ગ્રુપ ઓફ સેવન (જી-7) દેશોની શિખરમંત્રણામાં ભાગ લેવા ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, જર્મનીમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતાં કહ્યું હતું કે, “આપણે ભારતીયો ક્યાં ય પણ રહેતાં હોઈએ, આપણી લોકશાહીનું કાયમ ગૌરવ કરીએ છીએ. દરેક ભારતીય ગર્વથી કહે છે કે ભારત લોકશાહીની માતા છે. સંસ્કૃતિ, આહાર, વેશભૂષા, સંગીત અને પરંપરાનું વૈવિધ્ય આપણી લોકશાહીને જીવંત બનાવે છે. ભારતે એ બતાવ્યું છે કે લોકશાહી કારગત નીવડે છે.”
જી-7 મંત્રણા પછી ‘રિઝિલિયંટ ડેમોક્રસી’ નામનું એક સ્ટેટમેન્ટને રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં લોકશાહીને મજબૂત કરવા અને ઓનલાઈન-ઓફલાઈન અભિવ્યક્તિનું રક્ષણ કરવા માટે તમામ દેશોએ હામી ભરી હતી. વડા પ્રધાન જ્યારે પરદેશમાં લોકશાહીનાં વખાણ કરતા હતા, ત્યારે ભારતમાં બે ઘટના બની, જે લોકશાહી માટે ચિંતાજનક છે. એક, મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ આઘાડી સરકારના સહયોગી પક્ષ શિવ સેનાના વિધાયકોનું એક જૂથ પહેલાં સુરત અને પછી ગૌહાટી નાસી ગયું અને ત્યાંથી દાવો કર્યો કે તેમણે આઘાડી સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો છે.
બીજી ઘટના ઉદેપુરમાં બની. ભારતીય જનતા પાર્ટીની (હવે સસ્પેન્ડેડ) પ્રવક્તા નૂપુર શર્માએ મહોમ્મદ પયગંબર માટે અમુક વિધાનો કર્યાં તે પછી દેશ-દુનિયામાં તેના પડઘા પડ્યાં હતાં. જેમાં ઉદેપુરમાં નૂપુર શર્માના સમર્થનમાં સોશ્યલ મીડિયા પોસ્ટ મુકવા બદલ એક હિંદુ દરજીની બે મુસ્લિમોએ હત્યા કરી નાખી અને પછી અપરાધનો એકરાર કરતો વીડિયો જારી કર્યો. ભારતમાં ઘણા વખતથી હિંદુ-મુસ્લિમ સોહાર્દ ડહોળાયેલું છે. તેને લઈને દેશમાં અનેક ઘટનાઓ સતત બનતી આવી છે. ઉદેપુરની ઘટના ઘણી આઘાતજનક હતી.
મુખ્ય મંત્રી અશોક ગેહલોતે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરતાં એમ પણ કહ્યું કે, “આ શરમજનક અને દુખદ ઘટના છે. દેશમાં અત્યારે તનાવનું વાતાવરણ છે. પી.એમ. અને અમિત શાહ દેશને કેમ સંબોધતા નથી? લોકોમાં દહેશત છે. પી.એમ.એ લોકોને સંબોધવા જોઈએ અને લોકોને શાંતિની અપીલ કરીને કહેવું જોઈએ કે આવી હિંસા ચલાવી નહીં લેવાય.”
દેશના અલગ-અલગ ભાગોમાં હિંસાની અને નફરતની જે ઘટનાઓ બનતી રહી છે તે જોતાં દેશના વડા તરીકે નરેન્દ્ર મોદી કોમી સદ્દભાવની અપીલ કરે તે ઇચ્છનીય જ નહીં, અનિવાર્ય છે. વિદેશમાં જઈને લોકશાહી અને સહિષ્ણુતાનું ગર્વ લેવું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી તેનું જતન કરવા માટે નક્કર પગલાં લેવાનું છે. નૂપુર શર્માનો વિવાદ થયો ત્યારે પણ વિરોધ પક્ષોએ વડા પ્રધાનને અપીલ કરી હતી કે તેઓ તેમનું મૌન તોડે.
