આજકાલ નોર્થ અમેરિકા અને યુરોપમાં ઘણી યુનિવર્સિટીઝમાં ક્રિયેટીવ રાઈટીંગની ડિગ્રી આપવામાં આવે છે. જેમ કોઈ ત્રણ વર્ષ અંગ્રેજી સાહિત્ય કે ઇતિહાસ કે સમાજશાસ્ત્ર ભણે, એમ જ વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ સુધી સર્જનાત્મક લેખન શીખે. આપણે ત્યાં પણ અમુક સાહિત્યિક સંસ્થાઓ અને વિદ્યાલયો સર્જનાત્મક લેખનની શિબિરો ચલાવે છે. સારી વાત છે.
પણ વિદ્યાલયોમાં કે સંસ્થાઓમાં દરેકને પ્રવેશ મળતો નથી. કોઈ જીવનની ઘટમાળમાં ફસાયું હોય, તો કોઈ અમુક ઉંમર પાર કરી ગયું હોય, તો વળી કોઈ એવી ભાષામાં વ્યક્ત થતું હોય જે ભાષાઓમાં ભણાવાતું ન હોય. આવા સંજોગોમાં તાલીમ કેવી રીતે મેળવવી? તાલીમની પ્રક્રિયાને એક સમાજ તરીકે આપણે વિદ્યાલયો અને સંસ્થાઓમાં બંધ કરી દીધી છે. પણ એનાથી વિસ્તરીને વિચારીએ તો શું મળે?
આ બધા પ્રશ્નો મનમાં ત્યારે ઘુમરાયા જ્યારે એક તુર્કી પુસ્તક મારા વાંચવામાં આવ્યું. પુસ્તકનું નામ ‘ઈન જેલ વિથ નઝીમ હિકમત’, અને લેખકનું નામ ઓરહાન કમાલ (Orhan Kemal). પુસ્તક એક સંસ્મરણ છે, એક સુંદર રેખાચિત્ર પણ છે, અને ગુરુ અને શિષ્ય વચ્ચે વિકસતા નાજુક સંબંધનો દસ્તાવેજ પણ છે. નઝીમ હિકમત (Nazim Hikmet) તુર્કી ભાષાના અગ્રણી કવિ ગણાય છે. જે સ્થાન ઉર્દૂમાં ફૈઝ અહમદ ફૈઝનું છે કે સ્પેનિશમાં પાબ્લો નેરુદાનું છે, એવું જ સ્થાન તુર્કીમાં નઝીમ હિકમતનું છે. ઓરહાન કમાલ તુર્કીના સર્વશ્રેષ્ઠ ગદ્યકાર ગણાય છે, અને તેમણે પોતાના જીવનકાળમાં બધા જ ગદ્યસ્વરૂપમાં કામ કર્યું છે. તેમના નામે અઠ્ઠાવીસ નવલકથાઓ, ચૌદ વાર્તાસંગ્રહ અને અઢળક નાટકો-ફિલ્મો બોલે છે. હિકમત વયમાં મોટાં. તેમનો જન્મ ૧૯૦૨માં, અને ઓરહાન કમાલ સાહિત્યકાર તરીકે હજી ભાંખોડિયા ભરતા હતા ત્યાં સુધીમાં નઝીમ હિકમત તુર્કીના અગ્રણી કવિ તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. વળી તુર્કી સરકારને હિકમતની કવિતાઓનો ડર લાગતો, એટલે તેમને અઠ્ઠાવીસ વર્ષની જેલની સજા થયેલી. તેમનું મોટાભાગનું સર્જન એક જેલથી બીજી જેલમાં ઉચાળા ભરતા થયેલું.
ઓરહાન કમાલ જ્યારે ચોવીસ વર્ષના હતા ત્યારે તુર્કીની સરકારે તેમને જેલની સજા કરેલી. તેમના પર આરોપ હતો : મેક્સીમ ગોર્કી અને નઝીમ હિકમતના પુસ્તકો વાંચવાનો. ગોર્કી અને હિકમત બંનેને સરકાર સામ્યવાદી લેખકો ગણતી, અને તેમનાં પુસ્તકો કોઈ વાંચતું તો એ પણ સામ્યવાદી જ છે એવું સરકાર માની લેતી અને તેમને જેલમાં બંધ કરી દેતી. ઓરહાન કમાલને ૧૯૩૮માં પાંચ વર્ષની સજા થઈ. યોગાનુયોગ બન્યું એવું કે ૧૯૪૦માં નઝીમ હિકમતને એ જ જેલમાં રાખવામાં આવ્યા જ્યાં ઓરહાન કમાલને બંધ કરેલા. એ જેલમાં બંને એક જ કોઠરીમાં રહ્યા, સાડા ત્રણ વર્ષો સુધી. અને એ સાડા ત્રણ વર્ષ ઓરહાન કમાલ નઝીમ હિકમતના હાથ નીચે વિકસ્યા. જ્યારે જેલમાં ઘૂસેલા ત્યારે ઓરહાન કમાલ એક નવલોહિયા કવિ હતા, અને પાંચ વર્ષ બાદ જેલથી નીકળ્યા ત્યારે તેઓ લેખક તરીકે વિકસી ચૂક્યા હતા. એ વિકાસનો શ્રેય ઓરહાન કમાલ પોતાના ગુરુ નઝીમ હિકમતને આપે છે.
