Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9385070
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંચમહાલનું નાયકા-આંદોલન

અરુણ વાઘેલા|Samantar Gujarat - Samantar|17 April 2018

ગામની ટપાલપેટીનું તળિયું સડી ગયું હોય, નિશાળના માસ્તરોને અહીં આવવા કરતાં જવાની ઉતાવળ વધારે હોય, મારા-તમારા જેવાં તો ખરાં જ પણ પોલીસ અને સરકારના માણસો પણ અહીં આવતા ફફડતા હોય, અજાણ્યાઓને જોતાં જ ગામ આખું જંગલમાં અલોપ થઈ જતું હોય અને સૂર્યાસ્ત પછી તો ઠીક ભરબપોરે પણ એકલ-દોકલ વ્યક્તિ માટે જવું કાઠું હોય એવા ગામ વિશે તમને કોઈ કહે, તો તમે સાચું માનો ખરાં ? મોટા ભાગના સાંભળનારાં-વાંચનારાં એકીઝાટકે કહી દેશે . . . ‘ના, ના, આવું ગામ તો વળી આપણા ગુજરાતમાં હોતું હશે ?’

પણ હા, આવું ગામ હતું, આપણા જ ગુજરાતમાં. પાવાગઢ પર્વતની બગલમાં હાલોલ તાલુકાના રામેશરા પાસે વસેલું ડેસર ગામ. આજે ત્યાં બે ફળિયામાં માત્ર ૧૦૪ ઘર અને ૧૨૦૦ નાયક આદિવાસીઓની જ વસ્તી છે. ગામમાં માત્ર બેથી ત્રણ યુવાનો ૧૦મું પાસ છે અને હમણાં એક યુવાન આઈ.ટી.આઈ. પાસ કરી કંપનીમાં ગોઠવાયો છે. ગામમાં સાત ધોરણ સુધીની જ શાળા છે. શ્રવણના નામ પરથી શ્રવણ તળાવ અને મધ્યકાલીન શિવ મંદિર એ ગામની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે. એક-બે ઘરને બાદ કરતાં બધાં કાચાં ઝૂંપડાં એ ગામની આર્થિક પૃષ્ઠભૂમિ.

પાવાગઢ પર્વતમાળાની પોપટઘાટીમાં વસેલા ડેસર ગામની મથરાવટી એટલી મેલી હતી કે એક સમયે (કેટલેક અંશે આજે પણ) આખા પંથકના લોકો ડેસરને ‘ચોર-લૂંટારાના ગામ’ તરીકે જ ઓળખતા હતા. આજુબાજુ ક્યાં ય પણ ચોરી થાય, તો શંકાની સોય ડેસર તરફ વળતી અને ભોંકાતી. પોલીસનો કાફલો ડેસરને ઘમરોળતો. સાચા-ખોટાના ભેદભાવ વગર બધા નાયક આદિવાસીઓની થર્ડ ડિગ્રી થતી. જાણકારો, સ્થાનિકો તો ત્યાં સુધી કહે છે કે આજથી બે દાયકા પહેલાં તો તમે ભૂલેચૂકે બાઇક કે ગાડી લઈ ડેસર જાઓ તો સનનન્‌ કરતું તીર આવી ચડે તમારા વાહનના ટાયરમાં, માનો કે તમે સમૂહમાં ડેસર પહોંચો છો તો ગામ આખું ડુંગરની બીજી બાજુ ઊતરી જંગલમાં અલોપ થઈ જતું. મેં પોતે ડેસરથી ૩૫-૪૦ કિલોમીટર દૂર ગોધરામાં જિંદગીનાં ૧૨ વર્ષ વિતાવ્યાં છે. ડેસર પણ બીતાં-બીતાં બે-એક વાર ગયો છું. આ ગાળામાં તો સ્થાનિક સમાચારોમાં ડેસર અને તેના નાયકોની પ્રવૃત્તિઓ સતત ચમકતી રહેતી. અમારી તારીખ ૧૮ ઑક્ટોબર, ૨૦૧૫ની ડેસરની તાજી મુલાકાત વખતે, ડેસર જોવાને અમારા ચહેરાં ઉત્સુક હતા પણ હૈયું તો ફફડતું જ હતું.

ગત સદીના ૭૦ના દાયકામાં ભુદર નાયક અને મનસુખ નાયક તેમના સૂત્રધારો હતા. તેના નામથી હાલોલ વિસ્તારમાં ફેં ફાટતી, બહારવટિયા તરીકે ભુદરનાં પરાક્રમો આજે પણ લોકજીભે રમે છે. આ એ ભુદર હતો કે અકસ્માતે પોલીસના હાથે ઝડપાયો પણ પોલીસને તે ભુદર હોવાની જાણ થતાં જ કેટલા ય પોલીસકર્મીઓને પરસેવો છૂટી ગયેલો, તો કેટલાકનાં પાટલૂન પણ પલળી ગયેલાં. ભુદરને પોલીસચોકી સુધી પહોંચાડતાં પહેલાં ગાડાની ઘૂંસરી સાથે બાંધેલો, પણ આ બળિયો ત્રણ કિલોમીટર સુધી ગાડું ખેંચી ગયેલો.  ભુદર નાયક વિશે તો ‘ભુદર તારી ભૂતાવળ’ નામનું પુસ્તક પણ લખાયું છે. ’૯૦ના દાયકામાં અહીં વરસંગ કાંતિ નામનો બીજો બહારવટિયો પાક્યો. તેણે તો પંચમહાલ-વડોદરા જિલ્લામાં ખુલ્લેઆમ બહારવટા દ્વારા હાહાકાર મચાવી દીધેલો. ૧૯૮૫માં સ્થાનિક પોલીસે તેનું ઍન્કાઉન્ટર કરી નાંખ્યું. ભૂતકાળમાં તેઓ જાસો મોકલી ડકૈતી કરતા, પણ કદી હિંસક વ્યવહાર કરતા નહીં. આજે ડેસરમાં એકહથ્થુ બહારવટાગીરી ચાલતી નથી. વરસંગ કાંતિના બે છોકરાઓ નામે વેચાત અને વિનોદ આજે ગોધરા અને છોટાઉદેપુરની જેલમાં છે. (૨૦૧૫) આ હકીકતો અને વાયકાઓ છે ડેસર ગામની.

