કોરોના લોક-ડાઉનને હજુ માત્ર ગણતરીના દિવસો થયા છે. એ પૂર્વે આપણો સમાજ જ્યાં હતો ત્યાંનો ત્યાં જ હોય એ સ્વાભાવિક છે. આમ હોવાને કારણે કોરોના મહામારીના સમયમાં પણ ભેદભાવો યથાવત રહ્યા છે. એટલું જ નહીં તેને કારણે કોરોના સામેની આપણી સામૂહિક લડાઈ નબળી પણ પડે છે. આ વાસ્તવિકતાને વ્યક્ત કરતો એક લેખ અર્જુન એવોર્ડથી સન્માનિત ભારતની વિશ્વચેમ્પિયન બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ લખ્યો છે. 6 એપ્રિલના “The Indian Express”માં આ લેખ Pandemic and prejudice શીર્ષકે પ્રકાશિત થયો છે. https://indianexpress.com/article/opinion/columns/coronavirus-outbreak-north-eastern-racism-jwalagutta-6348807/
તમને આશ્ચર્ય થશે કે જ્વાલાને આ લેખ લખવાની અનિવાર્યતા કેમ ઊભી થઇ. જ્વાલાની માતા ચાઈનીઝ છે. તેને કારણે સ્વાભાવિક છે જે તેના દેખાવમાં માતાનાં લક્ષણો પણ હોય. આ લેખમાં તે દર્શાવે છે કે આ લક્ષણોને કારણે લોકો તેને 'ચાયનાકા માલ’, ‘હાલ્ફ ચાઈનીઝ’, 'ચીનકી' એમ ટ્વિટર પર કહેતા. પણ તે જાડી ચામડીની બની નજરઅંદાજ કરતી. એક તરફ તેની સાથે સેલ્ફી લેવામાં ઉતાવળા બનતા લોકો તેની મશ્કરી કરવામાં પણ એટલા જ ઉતાવળા બનતા .આમ ચીની માતાના સંતાન હોવું એ અઘરી વાત હતી. પણ કોરોના પછી જ્વાલાની અને ઉત્તર પૂર્વના લોકોની સ્થિતિ કફોડી બની. હવે લોકો 'કોરોના' કે 'ચાઈનીઝ વાઇરસ' એવુ બોલતા થયા છે.
જ્વાલાની દલીલ એવી છે કે ભારતમાં પ્રતિ વર્ષ 2 લાખથી પણ વધુ લોકો મેલેરિયા અને ટી.બી.માં મરી જાય છે, ત્યારે ભારતીયોને કોઈ 'મેલેરિયા' કે ‘ટી.બી. કેરિયર' કહે તો કેવું લાગે ? કોરોના ચીનમાં ઉદ્દભવ્યો અને દુનિયાભરમાં ફેલાયો એ હકીકત છે, પણ તેને કારણે ભારતમાં સોશિયલ મીડિયામાં ચીની લોકોને અપમાનિત કરવામાં આવ્યા, મજાક ઉડાડવામાં આવી. આ તો હવે રોજનું બન્યું છે.
જ્વાલાના પરિવાર વિશે પણ જાણવા જેવું છે. તેના દાદા વર્ષો પૂર્વે ભારત આવ્યા હતા અને રવીન્દ્રનાથ ટાગોર પાસે ભણ્યા. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. ગાંધી તેઓને ‘શાંતિદૂત' કહેતા. તેઓ વર્ધામાં મૃત્યુ પામ્યા. તેમની કબર આજે ત્યાં કસ્તૂરબા મેડિકલ હોસ્પિટલમાં છે. જ્વાલાના દાદા સિંગાપુર – ચાઈનીઝ અખબારના ચીફ એડિટર હતા. ભારત સાથેના આવા લગાવને કારણે જ્વાલાની માતા પણ ભારત આવી. જ્વાલાના પતિ પણ ભારતના જાણીતા બેડમિન્ટન ખેલાડી છે. અર્જુન એવોર્ડથી સન્માનિત અને ભારતને વિશ્વસ્તરે ગૌરવ અપાવનાર જ્વાલાને તેના ચીની કનેક્શનને કારણે અપમાનિત અને ભેદભાવનો સામનો કરવો પડતો હોય તો એ ચિંતાનો વિષય છે.
તબલિગી જમાતના સેંકડો લોકો દિલ્હીમાં એક સ્થળે દિવસો સુધી રહ્યા અને પરિણામે દેશમાં સંક્રમણના કેસ વધ્યા એ હકીકત છે, પણ તેને કારણે તમામ મુસ્લિમધર્મીઓ પર અનેકવિધ અપમાનિત લેબલ લગાવામાં આવ્યા. કેટલાક અખબારો અને ટી.વી. ચેનલે પણ હકીકતને એવી રીતે રજૂ કરી કે જાણે લોકો ગુનેગાર હોય. કોરોના ફેલાયો એ બેદરકારીને કારણે એ સાચું પણ એને માત્ર ધર્મ સાથે જોડવો એ કઈ ભારતીય પરંપરા છે. જો કે સરકારે ધાર્મિક બાબતોને આગળ કરી જેઓ નકારાત્મક પ્રયત્નો કરે છે, તેના પર કાનૂની પગલાં લેવાનું શરૂ કર્યું જ છે. કોરોના પીડિતોની જાનને જોખમે સારવાર કરનાર ડોક્ટર અને નર્સ સાથે ભેદભાવયુક્ત વર્તનના અનેક બનાવો અક્ષમ્ય છે.
Sociology of labeling એક ખ્યાલ કે સિદ્ધાંત છે. સમાજમાં વ્યક્તિઓને એક યા બીજી રીતે લેબલ લગાવી અપમાનિત કે ગુનેગાર ઠરાવી દેવામાં આવે છે. તેને સમજવા વર્ષ 1963માં હાવર્ડ બેકરે સંશોધન કર્યું હતું. આ ખ્યાલ આજે કોરોનાને કારણે ઊભી થયેલી અનેક સામાજિક આર્થિક પરિસ્થિતિ ને પરિણામે વિકસતા ભેદભાવોને સમજવામાં મદદરૂપ બને છે.
લોક-ડાઉનની સ્થિતિને કારણે લાખો સ્થરાંતરિતોને વતન જવા રઝળપાટ કરવો પડ્યો, ત્યારે પણ ડિગ્રીધારી શિક્ષિતોએ સંવેદનશીલતા બાજુએ મૂકી આ લોકો ચેપ ફેલાવશે એવા લેબલ લગાવવા શરૂ કર્યા. એકાએક જાહેર થયેલા લોક-ડાઉનને કારણે ડર, બેરોજગરીને કારણે વતનમાં જવું અનિવાર્ય હતું એ સાધનસંપ્પન લોકોને ના સમજાયું. પણ એ પણ નોંધવું આવશ્યક છે એ સમયે અને આજે પણ સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ સ્થરાંતરિત શ્રમિકોને મદદરૂપ થઇ રહી છે. સરકારે પણ પેકેજ જાહેર કરીને સમસ્યાને હળવી કરવાનાં પગલાં ભર્યાં છે. આશા છે કે આવનારા દિવસોમાં ભેદભાવ ઘટશે અને પ્રેમ અને કરુણાનો દીપ સૌના દિલમાં માનવતા જીવંત રાખશે.
હમ હોંગે કામયાબ.
e.mail : gaurang_jani@hotmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 09 ઍપ્રિલ 2020