ચાલુ પખવાડિયે, એક ઓર આંબેડકર જયંતી આગમચ – અને ભાજપના સ્થાપના દિવસના તો બેચાર દિવસ પૂર્વે જ – દેશમાં જે દલિત આક્રોશ જોવા મળ્યો એને કેવી રીતે ઘટાવશું? ગમે તેમ પણ, એક હકીકત તો સાફ સમજાય છે કે ૨૦૧૪ના પૂર્વાર્ધમાં ‘નિર્ણાયક નેતૃત્વ’ના દાવા સાથેની જે ચૂંટણીઝુંબેશ હતી તે ભોંઠી પડી છે : સરકાર જો એટ્રોસિટી ઍક્ટ સબબ સુપ્રીમ કોર્ટની રૂખ અંગે સમીક્ષા અરજી કરવાની જ હતી તો તે વેળાસર (એટલે કે વહેલાસર) એ વાત જાહેર કરી શકી હોત. સંભવ છે કે એથી ‘ભારત બંધ’ના એલાન અને આનુષંગિક હિંસા દોર બેઉને હવા ન મળી હોત.
પણ આ ગોથું શું માત્ર એક શાસકીય ગોથું હતું ? દુર્દૈવ વાસ્તવ એ છે કે પક્ષમાં (અને પક્ષની સાથે જોડાયેલા અન્ય પક્ષોમાં પણ) દલિતોને ન્યાય તેમ જ સમાન અવસર અંગે ભાજપ સરકારની દાનતને અનુલક્ષીને અનાસ્થા અને આશંકા પ્રવર્તે છે. આ પખવાડિયામાં, જેમ કે, કેન્દ્રીય મંત્રી કુશવાહા ફરિયાદ કરતા સંભળાયા હતા કે અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમ જ પછાત જ્ઞાતિઓ ન્યાયતંત્ર સહિત નાનાવિધ સ્તરે, કેટલાક કિસ્સામાં તો બિલકુલ નહીંવત્ પ્રતિનિધિત્વ ધરાવે છે. અલબત્ત, એમણે એક વ્યાપક વિધાન પણ અંબોળ્યું કે જે ખુલ્લી એટલે કે બિનઅનામત પ્રવેશતકો છે એમાં પણ સામાન્ય કુટુંબોને સારુ દાખલ થવું દુઃસાધ્ય છે. (જે વળતો નકો નકો જેવો બંધ ઉજળિયાત ઓ.બી.સી. છેડેથી આવ્યો એને આ રીતે ઘટાવવા જેવો છે.) ભાજપના જ એક દલિત સાંસદે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઑફિસમાંથી પોતાને વણસાંભળ્યે હાંકી કઢાયાની ફરિયાદ, દલિતો સાથે પક્ષમાં એકંદરે અન્યાય અને ભેદભાવની લાગણી સાથે વડાપ્રધાન અને પક્ષપ્રમુખને કર્યાના હેવાલો છે.
બીજી બાજુ, વડાપ્રધાન નમોને એ વાતે ધોખો છે કે આંબેડકરને નામે બીજા સૌ રાજનીતિ કરી રહ્યા છે … બાકી, અમે આંબેડકરના માનમાં જેટલું કર્યું છે એટલું કોઈએ કર્યું નથી. ભાઈ, રાજનીતિ સૌ કરી રહ્યા હશે, પણ વર્તમાન કેન્દ્ર સરકાર અને એના શીર્ષ નેતૃત્વ વિશે બે બુનિયાદી અવલોકનો વાસ્તે સળંગ અવકાશ છે. એક તો, આ માનસન્માન પ્રદર્શનાત્મક વિશેષ અને વાસ્તવમાં પ્રતીકાત્મક માત્ર વરતાય છે (જેમ કે આંબેડકર સ્મારકનું આયોજન). બીજું, હિંદુત્વ રૂપે જે રાષ્ટ્રવાદ મુખરિત અને આકૃત થતો રહ્યો છે એમાં દલિતમાત્રની જન્મગત નીચલી પાયરી કદાચ જળોની પેઠે જામી ગયેલ છે. (બાય ધ વે, ઉત્તર પ્રદેશમાં યોગી હકૂમતમાં કાયદો અને વ્યવસ્થાને નામે ‘રુલ ઑફ લૉ’ની એસીતેસીના ધોરણે જે ઍન્કાઉન્ટર શૈલીએ ઉપાડો લીધો છે એમાં દલિત-યાદવ-મુસ્લિમનો જુમલો કેટલા ટકા હશે તે તપાસની બાબત છે.)