આટલું વાંચ્યા પછી કોઈને એવું પણ થાય કે આવા ગામને તો તોપના ગોળે ઉડાવી દેવું જોઈએ, ગામ પર બૉમ્બમારો કરવો જોઈએ, વગેરે, વગેરે . . ., પણ તમે આવું વિચારતાં પહેલાં લગીર મને સાંભળશો? સૌ પ્રથમ તો ડેસર ગામના નાયકો દ્વારા થતી આવી પ્રવૃત્તિઓ આજકાલની નથી. પાછાપગે ચાલતા જાવ તો ૧૯૯૦, ૮૦, ૭૦, ૬૦ અને એ પહેલાંના ય દાખલાઓ જડે. આટલા લાંબા ગુનાહિત પ્રવૃત્તિઓના ઇતિહાસ વિશે વાંચીને એવો પ્રશ્ન અવશ્ય થવો જોઈએ કે ત્યાંની પોલીસ શું માખો મારે છે! વહીવટીતંત્ર ચિરનિદ્રામાં છે? એનો જવાબ છે ‘ના’. ૨૪ જુલાઈ, ૧૯૫૭ના ‘લોકસત્તા’ દૈનિક મુજબ પંચમહાલના માથાભારે નાયકાઓને પકડવા માટે, જાનમાલની સલામતી માટે પંચમહાલ-વડોદરા જિલ્લામાં માઉન્ટેડ પોલીસ મૂકવામાં આવી હતી, પણ પહાડી પ્રજા તાજી પહાડી પોલીસના હાથમાં આવે ખરી? પરિણામ મળ્યું હશે પણ અધકચરું! બીજો પ્રયત્ન પંચમહાલના લોકપ્રિય ડી.એસ.પી. આર.ડી. ઝાલા, સાહેબનો હતો. તેમણે સિપાઈગીરી તડકે મૂકી માનવતાવાદી દૃષ્ટિકોણથી ગામના નાયક આદિવાસીઓની માનસિકતાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો, પણ નિષ્ફળતા. આવા જ પ્રયત્નો ભૂતપૂર્વ કલેક્ટરો દિનેશ બ્રહ્મભટ્ટ અને શ્રીમતી જયંતી રવિના રહ્યા હતા. ભૂતપૂર્વ માહિતી નિયામક ડૉ. દલપત પઢિયારે વિધિવિધાન વગરના ધર્મ દ્વારા નાયકાઓનું જીવન પલટવાનો પ્રયત્ન કર્યો હતો. સાંપ્રતમાં કાળુ નાયક ઊર્ફે કાળુ ટપાલી નામના સ્થાનિક આદિવાસી નેતા પણ ધર્મના સથવારે ડેસરની જૂની છાપ ભૂંસવા મથી રહ્યા છે પણ ધારી સફળતા મળતી નથી. (આ વાત એટલા માટે કે અમારી તાજેતરની મુલાકાત વખતે ‘હું ડેસર જાઉં છું’ એવું સાંભળતા જ હાલોલ અતિથિગૃહનો સ્ટાફ ચોંકી ગયેલો. રસ્તામાં તલાવડી ગામથી ડેસર સુધીના છ-સાત કિલોમીટરના રસ્તામાં અવરજવરના નામે અમને એક માત્ર બાઇકસવાર મળેલો.)

આવા નિષ્ઠાવાન પ્રયાસો પછી પણ નાનકડું ડેસર સુધરતું ન હોય તો શું એમ સમજવું કે ડેસરના નાયકાઓ દૈવીશક્તિ ધરાવે છે કે તેમને કોઈ મોટા માથાની ઓથ મળી હશે? આ બંનેમાંથી એકે ય સાચું નથી. તો હે વાચક! તને થતું હશે કે આ કોઈ ગુત્થી, પઝલ ઉકેલવાની વાત હશે? આવી ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા લોકો, ગામ વિશે તારી સહનશક્તિ ખૂટી હશે? આવ તને લગીર એના ઊંડાણમાં લઈ જાઉં, અતીતના ગર્ભમાં જઈએ.

II

આગળ આપણે પંચમહાલના ડેસરના નાયક આદિવાસીઓની વાત કરી. તેઓ ભૂતકાળમાં ‘નાયકા’ અને ‘નાયકડા’ તરીકે પણ ઓળખાતા હતા. આખા પંચમહાલમાં તેઓ વિખરાયેલા છે. પણ મુખ્ય વસ્તી દેવગઢબારિયાથી હાલોલ વચ્ચેના પટ્ટામાં. આ વિસ્તારમાં એક અંદાજ મુજબ નાયક વસ્તીબળ એકાદ લાખનું ખરું ! ૨૦૧૧ના વસ્તીપત્રક મુજબ ગુજરાતમાં તેઓની વસ્તી ૪,૫૯,૯૦૮ વ્યક્તિઓની છે. જેમ્સ કૅમ્પબેલ (૧૮૭૯, ૧૮૮૦), આર.ઈ. એન્થોવાન (૧૯૨૨), પી.જી. શાહ ( Naika-Naikdas, ૧૯૫૯) અને આ લખનાર (વિસરાયેલા શહીદો : પંચમહાલના નાયક આદિવાસીઓનો આઝાદીનો જંગ, ૨૦૧૧, ૨૦૧૫) વગેરેએ તેમના જીવનને વિવિધ દૃષ્ટિકોણથી પ્રમાણવાનો પ્રયત્ન કર્યો છે. સુપ્રસિદ્ધ ગુજરાતી નાટ્યલેખક શ્રી ચં.ચી. મહેતાએ ‘હું પરમેશ્વર’ નામે નાટક લખ્યું છે. (મૂળ તો ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈના ‘અર્વાચીન ગુજરાતનો ઇતિહાસ’ પુસ્તકમાં નાયકાઓનાં ૨-૩ પાનાંના ઇતિહાસને મદ્દેનજરમાં રાખી તેમનું નાટક લખાયું છે, જેમાં નાયક આદિવાસીઓનું ઇતિહાસના માધ્યમથી સંસ્કૃિતકરણ કરવાનો મુદ્દો જ છે. ચં.ચી. મહેતાનાં પ્રતિનિધિ નાટકો, ૧૯૯૭)

નાયક મૂળ આજે જ્યાં વસે છે, ત્યાંની પ્રજા જણાતી નથી. એક મત પ્રમાણે મહમૂદ બેગડાના આક્રમણ પહેલાં તેઓ ચાંપાનેર રાજ્ય અને ત્યાંના અમીરોને ત્યાં ઘોડા પાળવાનું તથા સિપાઈગીરીનું કામ કરતા હતા. ચાંપાનેરના પતન (૧૪૮૪) પછી તેઓ ત્યાંથી નાઠા, જંગલોમાં ભરાણા. તેમાંના એકે પોતાના બાહુબળથી આજના નારૂકોટની જગ્યાએ નાનકડું રજવાડું સ્થાપ્યું હતું. અગાઉ ટોકલપુર તરીકે ઓળખાતા આ સ્થળને પોતાના નામ નારૂ પરથી નારૂકોટ નામ આપ્યું હોવાની વાયકા પણ પ્રચલિત છે. બીજા એક મત મુજબ મહારાષ્ટ્રના બાગલાનના રાજાએ ચાંપાનેરના રાજા જયસિંહદેવ પતાઈને કેટલાક સૈનિકો ભેટ આપ્યા હતા, તેના વંશજો તે આજના નાયક. આ વાત પણ તથ્યવાળી છે, કારણ કે નાયકી ભાષામાં મરાઠી શબ્દોનું મિશ્રણ જણાય છે અને નાયક આદિવાસીઓમાં લશ્કરી મિજાજ તો જન્મજાત છે જ. વંશ-જાતિનો મુદ્દો નૃ-વંશશાસ્ત્રીઓ પર છોડી આપણે આગળ વધીએ.

આવા સ્થળાંતરિત અને લડાયક મિજાજ ધરાવતા નાયકાઓનો લાંબો ઇતિહાસ છે, પરંતુ ગુજરાતનો ઇતિહાસ આજે પણ રાજમહેલો, શહેરો અને ભદ્રવર્ગ કેન્દ્રિત છે. જાણે કે ગામડાંઓ અને વંચિત સમૂહો અપરિવર્તનશીલ ન હોય ? શું ગામડાંઓ-વંચિતોનો અતીત કોરો ધાકોર છે ? આજે ફૅશનના બહાને, રૂપાળાં નામો હેઠળ વંચિતોનો ઇતિહાસ લખાય છે પણ મુખ્ય ધારાના પરિવેશમાં જ, તેમના આશ્રિતો કે સહાયકોની ભૂમિકામાં. ‘વંચિતો ઇતિહાસનિર્માતાની ભૂમિકા’ વાળી વાત ગુજરાતના ઇતિહાસમાં આવવાની હજુ બાકી છે.’ (ડેવિડ હાર્ડીમેનને અપવાદ ગણતા).

