આ કોરોના વાઈરસ ખરેખર કવરાવી રહ્યો છે. જેટલો પ્રજાને કવરાવી રહ્યો છે એનાથી વધુ શાસકોને કવરાવી રહ્યો છે. જે દેશો શ્રીમંત છે, જ્યાં ઉત્તમ આરોગ્ય વ્યવસ્થા છે, જ્યાં સ્વચ્છતાના માપદંડો ઊંચા છે, જ્યાં શાસન વધારે લોકાભિમુખ અને જવાબદારીવાળું છે, જ્યાં પ્રજા વધારે જાગૃત છે એ દેશો કોરોનાની લપેટમાં એટલા ઝડપથી આવ્યા છે, જેની કોઈએ કલ્પના નહોતી કરી. બીજી બાજુ જે દેશો ગરીબ છે, જે દેશોમાં આરોગ્ય વ્યવસ્થા કંગાળ છે, સ્વચ્છતા નામની પણ નથી, વસ્તી મોટા પ્રમાણમાં છે અને વસ્તીની ઘનતા (ડેન્સિટી) ઘણી વધુ છે, શાસન બેજવાબદાર અને કંગાળ છે, પ્રજાકીય જાગૃતિ નહીંવત્ છે એ દેશોમાં કોરોનાના ફેલાવાનું પ્રમાણ ઘણું ઓછું છે. બનવું ઊલટું જોઈતું હતું અને બની રહ્યું છે ઊલટું.
આનાં ખૂલાસાઓ આરોગ્યશાસ્ત્રીઓ આપી રહ્યા છે અને તેમાંના કેટલાક ગળે ઊતરે એવા પણ છે, પરંતુ તેને ભરોસે કોઈ દેશ બેસી શકે નહીં અને ખાસ તો ભારત બિલકુલ બેસી ન શકે. શું ખબર, કાલે આપણે લપેટમાં આવ્યા તો? જો અમેરિકા જેવા અમેરિકાની નીંદ હરામ થઈ જાય તો આપણું શું થાય! બીજું, જે કાંઈ ખુલાસારૂપે કહેવામાં આવે છે તે જ વળી નવા પ્રશ્નો પેદા કરે છે. આમ કોઈ ખુલાસાને ભરોસે બેસી ન શકાય, કારણ કે અમેરિકા સહિત પશ્ચિમના શ્રીમંત દેશોમાં જે બની રહ્યું છે એ હાજા ગગડાવી દે છે ત્યાં આપણે કઈ વિસાતમાં!
જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનો ‘ધ સેન્ટર ફૉર સિસ્ટમ્સ સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ’ નામનો વિભાગ જગત ભરમાં ફેલાયેલા કોરોના વાઈરસના પ્રભાવ પર નજર રાખવાનું કામ કરી રહ્યો છે. આ લખાય છે ત્યાં સુધીમાં જગતમાં કુલ ૧૪,૩૦,૧૪૧ કોરોના વાઈરસના કેસો નોંધાયેલા છે, જેમાં ૮૨,૧૧૯ જણ મૃત્યુ પામ્યા છે અને ૩,૦૧,૧૩૦ દરદીઓ સાજા થયા છે. એકલા અમેરિકામાં કોરોનાના દરદીઓની સંખ્યા ૩,૯૮,૮૦૯ છે.
જગતમાં ૨૧ દેશો એવા છે જ્યાં કોરોનાના દરદીઓની સંખ્યા એક આંકડામાં છે જેમાં નેપાળ(નવ દરદી)નો પણ સમાવેશ થાય છે. ૪૫ દેશો એવા છે જ્યાં દરદીઓની સંખ્યા બે આંકડામાં છે જેમાં બર્માનો સમાવેશ થાય છે. ૫૬ દેશો એવા છે જયાં કોરોનાના દરદીઓની સંખ્યા ત્રણ આંકડામાં છે. એ દેશોમાં બંગલાદેશ (૧૬૪), શ્રીલંકા (૧૮૫), અફઘાનિસ્તાન(૪૨૩)નો સમાવેશ થાય છે. આમ ભારતના પાડોશી દેશોમાં પાકિસ્તાનને છોડીને બાકીના બધા દેશો એકથી લઈને ત્રણ આંકડાની અંદરની સંખ્યા ધરાવે છે. ૪૫ દેશો એવા છે જ્યાં દરદીઓની સંખ્યા ચાર આંકડામાં છે, જેમાં ભારત, પાકિસ્તાન, રશિયા, ઈરાક, ઈજીપ્ત, દક્ષિણ આફ્રિકા, જપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આ વર્ગમાં પાંચ દેશ છોડીને બાકીના ગરીબ કે વિકાસશીલ દેશો છે. પાકિસ્તાન (૪,૦૩૫) હમણાં સુધી ભારત (૫,૩૫૧) કરતાં આગળ હતું, પરંતુ હવે ભારત આગળ નીકળી ગયું છે. ટૂંકમાં જગતના ૧૨૨ દેશોમાં કોરોનાના રોગચાળાનું પ્રમાણ એકથી લઈને દસ હજારની અંદરનું છે.
