એક નાના ગામમાં રણછોડે એક જનરલ સ્ટોર રાખ્યો હતો. આ જય ગણેશ સ્ટોરમાં રોજિંદી જરૂરિયાતની બધી વસ્તુઓ મળી રહેતી. દુકાનની બહારની થોડી જગ્યામાં એણે છોડવાં અને કૂંડાં પણ રાખ્યા હતાં. આ વાત 1960ના દાયકાના છેવટનાં વર્ષોની છે.
જમાનો બદલાયાની સાથે રણછોડે તાલ મિલાવ્યો નહોતો. એના આ ગામમાં, નજીકના બીજાં ગામોમાં અને શહેરોમાં નવી અને મોટી દુકાનો થઈ, જ્યાં વધુ સારી અને આધુનિક વસ્તુઓ મળતી. તે દુકાનોમાં ગ્રાહકો પણ વધુ સંખ્યામાં આવતા, પણ રણછોડે એની આ જૂના સમયની સબ બંદરકે વ્યાપારી જેવી દુકાનમાં કશો ફેરફાર નહોતો કર્યો.
રણછોડનો એક અજબનો શોખ હતો. એ એકલો હોય ત્યારે અને ક્યારેક બીજાઓની હાજરીમાં પણ, એ હાર્મોનિકા – માઉથ ઓર્ગન – વગાડતો. એકાદું માઉથ ઓર્ગન એને ક્યાંકથી હાથ લાગી ગયું હતું, અને બસ, નવરાશના સમયે રણછોડ તે વગાડતો. વ્યવસ્થિત વગાડતાં એને આવડતું નહોતું, પણ એ ફૂંકો માર્યે રાખતો, અને મોટા ભાગે બેસૂરું જ વાગતું.
વખત જતાં એના ગ્રાહકોની સંખ્યામાં સારો એવો ઘટાડો થઈ ગયો હતો. પરિણામે, જય ગણેશ સ્ટોર ઘરડા અને નિવૃત્ત લોકોને બેસવા અને સમય પસાર કરવાનું સ્થાન થઈ ગયો હતો. નવરા, ફુરસદિયા લોકો ત્યાં આવીને બેસતા અને એમની સાથેની વાતચીતોમાં રણછોડ ખીલતો અને અલકમલકની વાતો કરતો.
આ બાબતે રણછોડની વિશેષતા એ હતી કે એ ખૂબ વાતોડિયો તો હતો જ, પણ આ લોકો સાથેની બેઠકોમાં એ ખૂબ રંગમાં આવી જતો અને જાતજાતના ગપ્પા હાંકતો. એની વાતોના ગુબ્બારાની કોઈ સીમા નહોતી. વાતો વધારી-વધારીને કહેવી અને ગપ્પા હાંકવા એનો સ્વભાવ થઈ ગયો હતો.
દાખલા તરીકે, એક વખતની આવી બેઠકમાં રણછોડે કહ્યું કે 1962ની ચીન સાથેની લડાઈમાં એ લશ્કરમાં જીપનો ડ્રાઇવર હતો, અને એક પ્રસંગે સરહદ પર ચીનના ભારે ગોળીબાર વખતે લશ્કરની એક નાની ટુકડીને લઈને, જીપ હંકારીને એ બે કલાકમાં લદ્દાખથી કલકત્તા આવ્યો હતો.
રણછોડના દુકાનના મિત્રોને એની અતિશ્યોક્તિથી ભરપૂર વાતોમાં મજા આવતી, અને તેઓ એને વધુ ચગાવતા, પણ આ વખતે શિવજીભાઈએ કહ્યું, “ભાઈ રણછોડ, કાંઈ તો ભગવાનનો ભો રાખ! ગપ્પા તે કેટલા ગપ્પા? બે કલાકમાં કાંઈ લદ્દાખથી કલકત્તા જવાતું હશે?”