સાંસ્થાનિક ગુજરાતમાં સૌથી મજબૂત અને આરપારના જંગવાળો ઇતિહાસ એ અગાઉ ઉલ્લેખ કર્યો તે નાયક આદિવાસીઓનો. ગુજરાતમાં જેવું બ્રિટિશશાસન શરૂ થયું (૧૮૧૮), ત્યારથી નવા રાજ્ય સામે આદિવાસીઓનો પ્રતિકાર પણ શરૂ થયો. એનું કારણ એ હતું કે બ્રિટિશ મૂડીવાદી વિચારધારાએે ભારતમાં નિર્જીવ બાબતોમાં પણ નિજી સ્વાર્થો જોયા હતા. જળ, જમીન અને જંગલ જેવી પ્રાકૃતિક સંપદાઓ પર મજબૂત સકંજો કસાયો. વળી, કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિ સ્થાપવાને નામે પરંપરાગત વ્યવસ્થાતંત્રમાં ઊથલપાથલો કરી એ જુદું. અત્રે ખાસ નોંધપાત્ર છે કે બ્રિટિશરાજપૂર્વે ગુજરાતમાં રજવાડી શાસનો હતાં, પરંતુ તેઓએ આદિવાસીઓના પરંપરાગત વ્યવસ્થાતંત્રમાં દખલગીરી કરી હોય તેવા દાખલા જડતા નથી. આદિવાસીઓની પોતીકી ન્યાયવ્યવસ્થા, પંચ-પંચાયતો વગેરે બાબતે રજવાડાંઓ તરફથી મૂક બહાલી જેવી સ્થિતિ હતી. અર્થાત્‌ આદિવાસી ક્ષેત્રો કોઈ પણ પ્રકારના કાનૂની દાયરાની બહાર હતાં. આને કારણે અંગ્રેજોના આવ્યા સુધી ગુજરાત (૧) મેદાની ગુજરાત અને (૨) રાની ગુજરાત એવા વિભાગોમાં સ્પષ્ટપણે વહેંચાયેલું રહ્યું હતું, પરંતુ બ્રિટિશ શાસન આવ્યા પછીની સ્થિતિ જુદી હતી. ભારતમાં અંગ્રેજી શાસનને છેવાડાના વિસ્તારો સુધી ફેલાવવા માટે અંગ્રેજોએ કેન્દ્રથી શરૂ કરી ગામડાંઓ સુધી સત્તાના સ્તરો (Layers of the power) તૈયાર કર્યાં. જેવાં કે રજવાડાં; – સામંતો, જાગીરદારો, જમીનદારો અને છેલ્લે ગામડાંના તલાટી, મુખી, પટેલ વગેરે. આ બધા દેખાવે ભલે ભારતીય કે કાળા હતા, પરંતુ માનસિક અને આર્થિક રીતે અંગ્રેજોના ખોળે હતા. આ વહીવટી વ્યૂહરચના ન સમજાય તો ભારતમાંનો બ્રિટિશ શાસનનો ઇતિહાસ ન સમજાય. અત્રે નોંધવું રસપ્રદ થઈ પડશે કે દેશને આઝાદી મળી ત્યારે અંદાજે ત્રણ લાખ કરતાં વધુ અંગ્રેજો અહીં ન હતા. હવે પ્રશ્ન એ થાય કે આવા ત્રણ લાખ ગોરાઓએ ૪૫ કરોડ ભારતીયો (૧૯૪૫ સમયે ભારતની અંદાજિત વસ્તી) પર કેવી રીતે રાજ્ય કર્યું? 

અંગ્રેજોના તાબામાં આવ્યા પછી સત્તાનાં ઉપર્યુક્ત સ્તરો કાર્યરત થયાં. અત્યાર સુધી જમીન, જંગલો અને કુદરતી સંપત્તિનો વિવેકપૂર્વક ઉપયોગ કરતાં આદિવાસીઓ આ મુદ્‌ે પરાધીન થયા. તેમનું પરંપરાગત વ્યવસ્થાતંત્ર લુપ્ત થવાની શરૂઆત થઈ. વેઠપ્રથા જેવાં અનેક અમાનવીય દૂષણો મજબૂત બન્યાં. સમગ્રતયા આદિવાસીઓનું જીવન દોહ્યલું બન્યું, પરંતુ ખાસ બાબત એ હતી કે અન્ય પ્રજાઓની જેમ આદિવાસીઓએ નવાં વહીવટી પરિવર્તનોને સરળતાથી અને ઝડપથી સ્વીકાર્યાં ન હતાં. બ્રિટિશ શાસને રજવાડાઓ અને તેમના આશ્રિતોના સથવારે આણેલાં પરિવર્તનોની પહેલી અને તીખી પ્રતિક્રિયા પંચમહાલના નાયકાઓએ આપી. ૧૮૧૮, ૧૮૨૬, ૧૮૩૭-૩૮, ૧૮૫૪, ૧૮૫૭-૫૯ અને છેલ્લે ૧૮૬૮, આ વર્ષોમાં તો માત્ર પંચમહાલના નાયકાઓનાં બળવા-આંદોલનોનો ઇતિહાસ છે. પંચમહાલના ભીલ, રાજપીપળાના વસાવાઓ અને ડાંગના ભીલ રાજાઓનો ઇતિહાસ તો જુદો. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે આદિવાસી એટલે સામાન્ય રીતે આપણે પગથી માથાં સાથે જીવનારા કે મજૂરિયા વર્ગ તરીકે માનતા હોઈએ છીએ, પણ પંચમહાલનો રૂપસિંહ નાયક (૧૮૧૫-૧૮૬૮) તો જમીનદાર હતો. જાંબુઘોડા તાલુકાના ડાંંડિયાપુરા ગામે તેનું મેડીબંધ ઘર, નોકર-ચાકર અને સેંકડોની સંખ્યામાં ગાય-ભેંસ, બકરાં અને ઊંટ હતાં.

મહાત્મા ગાંધીનો જન્મ થવાને હજુ એક વર્ષની અને રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપનાને ૧૭ વર્ષની વાર હતી, ત્યારે પંચમહાલના નાયક આદિવાસીઓના ઇતિહાસ અને કરુણ વર્તમાનનો અધ્યાય રચાયો હતો. ૧૮૬૮માં જાંબુઘોડા તાલુકાના વડેક ગામનો જોરિયા કાલિયા નાયક (૧૮૩૮-૧૮૬૮) નામનો ૩૦ વર્ષનો યુવાન ધર્મના રંગે રંગાયો. તેણે દૈવી કે ચમત્કારિક શક્તિઓ હોવાના બળે પરમેશ્વર હોવાનો દાવો કર્યો. સદાચારી, પરિશ્રમી, પ્રામાણિક જીવન જીવવાના બોધપાઠ આપવાની સાથે તેણે નાયકાઓને માંસાહાર, પશુહિંસા, ચોરી-લૂંટફાટથી દૂર રહેવાનો ઉપદેશ કર્યો હતો. બે-ત્રણ મહિનામાં જ તેના ઉપદેશો અને વ્યક્તિત્વે હજારો લોકોને તેના શિષ્યો બનાવ્યા, જેમાં નાયક, બારિયા, રાઠવા ઉપરાંત હજામ અને મુસ્લિમોનો પણ સમાવેશ થતો હતો. તેણે પોતાના વતન વડેકમાં ધાર્મિક અદાલતની સ્થાપના કરી ન્યાય તોળવાનું કાર્ય પણ કર્યું હતું. જોરિયો ઊડી શકતો, તલવાર-લાકડીના સ્પર્શ માત્રથી દુશ્મનોને મારી શકતો, એવી અનેક વાયકાઓ તેના વ્યક્તિત્વ સાથે સંકળાયેલી છે. આ લોકવાયકાઓને ભલે આજે આપણે ન સ્વીકારીએ પણ તે સમય જેટલી જ આજે પણ નાયકાઓમાં પ્રચલિત છે.

