સદ્ગુરુ જગ્ગી વાસુદેવ આપણા પદ્મપુરુષો પૈકી છે અને જાહેર જીવનમાં પોતીકી તરેહથી હાજરી પુરાવતા રહ્યા છે. સાધારણપણે સાધુપ્રતિભાઓમાં એક વર્ગવિશેષ એ પ્રકારનો જોવા મળે છે જેઓ તટસ્થતાની (કે કથિત વાદવિવાદથી પર) મુદ્રા જાળવવાની રીતે પણ સત્તા તરફી સલામતીભેર હંકારે છે. લોકોમાં સાધુપરુષ તરીકેની એક છવિ, સંભ્રાન્ત વર્તુળોમાં પ્રગતિશીલ માનવતાવાદી પ્રવૃત્તિ સાથે સંધાનવત્ ભૂમિકા (જેમ કે સદ્ગુરુનો ‘રેલી ફોર રિવર’ પ્રકલ્પ) અને અંતે અજ્ઞેયે કટોકટીકાળ વિશે કવિતામાં એક માર્મિક અવલોકન કર્યું હતું તેમ, સરકારી સ્તર પર ‘બૌદ્ધિક બુલાયે ગયે’ પૈકી.
હમણાં સદ્ગુરુને (અહીં ‘સદ્ગુરુ’ એ એક વિશેષ નામ તરીકે અભીષ્ટ છે) સંભારવાનું નિમિત્ત એ બની આવ્યું છે કે એક લેખમાં એમણે કહ્યું કે લોકો ધારે છે એના કરતાં હું વધારે લૅફ્ટ છું. હા, હું ‘ક્રેઝી લૅફ્ટ’ નથી. તે પછી એમણે પોતાનું લૅફ્ટિઝ્ દાખવવા સારુ દાખલો આપ્યો કે જુઓ મારા અનુયાયીઓ બધા એક જ કૉમ્યુનમાં રહે છે ને. કૉમ્યુનમાં રહે તે કૉમ્યુનિસ્ટ એવો સાદો દાખલો એમણે તરત ફટકાર્યો પણ ખરો. ભાઈ, કૉમ્યુનમાં (કે ઈઝરાયલી કિબુત્ઝના પ્રારંભિક નમૂનામાં) એક વિચારધારાકીય અને સમર્પિત સહજીવન-સમૂહજીવનની વાત છે. ઈશા ફાઉન્ડેશનના સમૂહજીવનને એ રીતે ઘટાવી શકાય? કોઈ મહેનતકશ જિંદગી તો ત્યાં બસર થતી નથી, ન તો કોઈ વિચારધારાગત વિમર્શ કે જાહેર હસ્તક્ષેપ.
વસ્તુતઃ અહીં જે મુખડું બાંધ્યું એને માટેનો ધક્કો દેશ અને દુનિયા અત્યારે જે દોરમાંથી ગુજરી રહ્યાં છે, એને કારણે લાગેલો છે. કોરોના સામે આમ આદમી અને સરકાર બેઉ ઝૂઝી રહ્યાં છે. આપણે ત્યાં ભારત સરકારનો જે એક પ્રથમ અભ્યાસહેવાલ આવ્યો હતો એ મુજબ મે અધવચ કોરોના કટોકટી પર પૂર્ણવિરામ મુકાઈ જવાનું હતું, જ્યારે તાજા હેવાલ મુજબ એવા અનુમાનને અવકાશ છે કે જૂનના ત્રીજા-ચોથા અઠવાડિયાંમાં કોરોનાનો કેર નવી ઊંચાઈને આંબશે. અધૂરામાં પૂરું બ્રેડ લેબરની રોજમદારી પર નભતા કરોડો લોકો વતનમાં બેવતન ને જલાવતન શા મરવાના વાંકે જીવે છે. ઇન્ડિયા એક હદ પછી એમને છેક મરવા દેવા માગતું નથી. કેમ કે એમનું જેમતેમ પણ જીવી જવું ટાપુલોક વાસ્તે જીવલગ જરૂરી છે. નવ દાયકા પર દક્ષિણ ગુજરાતના સરભોણ વિસ્તારમાં દૂબળાઓને અક્ષરજ્ઞાન આપવાની નરહરિ પરીખની સ્વરાજચેષ્ટા ધણિયામાને નહોતી ગમી, કેમ કે – પછી અમારે ત્યાં વેઠમજૂરી કોણ કરશે? ભારત પર તાગડધિન્ના કરતું ઇન્ડિયા હજુ એ સામંતી માનસથી ઊંચે ઊઠી શક્યું નથી.
સદ્ગુરુના કથિત કૉમ્યુન કને એનો જવાબ અલબત્ત નથી હોવાનો, કેમ કે સક્રિય નાગરિકતા નામનો પદાર્થ એમના ભાવવિશ્વમાં હેય અને અગ્રાહ્ય હોવાનો છે. એમણે શી ખબર કઈ સદીના જણ તરીકે એમ કહ્યું છે કે આપણે તો ચૂંટાયેલી સરકાર હોય એની સાથે જ હોઈએ ને. ભલે મેં મત ના આપ્યો હોય, પણ બહુમતીએ એને ચૂંટી છે, તો આપણે ટેકો આપવો જોઈએ. ખાલીપીલી પ્રોટેસ્ટ શીદને. જાવને અદાલતમાં, ને લાવો નિવેડો. નહીં તો પછી, ચૂંટણીમાં ઊભા રહો અને ચૂંટાઈને ઇચ્છ્યું કરો. કોરટોના મુદતિયા તાવની સદ્ગુરુની ઉન્મુક્ત ભૂમિકાએ શી વિસાત. કાયદો પામતાપહોંચતા આસામીની જોરુ હોય તો હોય, એની જે જણ જીવન્મુકત એને શું તમા. મત આપી મૂંગામંતર … મૌનનો શો મહિમા!
તો પછી, વાંધો શો હશે સદ્ગુરુને, ‘લેફ્ટ’ આદિ સાથે? ‘સતપતિયા’ છે, એમ? આંદોલન કરે છે? બીજી પાસ, અઝીમ પ્રેમજી સરખા કુલીન ઉદ્યોગપતિને લાગે છે કે મહામારીના કપરા કાળમાં શ્રમિકના કામના કલાકો વધારવાની ને વેતન તેમ જ સલામતી ઘટાડવાની વાત બરાબર નથી. પૂર્વે એક ઉદ્યોગ-સંચાલક તરીકે એમને અને યુનિયનોને ટકરાવવાનું નથી થયું એમ નહીં. પણ નિયો-લિબરલિઝમ અને ગ્લોબલાઇઝેશનમાં એ બાબતે કંઈક સુવાણ પણ થયું છે. હાલના વસમા સંજોગોમાં આવો વિચાર સરખોયે કેમ કરી શકાય, અઝીમ પ્રેમજીનું કહેવું છે.
જેમ ‘અર્બન નક્સલ’ તેમ ‘ડાબેરી’, પણ ઘણા ફિરકાઓમાં આળ અને ગાળસરખી સંજ્ઞા લેખાય છે. જે.એન.યુ. અને જામિયા મિલિયાએ હમણેનાં વરસોમાં જે રાષ્ટ્રીય નેતૃત્વ પૂરું પાડયું એ પરિઘટનાને ઘણા ફિરકાઓ અનુક્રમે ડાબેરી અને કોમવાદી ઉઠાવ તરીકે જુએ છે. સદ્ગુરુ આણિ મંડળીને વિશ્વઇતિહાસના વિકાસક્રમની ખાસ ખબર જ કદાચ નથી. રશિયાના કૉમ્યુનિઝમ અને મૂળ માર્ક્સવિચાર વચ્ચેનું અંતર ક્યારેક મૂલ્યાત્મક પરિમાણ ધારણ કરી શકે અને એ બંનેને સમીકૃત કરવાનું કોઈ લૉજિક નથી, તે ઇતિહાસવિગતની ખબર ન હોય અને ‘ડાબેરી’ કે ‘કૉમ્યુનિસ્ટ’ આળ ને ગાળ પેઠે છૂટથી વપરાય, આ જાડી ભૂમિકા સદ્ગુરુવત્ સૌના સૂક્ષ્મ ધ્યાનમાં નયે સમજાય. કોણ કહે સૌ સન્માન્ય સાથી નાગરિકોને કે ભાઈ, પાંચ દાયકા પરના નક્સલ ઉદ્રેકને લેનિનની ભાષામાં ‘ઈન્ફન્ટાઈલ ડિસ્ઓર્ડર’ કહી શકાય, એવોયે એક અધીન મત છે.
ક્યારેક સી.પી.આઇ. સાથે રહેલા ઇતિહાસવિદ્ બિપન ચંદ્રનું મોટું અર્પણ જ એ છે કે એમણે માર્ક્સવાદી કે ડાબેરી ગણાતાં વર્તુળોને સ્વરાજ સંગ્રામમાં ગાંધીજીનું મૂલ્યાત્મક અર્પણ સ્વીકારતા ને નવેસર વિચારતા કર્યા. માર્ક્સવિચારે પશ્ચિમ યુરોપમાં લોકશાહી સમાજવાદની ધારાને પુષ્ટ કરી. માર્ક્સને કેવળ મૉસ્કો અને સામ્યવાદ સાથે સમીકૃત કરતા મનોવલણની મર્યાદા, કાશ, સંબંધિત સૌને સમજાતી હોત! જવાહરલાલને માઓનું ચીન આરંભનાં વર્ષોમાં ‘રનિંગ ડૉગ ઑફ ઇમ્પિરિયાલિઝમ’ કહેતું. અમેરિકાને મન, જે સાથે નહીં તે સામે, એવી ડલેસ નીતિ હતી. જવાહરલાલે મૉસ્કોની મૈત્રી કેળવી પણ દેશમાં એમણે લીધેલો રસ્તો લોકશાહી સમાજવાદનો હતો, કૉમ્યુનિસ્ટોથી સ્વતંત્ર અને માર્ક્સવિચાર તેમ સામ્યવાદનાં અલગ અલગ, સ્વતંત્ર કેટલાં અર્થઘટન સંભવે છે! ગૂજરાત વિદ્યાપીઠમાં પણ અધ્યાપક રહેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બુદ્ધિસ્ટ વિદ્વાન ધર્માનંદ કોસાંબીના પુત્ર, વૈજ્ઞાનિક પ્રતિભાસંપન્ન ઇતિહાસવિદ્ દામોદર કોસાંબીએ ભારતના ઇતિહાસના માર્ક્સવાદી અર્થઘટનને મુદ્દે શ્રીપાદ અમૃત ડાંગે સહિતના અભ્યાસોને એક માર્ક્સવાદી વિદ્વાનના નાતે લબડધક્કે લીધા છે.
લાંબા પટ પર આ લસરકા ખેંચવા પાછળ માત્ર એટલું સમજાવવાનો ખયાલ છે કે સામ્યવાદીથી માંડી ડાબેરી કે સમાજવાદી સંજ્ઞાઓને જે તે દેશકાળની મર્યાદામાં અલગ અલગ ઉન્મેષ તરીકે જોતાં શીખીએ અને લાગલા ઝૂડવા મંડી પડવાના અભિગમથી ઊંચે ઊઠીએ. વસ્તુતઃ શાસકીય નીતિવિષયક ચર્ચા છેલ્લા સાતઆઠ દાયકાઓથી વિચારધારાગત (આઈડિયો-લોજિકલ) દાયરાની બહાર નીકળી ગઈ છે. ઇંગ્લેન્ડ, રશિયા, અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં હાથ મેળવ્યા અને હિટલરને પરાસ્ત કર્યો, ત્યારથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ઈઝમ્સ હૅવ બિકમ વૉઝમ્સ. એમાં બે ધ્રુવ— રશિયા અને અમેરિકા — યુદ્ધયત્નમાં એકત્ર આવ્યા, એ બીના સાથે અભિપ્રેત બીજો ઉલ્લેખ રસ્કિન અને માર્ક્સ બેઉની વૈચારિક પ્રેરણા સાથે લોકશાહી સમાજવાદને વરેલી લેબર પાર્ટીના સત્તારોહણનો છે. રાજયે કેટલીક જવાબદારીઓ લેવી જ જોઈએ (હમણાં હમણાં જેમ ‘નેશનલ હેલ્થ સર્વિસ’ની લેબર દેણગીને સંભારવામાં આવે છે.) ફુકુયામા માર્ક્સને ટોણો મારવાની રીતે ‘એન્ડ ઓફ હિસ્ટરી’ જેવું શીર્ષક પ્રયોજે તો ભલે, પણ રશિયા પડતાં જે એક ધ્રુવસત્ય રહ્યું, (અમેરિકાના) લોકશાહી મૂડીવાદનું, એની અનેક કલ્યાણકારી સંભાવનાઓ સાકાર કરવાનો રસ્તો લેબર પાર્ટીના ઉદયે પ્રશસ્ત કર્યો છે !
રૂસી સામ્રાજ્યશાહીને વિખેરવામાં ઇતિહાસનિમિત્ત બનેલા ગોર્બાચોફે તાજેતરનાં વર્ષોમાં કાં તો સામ્યવાદ કે મૂડીવાદ — એ બે સિવાય છે કોઈ વિકલ્પ? એવા પ્રશ્નના ઉત્તરમાં સરસ કહ્યું છે કે તમે નેહરુ અને ભારતની મિશ્ર અર્થનીતિ કેમ ભૂલો છો? લોકશાહી સમાજવાદની દેશકાળને અનુરૂપ આવૃત્તિ નેહરુએ વિકસાવા કોશિશ કીધી એ પરબારી ખોટી તો નહોતી. વૈશ્વિકીકરણ અને નિયોલિબરલ કેપિટલિઝમના દોરમાં અમર્ત્ય સેન પણ, છેવટે, શિક્ષણ-સ્વાસ્થ્યના મામલામાં રાજ્યની જવાબદારી પર ભાર મૂકે જ છે ને.
વ્યાપક ફલક પર આ જોઈએ ત્યારે સમજાય છે કે સદ્ગુરુવત્ સત્તાપ્રતિષ્ઠાનના હેવાયેલા જણ કે તવલીન સિંહ આદિ કટારલેખકો સમાજવાદ કહેતાં ન્યાયની પ્રક્રિયા સારુ ડાબે ઝૂકતી લોકશાહી પ્રક્રિયાનો મરમ ને માયનો પામી શક્યા નથી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અન્યથા આશા જોતાં તવલીન સિંહને સ્વાભાવિક જ એમની સાથે સંકળાયેલ હેટ પોલિટિક્સ અને હેટ ક્રાઇમ અંગે ફરિયાદ છે. સાથે સાથે આકરી તાવણીના આ કાળમાં મોદી નેહરુગાંધી રાજવટની સમાજવાદી દેણગી તરફ ઝૂકી જતા જણાય, એનાં એ ટીકાકાર છે. ભાઈ, સમાજવાદ નામનું જે મૉનોલિથ કેટલાકના મનમાં છે એણે છેલ્લા સાત-આઠ દાયકામાં ખીલવેલ નવી ને ન્યાયી છટાઓ તો જુઓ.
સદ્ગુરુનો પાડ કે એમણે કોરોનાકાળમાં રાજ્યની જવાબદારી બાબતે નાગરિક છેડેથી સમાજવાદ વિશે થોડીકેક નુક્તેચીની કરવાની તક મેળવી આપી. ફુકુયામાનો જે એકમાત્ર બચેલ ધ્રુવ છે, કથિત લોકશાહી ધ્રુવ, એને સત્યાગ્રહની ગાંધીકલમ કેવોક નવ્ય ઉન્મેષ આપી શકે એની ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે રાજ્યની માલિકીનો અસ્વીકાર કરતે છતે રાજ્યની કલ્યાણસંડોવણી લાંબો સમય રહેવાની છે. સામે પક્ષે, જેમ લેબર લૉઝમાં ‘સુધારા’નું અગર ભળતીસળતી પકડા-પકડીનું જે વલણ આ દિવસોમાં રાજ્ય દાખવી રહ્યું છે — કોરોનાની આડશે — એના પ્રતિકારની અનિવાર્યતા પણ બરકરાર છે. લાજવાબ પેશ આવતાં સદ્ગુરુવત્ પરિબળોના વશની વાત આ નથી.
ગજાસ્તત્ર ન હન્યતે.
(જે કુળમાં તારો જન્મ થયો છે, ત્યાં હાથીઓને હણવામાં આવતા નથી).
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 મે 2020