તમે ઈન્ટરનેટ દ્વારા જોહન્સ હોપકિન યુનિવર્સિટીના અથવા તો વિશ્વ આરોગ્ય સંસ્થાના કે પછી વર્લ્ડોમીટરના લાઈવ કોવિડ દેશબોર્ડની મુલાકાત લો. એમાં જગતના અલગ અલગ દેશોમાં કોરોનાના કેસોની વિગત મળે છે. કયો દેશ કોવિડના સંકટને કઈ રીતે હાથ ધરી રહ્યો છે એ; જે તે દેશમાં કુલ વસ્તી કેટલી છે, કુલ કેસોનું પ્રમાણ કેટલું છે, રોજેરોજ તેમાં સરેરાશ કેટલો વધારો થાય છે, એક્ટિવ કેસ કેટલા છે, કેસ બેવડાવાનો વૃદ્ધિદર કેવો છે, મરણનું પ્રમાણ કેટલું છે, કેટલા દરદીઓ સાજા થઈને ઘરે જાય છે વગેરે વિગતોના આધારે નક્કી કરી શકાય. સૌથી મોટું પરિબળ દેખીતી રીતે વસ્તીનું પ્રમાણ છે. બહોળી વસ્તીવાળા દેશોની કસોટી વધુ થઈ રહી છે.
આખા જગતમાં ૧૦ કરોડ કે એથી વધુ વસ્તી ધરાવતા ૧૪ દેશો છે એનો ઉતરતો ક્રમ આ મુજબ છે: ચીન, ભારત, અમેરિકા, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, બ્રાઝીલ, નાઇજીરિયા, બંગલાદેશ, રશિયા, મેક્સિકો, જપાન, ઇથિયોપિયા, ફિલિપીન્સ અને ઈજીપ્ત. ચીનમાં સૌથી વધુ વસ્તી છે, પણ ચીનના આંકડા વિશ્વાસપાત્ર માનવામાં આવતા નથી એટલે ત્યાં શું ચાલી રહ્યું છે એ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે એટલે એને છોડી દઈએ. એ પછી જે ૧૩ દેશ બાકી રહે છે એમાં સૌથી ઓછા કોરોનાકેસ ક્યા દેશમાં હશે, કલ્પના કરી જુવો તો! તમે ઉપરના તેર દેશ ઉપર નજર કરીને કદાચ કહેશો કે જપાનમાં. જપાન સમૃદ્ધ અને પ્રગતિશીલ દેશ છે એટલે ત્યાં ઓછામાં ઓછા કેસ હોવા માટે કારણ છે.
જો તમે જપાન ધારતા હો તો તમારું અનુમાન ખોટું છે. સૌથી ઓછા કેસ આફ્રિકામાં એડનના અખાતની નજીક આવેલા ઈથિયોપિયા નામના દેશમાં છે. આફ્રિકાના નકશામાં જોશો તો સુદાન અને કેનિયાની બાજુમાં આવેલો આ દેશ છે જેને સમુદ્રકિનારો નથી. વસ્તીની દૃષ્ટિએ ઈથિયોપિયા ૧૨માં ક્રમાંકે છે. તેની કુલ વસ્તી ૧૧ કરોડ ૪૯ લાખ છે અને તેની સામે કોરોના કેસોની સંખ્યા માત્ર ૫,૮૪૬ છે. ગઈ કાલે એક પણ નવો કેસ ઉમેરાયો નહોતો અને એક્ટિવ કેસોની સંખ્યા ૩,૩૧૩ની છે. ઈથિયોપિયામાં માત્ર ૧૦૩ લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયાં છે. જપાનની ૧૨ કરોડ ૬૪ લાખની વસ્તી છે અને ત્યાં કોરોના કેસોની કુલ સંખ્યા ૧૮,૫૯૩ છે. જપાનમાં ગઈ કાલે ૧૧૭ કેસ ઉમેરાયા હતા અને અત્યાર સુધીમાં ૯૭૨ જણનાં મૃત્યુ થયાં છે.