ઉદ્ધવની શાલીનતાથી વિદાય
વડા પ્રધાન જર્મનીમાં લોકશાહીનાં ગુણગાન ગાતા હતા, ત્યારે મહારાષ્ટ્રમાં તેનું છડેચોક હરણ થઇ રહ્યું હતું. 2019માં, 80 કલાક માટે બીજીવાર મુખ્ય મંત્રી બનેલા દેવેન્દ્ર ફડણવિસે ત્યારે કહ્યું હતું કે “મી પરત યેણાર’ (હું પાછો આવીશ). તે વખતે તો એન.સી.પી.ના અજીત પવારને તોડીને તેમણે ઉતાવળ કરી નાખી હતી, પણ આ વખતે એકનાથ શિંદેના વિદ્રોહના બધા છેડા (સુરત, ગૌહાટી, રાજ્યપાલ, સુપ્રીમ કોર્ટ) એવી રીતે ગૂંથી રાખ્યા હતા કે પાછા આવવામાં જરા ય કચાસ રહી નહોતી. આ વખતે એવી રીતે પાછા આવ્યા કે શિવ સેનાના વિધાયક દળને જ ઉપાડી ગયા અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લઘુમતીમાં મૂકી ગયા.
અંગ્રેજીમાં કહે છે રિવેન્જ સ્વીટ હોય છે. 29મીની રાતે સુપ્રીમ કોર્ટે, ૨૪ કલાકમાં વિધાનસભામાં વિશ્વાસ લેવા માટે રાજ્યપાલે કરેલા આદેશ સામે ઉદ્ધવ ઠાકરેના જૂથને મનાઈ હુકમ ન આપ્યો અને ઠાકરેએ ફેંસલાને માથે ચઢાવીને રાજ્યપાલને રાજીનામું આપી દીધું, ત્યારે મહારાષ્ટ્ર ભા.જ.પ.ના અધ્યક્ષ ફડણવિસને મોઢું મીઠું કરાવતા હોય એવો એક ફોટો ફ્લેશ થયો હતો.
નંબરની રમતમાં પડવાને બદલે અથવા વિદ્રોહી વિધાયકોને સામ-દામ-દંડ-ભેદથી પાછા ‘માતોશ્રી’માં લાવવાની કવાયતમાં પડવાને બદલે, ઉદ્ધવે શાલીનતાથી જતા રહેવાનું પસંદ કર્યું. જે લોકશાહી માટે દરેક ભારતીય ગૌરવ અનુભવે છે, તેનું રક્ષણ કરવા માટે ઉદ્ધવે રાજ્યપાલ કોશ્યારીનો આભાર પણ માન્યો! એ શ્લેષ સમજાય તેવો હતો.
ઉદ્ધવ ઠાકરે રાજનીતિની રમત હારી ગયા, પરંતુ નૈતિક રહીને દિલ જીતી ગયા છે. ઉદ્ધવના જાની દુશ્મનો પણ એ વાતની ગવાહી આપશે કે અઢી વર્ષનો તેમનો કાર્યકાળ ખરાબ નહોતો. તો, લોકશાહીનું ગૌરવ શેમાં હતું? તેમના અઢી વર્ષના એ કાર્યકાળમાં કે પછી તેમના વિધાયકોને બહાર મોકલી દઈને તેમને બહુમત સિદ્ધ કરવાનું કહેવામાં? જતાં-જતાં ઉદ્ધવ શિવ સેનાના કાર્યકરોને કહેતાં ગયા કે, “આવતીકાલે નવી લોકશાહીનો જન્મ થશે, નવી શરૂઆત થશે, નવી સરકાર બને ત્યારે અવરોધ ઊભો ન કરતાં.”
લોકશાહીની ‘હત્યા’ શબ્દ બોદો બની ગયો છે
લોકશાહીનું જતન કરવાની જવાબદારી નેતાઓની છે, કારણ કે ભારતમાં લોકશાહીનો વિચાર આઝાદીના ઘડવૈયાઓના મનમાં આવ્યો હતો. તેમણે જનતાને કહ્યું હતું કે આ તમારા માટે શ્રેષ્ઠ વ્યવસ્થા છે અને જાનતાએ તેનો સ્વીકાર કર્યો હતો. એટલા માટે ભારતની લોકશાહીને ટોપ ડાઉન- ઉપરથી આવેલી વ્યવસ્થા કહેવાય છે. દેશના લોકો એટલા ગરીબ અને અભણ છે કે તેમના માટે તેમની રોજી-રોટી સૌથી મોટી પ્રાથમિકતા છે. એવા સંજોગોમાં નેતાઓની એ ફરજ બને છે કે તો લોકશાહીનાં મૂલ્યોની રક્ષા કરે.