કલ્પના કરો—બહાર બીજા વિશ્વયુદ્ધનો અને વૈશ્વિક અફરાતફરીનો માહોલ છે, જેલની અંદર ચોર, ખૂની, લૂંટારા એકબીજાને મારવા પડ્યા છે, વળી સરકારનો ભય પણ માથે ઝળુંબે છે. આવા સંજોગોમાં નઝીમ હિકમત એક ખૂબ જ શક્યતાઓ ધરાવતા ઓરહાન કમાલ નામના યુવાન લેખકને સાડા ત્રણ વર્ષ સુધી સાહિત્યની તાલીમ આપે છે. કેવી હોય છે એ તાલીમ? હિકમતે ઓરહાન કમાલને શું શીખવ્યું? પુસ્તકમાં કમાલ એ તાલીમની અલગ અલગ ઠેકાણે વાત કરે છે. સવા બસો પૃષ્ઠના આ પુસ્તકમાંથી મુખ્ય સાહિત્યિક લેસનો તારવીને આપ સૌની સમક્ષ રજૂ કરું છું :
૧) સૌથી પહેલું લેસન છે—પોતાનું નૈસર્ગિક સ્વરૂપ સમજવું. સાહિત્યકાર હોય એટલે દરેક સાહિત્યસ્વરૂપમાં સારું કામ કરી જ શકે એવું જરૂરી નથી. જ્યારે કમાલ જેલમાં હતા ત્યારે કવિતા લખતા. એ કવિતાઓ તેમણે હિકમતને સંભળાવેલી, પણ એ સાંભળી હિકમતે તેની ખૂબ ટીકા કરેલી. પણ જ્યારે કમાલે તેમનું ગદ્ય વંચાવ્યું, ત્યારે હિકમત ખુશ થઈ ગયેલા. તેમણે ઓરહાન કમાલને કવિતા છોડી ગદ્ય પર ધ્યાન આપવાનું કહ્યું. ઓરહાને ગુરુની વાત માની અને પરિણામ જુઓ, ઓરહાન કમાલનું ગદ્ય તેમના મૃત્યુના પચાસ વર્ષ બાદ પણ કમાલનું ગણાય છે.
૨) જ્યારથી તાલીમ શરૂ થઈ ત્યારથી જ હિકમત કમાલને કહેતા કે માતૃભાષા સિવાયની કોઈ એક ભાષામાં પ્રવીણતા મેળવવી જરૂરી છે. કમાલને કાચી પાકી ફ્રેંચ ભાષા આવડતી. ફ્રેંચમાં એ નિપુણતા પ્રાપ્ત કરે એટલા માટે રોજ સવારે હિકમત કમાલને ફ્રેંચ શીખવતા. આ પાછળનાં કારણો સમજી શકાય એમ છે. બીજી ભાષા કોઈ પણ લેખકની વાંચનની ક્ષિતિજો તો વિસ્તારે જ છે, પણ સાથે જ પોતાની માતૃભાષાને એક અંતરથી જોઈ શકવાની સુવિધા કરી આપે છે. લેખકનું સાધન તો ભાષા જ છે. પોતાના સાધનને સમજવાની આનાથી વધુ સારી રીત કઈ હોય શકે?
૩) જેવું ભાષાઓનું એવું જ બીજી કળાઓનું. હિકમત બીજી કળાઓ સાહિત્યને કેવી રીતે મદદરૂપ થઈ શકે એ વિશે સભાન રહેતા. જ્યારે જેલમાં હતા ત્યારે તેઓ એક તરફ કવિતા લખતા, અને કવિતા ન સૂઝે ત્યારે બીજા કેદીઓનાં ચિત્રો બનાવતા. ચિત્રો બનાવતી વખતે કેદીઓને તેમના જીવન વિશે પૂછતા. કેદીઓની જીવનકથાઓને હિકમતે તેમના કાવ્ય ‘હ્યુમન લેન્ડસ્કેપ્સ ફ્રોમ માય કન્ટ્રી’માં ખૂબ જ દૃશ્યાત્મક રીતે કેદ કરી છે. બીજી કળાઓ થકી પોતાનાં લખાણને ચમક આપવાની આ ક્ષમતા ઓરહાન કમાલે હિકમતમાં જોઈ, અને શીખ્યા. આગળ જતા તેમણે વાર્તા-નવલકથાની જોડે ફિલ્મો ય લખી જ તો!