તમે કહેશો કે ઈથિયોપિયા જેવા ફટીચર દેશમાં કોણ જવાનું હતું તે કેસ વધે? તમને કદાચ ઈથિયોપિયાના ભૂખમરાની અને ૧૯૮૦ના દાયકાના દુકાળની દાસ્તાનોની પણ યાદ આવશે. તમને ઈથિયોપિયામાં ચાલતા રહેતા ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચેના કોમીવિગ્રહની પણ યાદ આવશે. તમને ઈથિયોપિયા અને એરીટ્રિયા વચ્ચેના સરહદના ઝઘડાઓની અને રોજેરોજ ચાલતી ચકમકની પણ યાદ આવશે. ટૂંકમાં જે દેશનું કોઈ ભવિષ્ય જ ન હોય, અને ધરતીના નકશામાં બિનમહત્ત્વના દેશ તરીકે અસ્તિત્વ ધરાવતો હોય ત્યાં કોણ જવાનું હતું કે જેથી ચેપ વધે.
હવે હું તમને એમ કહું કે તમારું આ અનુમાન પણ ખોટું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઈ.એમ.એફ.)ના રેટિંગ મુજબ ઈથિયોપિયા વિશ્વમાં ઝડપથી વિકાસ કરી રહેલા અર્થતંત્રમાં પહેલી હરોળમાં સ્થાન ધરાવે છે. આફ્રિકન દેશોનો સરેરાશ વિકાસદર ૫.૪ ટકાનો છે અને ઈથિયોપિયાનો વિકાસદર ૧૦ ટકાનો છે. આઇ.એમ.એફ.ના કહેવા મુજબ આ બધું ઈથિયોપિયન સરકારના ‘હોમગ્રોન ઇકોનોમિક રિફોર્મ પ્રોગ્રામ’નું પરિણામ છે. ઈથિયોપિયાના શાસકોએ ઈથિયોપિયાની જરૂરિયાત મુજબ આર્થિક સુધારાઓ કર્યા હતા અને તેમાં પ્રજાના સર્વાંગીણ વિકાસને પણ આર્થિક સુધારાઓમાં અગ્રસ્થાન આપવામાં આવ્યું હતું. માણસમાં કરવામાં આવેલું રોકાણ સૈથી વધુ ઉત્પાદક નીવડે છે.
સવાલ તો મનમાં જરૂર પેદા થયો હશે કે દાયકા પહેલાનું ઈથિયોપિયા આટલું આગળ કઈ રીતે નીકળી શક્યું? કોણે આ જાદુ કર્યો અને કેવી રીતે કર્યો? એ જાદુગરનું નામ છે અબી અહમદ. ૪૩ વરસના અબી અહમદ ઈથિયોપિયાના ૧૦મા વડા પ્રધાન છે. તેમણે ૨૦૧૦માં લશ્કરની નોકરી છોડી દઈને ૩૪ વરસની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ઈથિયોપિયાની પ્રજાને સમજાવ્યું હતું કે જો તેઓ સંમતિ આપતા હોય તો પહેલું કામ તમામ પ્રકારના સંઘર્ષોનો અંત લાવવાનું કરવું જોઈએ. ઈથિયોપિયામાં ખ્રિસ્તીઓની વસ્તી ૬૨.૮ ટકા છે અને મુસલમાનોની વસ્તી ૩૩.૯ ટકા છે. આ બે પ્રજા સમૂહો વચ્ચે કોમી અથડામણો ચાલતી જ રહેતી હતી. બંને પાસે એકબીજા સામે ગીલા-શીકવાનો લાંબો ઇતિહાસ છે જેમ આપણે ત્યાં હિંદુઓ અને મુસલમાનો પાસે છે.
અબી અહમદે પ્રજાને સમજાવ્યું કે આજના યુગમાં કોઈનો વિજય થતો નથી. નથી સરહદે કે નથી સરહદની અંદર એટલે દેશઅંતર્ગત. પ્રજા લડીને કપાઈ મરે અને લડાવનારા રાજકારણીઓ રાજ કરે. સરહદે છીછરા દેશપ્રેમને નામે સીમાવિવાદ ઉકેલવામાં ન આવે અને સૈનિકો માર ખાય અને દેશ આર્થિક રીતે ખુવાર થાય. જે લડાઈનો કોઈ અંત જ ન હોય અને જે લડાઈમાં વિજય જ ન હોય એવી લડાઈ લડવાની જગ્યાએ સમાધાન કરીને તેનો અંત લાવવો એ વધારે ડહાપણ ભરેલું છે. બીજું જે ઘરમાં કંકાસ હોય એ ઘર બે પાંદડે ન થાય એમ જે દેશમાં સંપ ન હોય એ દેશ પણ બે પાંદડે ન થાય. નવા નવા રાજકારણમાં જોડાયેલા અબી અહમદ આ વાત લોકોને સમજાવતા હતા.