મહારાષ્ટ્રમાં જે થયું તેને લોકશાહીની હત્યા કહેવી અતિશયોક્તિ નથી (‘લોકશાહીની હત્યા’ એ શબ્દ એટલીવાર વપરાઈ ગયો છે કે તે હવે બોદો બની ગયો છે). રાજકારણની અને લોક પ્રતિનિધિત્વના કાયદા-કાનૂનની આંટીઘૂંટીઓ આગળ ધરીને કોઈ તેને ભલે શિવસેનામાં બળવો કહીને ઉચિત ઠેરવે, પણ મોટાભાગના લોકોને ખબર જ છે કે તેની પાછળ સામ-દામ-દંડ-ભેદનાં અનેક પરિબળો કામ કરી ગયાં છે. આવું પહેલીવાર થયું છે? ના. ભારતીય રાજકારણમાં એવાં અનેક પ્રકરણો છે, જ્યાં સત્તા માટે આનાથી વરવા ખેલ થયા છે. ‘આયારામ-ગયારામ,’ ‘હોર્સ ટ્રેડિંગ’ અને ‘ભાવતાલ’ આજકાલના શબ્દો નથી.
ભારતમાં છેલ્લાં 70 વર્ષમાં એક બાબત જો નિરંતર ‘પ્રગતિ’ કરી રહી હોય, તો તે છે રાજકારણની અનૈતિકતાની. આપણા રાજકારણની ગુણવત્તાનું દિન પ્રતિદિન પતન થઇ રહ્યું છે. રાજકારણ માટે એક સભ્ય શબ્દ ‘રાજનીતિ’ છે. જેનો અર્થ થાય છે શાસન કરવાની નીતિ. મતલબ કે શાસન વ્યવસ્થામાં નીતિ, નિયમ અને નૈતિકતા હોવી જોઈએ. આપણે જે જોઈ રહ્યા છે તેમાં આ ત્રણેની ગેરહાજરી છે. આપણે જેને જોઈ રહ્યા છીએ તે રાજનીતિ નથી, રાજઅનીતિ છે.
તમને યાદ છે આપણા પહેલા રેલવે પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ આંધ્ર પ્રદેશમાં 112 લોકોનો ભોગ લેનાર એક ટ્રેન અકસ્માતની નૈતિક જવાબદારી લઈને રાજીનામું આપ્યું હતું? આજે કયો મંત્રી આવું નૈતિક સાહસ બતાવે? મહાત્મા ગાંધી બહુ આસાનીથી આઝાદ ભારતની સરકારમાં સત્તાની ખુરશીમાં બેસી શક્યા હોત, પણ તેઓ સત્તા કરતાં તેમના અમુક આદર્શોને વધુ વફાદાર હતા. આવું આજે કોણ કરે?
પ્રસિદ્ધ વકીલ અને બંધારણના નિષ્ણાત ફાલી એસ. નરીમાને એકવાર લખ્યું હતું કે, “અમેરિકન પત્રકારત્વના ભીષ્મપિતામહ ગણાતા જેમ્સ રેસ્ટોને તેમની કારકિર્દીની શરૂઆત સ્પોર્ટ્સ પત્રકાર તરીકે કરી હતી. તેમનું અવસાન થયું તેના થોડાં વર્ષ પહેલાં ધ વોશિંગ્ટન પોસ્ટને તેમણે કહ્યું હતું કે સ્પોર્ટ્સમાં તો તમને દિવસના અંતે એ ખબર પડી જાય કે કોણ જીત્યું અને કોણ હાર્યું; રાજકારણમાં તમારે એ જાણવા માટે સાઈઠ વર્ષ રાહ જોવી પડે. આપણે સાઈઠ વર્ષ રાહ જોઈ છે અને હજુ ય ખબર નથી પડતી કે શું થવાનું છે.”