દસ હજારથી લઈને એક લાખની અંદર કોરોનાના દરદીઓ ધરાવનારા દેશોની સંખ્યા ૧૨ની છે. આ વર્ગમાં ચીન અને દક્ષિણ કોરિયાને છોડીને બાકીના બધા દેશો ભારતની પશ્ચિમે છે. આ વર્ગમાં ચીનને છોડીને બ્રાઝિલ એક માત્ર દેશ છે જેની વસ્તી ૨૧ કરોડ લોકોની છે. ઈરાનની વસ્તી આઠ કરોડની છે. એ પછી એક લાખનો આંકડો વટાવી જનારા દેશોમાં છે; જર્મની (૧,૧૭,૬૬૩ કેસ), ફ્રાંસ (૧,૧૦,૦૭૦), ઇટલી (૧,૩૫,૫૮૬), સ્પેઇન (૧,૪૧,૯૪૨) અને અમેરિકા (૩,૯૮,૮૦૯). જગત આખામાં કોરોનાના કુલ દરદીઓની સંખ્યા ૧૪,૩૦,૧૪૧ છે, એમાંથી ૮,૯૪,૦૭૦ (૬૦% કરતાં વધુ) દરદીઓ આ પાંચ દેશોમાં છે. જો ગરીબ-શ્રીમંતનું વિભાજન કરવામાં આવે તો કોરોનાના અંદાજે ૮૫% દરદીઓ શ્રીમંત દેશોમાં છે અને જો પૂર્વ-પશ્ચિમનું વિભાજન કરવામાં આવે તો અંદાજે ૮૦% દરદીઓ પશ્ચિમમાં છે. જો ઉત્તર-દક્ષિણનું વિભાજન કરવામાં આવે તો અંદાજે ૮૫% ટકા દરદીઓ ઉત્તરમાં છે. આ ઉપરાંત દરદીઓના પ્રમાણ સામે મૃત્યુના દરના પ્રમાણનો પણ તુલનાત્મક અભ્યાસ કરશો તો ધ્યાનમાં આવશે કે તેમાં પણ પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ અને ગરીબ-શ્રીમંતમાં અંતર છે.
હવે આનો શું ખુલાસો? એ જ તો કવરાવનારો પ્રશ્ન છે. કોઈ કહે છે શ્રીમંત દેશોના લોકોનું ચીન સાથેનું આવાગમન વધુ હોવાને કારણે આમ બન્યું છે. કોઈ કહે છે પૃથ્વીના વિષુવરેખાની ઉત્તરમાં આવેલા દેશોમાંનું વાતાવરણ આનું કારણ છે. કોઈ કહે છે કે ગરીબ દેશોમાં લોકોની રોગપ્રતિકારક શક્તિ અધિક હોવાને કારણે તેઓ બચી ગયા છે અને શ્રીમંત દેશોના લોકો વધારે સુંવાળી જિંદગી જીવતા હોવાને કારણે વાઈરસનો આસાન શિકાર બની રહ્યા છે.
હવે એક તુલના વસ્તીના પ્રમાણમાં જ્યાં સૌથી ઓછા કેસ છે એ ભારત અને જ્યાં સૌથી વધુ કેસ છે એવા અમેરિકાની કરીએ. આજની તારીખ સુધીમાં ભારતમાં ૫,૩૫૧ દરદીઓ છે અને ૧૬૦ લોકોનાં મૃત્યુ થયાં છે. પહેલી ફેબ્રુઆરીએ ભારતમાં કોરોનાનો એક એક્ટીવ કેસ હતો. ૨૦મી ફેબ્રુઆરીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની મુલાકાત લીધી ત્યારે ભારતમાં ત્રણ એક્ટીવ કેસ હતા અને એ દિવસે અમેરિકામાં કોરોનાના ૧૩ કેસ હતા. બીજી માર્ચે ભારતમાં પાંચ કેસ થયા હતા. ૧૦મી માર્ચે ૫૦ કેસ હતા. ૧૭મી માર્ચે ૧૩૭ કેસ થયા. લોકડાઉન જાહેર થયો ત્યારે ૨૩મી માર્ચે ૪૧૫ કેસ થયા. ૩૧મી માર્ચે ૧,૨૫૧ કેસ થયા અને એક સપ્તાહ પછી આજે ૮મી એપ્રિલે ૫,૩૫૧ દરદીઓ છે. આ બાજુ અમેરિકામાં ૧૦મી માર્ચે ૯૩૭ કેસ હતા. એક સપ્તાહ પછી ૧૭મી માર્ચે ૭,૦૩૮ થયા. ૨૩મી માર્ચે ૪૪,૧૮૩ કેસ થયા. ૩૧મી માર્ચે કેસોની સંખ્યા ૧,૮૬,૧૦૧ની હતી અને આજે કેસોની સંખ્યા વધીને ચાર લાખ સુધી પહોંચવા આવી છે. આનો શું ખુલાસો?