ધીરે ધીરે એવું બન્યું કે યુવાનો તેમના તરફ આકર્ષાયા. રાજકીય પક્ષોના કાર્યકરો પણ તેમના તરફ આકર્ષાયા અને શાસક પક્ષે અબી માટે રસ્તો કરી આપવો પડ્યો. ૨૦૧૮ના એપ્રિલ મહિનામાં તેઓ વડા પ્રધાન બન્યા અને પહેલું કામ તેમણે એરીટ્રિયા સાથે સરહદ સમજૂતી કરવાનું કર્યું. એને કારણે ઈથિયોપિયાને અવરોધ વિના સમુદ્ર કિનારો મળ્યો. તેમણે જિબુટી સાથે પણ સરહદ સમજૂતી કરી લીધી. બચુકલો જિબુટી દેશ પણ સમુદ્રને કિનારે છે. પ્રજાને વિશ્વાસમાં લઈને, ઠાલા ગર્જનારા રાષ્ટ્રવાદને હળવો પાડીને, એમાં વિવેકનો વરખ ચડાવીને કેટલીક ભૂમિ જતી કરીને એરીટ્રિયા તેમ જ જિબુટી સાથે સમાધાન કરી લીધું. તેમણે લઘુમતી મુસલમાનોનો પણ વિશ્વાસ જીતી લીધો અને તેમને અન્યાય ન થાય અને સુરક્ષા જળવાય એ રીતની બંધારણીય વ્યવસ્થા કરી આપી. અબી અહમદ પોતે અત્યંત ધાર્મિક પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી છે. એ પછી અંગ્રેજીમાં કહેવાય છે એમ રેસ્ટ ઈઝ હિસ્ટરી.
અબી અહમદને ગયા વર્ષે નોબેલ શાંતિ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેમને બીજા અનેક પુરસ્કારો મળ્યા છે.
આપણે લેખની શરૂઆત કરી હતી કોરોના સંકટને ઈથિયોપિયાએ કઈ રીતે હાથ ધર્યું એ વાતથી. તેમણે પ્રજાને સમજાવ્યું હતું કે આપણે ગરીબ છીએ. મોટું સ્ટીમ્યુલસ પેકેજ આપણને પરવડે એમ નથી. આપી શકીએ એમ નથી. બીજા દેશો પણ સંકટગ્રસ્ત છે એટલે આર્થિક મદદ મળે એમ નથી. આપણે આપણી શક્તિ દ્વારા સંકટનો સામનો કરવાનો છે અને એમાં આખા દેશની ભાગીદારી હોવી જોઈએ. નાના દુકાનદારોથી લઈને કોર્પોરેટ કંપનીઓ સુધીની રાષ્ટ્રીય ભાગીદારી જોવા મળી રહી છે. આજે આખા જગતમાં ઈથિયોપિયાની વાત થઈ રહી છે. જો નેતૃત્વ ઈમાનદાર હોય, સંવેદનશીલ હોય, બધાને સાથે લઈને ચાલનારું ભાગીદારીવાળું હોય, પૂર્વગ્રહ વિનાનું ખુલ્લા મનનું હોય તો ઈથિયોપિયા જેવો, હજુ ગઈ કાલ સુધી જેને ગણતરીમાં પણ નહોતો લેવાતો એ દેશ પણ દીવાદાંડી બની શકે.
નરેન્દ્ર મોદી ૧૮ વખત શી જિંગપીંગને ભલે મળ્યા, પણ એક વાર અબી અહમદને જરૂર મળે. માત્ર મળે નહીં, સાંભળે પણ.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 જુલાઈ 2020