કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસનની બહુ મોટી વાતો કરવામાં આવે છે પણ એ સિદ્ધાંત ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડને આશ્ચર્યજનક રીતે લાગુ પડતો નથી!
કેટલાક મુદ્દા જોઈએ :
(૧) આ ફંડ ૧૯૬૭માં રચાયું હતું. તે એક ખાનગી ફંડ છે, સરકારી નહિ. તેનો વહીવટ મુખ્ય મંત્રીના અધ્યક્ષપદ હેઠળની પાંચ સભ્યોની સમિતિ કરે છે. મહેસૂલ ખાતું તેનું સંચાલન કરે છે.
(૨) તેના નામને કારણે લોકોને તો એમ જ લાગે છે કે આ સરકારી ફંડ છે. પણ એ સરકારી ફંડ છે જ નહિ.
(૩) આ ફંડના આવકજાવકના હિસાબો જાહેર કરવામાં આવતા નથી. વિધાનસભામાં પણ તે રજૂ થતા નથી. થોડાં વર્ષો અગાઉ માહિતી અધિકાર ધારા હેઠળ અરજી કરાઈ ત્યારે પણ તેની માહિતી આપવામાં આવી નહોતી અને એમ કહેવામાં આવ્યું હતું કે આ તો એક ખાનગી ફંડ છે.
(૪) કેટલા પૈસા ફંડમાં દાન પેટે આવ્યા અને તે ક્યારે, કોના માટે અને કયા હેતુ માટે ખર્ચાયા તે જાણવાનો લોકોને અધિકાર છે પણ સરકાર તે અધિકારને માન્ય રાખતી નથી.
(૫) અત્યારે પહેલાં આ ફંડમાં કેટલા પૈસા છે તે સરકાર જાહેર કરે, તેનો ગયા વર્ષનો તથા ચાલુ વર્ષનો વિગતવાર હિસાબ જાહેરખબર આપીને જાહેર કરે. ફંડમાં પૈસા લેવા જાહેરખબરો આપી શકાય તો હિસાબ આપવા પણ જાહેરખબર આપી શકાય.
(૬) ફંડમાં જે પૈસા છે તે કોરોના આપત્તિના નિવારણ માટે કેવી રીતે વાપરવાનું આયોજન છે તે પણ સરકાર જાહેર કરે.
(૭) તત્કાળ કેટલાં નાણાંની જરૂર લાગે છે તેનો સરકાર અંદાજ આપે. તે શાને માટે વપરાશે તે પણ કહે. પછી જ લોકો પાસે પૈસા માગે.
(૮) જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે.
*હવે બીજો ગંભીર મુદ્દો :*
(૧) બંધારણની કલમ-૨૬૭(૨) મુજબ 'ગુજરાત આકસ્મિકતા નિધિ'ની રચના કરવાની હોય. ગુજરાતમાં ૧૯૬૦માં તે માટે કાયદો પણ થયેલો છે. આ નિધિ એટલે કે ફંડમાં રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી દર વર્ષે થોડીક રકમ અલાયદી મૂકવાની છે.
(૨) આ ફંડની રકમ કોઈ પણ અણધાર્યા ખર્ચને પહોંચી વળવા વાપરવાની હોય છે એમ બંધારણ કહે છે.
(૩) ગુજરાત સરકાર છેલ્લાં ૨૦ વર્ષથી આકસ્મિકતા નિધિમાં એક રૂપિયાની પણ જોગવાઈ કરતી નથી! જાણે કે ગુજરાતમાં કોઈ આપત્તિ આવવાની જ ના હોય!
(૪) પણ તે હેઠળ થોડીઘણી રકમ તો તે વાપરે જ છે પાછળથી જોગવાઈ કરીને.
(૫) ચાલુ વર્ષના રૂ. ૨.૦૩ લાખ કરોડના બજેટમાં એક પણ રૂપિયો આ ફંડ માટે ફાળવાયો નથી! ૨૦૨૦-૨૧ના ₹ ૨.૧૪ લાખ કરોડના બજેટમાં પણ એક રૂપિયો પણ આકસ્મિકતા નિધિ માટે નથી!
(૬) સામાન્ય લોકો પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે અલગ બચત મોટે ભાગે ભેગી કરે છે તો સરકાર કેમ આપત્તિઓ આવશે એમ ધારીને અલગથી બજેટમાં રકમ રાખતી નથી, બંધારણમાં જોગવાઈ હોવા છતાં પણ? (૬) જો રાજ્ય સરકારનું ચાલુ વર્ષનું બજેટ ₹ ૨.૦૩ લાખ કરોડનું હોય તો તેની બે ટકા રકમ પણ ₹ ૪૦૦૦ કરોડ થાય! કોરોના સામે લડવા આટલી રકમ તો સરકાર પાસે છે જ, હોવી જ જોઈએ.
(૭) ગુજરાત સરકાર આકસ્મિકતા નિધિ નહિ રાખીને બંધારણ અને કાયદાનો ભંગ કરી રહી છે એ સ્પષ્ટ છે.
P.K. Laheri's post on Prof. Hemant Kumar raising some issues on the CM Relief Fund:
"I think this is totally false. CM & PM Relief funds aren't private. They have been always transparent and any information can be put in public domain. These funds are operated with specific rules Every expenditure is approved by Revenue Secretary, Finance Secretary, Chief Secretary, Revenue Minister, Finance Minister & Chief Minister. I can assure you that this is administered with great care & benefitted lacs of people. Please don't hesitate to contribute to CM Relief Fund."
પી.કે લહેરીના પ્રતિભાવનો પ્રતિભાવ
(૧) "પ્રધાન મંત્રી રાહત ફંડ અને મુખ્ય મંત્રી રાહત ફંડ ખાનગી નથી."
હકીકત : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે આ ફંડના નિયમો બહાર પાડ્યા છે. નિયમ-૧ કહે છે કે, "આ ફંડ જાહેર હિસાબ બહાર રચાયેલું ખાનગી ફંડ રહેશે." તા. ૧૮-૦૧-૧૯૬૭ના આ જ વિભાગના ઠરાવમાં પણ છે : "આ ફંડ રાજ્ય સરકારના જાહેર હિસાબની બહાર રાખવામાં આવશે."
(૨) "આ ફંડ હંમેશાં પારદર્શક રહ્યાં છે અને કોઈ પણ માહિતી જાહેરમાં મૂકી શકાય છે."
હકીકત – પ્રધાન મંત્રી રાહત ફંડમાં છેલ્લાં ૧૦ વર્ષમાં આવેલી અને ખર્ચાયેલી રકમની વિગતો તેની વેબસાઈટ પર છે. તેમાં ૨૦૧૯ના અંતે રૂ. ૩૮૦૦ કરોડ જમા પડેલા છે. આવી કોઈ વિગત ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડ વિશે તેની વેબ સાઈટ પર મળતી જ નથી.
(૩): "હું તમને ખાતરી આપું છું કે આ ફંડનો ભારે કાળજીપૂર્વક વહીવટ થાય છે અને લાખો લોકોને તેનો લાભ થયો છે."
જવાબ – આપે જે ખાતરી આપી છે તેની પતીજ મને પડતી નથી. આપની વ્યક્તિગત ખાતરીથી શું થાય? આપ તો અત્યારે સરકારમાં છો પણ નહિ. લોકશાહી સરકારમાં તો ખાતરીઓ લેખિત જ હોય, લેખિત કાયદા અને નિયમો હોય. તેને જ કાયદાનું શાસન કહેવાય, એ મારે આપને થોડું કહેવાનું હોય? ફંડના નિયમોમાં ક્યાં ય એનું ઓડિટ થશે એવું લખાયું નથી. નિયમ-૧૪ કહે છે કે, "દરેક વર્ષનો હિસાબ અને સરવૈયું સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે." ફંડમાં દાન ભેગું કરે સમિતિ, ફંડમાંથી ખર્ચ કરે સમિતિ અને સમિતિ પોતે જ પોતાને અહેવાલ આપે! આ તો પેલા સુખ્યાત કે કુખ્યાત દલા તરવાડી જેવો ઘાટ થયો ના કહેવાય? આને પારદર્શિતા કેવી રીતે કહેવાય? આ ફંડને લીધે કેટલા લાખ લોકોને કેટલો લાભ શામાં થયો તે જાણવાનો અધિકાર ગુજરાતના ભારતીય નાગરિકોને ખરો કે નહિ? શા માટે તેના હિસાબો જાહેર કરવામાં આવતા નથી કે વિધાનસભામાં રજૂ કરવામાં આવતા નથી?
(૪) ફંડના નિયમ-૭માં આ ફંડમાંથી "વ્યક્તિઓ અને સંસ્થાઓ"ને "ગ્રાન્ટ" આપવામાં આવશે એમ જણાવાયું છે. તો કોને કેટલી ગ્રાન્ટ અપાઈ તે જાણવાનો હક નાગરિકોને નથી?
(૫) આપ તો ગુજરાતના સુજ્ઞ, પ્રબુદ્ધ અને વરિષ્ઠ નાગરિક છો અને રાજ્ય સરકારમાં મુખ્ય સચિવ કક્ષાના વહીવટ સહિતનો અત્યંત વિશાળ અનુભવ ધરાવો છો. શું આપને નથી લાગતું કે મુખ્ય મંત્રી રાહત ફંડ વધુ પારદર્શક બને તે માટેનાં પગલાં તત્કાળ લેવાવાં જોઈએ કે જેથી ફંડમાં લોકોને વધુ વિશ્વાસ બેસે? આપશ્રી આ માટે રાજ્ય સરકારને માર્ગદર્શન આપો તેવી અપેક્ષા સાહજિક રીતે જ છે.
મુખ્ય મંત્રી રાહત ફંડ માં અધ્યાપકોના ફાળા વિશે પાયાના મુદ્દા
ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ નામના એક મંડળે અધ્યાપકોનો એક દિવસનો પગાર મુખ્ય મંત્રી રાહત ફંડમાં આપવા માટે તેટલી રકમ પગારમાંથી કાપી લેવા માટે વિનંતી કરતો પત્ર સરકારને લખ્યો છે. એના સંદર્ભમાં મારે કેટલાક મુદ્દા જણાવવા છે :
(૧) કોને, ક્યારે, કેટલું દાન કયા હેતુ માટે આપવું એ વ્યક્તિગત બાબત છે, સામૂહિક બાબત નથી.
(૨) સરકાર અધ્યાપકોના પગારમાંથી ટેક્સ કાપી શકે, દાન નહિ. કરવેરા ફરજિયાત હોઈ શકે, દાન તો સ્વૈચ્છિક જ હોય. જો દાન કાપવામાં આવે તો તે ગેરકાનૂની ગણાય.
(૩) સરકાર મારા અધ્યાપક તરીકેના પગારમાંથી માત્ર ₹ ૨૦૦ વ્યવસાય વેરા તરીકે કાપે છે. આ રકમ તત્કાળ એક મહિના માટે રૂ. ૨૦૦૦ કે રૂ. ૫૦૦૦ કે તેથી પણ વધારે કરે તો મને વાંધો નથી. એને માટે રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે. હું કરવેરો આપવા તૈયાર છું, પણ મુખ્ય મંત્રી રાહત નિધિમાં દાન આપવા તૈયાર નથી. એનું કારણ એ છે કે કરવેરા બજેટનો ભાગ છે અને તેનું કેગ દ્વારા ઓડિટ થઈ શકે છે, વિધાનસભામાં હિસાબો રજૂ થાય છે. પેલા ફંડમાં તો કોઈ હિસાબ રજૂ થતા જ નથી, પૈસા ક્યાં વપરાય છે એની કશી ખબર પડતી જ નથી.
(૪) મારા આ મુદ્દાઓને મારે કે અઘ્યાપકોએ રાહત પેટે દાન આપવું નથી કે અમારામાં કોઈ સંવેદના નથી એવી રીતે જોવામાં ના આવે એવી નમ્ર વિનંતી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 08 ઍપ્રિલ 2020