દેશ વિદેશની યાત્રા કરીને, મનગમતા માણસોને મળીને, આજે સલોની પાછી ભારત આવવા ન્યૂયોર્કથી વિમાનમાં બેઠી. વતનથી દૂર વતનવાસીઓને મળીને ખૂબ આનંદ થયો. તેના અંતરમાં ઉમંગ સમાતો ન હતો. આટલો બધો પ્રેમ તેને મળશે તેવી આશા ન હતી. અરે, અમેરિકા જઈ આવેલાંના અનુભવ સાંભળી એક વખત એવો હતો કે તેણે ટિકિટ કઢાવવાનો વિચાર માંડવાળ કર્યો હતો. આ તો સાજન હોય નહીં અને તે અમેરિકા સહુને મળવા આવે નહીં.
તેના પતિ સાજને પ્રેમપૂર્વક સમજાવી. 'આવી ઉમદા તક મળે છે. હાથમાંથી સરી જવા દેવી નથી.'
ન્યૂયોર્કના ગુજરાતીઓએ તેના માનમાં મોટો સમારંભ રાખ્યો હતો. તેની નવી નવલકથા," દિલદાર દીકરો" બેસ્ટ સેલરનો ખિતાબ પામી હતી. તેની બીજી આવૃત્તિ પણ વેચાઈ જવા પામી હતી. તેનું બહુમાન કરવા માટે ખાસ આમંત્રણ મળ્યું હતું.
'અમેરિકાના લોકો મોઢે મીઠું બોલે છે. મહેમાનોને ઈજ્જત આપી સાચવતાં નથી. 'આ વાક્ય તેને સાંભળવા મળતું. માત્ર તેની ટિકિટ લેવાનો તેમનો આગ્રહ નકારી ન શકી. પૈસાની તેને કોઈ અછત ન હતી. પણ નિરંજન મહેતાના આગ્રહ પાસે તેણે નમતું જોખવું પડ્યું હતું.
સાજનનો આગ્રહ હતો, સલોનીને માન સનમાન મળવાનાં છે, તો તે એકલી જઈ આવે. ફરવા તો બીજી વાર સાથે જવાનો વિચાર હતો. સલોની એરપોર્ટ પર આવી. નિરંજન અને નેહા બન્ને લેવાં આવ્યાં હતાં. પ્લેનમાંથી ઉતરી, કસ્ટમમાંથી બહાર આવી તેનું સુંદર બુકે આપી સ્વાગત કર્યું. સલોની ખુશ થઈ ગઈ.
ગાડીમાં વાતો ચાલતી હતી કે તમારો ઊતારો ઘરથી નજીકની ફાઈવ સ્ટાર હોટલમાં છે.
સલોની ચમકી. ખૂબ પ્રેમથી બોલી, 'મારા મનની વાત કહું'.
'બેશક'!
'તમને વાંધો ન હોય તો હું, તમારે ત્યાં જ રહીશ'. નિરંજન અને નેહા બન્ને ચમક્યાં.
'અરે, ભારતથી આવનાર મહેમાન હંમેશાં મોટી હોટલનો આગ્રહ રાખે છે. તમે તો મહાગજાનાં લેખિકા છો, તમારે માટે ખાસ ફાઈવ સ્ટાર હોટલનો બંદોબસ્ત કર્યો છે.'
સલોની વધારે આગ્રહપૂર્વક બોલી, 'મારી મરજી તમારી સાથે રહેવાની છે. તમારી રહેણીકરણીથી વાકેફ થવું છે. અહીંના ભારતીયોનો પ્રેમ પામવો છે.'
નિરંજન અને નેહા બન્ને એકબીજાંની સામે જોઈ રહ્યાં. આંખોથી વાત થઈ ગઈ. તેમનું ઘર, જેને અહીં 'હાઉસ' કહે છે. ખૂબ સુંદર વિસ્તારમાં હતું . પાંચ બેડરૂમનું ઘર અને ્સ્વિમિંગ પુલ તથા થ્રી કાર ગરાજ હતાં. નિરંજન પોતે સર્જન હતો, સાહિત્યનો રસિયો. નેહા એમ.બી.એ. ભણેલી હતી. બે બાળકો હાઈસ્કૂલમાં હતાં. પતિ અને પત્ની બન્ને પ્રોફેશનલ હોવાને કારણે ઘરમાં દરરોજ સવારથી મેઈડ આવતી. અડધી રસોઈ પણ કરતી અને ઘરનું બધું કામકાજ સાચવતી. તેમને ત્યાં બે ગેસ્ટ રૂમ પણ હતાં. બાજુમાં નાનું કોટેજ હતું.
સલોનીની બધી સગવડ સાચવવામાં કોઈ અડચણ હતી નહીં.