જોરિયો નાયકાઓનો ધર્મપુરુષ હતો, પરમેશ્વર હતો. સમકાલીન દસ્તાવેજોમાં તો નોંધાયું છે કે, તેના ચુંબકીય વ્યક્તિત્વથી આખો પંથક પ્રભાવિત હતો. લોકો તેના દર્શન કરવા અને શિષ્ય બનવા માટે પડાપડી કરતા હતા. તેનો પડ્યો બોલ ઝિલાતો. આ અનુયાયીવર્ગ જોરિયાની તાકાત હતો. જે કોઈ પણ નેતા માટે અનિવાર્ય હોય છે. જોરિયો આ સંગઠિત શક્તિ પર મુસ્તાક હતો. આ ગાળામાં નાયક-ઇતિહાસે કરવટ બદલી. આગળ આપણે જેની જિકર કરી તે રૂપસિંહ નાયક જોરિયાના પરિચયમાં આવ્યો. જોરિયાની દૈવી કે ચમત્કારિક શક્તિથી પ્રભાવિત થઈ તેનો શિષ્ય બન્યો. (જાન્યુ. ૧૮૬૮) તે પોતાના જાગીરી વિવાદ માટે નારૂકોટ સંસ્થાન અને અંગ્રેજો સામે લડી રહ્યો હતો. બંનેનું મિલન એકબીજાને પૂરક નીવડ્યું. આગામી યોજનામાં બંનેએ ભેગા મળી જાંબુઘોડા વિસ્તારમાં ‘નાયકીરાજ’ સ્થાપવાનો સંકલ્પ કર્યો.

૧૮૫૭ના સંગ્રામમાં પણ ખમીરવંતા નાયક આદિવાસીઓ અંગ્રેજો સામે ઝનૂનપૂર્વક લડ્યા હતા. પણ તેઓ કશું હાંસલ કરી શક્યા નહીં. ઊલટું સત્તાવનના સંગ્રામ પછી હથિયારબંધી કાયદાથી તેમનાં તીરકામઠાં પણ છીનવી લેવાયાં હતાં. ૧૮૬૪માં જંગલરક્ષણ કાયદો આવ્યો. ઉપરાંત વેઠપ્રથા જેવાં અનેક બંધનોથી નાયકાઓ લદાયેલા હતા. બંધનોમાંથી મુક્તિનો ઉપાય તેમને નાયકીરાજની સ્થાપનામાં જણાયો. તેને મૂર્તિમંત કરવા તીરકામઠાં, દેશી બંદૂકો અને વિશાળ વંચિત સમુદાયના સથવારે તેઓ મેદાને પડ્યા. તેના ભાગ રૂપે ૨ ફેબ્રુઆરી ૧૮૬૮થી ૧૫ ફેબ્રુઆરી ૧૮૬૮ દરમિયાન તેમણે હિંસક હુમલાઓ શરૂ કર્યા. પહેલો હુમલો તારીખ ૨ ફેબ્રુઆરી, સ્થળ રાજગઢનું પોલીસથાણું. ત્રણ હત્યા અને લૂંટફાટ. આ સમયે તેઓ ડકૈતી કે હુમલાઓ સરકારી મકાનો-મિલકતો પર જ કરતાં, વ્યક્તિગત ધોરણે નહીં. દરમિયાન જોરિયા પરમેશ્વરની ચમત્કારિક શક્તિનું પારખું કરવા મથતા શિવલાલ મહેતા નામના રાજગઢ થાણાના કારકુનને તો તલવારના ઝાટકે ઉડાવી દીધેલો. તરત જેતપુર, જાંબુઘોડા, શિવરાજપુર પર આક્રમક હુમલાઓ. જેતપુરના હુમલામાં તો નાયકાઓએ છોટાઉદેપુરના રાજાને પણ ઊભી પૂંછડીએ ભગાડેલો. અંગ્રેજ અને રજવાડાંઓના અનેક સૈનિકોને જાનથી માર્યા, તો ૨૦થી ૨૨ જેટલા નાયક-બારિયા યોદ્ધાઓ પણ ગુમાવ્યા. આ બધાની વચ્ચે નાયક-આંદોલન અંગ્રેજ શાસન માટે માથાનો દુખાવો બનતું ગયું. ૧૮૬૮ના એક સરકારી દસ્તાવેજમાં નોંધાયું છે કે જોરિયા-રૂપસિંહના આંદોલન પછી જાંબુઘોડાની ચોમેર ૨૦ માઈલના વિસ્તારમાં વસતો દરેક માણસ એવું માનતો હતો કે બ્રિટિશ રાજ્યનો અંત આવ્યો છે અને જોરિયા-રૂપસિંહ નાયકનું શુકનિયાળ રાજ્ય શરૂ થઈ ચૂક્યું છે. આ જ દસ્તાવેજમાં સ્થાનિક વહીવટીતંત્રએ નાયકાઓની ફડક કે ગમે તે કારણે આવાં મોટાં પરિવર્તનોની જાણ ઊપલી કક્ષાએ કરવાનું ટાળ્યું હોવાનું નોંધાયું છે. નાયક-આંદોલનના આવા સોનેરી દિવસો બ્રિટિશ કાયદો-વ્યવસ્થાની સામે મોટો પડકાર હતો. સામ, દામ, દંડ, ભેદની નીતિથી નવાબો, મહારાજાઓનું પાણી ઉતારી દેનાર અંગ્રેજો નાયક આદિવાસીઓની ગુસ્તાખી તો ક્યાંથી સહન કરે? પરિણામે શરૂ થયું ઑપરેશન નાયક.

૧૬ એપ્રિલ ૧૮૬૮(આ વર્ષે આ મહાન ઘટનાને ૧૫૦ વર્ષ પૂરાં થયાં)ના રોજ અંગ્રેજ, ગાયકવાડ અને અન્ય રજવાડાંના લગભગ ૧૧૦૦ સૈનિકોએ જોરિયાના વતન વડેક પર હુમલો કર્યો. નાયકાઓ બહાદુરીથી લડ્યા, મરણિયા થયા. જોરિયો તો બબ્બે તલવારો સાથે લડ્યો હોવાનું અંગ્રેજોએ નોંધ્યું છે. પણ બંદૂકો, પિસ્તોલો અને તોપગોળાની સામે દેશી બંદૂકો અને તીરકામઠાં ક્યાં સુધી ટકી શકે? આખરે નાયકાઓ હાર્યા, જંગલોમાં ભાગ્યા. તેમને પંચમહાલ ભીલપલટન(૧૮૫૮-૧૮૯૩)ની મદદથી ખોળી કાઢવામાં આવ્યા. પકડાયેલાઓની સંખ્યા સેંકડોમાં હતી. તેમાંથી ૫૮ને ગુનેગાર તરીકે નોખા તારવવામાં આવ્યા. ખાસ કોર્ટ દ્વારા તેમાંથી પાંચને ફાંસી, ૨૩ને જન્મટીપ અને ૩૦ ને ૩ વર્ષથી લઈ ૭ વર્ષ સુધીની આકરી કેદની સજા ફટકારવામાં આવી. આ આખો કાનૂની ઉપક્રમ માત્ર ૬૦ દિવસમાં આટોપી લેવામાં આવ્યો. સજા પામનારાઓમાં છોટાઉદેપુરથી લઈ હાલોલ સુધીના પટ્ટાના નાયકા-બારિયાઓ હતા. પૂરો માહોલ ‘રક્ત ટપકતી સો-સો ઝોળી સમરાંગણથી આવે’ જેવો હતો. ‘કોઈના લાડકવાયાઓ’(Somebody's Darling)ની આ શહીદી હતી. મેઘાણીના લાડકવાયાની જેમ નાયક શહીદોની આરસ-ખાંભી પણ ખોડાઈ નથી, પણ અહીં હું તેમના ઐતિહાસિક પુરુષાર્થની માનસિક ખાંભી ગૌરવ સાથે રોપું છું.

નાયક આદિવાસીઓ વિરુદ્ધની કાનૂની કાર્યવાહીની વાત અહીં પૂરી થતી નથી. સ્થાપિત હિતો નાયક-આંદોલનને નામશેષ કરી દેવા મક્કમ હતા. તેના ભાગ રૂપે આંદોલનનાં પગરણ જ્યાંથી મંડાયાં હતાં, તે વડેક અને ડાંડિયાપુરા ગામોમાંથી નાયકાઓ ખદેડી મૂકવામાં આવ્યા. તે પછી પણ આ ગામોને દસ વર્ષ સુધી ડેપ્યુટી પોલીસ-કમિશનરની ચાંપતી દેખરેખ હેઠળ રખાયાં હતાં. એક સંશોધક તરીકે હું દાવા સાથે કહું છું કે બ્રિટિશ શાસન હેઠળ ગુજરાતમાં કોઈ એક ઘટનામાં આટલી કડક, કઠોર કાર્યવાહી થઈ ન હતી. આ સાથે નાયક-આંદોલનનો એક વધુ અધ્યાય પૂરો થયો, કોઈના લાડકવાયાઓની શહીદી સાથે. ૧૮૬૮ના વર્ષે નાયક-આંદોલનને તો ક્રૂરતાપૂર્વક કચડી નંખાયું તો કાનૂની કાર્યવાહીએ નાયકપ્રજાને મુડદાલ કરી દીધી, પછીના ઇતિહાસપટ પરથી વિસ્તૃત કરી નાંખી. છતાં તેમણે બે મહિના સુધી ચલાવેલા હિંસક આંદોલનનું ખાસ મહત્ત્વ છે. મને ગાંડપણની હદે એ રહસ્ય જાણવાની જિજ્ઞાસા હતી કે તીરકામઠાં અને દેશી બંદૂકો જેવાં આછા-પાતળાં હથિયારોથી લડતા નાયક-બારિયાઓ એ જમાનાની જગતસત્તા બ્રિટિશ બહાદુર અને મૂછે લીંબુ ઠેરવનારા રજવાડાંઓનો મુકાબલો કેવી રીતે કરી શક્યા? આનો પૂરો જવાબ દસ્તાવેજોમાં ન હોય, ક્ષેત્રકાર્યમાંથી શોધવો પડે. આ ઇતિહાસને તેના અસલ રંગમાં પ્રગટાવવા માટે મેં દસ્તાવેજો જેટલું જ મહત્ત્વ રૂબરૂ મુલાકાતો,  સાક્ષાત્કાર અને સ્થળ મુલાકાતોને આપ્યું હતું. તેમાંથી પ્રાપ્ત જાણકારી મુજબ નાયકાઓ સામીછાતીની લડાઈ તો કરતાં જ, સાથે ગેરીલા કે છાપામાર લડાઈઓ વધુ કરતા. કેટલાક કિસ્સાઓમાં જાસો મોકલી જંગ છેડતા તો બીજી તરફ હુમલાઓ કરી જંગલની કુંડલીઓમાં (નાની ડુંગરીઓ) લપાઈ પણ જતાં. જે તેમના માટે માના પેટ સમાન હતી. ઘોડાઓની સાથે નીલગાય(રોઝ)ને કેળવી તેની પાસેથી ઘોડા કરતાં સારું કામ લેતા. આ રોઝ પહાડો ચડી જતાં, થોરની વાડ કે ૧૫-૨૦ ફૂટનું કોતર પણ ઠેકી જતાં. આવાં મર્યાદિત સાધનોની સાથે તેમનો અંદરનો જુસ્સો તો હતો જ, જેને ૧૬ એપ્રિલ, ૧૮૬૮ના નિર્દયી કાનૂની કાર્યવાહી દ્વારા કાયમ માટે ભંડારી દેવામાં આવ્યો.

પંચમહાલના નાયક-ઇતિહાસના દસ્તાવેજી આધારોની સાથે રસપ્રદ દંતકથાત્મક ઇતિહાસ પણ છે અને તે ક્યાં નથી હોતો? ૧૬ એપ્રિલ, ૧૮૬૮ના રોજ ખાસ કોર્ટે નાયકાઓને મૂળસોતાં ઉખેડી નાંખ્યા. આ કારસ્તાન માત્ર અંગ્રેજોનું ન હતું, રજવાડાઓ, જાગીર-જમીનદારો સૌ કોઈ તેમાં ખભેખભા મિલાવી કાર્યરત હતા. અંગ્રેજોના આ પીઠ્ઠુઓ નાયકાઓની ગતિવિધિઓ પર બાજ નજર ટેકવી તેની માહિતી ઉપલી કક્ષાએ પહોંચાડતા. તેમના ભેજામાંથી કેટલીક દંતકથાઓ નીપજી. જે મુજબ નાયક ક્રાંતિકેન્દ્રો વડેક અને ડાંડિયાપુરામાં નાયકાઓ જીવતા નથી, તેવો જોરિયા પરમેશ્વરનો શાપ છે, જો જીવી જાય તો ક્રાંતિકારી નેતા અથવા પરમેશ્વર થાય. આ ઉપજાવેલી કથા ખરેખર ઇતિહાસના કયા તબક્કે શરૂ થઈ તેની જાણકારી મેળવવી દુષ્કર છે, પણ તમે એક વાત વિચારો, આદિવાસીઓની ઈશ્વર અને ધર્મ વિશેની માન્યતા ભયમૂલક છે. તે પ્રમાણે ઈશ્વર અથવા દૈવી બાબતો નુકસાન જ પહોંચાડે છે, તેનાથી બચવા ભક્તિ, પૂજા-પાઠ, દોરા-ધાગા, મંત્ર-તંત્ર અત્યંત જરૂરી છે. આવી ધર્મભીરુ પ્રજામાં આવી અલૌકિક બાબતો શી અસર ન કરી શકે? અસર થઈ. આજે જાંબુઘોડા તાલુકાનાં વડેક અને ડાંડિયાપુરા ગામમાં એકપણ નાયક વસતો નથી. પાંચેક વાર અમે આ ગામોની મુલાકાત લીધી છે. સત્ય એ છે કે નાયકક્રાંતિની જ્યોત જ્યાંથી પ્રકટી હતી તે ગામોમાં આજે એક પણ નાયક વસતો નથી, તો અલૌકિક દંતકથાના પ્રભાવથી ગામ લોકો પણ તેમ થવા દેતા નથી. આ સંશોધને મને દંતકથાની સર્જનપ્રક્રિયા અને અસરકારકતા પણ સમજાવી છે.