૪) હિકમતે કમાલને કોઈ પણ લખાણનું માળખું સમજવાની તાલીમ પણ આપેલી. પ્રેક્ટિસ તરીકે હિકમત છૂટીછવાઈ પંક્તિઓ કમાલને આપતા, અને પછી એ પંક્તિઓને એ રીતે ગોઠવવાનું કહેતા કે એમાંથી કોઈ સુંદર કવિતા બને. અરેન્જમેન્ટ, એટલે કે ગોઠવણનો કસબ કોઈ પણ સાહિત્યકાર માટે બહુ મહત્ત્વનો છે. માળખાની કસોટી ભલભલા મોટાં લેખકોને ય હંફાવે છે ત્યારે આ પાયાનો કસબ નવા લેખકો જેટલો જલદી હસ્તગત કરે એટલું સારું.
૫) હિકમત ઓરહાન કમાલનાં લખાણોનો ખૂબ વિગતે અને ઝીણવટપૂર્વક પ્રતિભાવ આપતા. ક્યારેક તો ખૂબ ઝીણું કાંતતા, અને વાક્યરચનાઓમાં વિરામચિન્હોની કેવી અસર હોય છે એ વિગતે કહેતા. જેમ કે, એક જગ્યાએ હિકમત કહે છે કે સારા અને ખરાબ લખાયેલા વાક્ય વચ્ચે બહુ સાદો ફરક છે. જો વાક્ય વિરામચિહ્નો કાઢી નાખ્યા પછી પણ સમજાય તો એ સારું વાક્ય છે. પણ જો વાક્ય વિરામચિન્હોની મદદ વગર ન સમજી શકાય તો માની લેવું કે વાક્યમાં કંઈક ગરબડ છે, અને એને સુધારવાની જરૂર છે. હિકમત ઉપમા-અલંકારોથી સાવચેત રહેવાની પણ સલાહ આપતા. કહેતા, કે એક જ વાક્યમાં બે ઉપમાઓ વાપરવી હિતાવહ નથી કારણ કે એ એકબીજાની અસર કાપી નાખે છે અને છેવટે વાક્ય ધારી અસર ઉપજાવી શકતું નથી. આવા ઝીણવટપૂર્વકના પ્રતિભાવોથી આડકતરી રીતે એ કમાલને વાક્યરચનાઓ વિશે, વિરામચિહ્નો વિશે, ઉપમા-અલંકારો વિશે સભાન કરતાં. ભાષા વિશેની સભાનતા વિકસે એ કોઈ પણ લેખકને કેવી રીતે મદદ ન કરે?
૬) ઓરહાન કમાલ એક જગ્યાએ કહે છે કે નઝીમ હિકમતે તેમને દુનિયાને કલાકારની નજરે જોતા શીખવ્યું. અલગ અલગ કસબ તો તેમણે શીખવ્યા જ, પણ કળા વિશેની આ પાયાની સમજણ હિકમતે ઓરહાન કમાલને આપી. કમાલ ‘જોવા’ અને ‘નિહાળવા’ વચ્ચે ભેદ કરે છે. દુનિયાને ‘નિહાળે’ છે સૌ, પણ બહુ થોડા જ એને ખરેખર ‘જોઈ’ શકે છે. નિહાળવા માટે દૃષ્ટિ જોઈએ, પણ જોવા માટે દૃષ્ટિકોણ. અને કળાનો મામલો દૃષ્ટિનો નહિ, દૃષ્ટિકોણનો છે.
૭) હિકમતે ઓરહાન કમાલને એવી સલાહ ય આપેલી જે દરેક લેખકે અંકે કરવા જેવી છે. તેમણે કમાલને કહેલું : સતત, એકધાર્યું લખતા રહેવું, અંગત નુકસાનો વેઠીને પણ. લખવું એ જેટલો નૈસર્ગિક પ્રતિભાનો સવાલ છે, એટલો જ મહેનત અને શિસ્તનો પણ છે. ઓરહાન કમાલનું વિપુલ માત્રામાં થયેલું સર્જન આ વાતનો પુરાવો છે કે તેમણે ગુરુની વાત માનેલી.
પુસ્તકમાં આવા સાહિત્યિક પાઠ તો છે જ, પણ સાથે જ જેલમાં ગાળેલાં સમયનાં સ્મરણો, અંગત સંબંધો, વિશ્વયુદ્ધની જેલમાં થયેલી અસરો વગેરે અનેક નાની-મોટી બાબતોનું પણ ખૂબ જ અસરકારક રીતે નિરૂપણ થયેલું છે. પુસ્તકમાંથી પ્રાપ્ત થતી સૌથી મહત્ત્વની દલીલ એ છે કે સાહિત્યિક તાલીમ ક્યાં ય પણ મેળવી શકાય છે. એના માટે વિદ્યાલયો કે સંસ્થાઓનો સહારો મળે તો ઠીક, પણ એ જરૂરી નથી. જરૂરી તો છે સારા શિક્ષકનું મળવું. સારા શિક્ષક મળે તો સાહિત્યિક તાલીમ ચોર, લૂંટારા, ખૂનીઓ વચ્ચે, જીવનના રહેંસી નાખે એવા ભરપૂર દબાણ હેઠળ, જેલની ચાર દીવાલો વચ્ચે ય મેળવી શકાય છે!
સૌજન્ય : અભિમન્યુભાઈ આચાર્યની ફેઇસબૂક દીવાલેથી સાદર