સાલી, મારી પોતાની કોઈ ઓળખ જ નહીં !
આખી ય જિંદગી.
નાનો હતો ત્યારે બધા કહે, “હા .. હા .. ઓળખ્યો, આ તો રમણ વલ્લભનો, કાય્યમ પહેલ્લા નંબરે આવે છે તે .."
મંદિર, પ્રસાદ ખાતર ડોકુ નમાવવા જઉં તો બૈરાં પૂછે, "તું તો ભગવતીનો ભોણિયો ને? બોઉં હારું કે'વાય રોજ દર્શન કરવા આઉ છું તે !"
અરે, ભાઈબંધની ઘેર જાઉં ને રસોડામાંથી એની બા પૂછે " એ .. કોણ છે ?"
તો એની ટીણકી બહેન કહે, "કોઈ નહિ બા, એ તો વિનુભાઈનો ભાઈબંધ છે." કોઈ નહિ … કોઈ નહિ?
વાડીના નોકરો ય "નોના શેઠ, નોના શેઠ" કરે. ઘરની કામવાળી સૌથી નાનો એટલે "બાબાભઈ બાબાભઈ" કરે. અરે, દાદાનો હજામ, જેને દાદા ગાંયજા સિવાય બીજા કોઇ નામે બોલાવે નહીં એ પણ મને “શું નામ તારું?” એમ પૂછી અસ્ત્રો ફેરવે.
નિશાળમાં ય બધા માટે હું "ડીડી"નો નાનો ભાઈ !
કોલેજમાં બધા મને “સન ઓફ એ.ટી. કે.ટી.” કહે. ઈલેક્શનમાં ઊભો રહું તો બોર્ડ પર "વોટ ફોર સન ઓફ એ.ટી. કે.ટી. …… " ચિતરાય. મને જીતાડનારને ખબર પણ ન હોય હું કોણ છું?
ઓછું હતું તે કોલેજમાં પ્રેમમાં પડવાનું પરાક્રમ કર્યું. મને અને એને એમ કે અમારા બે સિવાય આ ભેદની બાતમી ગામમાં કોઇને નથી. થયું એવું કે એક દી’ બસમાં ઊભા થઇ, કાકીને સીટ આપી. તો કહે, “ઓહ, ઓળખ્યો, તું તો પેલી કાળી કંચનની છોરી પાછળ ગોંડો થયો છે તે ને? ભલું કરે ભગવોન તારું”
ખેર, કોલેજ પછી તરત જ અમેરિકા આવવાનો વાવડ વાયો. બીજું કઈ નહિ તો પરદેશમાં મારા નામથી તો લોકો મને ઓળખશે એ લાલચે અહીં આવ્યો. થોડોક વખત લાગ્યું કે અહીં આપડા નામનું પત્તું ફાટશે પણ નસીબ ફૂટતા અહીં પણ વાર ન લાગી.
કાળી કંચનની કોકિલા અહીં આવી. મધુર રાગે ભજન મસ્ત ગાય અને બધાને ભોજન મસ્ત કરાવે. બસ પછી તો સમાજમાં કોઇ પણ મળે, "કોકિલા બહેનના હસબંડ ને?” એ સવાલથી વાત શરૂ કરે. ને પછી, “બહુ ઓછા આ રીતે પોતાની વાઈફને સોલીડ સપોર્ટ આપે" એવા ડહાપણથી પૂરી કરે.
થઇ રહ્યું. સંતોષ ક્ષણ ભંગુર છે એવું જ્ઞાન લાધ્યું. બાકી હતું તે બે ટેલેન્ટેડ છોકરીઓને મોટી કરી મારી “નાઉ ફેમસ” વાઈફ કોકિલાએ!
દીકરીઓની બહેનપણીઓ ય પૂછે, "અંકલ, તમે તો કીંજલના ડેડ ને ? શું કહું હું એ ડેડની દીકરીને?
આખરે તો "ડેડ" થઇને ય મારા નામ ખાતર જીવી લેવાની મારી જીવિષા હતી, એ આશા પર પાણી ફરી વળ્યું.
મારી મોટી દીકરી ફેસ ટાઇમ કરતાં એના નાના દીકરાને પૂછે, "ડીકુ, દાદાનું નામ શું છે?"
"દાદા મિશીગન" ટેણિયો એક સેકંડનો વિચાર કર્યા વગર કહે!
નાની, એની દીકરીને એ જ સવાલ પૂછે.
ત્રણ વરસની છે. જીગરનો ટુકડો. તરત બોલે,
“નો હેર દાદા.”
મારા નામની તક્તિ પણ મારે કપાળે લગાવું ને તો લોકો મને તક્તિવાલા કહેશે. મારી ખરી અટકથી પણ મને કોઇ નહીં ઓળખે.
https://www.facebook.com/bdshah810/posts/10218538910374911