III

૧૮૬૮માં નાયક-આંદોલનને સ્થાપિત હિતોએ મૂરઝાવી દીધું, ત્યાં આ ઇતિહાસ પૂરો થઈ જતો નથી. મૂળસોતાં ઊખડી ગયેલાં આ લોકો ક્યાં ગયા? પછીની જિંદગીમાં તેઓએ શું કર્યું? એક ઇતિહાસકાર તરીકે આ સવાલો મારા માટે મહત્ત્વપૂર્ણ હતા. એની છાનબીન માટે અમે ૧૮૬૮ પછીના સમયને સંશોધનનો બીજો તબક્કો બનાવ્યો. તરતની ઘટના ‘ક્રિમિનલ ટ્રાઇબ્ઝ ઍક્ટ’ હતો. ૧૨ ઑક્ટોબર ૧૮૭૧ના રોજ લદાયેલા આ કાયદા મુજબ અનેક આદિવાસી જાતિઓને ‘જન્મજાત ગુનેગાર’ ઠરાવવામાં આવી, જે આદિવાસીઓ ઉપરાંત અન્ય ૧૫૦ જાતિઓની કબર ખોદનારો કાયદો હતો. પોલીસથાણામાં નિયમિત હાજરી પુરાવવી, પોલીસની મંજૂરી વગર ગામ છોડી જવું નહીં, બિનજામીનપાત્ર ગુનાઓ, વૉરંટ વગર ધરપકડ વગેરે આ કાયદાની કઠોર કલમો હતી.

આ કાયદામાંથી બળવાખોર નાયકજાતિ ક્યાંથી બાકાત હોઈ શકે ? નાયકાઓમાં તે ‘ઢૂંઢીમારો’ના કાયદા (ખોળી, ખોળીને મારો) તરીકે ઓળખાતો હતો. તે અંતર્ગત વગરગુને નાયકાઓને થાણાંઓમાં ઢોર- માર મારવાના કિસ્સાઓ તો સામાન્ય હતા. ગુનેગારોને તો ઝાડ સાથે ખીલા ઠોકી જડી દેવાના દાખલાઓ બનતા. આવાં દુષ્કર્મો રજવાડી સૈનિકો અને સ્થાનિક અધિકારીઓના સધિયારામાં થતાં. છેલ્લા આંદોલન પછી તરત અમલી બનેલા આ કાયદાથી નાયકાઓ નિઃસહાય, નિઃસત્ત્વ રહી ગયા. વિકટ ઘડીમાં વાંકોડ (તાલુકા ઘોઘંબા) ગામની હીરબાઈ નામની નાયક મહિલા, નારીશક્તિ રૂપે મેદાને પડી. તેણે ઢૂંઢીમારોના કાયદા વિરુદ્ધ સ્ત્રીસેના રચી. ગોધરામાં અંગ્રેજો સામે મોરચો માંડ્યો. અંગ્રેજો, સૈનિકોનાં માથાં કાપ્યાં, પોતે ઘવાઈ અને વીરગતિને વરી. આ પ્રસંગ માત્ર નાયકોની મુખપરંપરામાં જ છે, પણ તેને તદ્‌ન નિરાધાર પણ માની ન શકાય. આ હીરબાઈનો ગરબો આજે પણ નાયકોમાં પ્રચલિત છે. વાંકોડના નાયકોએ તેમનું મંદિર બાંધી હીરબાઈની માતા તરીકે સ્થાપના કરી છે. ૧૯મા સૈકાના ઉત્તરાર્ધમાં બનેલી ઉપર્યુક્ત ઘટના પછી નાયકાઓ ઇતિહાસપટ પર દાયકાઓ સુધી દેખાતા નથી. તે પછી ઠેઠ ગાંધીયુગમાં સરદાર પટેલના નેતૃત્વમાં થયેલી રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં તેઓ સહેજ ડોકિયું કરી (૧૯૨૮) વળી પાછા લપાઈ ગયા.

IV

૧૯૪૭માં આઝાદીનું અરુણું પ્રભાત ઊગ્યું. પણ નાયક જેવાં અનેક વંચિત જૂથો માટે આઝાદી કોઈ નવો સંદેશ લઈને આવી ન હતી. આઝાદી પહેલાં તેમના લલાટે લખાયેલા ‘ચોર-લૂંટારા’, ‘મારધાડિયા’, ‘બહારવટિયા’ જેવાં કલંક ભૂંસાયા ન હતા. ઑગસ્ટ ૧૯૪૭માં મુંબઈ સરકારે ક્રિમિનલ ટ્રાઇબ્ઝ ઍક્ટ (CTA) રદ કર્યો. પરિણામે ૨૩ લાખ માણસોએે ‘જન્મજાત ગુનેગારો’ના કલંકમાંથી મુક્તિ મેળવી, પણ તરત જ ૧૯૫૨માં ‘Habitual Offender Act  (HOA)’ ઉપરના કાયદાના વિકલ્પ રૂપે આવ્યો. નામબદલીની આ ક્રિયામાં ‘કાન પકડવા માટે હાથ બદલવા’ જેવી જ વાત હતી. કારણ કે ક્રિમિનલ ટ્રાઇબ્ઝ ઍક્ટમાં ‘જન્મજાત ગુનેગારો’ શબ્દપ્રયોગ હતો જ્યારે નવા કાયદામાં ‘ટેવાયેલા ગુનેગારો’ હતો. બાકી તેની કઠોરતામાં તો ઝાઝો ફેર ન હતો. ટૂંકમાં, ‘ગુલામભારત કે આઝાદભારત’ નાયક આદિવાસીઓ માટે વિશેષ તફાવત વગરનું હતું.

હવે આખા ઇતિહાસ અને સાંપ્રત સંજોગોને અગાઉ જેનાથી આપણે શરૂઆત કરી, તે ડેસરના નાયકો સાથે સાંકળીએ. આજે પણ આખો હાલોલ તાલુકો ડેસરને બહારવટિયાના ગામ તરીકે જ ઓળખે છે. એક ઇતિહાસ-સંશોધક તરીકે મને ડેસર ગામની ગુનાહિત પ્રવૃત્તિઓનાં મૂળ તેના ઇતિહાસમાં રહેલાં દેખાય છે. તેનાં કારણો નીચે મુજબ જણાય છે :

(૧) નાયક-ઇતિહાસમાં આપણે જોયું તેમ, સમગ્ર ૧૯મી સદી દરમિયાન રજવાડી અને અંગ્રેજ શાસન તેમની બળવાખોરીથી ત્રાહીમામ્‌ હતું. પરિણામે તેનો ઇલાજ કરવો જરૂરી હતો, આ ખેલ તેમણે ૧૮૬૮માં તેમના છેલ્લા આંદોલન પછી પાડી દીધો. ૫ ફાંસી, ૨૩ જન્મટીપ અનેકને આકરી કેદ અને આટલું ઓછું હોય તેમ સેંકડોને મૂળભૂમિથી ખદેડી મૂક્યા. ૨૮ ક્રાંતિકારીઓની મિલકતો, ઘર બાર જપ્ત કરાયાં. ૧૮૭૧ના ઢૂંઢીમારો કાયદાએ તો તેમને રીતસર ખડેપગે રાખ્યા હતા. જાંબુઘોડા વિસ્તારમાંથી ખદેડી મુકાયેલા નાયકાઓ વિદ્રોહની આગ લઈને ડેસરમાં વસ્યા હોવાની પ્રબળ શક્યતા હું જોઉં છું. પહાડી રસ્તે ડેસર અને જાંબુઘોડા વચ્ચે ઝાઝું અંતર પણ નથી. રાજના જન્મજાત ગુનેગારો અને જીવનનિર્વાહનાં સાધનોનો અભાવ, આ સ્થિતિમાં તેમણે કશુંં ગુમાવવાનું ન હતું. ક્ષેત્રકાર્ય દરમિયાન અનેક નાયક વૃદ્ધોએ મારા આ મુદ્દાને સમર્થન આપ્યું હતું.

(૨) પંચમહાલના ઘણાં ખરાં ગામોનો મને પરિચય છે પણ ડેસર જેવું આંત્યતિક ગામ જડવું મુશ્કેલ છે. બીજા કોઈ પણ ગામમાં, ગામ આખું ગુનાહિત માર્ગે ગયું હોય તેવા દાખલાઓ નથી સિવાય આ ડેસર. સામાન્ય રીતે પંચમહાલનું આદિવાસી ગામડું બહારના લોકો સાથે ઝડપથી હળવા-મળવાનું ટાળે છે. આજે આ સ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે, પણ ડેસર તેમાંથી બાકાત છે. આજે પણ તમે ડેસરમાં જાણકાર, માર્ગદર્શક અને તે ય નાયક માર્ગદર્શક વગર જઈ જ ન શકો. પંચમહાલના ભૂતપૂર્વ કલેક્ટર દિનેશ બ્રહ્મભટ્ટે તો ત્યાં સુધી કહ્યું હતું કે એક સમયે કલેક્ટર- કક્ષાના અધિકારી માટે ય ત્યાં પહોંચવું મુશ્કેલ હતું. આજે ભૂતકાળ જેવી સ્થિતિ નથી, તમે જાણકારોના સથવારે ડેસર પહોંચી શકો, પણ ગામ આખું તમે રોકાવ ત્યાં સુધી શંકાની નજરે જોયા કરશે. શું તેઓ મારા-તમારા જેવાં ભદ્ર લોકોમાં અંગ્રેજો-રજવાડાંઓના વારસદારો જોતા હશે! અને આ જ તેમના અસહકારનું કારણ હશે ? ભૂતકાળમાં આદિવાસીઓના હિતચિંતકો બનીને આવેલાઓ જ તેમના શોષકો બન્યા હતા. ડેસરના નાયકાઓ કદાચ આ ઐતિહાસિક પરંપરાને દોહરાવવા માંગતા નથી.

(૩) ઉપરની બે દલીલો પછી કોઈકને એમ પણ થાય કે તમે આટલો મોટો hypothesis કરી રહ્યાં છો, તો ભૂતકાળના વડેક-ડાંડિયાપુરાના નાયક અને આજના ડેસરના નાયકો વચ્ચે કશું અનુસંધાન ખરું ? તેમની વંશાવળી કે પેઢીનામા મૅચ થાય છે ? તેમાં હું પૂરેપૂરો ખરો ઊતર્યો નથી. વ્યાપક ક્ષેત્રકાર્ય દરમિયાન સેંકડો નાયક-બિનનાયક માહિતીદાતાઓને મળ્યો છું. અમારો સાક્ષાત્કાર કલાકો સુધી ચાલ્યો હતો. તેમના પેઢીનામાંઓ મેળવવાના નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા છે. પણ તેમના દર્દનાક ઇતિહાસને કારણે સંકુલ માનસની થયેલી પ્રજા અસહકારી તો ખરી જ, સાથે તેમને પોતાની ચોથી-પાંચમી પેઢીના પૂર્વજનું નામ પણ યાદ નથી અથવા તો બહારનાને કહેતા નથી. કરુણતા તો એ વાતની છે કે જોરિયા નાયક જેવા બાહુબલિ નેતાના પાંચમી પેઢીના વારસદાર બલ્લુભાઈને તેમના ધનપરી(જાંબુઘોડા)ના નિવાસે અમે મળેલા. તેઓ પેઢીનામામાં  ત્રણ પેઢી પછી અટકી ગયેલાં, એટલું જ નહીં જોરિયા પરમેશ્વરના ઇતિહાસ વિશે તો તદ્‌ન અજ્ઞાત. તેમના જ શબ્દો : ‘જોણતો જ નઈ, ઘઈડિયા (વૃદ્ધો) જાણે ? એ બુધા મરી ગિયા સે’ હવે તમે કહો કે ડેસરના નાયકોની વંશાવળી ક્યાંથી મળે ? છતાં એટલું ચોક્કસ છે કે ડેસરના નાયકો તેમના આજના વસવાટસ્થળે બે-ત્રણ ગામો બદલીને આવ્યા છે. જેમાંના મોટાભાગના ઘરોલા(હાલોલ તાલુકો)ના છે. આગળ વાત કરી તે પ્રમાણે ભુદર નાયકનો એક સાથીદાર મનસુખ નાયક ઝીંઝરી ગામેથી સ્થળાંતર કરી આવ્યો હતો. આ ગામે ૧૯મી અને ૨૦મી સદીમાં બળવાખોર પ્રવૃત્તિ કરવા બદલ ગજાબહારનો ત્રાસ સહન કર્યો હતો. ધરોલા પણ ૧૮૬૮ના નાયક-આંદોલન સાથે ગાઢ રીતે સંકળાયેલું હતું. રૂપસિંહનો ભાઈ ભાવસિંહ ગોબર પણ અહીં જ વસતો હતો. તેને સરકારનો સાક્ષી બનાવીને પણ ૫ વર્ષની કેદની સજા કરવામાં આવી હતી. ૧૮૬૮માં જોરિયાના ડુપ્લિકેટ તરીકે કામ કરતો જોરા સઉકા નાયક પણ ધરોલાનો જ વતની હતો.

(૪) ૧૯મા સૈકામાં અંગ્રેજો અને રજવાડાંઓ સામેના સંઘર્ષે નાયકોને ખડેપગે રાખ્યા હતા. અંગ્રેજો તેમને શક્તિસામર્થ્ય, કુનેહથી જ્યારે રજવાડાંઓ છળકપટથી નાથવા માંગતા હતા. આવી સ્થિતિમાં નાયક- આંદોલનનો આદ્યપુરુષ રૂપસિંહ કુટુંબ અને વંશવેલા વિશે સતત ચિંતિત હતો. કારણ, રજવાડી-અંગ્રેજી સેનાનાયક ગામોને ઘમરોળતી. અહીં એક વાત વાચકને કદાચ ગળે ન ઊતરે તેવી છે : રૂપસિંહનો એક દીકરો ગલાલિયો (૧૮૪૬-૧૮૬૮) હતો. પુત્રની સુરક્ષા માટે સતત ચિંતિત રૂપસિંહે પુત્રજન્મને પુત્રીજન્મ તરીકે જાહેર કર્યો. પ્રસૂતિ કરાવવા આવેલી દાયણોને પૈસા આપી તેમની પાસે પણ પુત્રી જન્મી હોવાનું કહેવડાવ્યું. મૂછનો દોરો ફૂટતાં તેને પુત્ર તરીકે જાહેર કર્યો. આ આશ્ચર્યજનક વાત મને જાંબુઘોડા તાલુકાના અનેક નાયકોએ રૂબરૂ મુલાકાતમાં કહી હતી. ભયના ઓથાર નીચે જીવતા નાયકોની ૧૮૬૮ના આંદોલન પછી વિસ્થાપિત સમી હતી. વિસ્થાપનની આ પ્રક્રિયામાં રૂપસિંહનું કુટુંબ તેમના વતન ડાંડિયાપુરાથી નાઠું. આ સમયે રૂપસિંહની દીકરી દુણીના દીકરા ઝીંગા નાયકને છોકરીના કપડાં પહેરાવી સ્ત્રીઓના ઝુંડ વચ્ચે રાખી ભગાડવામાં આવ્યો. કેવી કઠણાઈ વેઠી હશે આ ખમીરવંતી પ્રજાએ ? રૂપસિંહ નાયકના વંશજો આજે જાંબુઘોડા તાલુકાના પોયલી ગામે વસે છે, તમે એમને મળો, તો આદિમાનવોને મળતા હો તેવી અનુભૂતિ થાય. તેમના માટે શું પરદેશી સરકાર કે શું દેશી?, શું માર્ગારેટનું શાસન કે શું મણિબહેનનું? લાંબા સમયની જુલ્મશાહી વિના કોઈ પણ પ્રજા આવી મુડદાલ સ્થિતિમાં રહી જ ન શકે.

(૫) પંચમહાલના નાયક આદિવાસીઓમાં આઝાદી પછી નહીંવત્‌, પણ છેલ્લાં બે દાયકામાં ધીમા પરિવર્તનો આવ્યાં છે, જેમાંથી ડેસર પણ બાકાત નથી. છતાં ડેસરના નાયકોએ તેમની પરંપરાઓ, અસલિયતને ઘણે અંશે જાળવી રાખી છે. મરાઠીમિશ્રિત ભાષા, જૂની રીતરસમો, રહેણીકરણી વગેરે. આ વાત તો આખા પંચમહાલનો નાયકસમાજ કહે છે અને અમે પણ સ્થળ-મુલાકાતમાં અનુભવ્યું છે જે ડેસરને બીજાં બધાં નાયકગામો કરતાં જુદું પાડે છે અને મને મજબૂર કરે છે, તેમનો તંતુ પેલા ઇતિહાસ સાથે જોડવા માટે.

ઉપર્યુક્ત દલીલો ઐતિહાસિક પ્રમાણો અને ક્ષેત્રકાર્યના આધારે હું ડેસર ગામના નાયકોની આજની ગુનાહિત પ્રવૃત્તિઓનાં મૂળિયાં ૧૮૬૮ના આંદોલન પછીની કાનૂની કાર્યવાહી, ક્રિમિનલ ટ્રાઇબ્ઝ ઍક્ટ (૧૮૭૧) અને  Habitual Offender Act (૧૯૫૨)માં જોઉં છું. આ બધું એક ઇતિહાસની પેદાશ કે આડપેદાશ હતું. ભૂતકાળમાં અંગ્રેજો અને કાળા અંગ્રેજોના અત્યાચારથી બચવા ભાગેલ આ નાયકસમૂહ હોવો જોઈએ! ડેસરના નાયકો આજે ભલે ગુનેગાર ગણાતા હોય, પણ તેમનો ઇતિહાસ ક્રાંતિકારી છે. તેમની આજની કફોડી સ્થિતિના મૂળમાં ભૂતકાળની વિદેશી સત્તા અને સ્થાપિત હિતોની કુટિલ રાજનીતિ હતી. ગુજરાત સરકારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં નાયક- ઇતિહાસનું ગૌરવગાન કર્યું હતું. તેના ભાગ રૂપે ૨૦૧૧માં જોરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકના નામ પરથી તેમનાં ગામોની પ્રાથમિક શાળાઓનાં નામો રાખવાની જાહેરાત થઈ હતી, જે ૨૦૧૫, ૧૩ એપ્રિલના રોજ પૂરું થયું. પણ અહીં ક્રાંતિકારીઓનું મ્યુિઝયમ બનાવવાની તેઓએ કરેલી જાહેરાત પછી સ્થાનિકો મ્યુિઝયમ બનવાની રાહ જોઈ રહ્યાં છે. વહીવટીતંત્ર દ્વારા ૧૪૫ વર્ષ પછી સ્વતંત્રતાઆંદોલનના ઇતિહાસમાં આદિવાસી યોગદાનનો સ્વીકાર, આ અવસર સ્થાનિક નાયક-સમાજ અને સંશોધક તરીકે મારા માટે પણ અત્યંત આનંદદાયી હતો. પણ ડેસરના પ્રશ્નને વહીવટીતંત્ર સમજી શક્યું નથી. ભૂતકાળમાં સત્તાના મદમાં અંગ્રેજો અને રજવાડાંઓએ આચરેલી ક્રૂરતાનું પ્રાયશ્ચિત્ત આજની લોકશાહી સરકારોએ કરવું રહ્યું.

આ વર્ષે ૧૬ એપ્રિલના રોજ નાયક-આંદોલનના ઈતિહાસને ૧૫૦ વર્ષ કહેતાં સાર્ધશતાબ્દી થવા જાય છે. પણ ઈતિહાસ સાંભળવાથી કે લખવાથી પેટ ઓછું ભરાય કે સમસ્યાઓ ઓછી થોડી થાય ? બોધપાઠોથી ભરપૂર આ ઐતિહાસિક એપિસોડ માટે એટલું જ કહું છું કે ઇતિહાસ એ ‘ભૂતકાળ ખાતર ભૂતકાળ નહીં, પણ બહુમૂલ્ય વર્તમાન ખાતર ભૂતકાળનું અધ્યયન અને સંશોધન થવું જોઈએ.’ નાયકો જેવાં વંચિત જૂથોના ઇતિહાસ માટે તો ખાસ.

સંદર્ભ :

૧.  Maharastra state Archives, political dept. (SPI), File No. 621 of 1868.

૨.   The Cornhill magazine, Vol. July to December. 1868, London ્

૩. અરુણ વાઘેલા, વિસરાયેલા શહીદો, અમદાવાદ, ૨૦૧૫

E-mail : arun.tribalhistory@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2018; પૃ. 08-12

Loading

17 April 2018 અરુણ વાઘેલા
← પ્રશ્ન પ્રબંધનનો જ નહીં, વજૂદનો પણ
શિકારીની માનસિકતા: હેમિંગ્વે, સલમાન અને ટ્રમ્પ →

Search by

Opinion

  • ગૃહસ્થ સંન્યાસ
  • અભી બોલા અભી ફોક
  • માણસ, આજે (૨૯)  
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૫
  • પોતાનું શ્રેષ્ઠ બહાર કાઢવું એ જાત પ્રત્યેની ફરજ છે 

Diaspora

  • આ શિલ્પ થકી જગતભરના મૂળનિવાસીઓ પ્રેરણા મેળવશે !
  • ‘માઉન્ટ રશમોર’ અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વચ્ચે શું તફાવત છે?
  • ખરાબાનો નેશનલ પાર્ક !
  • કુદરત પ્રદૂષણ કરતી નથી, માણસ જ પ્રદૂષણ કરે છે !
  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’

Gandhiana

  • સેનાપતિ
  • ભગતસિંહ અને ગાંધીજી
  • ‘રાષ્ટ્રપિતાનો વારસો એમના વંશજો જ નથી’ — રાજમોહન ગાંધી
  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ

Poetry

  • સાત હાઈકુ
  • હાર
  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved