અંતિમ સત્ય હોતું નથી એવું જ્ઞાન ધરાવતા અવકાશના જાદુગર
ભારતમાં પીટર બ્રૂક મહાભારતની એમની ચિરસ્મરણિય પ્રસ્તુતિ માટે ખાસ જાણીતા છે. આ નવ કલાક લાંબી નાટકીય પ્રસ્તુતિનો પ્રથમ ખેલ ૧૯૮૫માં ફેલ્ટીવલ ડૅ’વિન્યોંમાં થયો હતો. નસીબે એ ટાણે મને આમંત્રણ મળેલું અને પથ્થરની ખાણમાં, ઊભા કરાયેલાં પ્રાગૈતિહાસિક પરિવેશ વચ્ચે નાટક નિહાળવાનો મને લહાવો મળેલો.
સ્વાભાવિકપણે નાટક પૌરાણિક અને વાસ્તવિકને એકીકૃત કરવામાં સફળ રહ્યું હતું. ભારતમાં સંવેદનશીલ ઢબે કહેવાતું, આ નાટકને મંચ પર સમગ્ર માનવતાની અનંત ગાથા તરીકે રજૂ કરવામાં આવેલું. મને, એક ભારતીય તરીકે, આ અદ્ભૂત રજૂઆતે ભાન કરાવેલું કે ખરેખર મહાભારતમાં આખો માનવ ઇતિહાસ સમાયેલો છે. જે મહાભારતમાં નથી તે ક્યાં ય નથી!
ખંડિત સમયમાં સંયોજનોની રંગભૂમિ : ૧૬ દેશોમાંથી ૨૧ અભિનેતાએ, જેમાંથી અમુકે એકથી વધુ ભૂમિકા ભજવેલી, માનવીય દુર્દશા, મૂર્ખતા, આકાંક્ષા, નિષ્ફળતા, ભવ્યતા, સૌંદર્ય, વિશ્વાસઘાત, વિસંગતિ, હિંસા, મિથ્યાભિમાન, વિજય અને પરાજય દર્શાવતી અસાધારણ પરિમાણો ધરાવતી માનવ કથાની ભજવણી કરી.
ખંડિત અને ઊંડા ઘા પડેલા સમયમાં પીટર બ્રૂકે એવી રંગભૂમિ ઊભી કરવાનો પ્રયત્ન કરેલો જે આપણા ઘા ભરીને આપણને ગૌરવસભર અસ્તિત્વની ખાતરી આપે. જે સમયે એક મહાન કવિ વિલાપ કરતા હતા કે તે “કશાંને કશાં સાથે જોડી શકતાં નહોતા”, બ્રૂકે એવી રંગભૂમિ રચવાની પહેલ કરી જે આપણા કાળને વિતેલા કાળ સાથે, ઇતિહાસને પુરાણકથા સાથે અને નિષ્ફળતાને અર્થસૂચકતા સાથે જોડી શકે.
અસાધારણ પરિમાણો : પોતાની રંગભૂમિ મારફતે એમણે માનવ દશાનું અસાધારણ વૃતાન્ત પ્રતિપાદિત કર્યું. શૅક્સપિયરથી ઍટાર સુધીની નાટકીય વાચનાઓની વિશાળ શ્રેણીને પોતાના વ્યાપમાં સમાવતી બ્રૂકની રંગભૂમિ વૈશ્વિક હતી.
બ્રૂક માટે વાસ્તવિક્તા બહુલ અને સંકુલ હતી, જેનું સરલીકરણ અને સામાન્યીકરણ સંભવ નહોતું. આમે ય, તમામ રંગભૂમિ એ આશામાં માનવ વિશિષ્ટતાઓ તરફ લક્ષ્ય સાધે છે કે રંગભૂમિની પ્રક્રિયામાંથી પસાર થઈને વિશિષ્ટ છે તે સર્વવ્યાપક્તા પ્રાપ્ત કરશે. કર્મઠતા સાથે બ્રૂક્સ ના કેવળ ઘટનાસ્થળ, પરંપરા, પ્રથા, સ્મૃતિ, વગેરે પર કામ કરતા, પરંતુ તે તમામની વણ કહેવાયેલી, ઘણી વખત સહેલાઈથી દેખાય નહીં એવી માનવીયતાને જાળવવાની જહેમત લેતા. માનવ અને એની તમામ રંગછટાઓ એમના રંગભૂમિ સંબંધી દર્શનનું ખરું ક્ષેત્ર હતા.
લગભગ ૪૦ વર્ષો પૂર્વે ભારતના તત્કાલીન પ્રધાન મંત્રી ઈન્દિરા ગાંધીના હસ્તે ભોપાલ ખાતે ભારત ભવનના ઉદ્ઘાટન પ્રસંગે બ્રૂક એકમાત્ર વિદેશી મહેમાન હતા. શોમ્બુ મિત્રા, હબીબ તનવીર, વિજયા મહેતા, એન.સી. જૈન અને બી.વી. કારન્થ જેવાં રંગભૂમિની હસ્તીઓની નિગરાની હેઠળ બ્રૂકે થોડા દિવસો રંગભૂમિ સંબંધી કાર્યશિબિર ચલાવી હતી.
બ્રૂક સ્વાભાવિકપણે ધીરજ ધરાવતા માણસ હતા. એ ઉતાવળ ટાળતા અને જ્યાં સુધી ઈચ્છિત પરિણામ મળે નહીં ત્યાં સુધી રાહ જોતા! એ કાર્યશિબિરમાં ચહેરા પર સંઘર્ષ, સમાનુભૂતિ અને જ્ઞાનના સંગમથી ઉદ્ભવેલી પ્રતિભાવાળા ગ્રીક સાધુ જેવાં મને બ્રૂક લાગ્યા.
પૅરિસમાં બ્રિટિશર : એમણે ખાસ્સી સાહસિકતા અને દૂરાગ્રહથી હસ્તક્ષેપ કરીને સંકીર્ણ પણ અત્યંત સફળ એમના સમયની બ્રિટિશ રંગભૂમિને ઝડપથી વૈશ્વિકીકરણ તરફ ધપતા વિશ્વ સંદર્ભે ખુલ્લી મૂકવાનો પ્રયત્ન કરેલો. કાળક્રમે એમણે સ્થળાંતર કરી પૅરિસમાં ડેરાતંબુ તાણ્યા.
બ્રૂક અવકાશ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હતા. એમના નાટકોનું મંચન કરવા એમણે અનેક પ્રકારના અવકાશનો ઉપયોગ કર્યો : પ્રોઝૅનિયમ થિયેટરથી જંગલમાં વૃક્ષો કાપી ખુલ્લી કરેલી જગ્યા સુધી. એમના મુજબ કોઈ પણ પ્રકારના અવકાશને રંગભૂમિની ઉર્જાથી ભરવો શક્ય હતો, તેઓ માનતા કે અભિનયની ખુદની અવકાશ વિષયક ઉપસ્થિતિ હતી અને તે અવકાશનું એક ધબકતું પરિમાણ હતું.
પૅરિસમાં ઘૅર ડુ નો નજીક એમનાં પોતાના થિયેટર હાઉસમાં, વચ્ચે પાણીના કુંડ સાથે, બ્રૂકનું નાટક નિહાળતા મને સમજાયેલું કે બ્રૂક અવકાશના જાદુગર છે: કોઈ પણ અવકાશને રંગભૂમિના અવકાશમાં પરિવર્તિત કરવાની એમને ફાવટ હતી.
એમના નાટકોમાં હંમેશાં રસલક્ષી પૂર્ણતા હોતી. સાથે જ નૈતિક પ્રશ્નો પ્રત્યે પણ એ ખુલ્લા રખાતા. માનવજાતિની નૈતિક દ્વિધાઓ હંમેશાં, દુર્ભાગ્યપણે કદાચ અનંત હોય છે એવા એમના દશર્ન સાથે એ અનુરૂપ હતું. અંતિમ સત્ય જેવું કંઈ હોતું નથી અને હોય જ ન શકે.
બ્રૅક્ટ વિરોધી : બીજા રંગભૂમિ સંબંધી દાર્શનિક બરટૉલ્ટ બ્રૅક્ટ વિરુદ્ધ બ્રૂકની વ્યગ્રતા રાજકીય કરતાં કદાચ વધુ આધ્યાત્મિક હતી. રાજકારણથી તૂટતા જતા વિશ્વમાં બ્રૂકે માનવ પરિસ્થિતિનો નૈતિક સંદર્ભે સર્વસમાવેશક પરંતુ અપૂર્ણ ખ્યાલ રાખવાનો પસંદ કર્યો. એમની રંગભૂમિની પ્રશ્નાત્મકતા નિ:સંદેહ નૈતિક હતી અને માનવ પરિસ્થિતિને પ્રભાવિત કરતું એકમાત્ર પરિબળ રાજકારણ હતું.
એક રીતે જોતા એમનું દર્શન કરુણતાસભર હતું : એમને ઘા રુઝવવા હતા, દ્વિધાઓનું નિરાકરણ લાવવું હતું, વિરોધાભાસોનું સમાધાન કરવું હતું, પરંતુ, વક્રોક્તિ એવી કે રંગભૂમિ માત્ર પ્રયત્ન અને સંઘર્ષ કરી શકતી અને લગભગ હંમેશાં એમાં નિષ્ફળ રહેતી. મહાભારતના વ્યાસની માફક હાથ ઊંચકીને પીટર બ્રૂક નિરાશામાં ઉદ્ગાર કરી શકતા હતા, “મને કોઈ સાંભળતું નથી”. ભર્યું ભર્યું જીવન અને કારકિર્દી બાદ ૯૭ વર્ષે બ્રૂકે ફાની દુનિયામાંથી વિદાય લીધી છે. એમના મૃત્યુથી રંગભૂમિ જગતમાં શૂન્યાવકાશ સર્જાયો છે.
મૂળ અંગ્રેજી લેખ પ્રગટ : “ધ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા”, જુલાઈ 5, 2022
e.mail: rupaleeburke@yahoo.co.in