થાનગઢથી ઉના સુધી જ નહીં, તે પછી નાનજીભાઈથી હત્યાથી માંડીને ઘોડે બેસવા ઇચ્છતા દલિત યુવાન સુધીની સિલસિલાબંધ દાસ્તાં આખી સરકારી દફતરે ને દેવડીએ હાલબેહાલનો બોલતો દસ્તાવેજ છે. સમાજને સ્તરે, ઊંચા વર્ગોની માનસિકતામાં, ભેદભાવ ને અન્યાય જામેલા અને ઝમેલા છે એવા અવલોકનને અવશ્ય અવકાશ છે, પણ કાયદાનું શાસન પાળવાપળાવવા બાબતે રાજકીય-શાસકીય અગ્રવર્ગનું જે હાથઊંચા વલણ ભાજપકાળમાં દેખાય છે તેનો કોઈ બચાવ નથી. આવાં વલણો સ્વરાજ પછીની હર સરકારમાં પ્રસંગેપ્રસંગે દેખાતાં રહ્યાં છે, પણ ભાજપની ગળથૂથીગત મુશ્કેલી સામે એની કોઈ સરખામણી નથી.
ઉના ઘટનાએ જિજ્ઞેશ મેવાણીને રાષ્ટ્રીય સ્તરે કન્હૈયાકુમાર પછીની બીજી યુવા પ્રતિભા તરીકે ઉપસાવ્યા એ બીનાનો માયનો નવી ને ન્યાયી રાજનીતિ કરવા ઇચ્છતા સૌએ કાળજે ધરવા જોગ છે. સંઘ પરિવારને માટે સવિશેષ આત્મનિરીક્ષણનો મુદ્દો આ છે – મહારાષ્ટ્રમાં ઈ. દાતે અને રમેશ પતંગેએ એના સંકેતો પૂર્વે આપેલા છે, પણ વિચારધારાકીય હોર્મોન્સ અને જિન્સનું શું કરવું? પૂછો મૂળચંદ રાણાને. સુદીર્ઘ અને સક્રિય પક્ષજોડાણ પછી એક દલિત કર્મશીલ તરીકે એમને ગુજરાતમાં ભાજપથી જુદા પડવું અનિવાર્ય લાગ્યું છે. દલિત વર્તુળોએ અને સંઘ શ્રેષ્ઠીઓએ કઠોર આત્મપરીક્ષણ સાથે જાતમાં ઝાંખવાની વાત આ તો છે. રમેશ પતંગે આદિએ શરૂ કરેલ વિચારદોર (જેનો આરંભિક સંકેત દત્તોપંત ઠેંગડીમાં જોવા મળ્યો હતો) ક્યાં ઠીંગરાઈ જાય છે, ક્યાં ગોટવાઈ જાય છે ને ગોથું ખાય છે તે કાબિલે ગૌર છે.
આ સવાલનો સાદો અને પાયાનો જવાબ કદાચ એ છે કે સંઘ પરિવારને દલિતને ઓછીવત્તી પાયરીએ પણ ‘હિંદુ’ તરીકે સ્થાપવામાં હશે એવો ને એટલો રસ ને નિસબત નાગરિકની નવયુગી પાયરીએ ચડાવવામાં નથી. બને કે એ સંઘ શ્રેષ્ઠીઓની પ્રાથમિકતા ન હોય; કેમ કે ‘હિંદુ’ હોવાની પ્રતિષ્ઠા સામે નાગરિકતાની લોકશાહી સ્થાપના મારી ફરે છે. ખરું જોતાં હર પ્રકારની ઓળખના અતિરેકી રાજકારણની આ જ નિયતિ હોય છે, અને પરિવાર એમાં અપવાદ હોવાનું કોઈ કારણ નથી. જે નવી દલિત રાજનીતિ ઉભરી રહી છે એણે પણ આ વાનું સભાનતાપૂર્વક જોગવવું ને નિભાવવું રહેશે.