સલોનીના આગ્રહને માન આપી બન્ને તેને લઈને ઘરે આવ્યાં. તે મનમાં રાજી થઈ કે તેણે ઘરે રહેવાનો આગ્રહ સેવ્યો. બે દિવસ જરા આરામ અને જેટ લેગમાં ગયા. શનિ અને રવિવારે બે દિવસનો કાર્યક્રમ હતો. સલોનીને જરા પણ અતડું ન લાગ્યું. ઘરનું વાતાવરણ સહજ હતું. બાળકો ભલે અમેરિકામાં જનમ્યાં હતાં પણ ઘરનાં સંસ્કારી વાતાવરણને કારણે ભારતથી આવેલાં મહેમાન સાથે સુંદર વહેવાર કરી રહ્યાં હતાં.
શનિવારે સવારે 'સાહિત્ય સરિતા'ના મિત્રો સાથે બ્રન્ચ લેવા 'જીન્જર કાફે'માં ગયાં. સુંદર વાતાવરણ અને મનગમતા માનવીઓ. સલોની બધાંને પહેલીવાર મળી રહી હતી. હસમુખા સ્વભાવને કારણે સહુની સાથે હસીખુશીની વાતો કરી. બીજા દિવસના કાર્યક્રમની ચર્ચા કરી.
કાર્યક્રમમાં ગુજરાતી સમાજ અને બીજી સંસ્થાઓની વ્યક્તિઓએ હાજરી આપી. સલોનીએ પોતાનાં પુસ્તક વિષે રસપ્રદ માહિતી પૂરી પાડી. જેમાં માતા, પિતા અને દીકરાના પ્રેમ તથા તેના પરિવાર સાથેના પ્રસંગો વણી લીધા હતા. સુંદર સંસ્કાર પામી આવેલી વહુ ઘરમાં એવી તો ભળી ગઈ કે કોઈના માન્યામાં પણ ન આવે. હાસ્યના પ્રસંગોની છણાવટ કરી ત્યારે પ્રેક્ષકો પેટ પકડીને હસી રહ્યા હતાં.
આપણા ભારતમાં બાળપણથી દીકરીને કહેવામાં આવે છે. 'આમ કર, આમ ન કર’. મોટા થઈને સાસરે જવાનું છે.
સલોની કહે સાસરું જાણે જેલખાનું ન હોય એમ ચીતરવામાં આપણે સહુ એક્કા છીએ.
આમ તેણે જૂના, પ્રચલિત અને નવા જાત જાતના તુક્કઓની હાંસી ઉડાવી હતી. બાળકો પરણે ત્યાર પછી થતી ગેરસમજને રમૂજી રીતે રજૂ કર્યા હતાં. દિલના ભાવ ઠાલવી વાર્તાને ઉચ્ચ કોટિની બનાવવામાં તે સફળ પૂરવાર થઈ હતી. કાર્યક્રમ ધાર્યા કરતાં વધારે આનંદમય રહ્યો. અંતે છેલ્લે જ્યારે આભાર વિધિ માનવાનો સમય આવ્યો ત્યારે, નિરંજનભાઈએ એક પરબિડિયું સલોનીના હાથમાં મૂક્યું.
જાણે દાઝી હોય તેમ તેણે હાથ પાછા ખેંચી લીધા.
સલોની ગદગદ થઈને બોલી રહી, 'મારા મિત્રો, સ્નેહીજનો. તમે મને અહીં બોલાવી. મારો આદર સત્કાર કર્યો. આટલો બધો પ્રેમ આપ્યો. તમે શું માનો છો હું, અહીં પૈસા લેવા આવી હતી. તમે સહુ ભીંત ભૂલો છો. હું તો મારા ભારતીય ,ગુજરાતીઓને મળવા આવી છું. અમેરિકાની ભૂમિ ઉપર તમે સહુ જે સુંદર કાર્ય કરી રહ્યાં છો તે નિહાળવા આવી છું. ગુજરાતની બહાર ગુજરાતી ભાષા વિષેનો તમારો પ્રેમ ખરેખર સરાહનીય છે. મારી નવલકથાને પ્રેમભર્યો આવકાર આપ્યો તે બદલ તમારી ઋણી છું. મુરબ્બી નિરંજન ભાઈ આ પૈસાના પરબિડિયા દ્વારા મારી હાંસી ન ઉડાવશો."
સભાખંડમાં બેઠેલાં સહુ દંગ થઈ ગયાં. હજુ તો ૪૦ પણ નથી વટાવ્યાં એવી આ જાજવલ્યમાન યુવતીના મુખેથી આવી સરસ વાણી સાંભળી સહુને પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. અત્યાર સુધી ભારતથી આવેલા દરેક અતિથિઓ વિષેનો અનુભવ વાગોળવા લાગ્યાં.
આ સ્વપ્નું નથી, હકીકત છે.
e.mail : pravina_avinash@yahoo.com