સાંપ્રતસમયમાં સંઘર્ષ થઈ રહ્યો છે બે ‘ભારત-ભાષ્ય’ વચ્ચે. પ્રાચીન સમયથી પ્રસ્થાપિત સમાવેશક ભારતની સામે સમરસ ભારતનું ઘર્ષણ છેલ્લાં બે વર્ષથી સંઘર્ષનું સ્વરૂપ લઈ રહ્યું છે. સમાવેશક ભારત માને છે સત્ય સહસ્રમુખી છે અને સમરસ ભારત માને છે સત્ય એકમુખી છે. અનેકાંતવાદની સામે એકાંતિવાદ!
જ્યારથી સંઘપરિવારની, ભાજપની સરકારે, સત્તાનાં સૂત્રો હસ્તગત કર્યાં ત્યારથી સમરસ ભારતનું નિર્માણ કરવા કટિબદ્ધ વર્ગ પોતાનું ભાષ્ય અર્થાત્ હિંદુત્વ-ભાષ્યને એકમાત્ર ભાષ્ય માને છે. આ હિંદુત્વ-ભાષ્યમાં સમાજના વૈવિધ્યનો નહીં, પરંતુ એકવિધતાનો મહિમા કરવામાં આવી રહ્યો છે. આ ભાષ્યમાં ભારતીય સંસ્કૃિત એટલે કેવળ હિંદુ-સંસ્કૃિત. જો ભારતમાં સદીઓથી વસતા કે વિકસેલા અન્યોન્ય ધર્મો કે પંથો – ઈસાઈ, ઇસ્લામ, આદિ – સહિયારી સંસ્કૃિતની, સમાવેશક સંસ્કૃિતની વાત માંડે તો આ હિંદુ-સંસ્કૃિતવાદીઓ સમરસતાની વાત માંડી અન્યને પોતાની આગવી પરંપરા કે આગવો રંગ અળગાં કરવાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૂચવે છે.
હિંદુ-સંસ્કૃિતની દુહાઈ દેનારા જે હિંદુ પરંપરાની કે હિંદુધર્મની માંડણી કરે છે, તે ખરેખર તો પરંપરાનું અત્યંત સંકુચિત ભાષ્ય છે. ઋગ્વેદથી જ શરૂ કરીએ તો તેમાં સત્યને વિપ્રો બહુધા વદે છે, તેવું ઉચ્ચારવામાં આવે છે ત્યારે અનેકાંતવાદનો કે બહુવિધતાનો જ મહિમા થાય છે. મહાભારતમાં પણ આ જ ઉપદેશ ધેનુની એટલે કે ગાયની ઉપમા દ્વારા ઘોષિત થાય છે : ‘ભિન્ન-ભિન્ન રંગોવાળી ગાયો હોય, પણ તેઓના દૂધનો રંગ તો એક જ હોય, તેવું જ ધર્મવૈવિધ્ય છે, પણ પરમ તત્ત્વ તો એક જ છે.’
મધ્યકાળની ભક્તિ-પરંપરા વારંવાર ભજનમાં, પદમાં કે દોહામાં અનેકાંતવાદનો જ પુરસ્કાર કરે છે. આધુનિક યુગમાં શ્રીમદ્ રાજચંદ્ર એક દોહરા દ્વારા આ પ્રાચીન પરંપરાને વ્યક્ત કરે છે :
ભિન્ન-ભિન્ન મત દેખિયે, ભેદ દૃષ્ટિનો એહ,
એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માનો તેહ.
શ્રીમદ્ રાજચંદ્રને ગુરુ ગણતા ગાંધીજી પણ ‘સર્વધર્મસમભાવ’ને કેન્દ્રવર્તી બનાવી નરસિંહ મહેતાએ પ્રબોધેલી ‘સમદૃષ્ટિ’ને ચરિતાર્થ કરે છે. ઋગ્વેદથી આરંભી ગાંધીજી સુધી જે પરંપરા અખંડ રહી છે, તેનાથી વિપરીત હિંદુત્વવાદીઓ અત્યારે ‘ભારતમાતા કી જય’ તથા ‘ગૌમાતા’ના સીમિત દાયરામાં ધર્મપરંપરાને સાંકળી ભારત-ભાષ્યને સંકીર્ણ બનાવી રહ્યા છે.
હિંદુત્વવાદીઓમાં જે સંગઠનો હિંસાનો પુરસ્કાર કરવામાં નાનમ નથી સમજતાં તેમણે છેલ્લાં બે વર્ષમાં દાભોલકર, પાનસરે તથા કલબુર્ગી જેવા બુદ્ધિશાળીઓ તથા રૂઢિભંજકોની હત્યા કરી છે તે જાણીતું છે. હિંસાનો માર્ગ અપનાવનાર એ વીસરી ગયા કે ભારતમાં પ્રાચીન સમયથી બુદ્ધિવાદ તથા ભૌતિકવાદની પરંપરા રહી છે, તેમ જ તેના પક્ષધરો સાથે વાદ-વિવાદ થયા છે પણ તેમને વીંધી નાંખવામાં નથી આવ્યા. બે હજાર વર્ષ પૂર્વે પણ લોકાયતની કે ચાર્વાકની પંરપરા હતી જેને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તર્કપ્રધાન દર્શન તરીકે નોંધે છે. આ તર્કપ્રધાન પરંપરા ભૌતિકવાદી હતી તેમ જ તેમાં આત્મા કે પરમાત્મા કે પરલોકનો સ્વીકાર નહોતો પણ ઇહલોકનો જ સ્વીકાર હતો. આ દાર્શનિક પરંપરાનો ઉલ્લેખ આઠમી સદીમાં ચિતોડના મહાન જૈન આચાર્ય હરિભદ્ર તેમના ‘ષડ્દર્શન સમુચ્ચય’માં વિગતવાર કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો લોકાયત કે ચાવાર્કનું દર્શન જે ભૌતિકવાદનું દર્શન ગણાય છે, તે ભારતીય પરંપરાનું અભિન્ન અંગ રહ્યું છે. અલબત્ત, એ નાસ્તિક દર્શન ગણવામાં આવ્યું છે.
આજે જે વિચારકો કે સાહિત્યકારો નાસ્તિક કે સંદેહવાદનો પુરસ્કાર કરે છે, તેઓ મૂર્તિપૂજાનો વિરોધ પણ કરે છે. છેલ્લાં બે વર્ષોમાં મૂર્તિપૂજાના વિરોધીઓને પણ હિંદુત્વવાદીઓ નિશાન બનાવે છે, ત્યારે એ ભૂલી જાય છે કે ભારતની ધર્મપરંપરામાં સાકારવાદની સાથે નિરાકારવાદ પણ સમાંતરે વહેતો રહ્યો છે. મધ્યકાળના ભક્તિ-આંદોલનમાં કબીર અને નાનક નિરાકાર પરમ તત્ત્વનો મહિમા કરે છે અને ધર્મ તથા જાતિના ભેદભાવને નકારે છે. ગુજરાતમાં રવિ-ભાણની સંતપરંપરા આ જ સંદેશ આગળ લઈ જાય છે, તેમની અલખ વાણીમાં. પરંતુ હિંદુત્વને પક્ષધારો માત્ર સાકારવાદનો ડગલે ને પગલે આક્રમક પ્રચાર કરીને મધ્યકાળના ભક્તિ-આંદોલનમાં પાયામાં જે વ્યાપકતા રહેલી છે. તેનો છેદ ઉડાવી દે છે.
સંત રવિદાસ તેમના એક પદમાં કહે છે :
‘પતપ તીરથ વેદપુરાણને શું પઢવાનું કામ!
સઘન જોગ કલ્પના છૂટી સઘળે સરખા સામ!
સંતવાણી અનુસાર ઘટઘટમાં રામ વ્યાપેલા છે, પરંતુ હિંદુત્વવાદીઓ તો અયોધ્યામાં રામમંદિર બનાવવા છેલ્લા ત્રણ દાયકાથી પાસાં નાંખી રહ્યાં છે! ગાંધીજીએ રામનામનો સદાય મહિમા કર્યો અને જીવનભર રટણ કર્યું, પરંતુ એમની પ્રાર્થનામાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’માં ‘ઈશ્વરઅલ્લા તેરો નામ’ ગવાય ત્યારે એમના ભારત-ભાષ્યનું જ સમૂહગાન થાય છે.
ભારતનાં છેલ્લાં દોઢસો વર્ષ ઉપર દૃષ્ટિપાત કરીએ છીએ, ત્યારે એ વિડંબના નજરે પડે છે કે રાષ્ટ્ર, રાષ્ટ્રીય અને રાષ્ટ્રવાદ શબ્દો પ્રચલિત થયા બ્રિટનના પ્રભાવને લીધે, પરંતુ તેને ચરિતાર્થ કરવા માટે બે વિરોધી વિચારધારાઓ પ્રગટી. કૉંગ્રેસના નામકરણમાં ‘રાષ્ટ્રીય’ શબ્દ આવે છે અને સંઘના નામકરણમાં પણ ‘રાષ્ટ્રીય’ શબ્દ આવે છે. પરંતુ કૉંગ્રેસનો રાષ્ટ્રવાદ સંસ્થાનવાદ સામેના પ્રતિઘોષને વ્યક્ત કરે છે, જ્યારે સંઘનો રાષ્ટ્રવાદ ધર્મ સાથે સાંકળીને હિંદુ રાષ્ટ્રવાદ બની રહે છે. આજે જ્યારે સંઘ-પરિવારના સમર્થકો અન્ય ધર્માનુયાયીને રાષ્ટ્રદ્રોહી કે દેશદ્રોહી કહી પાકિસ્તાન જવાનું કહે છે, ત્યારે ભારતનું સંકીર્ણ ભાષ્ય વ્યક્ત થાય છે. એ વીસરી શકાય તેવું નથી કે કૉંગ્રેસનો કે રાષ્ટ્રીય મહાસભાનો જન્મ ઓગણીસમી સદીના નવમા દાયકામાં થાય છે અને રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘનો જન્મ તેનાં ચાલીસેક વર્ષ પછી વીસમી સદીના ત્રીજા દાયકામાં થાય છે. આજના કૉંગ્રેસપક્ષને અંગે તેની ઘટતી જતી લોકપ્રિયતા અંગે ચર્ચા થઈ શકે છે, પરંતુ તેના પાયામાં જે ભારત-ભાષ્ય, અનેકાંતવાદી ભાષ્ય રહેલું છે તે આજે પણ વિવિધ રીતે પ્રગટે છે. સંઘ-પરિવાર ઇતિહાસને મરોડવા કટિબદ્ધ છે અને પરિણામે ‘સહિષ્ણુ’ તથા ‘અસહિષ્ણુ’નો વાદ-પ્રતિવાદ તાજેતરમાં થયો અને થતો રહેશે.
અનેકાંતવાદી ભારત-ભાષ્ય સાંપ્રત સમયમાં પણ અણધારી રીતે કે દિશાએથી વ્યક્ત થયા કરે છે, તેનું ઉદાહરણ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિના ડિસેમ્બર, ૨૦૧૫ના વક્તવ્યમાં પ્રગટ થાય છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી તીરથરામ ઠાકુરે એમના ભાષણમાં જણાવ્યું કે ‘મેં ગીતા સંસ્કૃતમાં નથી વાંચી, પરંતુ ઉર્દૂ અનુવાદમાં વાંચી છે અને આ અનુવાદ મુસલમાન વિદ્વાને કરેલો છે.’ શ્રી ટી.એસ. ઠાકુરના આ વક્તવ્યમાં ભારતની અનેકાંતવાદી પરંપરા થોડાક શબ્દોમાં જ ખીલી ઊઠે છે.
આગામી વર્ષોમાં સમાવેશક ભારતના પક્ષધરો અને સમરસ ભારતના પુરસ્કર્તાઓ વચ્ચેનો સંઘર્ષ વધુ ને વધુ તીવ્ર બનશે તેવા એંધાણ વરતાય છે. સંઘ-પરિવાર સત્તાધારી બન્યો તે પછી સાંસ્કૃિતક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે તેમ જ માધ્યમો દ્વારા જે પહેલ થઈ રહી છે, તે સૂચવે છે કે સત્તા અને સંસ્કૃિતનું નવું સમીકરણ રચાઈ રહ્યું છે. સમાવેશક ભારતના પક્ષધરો સામે પડકારો એ છે કે તેઓ સંયુક્ત રૂપે સામનો કરે છે અને અનેકાંતવાદી પરંપરાને અખંડ રાખે.
e.mail setumail@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 05 & 07