દલિત આક્રોશને સમજવાની આ કોશિશ ખરું જોતાં સીમિત રાખવાને કારણ નથી. ૨૦૧૫ના પાટીદાર ઉઠાવથી માંડીને ૨૦૧૬ના દલિત ઉઠાવ સહિત ગુજરાતમાં જ માત્ર નહીં પણ દેશભરમાં ઠેકઠેકાણે જે બધા આક્રોશી ઉઠાવ નોંધાતા રહ્યા છે એને જરા જુદી રીતે પણ સમજવા અને નાણવાની જરૂર છે. એક તો, રાષ્ટ્રવાદનો જે એકલઠ્ઠ અને સાંકડો ખયાલ હાલના સત્તા-પ્રતિષ્ઠાને ધાકપૂર્વક જમાવ્યો અને જતાવ્યો છે તે અલગ અલગ છેડેથી નાગરિક સમાજના ઘણાબધા હિસ્સાઓને માટે અસુખ પેદા કરનારો છે. બેઠકોની દૃષ્ટિએ લોકસભામાં ભાજપની બહુમતી, લાંબા અંતરાલ પછી કોઈ એક પક્ષની સરસાઈની રીતે વિક્રમરૂપ છે. ઇંદિરા ગાંધીની હત્યા પછી સહાનુભૂતિના મોજા પર (અને, કમનસીબે, ‘એનિમી નૅક્સ્ટ ડોર’ની લાગણી પર) સવાર થઈને રાજીવ ગાંધી આવ્યા તે પછી વિશ્વનાથ પ્રતાપસિંહ, ચંદ્ર શેખર, નરસિંહ રાવ, દેવ ગૌડા કોઈની પાસે નહોતી એટલી નોંધપાત્ર બહુમતી બેઠકો નમો પાસે છે. ભલે એકત્રીસ ટકા મતે પણ, આટલી મોટી સ્વીકૃતિ પહેલા વરસને છેડેથી શરૂ થઈ ઉત્તરોત્તર ઓસરતી અનુભવાય છે. નિર્ણાયક નેતૃત્વનો દાવો કરતી સરકારની કેટલીક અપરિણામી, વિપરીતપરિણામી નીતિઓ એને સવાલિયા કુંડાળામાં મૂકતી જાય છે; અને ૨૦૧૪ના ટેકેદારોમાંથી નોંધપાત્ર હદે ઘટાડાનાં ચિંતાજનક ચિહ્નો જણાય છે.
હવે જ્યારે મે ૨૦૧૯ના સંદર્ભમાં અને અન્યથા ઊલટી ગિનતી શરૂ થઈ જ ગઈ છે ત્યારે સરકાર કેટલે અંશે ઉત્તરદાયિત્વનું નિર્વહણ કરી બતાવે છે એ પ્રશ્ન મહત્ત્વનો બની રહે છે. એને એક પછી એક જશન, એક પછી એક નિદર્શન, એક પછી એક ઉજવણું, જરૂર જડી આવે છે. પણ એ બધી ઝાકમઝાળ પછી અને છતાં રોજિંદી કામગીરીનો રેકર્ડ કે પછી ઇવેન્ટ મેનેજમેન્ટ સામે પ્રત્યક્ષ અનવરત કામગીરી શોધ્યે જડે ત્યારે ખરાં, એવો ઘાટ છે. અણ્ણા આંદોલનના એક લાભાર્થી દિલ્લીશ્વરો વા જગદીશ્વરો વા એવા ઊંચે હોદ્દે છે, પણ લોકઆયુક્ત માટેની એમની ધાને મોદી વર્તુળોમાંથી કોઈ ભાવ મળ્યો જાણ્યો નથી. ગુજરાતમાં અસરકારક મહુવા આંદોલન છતાં સરકારે કોઈ વિધાયક પ્રતિસાદ ન આપ્યો તે ન જ આપ્યો. એ જ ગુજરાત મોડલ હાલ દિલ્હી સ્તરે બિરાજેલ છે.
ચૂંટણીઝુંબેશ (મે ૨૦૧૪) અને વર્તમાન વાસ્તવ, ખાસ કરીને પ્રજામતનું અન્યથા વિચારવું અને વ્યક્ત થવું એ સુચિહ્ન નથી. પ્રશ્ન, સત્તાપક્ષે પોતાનું વજૂદ નવેસર પુરવાર કરવાનો છે. દલિત અગર અન્ય મુદ્દે મનોવૈજ્ઞાનિક પ્રબંધનનો માત્ર નથી.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2018; પૃ. 01-02