નૈતિકતાનું પતન
રશિયન નેતા વ્લાદિમીર લેનિને કહ્યું હતું કે, “રાજકારણમાં નૈતિકતા જેવું કશું હોતું નથી. એક નીચ એટલા માટે જ કામનો હોય છે કારણ કે તે નીચ છે.”
આપણે ઈચ્છા તો હોય છે કે આપણા રાજકારણીઓ એક ઉમદા માણસ સાબિત થાય અને નૈતિક વ્યવહાર કરે, પરંતુ આપણી આંખ સામે તેઓ આપણી અપેક્ષાઓના લીરા ઉડાવે છે. આપણે આવું નિયમિત જોતા આવ્યા છીએ અને પછી આપણેને એની ટેવ પડી જાય છે કે રાજકારણીઓ તો ભ્રષ્ટ, બેઈમાન અને સ્વાર્થી જ હોય, એવું આપણે સ્વીકારી લઇએ છીએ. એ જુઠ્ઠું બોલે, જવાબદારી ન લે, ભૂલોનો સ્વીકાર ન કરે, ગેરમાર્ગે દોરે, સવાલોના જવાબ ન આપે તો એ આપણને નોર્મલ લાગે છે. એ જ રાજકારણીઓ સફળતાનો યશ લેવા સૌથી આગળ હોય છે. એટલા માટે જ આપણી રાજકીય વ્યવસ્થાઓ અને તેને ચલાવતા લોકોમાંથી આપણો વિશ્વાસ ઘટી ગયો છે.
ભારતમાં લોકશાહીને જોઈ કોઈ ચીજનો લૂણો લાગ્યો હોય, તો તે છે અનૈતિકતાનો. એક સમાજ તરીકે પણ આપણામાંથી નૈતિક મૂલ્યો ખોવાતાં જઈ રહ્યાં છે અને તેનું જ પ્રતિબિંબ રાજકારણમાં જોવા મળે છે. જેમ એક ઘરમાં સંતાન તેના પેરેન્ટ્સ અને પરિવારજનોના વિચારો અને આચરણ જોઇને મોટું થયા પછી એવો જ વ્યવહાર કરતું થાય છે, તેવી રીતે આપણી પેઢી પણ તેના વડીલોના નકશે કદમ પર ચાલે છે.
ભારતીય રાજકારણમાં એવું મનાય છે કે નૈતિક મૂલ્યોનાં પતનની શરૂઆત ઇન્દિરા ગાંધીના સમયથી થઇ હતી. ઇન્દિરાના પુરોગામી અને પિતા જવાહરલાલ નહેરુ નવી નવી લોકશાહીને નૈતિકતાના ખીલે બાંધીને ઉછેરી રહ્યા હતા. તેમની બીજી અનેક નિષ્ફળતાઓ હશે, પણ તેમની રાજકીય નૈતિકતા સંદેહથી પર હતી. ઉપર વાત કરી તે લાલબહાદુર શાસ્ત્રી તો નહેરુ કરતાં ય આદર્શવાદી હતા. નહેરુ તો રઈસ ખાનદાનના હતા, પણ શાસ્ત્રી એક ગરીબ ખેડૂતના સંતાન હતા અને ગૃહ પ્રધાન તેમ જ વડા પ્રધાન બન્યા હોવા છતાં ગરીબીમાં જ મૃત્યુ પામ્યા હતા.
તેઓ ‘ગૃહ વગરના ગૃહ પ્રધાન’ તરીકે ઓળખાતા હતા. શાસ્ત્રી સાદું જીવન અને ઉચ્ચ વિચારનું જીવતું ઉદાહરણ હતા. તેઓ બે રૂમના સરકારી ઘરમાં રહેતા હતા. રેલવે મંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી તેમણે તેમની સરકારી કાર જમા કરાવી દીધી હતી અને બસમાં ફરતા હતા. આજે દિલ્હીમાં મંત્રીપદ છોડનારા રાજકારણીઓ તેમના સરકારી બંગલાઓ ખાલી કરતા નથી.
ઇન્દિરા પછી સાદગીની જગ્યાએ રઈસી આવી. રાજકીય વિચારક એસ. ગુરુમૂર્તિ એક જગ્યાએ લખે છે કે ઇન્દિરા ગાંધીએ રાજકીય નૈતિકતાને પદભ્રષ્ટ કરીને રાજકીય સત્તાનો રાજ્યાભિષેક કર્યો હતો. ઇન્દિરાની એ ‘નવીન રાજનીતિ’નો સૌથી પહેલો પ્રયોગ 1969માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં થયો હતો. એ વખતે, રાષ્ટ્રપતિ ઝાકીર હુસેનના અવસાન પછી, કાઁગ્રેસ પાર્ટીના જ, સિન્ડીકેટ નામથી જાણીતા જૂથે નીલમ સંજીવ રેડ્ડીનું નામ સૂચવ્યું હતું. ઇન્દિરાએ પાર્ટી પર પોતાની પકડ મજબૂત કરવા માટે ઉપ-રાષ્ટ્રપતિ વી.વી. ગિરિને ઊભા કર્યા હતા. કાઁગ્રેસના જ બે ઉમેદવાર! છેલ્લે, ઇન્દિરાએ ‘આત્માના અવાજ’ પ્રમાણે મત આપવા સંસદ સભ્યોને અપીલ કરી હતી અને ગિરિ એમાં ચૂંટાઈ ગયા હતા.
એ પછી ઇન્દિરાએ કાઁગ્રેસના જ વિરોધીઓની મદદ લઈને કાઁગ્રેસ પક્ષમાં બે ફાડિયાં કર્યા હતાં અને આજની કાઁગ્રસ(આઈ)નો તેમાંથી જન્મ થયો હતો. પાર્ટી પર પોતાની લોખંડી પકડ મજબૂત કરવા બંધારણ બદલી નાખ્યું હતું. જાણીતા અર્થશાસ્ત્રી નાની પાલખીવાલાએ કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ બંધારણનું મોઢું ‘કાળું’ કર્યું હતું. ગુરુમૂર્તિ કહે છે, “ઇન્દિરા ગાંધીએ રાજકારણમાં રાજકીય નૈતિકતા નહીં, પણ રાજકીય સફળતાને માપદંડ બનાવ્યો હતો.”
ઇન્દિરા પહેલાં વડા પ્રધાન હતાં જેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ થયો હતો. સસ્તી કાર(મારુતિ)ના નામે તેમની સરકારે તેમના દીકરા સંજય ગાંધીને બધી જ સવલત કરી આપી હતી અને તેમાં સંજયે બહુ રૂપિયા બનાવ્યા હતા. એ પહેલાં વડા પ્રધાન હતાં, જેમનું નામ ખૂન કેસમાં ઊછળ્યું હતું. તેમના જેવો જ અવાજ કાઢીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 60 લાખ રૂપિયા ઉપાડી લેનારા રુશ્તમ સોહરાબ નગરવાલાનું જેલમાં સંદેહાસ્પદ અવસાન થતાં ઇન્દિરા તરફ આંગળી ચિંધાઈ હતી. આ આખી ઘટના પર સરકારે તપાસ પંચ બેસાડ્યું હતું.
‘આયારામ-ગયારામ’ અને પાટલી બદલવાના રાજકારણની શરૂઆત પણ ઇન્દિરા વખતે જ થઇ હતી. તેમની અનૈતિક રાજનીતિનું ‘ભવ્ય’ ઉદાહરણ 1975ની કટોકટી હતી, જ્યારે તેમણે લોકશાહીના તમામ સિદ્ધાંતોને નેવે મૂકી દઈને એકહથ્થુ શાસન ચલાવ્યું હતું. ઇન્દિરાએ જેલમાં પૂરી દીધેલા તેમના વિરોધી જયપ્રકાશ નારાયણે જેલમાંથી લખ્યું હતું કે, “ઇન્દિરાને લોકશાહીની મહાન વ્યવસ્થાઓ અને મૂલ્યો વારસામાં મળ્યાં હતાં, પણ તેમણે તેને કાટમાળ બનાવી દીધો હતો.”
આપણે લોકશાહીનું નહીં, લોકશાહીના કાટમાળનું ગૌરવ લઇએ છીએ.
પ્રગટ : ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 04 જુલાઈ 2022
સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર