે.
આપણને આશ્વાસનરૂપ એ બાબત છે કે દરેક લોકશાહી દેશમાં કેટલાક જાગૃત અને નિર્ભીક અને આત્મવાન નાગરિકો પણ જીવે છે. એમની સક્રિયતાને કારણે જ શાસકો અસ્વસ્થ રહે છે – અકળામણ અનુભવે છે.
આપણે આશા રાખીએ અને ઈચ્છીએ કે આવા જાગૃત, નિર્ભીક અને આત્મવાન નાગરિકોની સક્રિયતા સદૈવ રહે.
વંદે માતરમ્
તા. ૦૧-૧૨-૨૦૨૨