પણ રણછોડ એમ ગાંજ્યો જાય તેમ નહોતો. વધુ તુક્કા લગાવીને એની વાતનું સમર્થન કરવા મથતો. એણે કહ્યું, “અરે, શું તમને ખબર નથી? હું લશ્કરની જીપો હંકારતો તે તો તમે જાણો છો, પણ ઓટોમોબાઇલ એન્જીનીઅરીંગમાં મારી ડિગ્રીની તમને ખબર નથી લાગતી. લશ્કરની અદ્યતન જીપોની ડિઝાઇન કોણે બનાવી? મેં જ તો!”
વધુમાં કહેતો, “આ દુકાનની બહારના કૂંડાં જોયા ને? ખેતીવાડીમાં મને કોઈ ન પહોંચે, હો. વલ્લભ વિદ્યાનગરમાંથી મેં એગ્રિકલચરમાં ડિગ્રી લીધી છે. ખેતીવાડીનાં હમણાંનાં ઓજારો અને સાધનો બનાવવામાં મારો ફાળો નાનોસૂનો નથી.”
આમ વાતે વાતે રણછોડને ખીલતો રહીને સાંભળવાની એના મિત્રો-સાથીઓને મજા આવતી. એમની વચ્ચેની વાતચીતનો જે કાંઈ વિષય હોય, રણછોડ કહ્યા વગર રહે જ નહિ કે તે વિષયમાં તો એ પારંગત છે, તેનો એણે અભ્યાસ કર્યો છે, અને તેમાં એણે કેટલું ય કામ કર્યું છે.
એક દિવસ સાંજે આ રીતે જય ગણેશ સ્ટોરમાં વાતોના વડા પીરસાઈ રહ્યા હતા ત્યારે કોઈએ બહારથી બૂમ પાડી, “આ છોડવા અમારે ખરીદવા છે. છે કોઈ અહીંયાં?”
ખાસ કોઈ ગ્રાહક ફરકતું નહોતું એવી આ દુકાનને આંગણે નવો જ પદસંચાર થવાથી રણછોડે નવાઈ સાથે કહ્યું, “કોણ હશે આ?” ત્યાં બેઠેલાઓમાંના વ્રજલાલે કહ્યું, “ગ્રાહક તો નહિ હોય?” અને ત્યાં હાસ્યનું મોજું ફરી વળ્યું. રણછોડ કાંઈક કમને ઊઠીને બહાર ગયો. જોયું તો ઠીક ઠીક સુઘડ અને વ્યવસ્થિત એવા બે પુરુષો ત્યાં હતા.
રણછોડને જોતાં એકે પૂછ્યું, “આમાંથી બે કૂંડા અમારે ખરીદવા છે. ભાવતાલ બોલો.” રણછોડ કહે, “પસંદ કરીને લઈ લો. તમને જે ઠીક લાગે તે આપો.” ગ્રાહક કહે, “અમને એક ટામેટાનો રોપ અને એક ગુલાબની કલમ જોઈએ છે. છોડવા સારાં તો છે ને? લઈ જઈને અમારે ત્યાં ઉગાડીએ ત્યાં સુધીમાં કરમાઈ નહિ જાય ને?” રણછોડ કહે, “અરે, હોતું હશે? સાહેબ, આ મારા ખિલવેલા છોડ છે. પછી તેમાં કાંઈ કહેવાપણું હોય? એગ્રિકલચરમાં તો મેં કેટલી મોટી ડિગ્રી લીધી છે. અરે, કોલેજના પ્રિન્સિપલે તો મને ત્યાં અધ્યાપકનો હોદ્દો પણ ઓફર કર્યો, પણ મારે તો મારો આ સ્ટોર ચાલુ કરવો હતો. બાકી, ખેતીવાડી બાબતમાં સલાહ-સૂચનો માટે ઠેરઠેરથી મને કહેણ આવ્યા જ કરે છે.”
રણછોડે આટલું કહ્યું ત્યાં એ બે ગ્રાહકોએ અંદર-અંદર કાંઈક ગુસપુસ કરી. એકે બીજાને કહ્યું, “બસ, આ જ બરાબર છે. આનાથી સારો નમૂનો આપણને ક્યાં મળશે?” બીજાએ સંમતિમાં માથું હલાવ્યું.
રણછોડને બે કૂંડાના પૈસા ચૂકવીને તેઓ જવા તૈયાર થયા ત્યારે રણછોડે પૂછ્યું, “તમે આ અંદર-અંદર શું વાત કરી? જરા હુંયે તે જાણું!”
પેલો ગ્રાહક કહે, “ના ના, એવું ખાસ કાંઈ નથી. આ તો તમારી થોડી વાત ગામમાં સાંભળી હતી, અને હવે તમારી સાથેની વાતચીત પછી અમને ખાતરી થઈ ગઈ કે તમે ખરે જ કેટલી ય બાબતોનું ઊંડું જ્ઞાન ધરાવો છો.”
રણછોડ : “એમાં કહેવું ના પડે, હો. કોઈ પણ વિષય પર મને પૂછો ને. તમને જવાબ મળી જ રહેશે. મારી ડિગ્રીઓ અને અનુભવ નકામા નથી જ.”
ખરીદેલાં કૂંડાં સાથે બંને ગ્રાહકો રવાના થયા.
દુકાન બંધ કરવાનો સમય થયો હતો. એના મિત્રો-સાથીઓ જતા રહ્યા હતા. રણછોડે દુકાન બંધ કરવાની તૈયારી કરવા માંડી. ત્યાં એને સંભળાયું, “રણછોડભાઈ, જરા દુકાનની બહાર નીકળી કૂંડાં પાસે આવો.”
રણછોડને આ સંભળાયું તો ખરું, પણ કોઈ દેખાયું નહિ. એને થયું કે એને કાંઈ ભ્રમ થયો છે. ત્યાં ફરી અવાજ સંભળાયો, “રણછોડભાઈ, આવો તમારા કૂંડાં પાસે. ડરી ગયા કે શું?
રણછોડ : “અરે, ડરે છે કોણ? આ તો હું જોતો હતો કે અવાજ આવે છે પણ બોલનાર કેમ કોઈ દેખાતું નથી?” એટલું કહીને એ બહાર નીકળ્યો, અને કૂંડા-છોડવાની દિશામાં જતો હતો ત્યાં અજબ જ કાંઈક બન્યું.
રણછોડ જેવો બે-ચાર ડગલાં ચાલ્યો ત્યાં ફરી પેલો અવાજ આવ્યો, “હા હા, બરાબર છે, રણછોડભાઈ. જરાક હજી આગળ આવો.” રણછોડ હજી તો ડગલું ભરે ન ભરે ત્યાં જ અચાનક કોઈક બળે એ હવામાં અધ્ધર ઊંચકાયો, અને થોડુંક ઉડ્યા પછી એક અવકાશયાનની સામે આવીને ઊભો રહ્યો.
આનું આશ્ચર્ય હજી શમ્યું નહોતું ત્યાં તો એ અવકાશયાનમાંથી એક સીડી જમીન પર આવી. યાનમાંથી અવાજ આવ્યો, “ચાલ્યા આવો. આ સીડી પર ચઢીને અંદર આવી જાઓ.” શૂન્યમનસ્કપણે રણછોડ સીડી ચઢીને યાનમાં દાખલ થયો.
યાનમાં એને સત્કારવા થોડા લોકો ઊભા હતા. સાંજે કૂંડાંની ખરીદી કરવા આવેલા બેમાંનો એક જણ પણ તેમાં હતો. એણે કહ્યું, “અમારા અવકાશયાનમાં તમારો સત્કાર છે, રણછોડભાઈ. અંદર તમારે માટે ઓરડો છે. અલ્પાહાર કરો. યાન હવે ઉપડવામાં જ છે.”
રણછોડને આ આખી ય બાબત અંગે શંકા થવા માંડી. કોણ છે આ લોકો? ક્યાંનું છે આ અવકાશયાન? પણ એ પેલા અવકાશયાત્રીનો દોરવ્યો અંદરના ઓરડામાં ગયો. ત્યાં, કૂંડાં ખરીદવા આવેલ બીજો માણસ પણ હતો.
એણે રણછોડને કહ્યું, “ઘણી મસલત પછી અમે નક્કી કર્યું છે કે તમારા જેવી બાહોશ અને કુશળ વ્યક્તિની અમારા ગ્રહ પર ઘણી જરૂર છે. અમે પૃથ્વી પર કેટલીક વસ્તુઓ લેવા આવ્યા હતા, અને કોઈક અસામાન્ય બુદ્ધિમત્તા ધરાવતી વ્યક્તિની પણ અમે તપાસમાં હતા. તમારા વિષે સાંભળ્યું હતું અને આજે તમારો પરિચય થયો એટલે અમને ખાતરી થઈ ગઈ કે તમારા જેવી બહુમુખી પ્રતિભા ધરાવતી બીજી વ્યક્તિ મળવી મુશ્કેલ છે.”
હવે રણછોડને ખાતરી થઈ ગઈ કે અહીં આવીને એ ફસાઈ ગયો છે. એણે કહ્યું, “અરે સાહેબો, તમે મારી બધી વાત માની ગયા? હું તો ટાઢા પહોરના ગપ્પા મારતો હતો. કેવી ડિગ્રી ને કેવી વાત? ગપ્પા મારવાની તો મારી જૂની ટેવ છે; સાચું બોલતાં હું શીખ્યો જ નથી. જૂઠું બોલવું, ગપ્પા મારવા, અને લોકો પર ભૂરકી નાખવી એ મારું કામ. મારા જેવો ગપ્પાબાજ તમને અમારી કે તમારી કોઈ દુનિયામાં નહિ મળે. ચાલો, રામરામ. તમતમારે ઉપડો. હું આ ચાલ્યો. વાળુ સુધીમાં ઘરે પહોંચતો થાઉં.”
આટલું કહીને રણછોડ યાનની સીડી પાસે જવા જતો હતો ત્યાં આઠ-દસ જણ એની આડા આવીને ઊભા રહી ગયા. રણછોડ કોઈ રીતે તેમને ભેદીને સીડી સુધી જઈ ન શક્યો.
યાનના મુખ્ય માણસે રણછોડને કહ્યું, “હવે વાળુ અહીં જ કરજો. ઘરે તમે નહિ જઈ શકો. તમારા ઓરડામાં જાઓ.”
કમને રણછોડ ઓરડામાં ગયો. ખિસ્સામાંથી માઉથ ઓર્ગન કાઢીને કહે, “હવે આરામ જ કરવો છે તો જરા આ વાજું વગાડતો બેસું.” આટલું કહીને એણે માઉથ ઓર્ગન વગાડવા માંડ્યું. તદ્દન બેસૂરું એ વાદન સાંભળીને એની આસપાસ ઊભેલા લોકો કંટાળીને કાને હાથ દઈને આઘાપાછા થવા માંડ્યા, અને કેટલાકને તો મૂર્છા આવી ગઈ.
ભાન ખોતાં પણ એ લોકો કહેતા હતા, “અરે, આ શું? આવો કર્કશ અવાજ? અમારાથી આ કેમેય સહન નથી થતું.”
રણછોડે જોયું કે ભાગી છૂટવાનો આ સારો મોકો છે. એટલે એ યાનની સીડી તરફ દોડ્યો. પેલા બેભાન થયેલાઓમાંથી કેટલાક પાછા ભાનમાં આવ્યા હતા. તેમણે એને રોકવા કોશિષ કરી. તો રણછોડે મરણિયો પ્રયાસ કર્યો, અને એકને મોં પર જોશમાં મુક્કો માર્યો. મુક્કો પડતાં જ પેલાનો નકલી ચહેરો તૂટી પડ્યો અને અસલી, બિહામણો અને વિકૃત ચહેરો દેખાયો.
વળી બીજો એક જણ રણછોડનો રસ્તો રોકવા એની સામે આવ્યો તો રણછોડે એનું માઉથ ઓર્ગન વધુ કર્કશ અવાજે વગાડ્યું. તે સાંભળતાં જ પેલાએ સખત કંટાળા સાથે તેના કાન પર હાથ ઢાંકી દીધા.
રણછોડ આ તક જતી કરે એમ નહોતો. એ યાનની સીડી તરફ દોડ્યો અને સીડી ઊતરીને જમીન પર આવ્યો, જીવ બચાવીને ભાગ્યો, અને દોડતો દોડતો જય ગણેશ સ્ટોરમાં દાખલ થયો.
સ્ટોરમાં અંધારું હતું. રણછોડને દાખલ થયેલો જોતાં શિવજીભાઈ, વ્રજલાલ અને બીજાઓએ “જન્મદિન મુબારક” કહીને એને આવકાર્યો અને દુકાનમાં બત્તી કરી. રણછોડ માટે લાવેલી મીઠાઈનો ડબ્બો ખોલીને બધાંને મીઠાઈ વહેંચી.
મીઠાઈ ખવાતી હતી ત્યારે નાનુભાઈએ કહ્યું, “રણછોડભાઈ,હવે તમે બે શબ્દો કહો.” વ્રજલાલે કહ્યું, “રણછોડભાઈ, તમે દુકાનમાં આવ્યા ત્યારથી કૈંક ચમકેલા લાગો છો. દુકાનમાં દાખલ થયા ત્યારે પણ કૈંક ડરી ગયા જેવા દેખાતા હતા. જાણે કે કોઈ બીજા ગ્રહ પર જઈને આવ્યા હો! વાત તો કરો.”
રણછોડે તેજીમાં આવીને ખુશ થતાં કહ્યું, “વ્રજલાલ, તમે તો મોકાની વાત કરી. હું ખરેખર બીજા ગ્રહ પર જઈ જ રહ્યો હતો અને જીવ બચાવીને અહીં આવી ગયો. બન્યું શું તે કહું. તમને તો યાદ હશે આજે પેલા બે જણ આવ્યા હતા ટામેટા અને ગુલાબ લેવા. તે લોકો બીજા ગ્રહ પરથી હતા! સાંજે હું દુકાન બંધ કરવા જતો હતો ત્યારે મને એક ભેદી અવાજે બહાર આવવાનું કહ્યું, અને હજી તો હું કાંઈ સમજી શકું તેની પહેલાં તો હું ઉડવા મંડ્યો, અને ઉડતો ઉડતો જ એક અવકાશયાન પાસે આવ્યો. …”
દુકાનમાં એકઠા થયેલા સૌને આ સાંભળતાં ભારે રમૂજ થઈ, અને એકબીજાને તાળી દઈને રંગત માણવા લાગ્યા.
રણછોડે કહ્યું, “મને તેમના એ અવકાશયાનમાં તેમના ગ્રહમાં લઈ જવાની બધી જ તૈયારી આ લોકોએ કરી જ લીધી હતી. અરે, હું ત્યાંથી કેમ કરતાં છૂટ્યો એ તો સાંભળો. યાનના દરવાજા સુધી આવવા દોડ્યો તો એ લોકોએ મારી આડે આવીને મારો રસ્તો રોક્યો. ભાગી નીકળવાનો બીજો કોઈ રસ્તો ન દેખાતાં મેં વિચાર્યું, હવે ત્યારે મારું માઉથ ઓર્ગન વગાડીને મારી તાણ જરા શાંત કરું. અને તે વગાડતાં જ, શિવજીભાઈ, ચમત્કાર થયો, હો! સાંભળતાં જ એ લોકોમાંના એક પછી એક ટપોટપ ભોંય પર પડવા મંડ્યા, અને …”
રણછોડે હજી આટલું કહ્યું-ન કહ્યું ત્યાં તો એના સાથી-મિત્રોમાં હાસ્યનું પ્રચંડ મોજું ફરી વળ્યું. વ્રજલાલે શિવજીભાઈને કહ્યું, “હું નહોતો કહેતો? રણછોડભાઈ આવશે અને એની પાસેથી નવા જ આકાશી ગુબ્બારા સાંભળવા મળશે.”
રણછોડ ખુલાસો કરવા જતો હતો, પણ કોઈને તેમાં રસ નહોતો. બધા વતી શિવજીભાઈએ એને કહ્યું, “થવા દે ભાઈ રણછોડ. તારી વાર્તા આગળ ચલાવ. તારા ગપ્પામાં તેં આજે નવો રંગ પૂર્યો છે.”
e.mail : surendrabhimani@gmail.com