અમેરિકામાં કોરોનાની જોવા મળતી હરણફાળની તુલાનામાં ભારતમાં કોરોના ગોકળગાયની ઝડપે ફેલાઈ રહ્યો છે. ભારત કરતાં જે દેશો હજુ વધુ ગરીબ દેશ છે ત્યાં તો રોગચાળો ફેલાવાની ઝડપ હજુ ઓછી છે. જે દેશમાં વસ્તી ઓછી છે, પાંખી છે, જાગૃત છે, આરોગ્ય વ્યવસ્થા ઉત્તમ છે અને વહીવટીતંત્ર સાબદું છે ત્યાં આટલી ઝડપ અને જે દેશમાં આમાનું કાંઈ જ નથી ત્યાં આટલી ઓછી ઝડપ?
બે વાત યાદ રાખજો. એક તો એ કે ભારતે લોક ડાઉનની જાહેરાત કરી તેના ચાર દિવસ પહેલાં ૧૯મી માર્ચે અમેરિકાએ લોક ડાઉનની જાહેરાત કરી હતી. કોરોનાના દરદીઓમાં બીજા ક્રમે આવે છે સ્પેઇન, તો સ્પેઇનમાં ૧૫મી માર્ચે લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો હતો. ઇટલીમાં ૯મી માર્ચથી લોક ડાઉન છે. ફ્રાંસમાં ૧૭મી માર્ચથી લોક ડાઉન છે અને જર્મનીમાં ૨૯મી માર્ચથી લોક ડાઉન છે. આમ જર્મનીને છોડીને બાકીના ચારેય કોરોનાગ્રસ્ત દેશોમાં ભારત કરતાં એક સપ્તાહ કે વધુ પહેલાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યો હતો અને છતાં આટલી ઝડપ! અને બીજી વાત એ કે આમાંના કોઈ દેશમાં તબલીગી જમાતે કોઈ કાવતરું રચ્યું નહોતું કે લોકોને મરકઝમાં જમા કર્યા નહોતા. દરેક વસ્તુને, પ્રમાણ અને હકીકત વિરુદ્ધમાં હોય તો પણ કોમી નજરે જોવી એ નીચતા છે.
તો એક વાત તો નક્કી છે કે અમેરિકા અને યુરોપના શ્રીમંત દેશોમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે એની પાછળ એવાં કોઈક કારણો છે જે ભારત અને બીજા ગરીબ દેશોને લાગુ નથી પડતાં. બીજી રીતે જોઈએ તો બહોળી વસ્તી, વસ્તીની ઘનતા, ગરીબી, ગંદકી, નબળું વહીવટીતંત્ર (અને ભારત તેમ જ મુસ્લિમ દેશોમાં તબલીગી) હોવા છતાં ભારત સહિત ગરીબ દેશોને કોરોનાના કોપથી ઠીકઠીક પ્રમાણમાં બચી નીકળવા માટે કોઈ કારણો છે જે પશ્ચિમને લાગુ નથી પડતા.
એ કારણ જે હોય તે, પણ એનાં તારણના આધારે ભારત નિરાંતનો શ્વાસ ન લઈ શકે, કારણ કે આ દેશ ૧૩૩ કરોડની વસ્તી ધરાવે છે. જો બધાં જ તારણો ખોટાં પડ્યા અને અમેરિકાવાળી થઈ તો? તો ભારતનું આવી બને! હજુ આખા જગતને ભારતનું શું થશે એ વાતનો ડર તો છે જ. પણ ઈલાજ? ભારત પાસે લોક ડાઉન સિવાય બીજો કોઈ જ ઈલાજ નથી. નથી ટેસ્ટીંગ કીટ્સ, નથી દવાઓ, નથી માસ્ક, નથી ડોકટરોને અને પેરા મેડિકલ સ્ટાફને આપવાં માટેનાં સુરક્ષા સાધનો, નથી વેન્ટીલેટર, નથી પૂરતી ઈસ્પિતાલો કે ડોકટરો. ઉપરથી ગંદકી અને રેઢિયાળ વહીવટીતંત્ર. એક લોક ડાઉન છે જેમાં કોઈએ કાંઈ કરવાનું નથી. આ જ એક માત્ર આસાન માર્ગ ભારત સરકાર પાસે છે એટલે લાંબા સમયના લોક ડાઉન માટે માનસિક રીતે તૈયાર રહેજો. એ દરમિયાન આપણા વડા પ્રધાન આફતને ઉજવનારા દીવા પ્રગટાવવા જેવા ટાસ્ક આપતા રહેશે એટલે કંટાળો દૂર થશે.
બીજું, તમે જ્યારે લાંબા સમયના લોક ડાઉન માટે તૈયારી કરતા હો ત્યારે લોક ડાઉનના પરિણામો માટે પણ તૈયારી રાખજો. એ પરિણામ શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક એમ દરેક સ્વરૂપમાં જોવા મળશે. અને ત્રીજું આગળ કહ્યું એમ કોરોનાગ્રસ્ત દેશોએ ભારતના પહેલાં લોક ડાઉન લાગુ કર્યો હોવા છતાં પણ ઊગરી શક્યા નથી, એ પણ યાદ રાખજો. સાવ લોક ડાઉનના ભરોસે નહીં બેસી રહેતા.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 09 ઍપ્રિલ 2020